પાંડે ચાલ્યો દુબઈ : પાર્ટ 7

05 January, 2020 12:32 PM IST  |  Mumbai Desk | Umesh Deshpande

પાંડે ચાલ્યો દુબઈ : પાર્ટ 7

દુબઈ એક રણ પ્રદેશ છે. પરંતુ અહીં એક એવો બગીચો આવેલો છે. જ્યાં ફુલોની સંખ્યાં 150 બિલ્યન એટલે કે 15 કરોડ જેટલી છે. છે ને ચમત્કાર. આવો જ ચમત્કાર જોવા જવા માટે પાંડે પોતાના પરિવાર સાથે ફરી એકવાર અબુધાબીથી દુબઈ આવવા માટે નિકળ્યો. આ ગાર્ડનનું નામ જ હતું મિરેકલ ગાર્ડન.

રણમાં ખિલ્યું ગુલાબ જેવું મિરેકલ ગાર્ડન
પહેલી નવેમ્બરથી જ ‘દુબઈલેન્ડ’ નામના વિસ્તારમાં આવેલા આ ગાર્ડનની આઠમી સિઝનની આ શરૂઆત હતી. દર વર્ષે કંઈ ને કંઈ નવો આકાર ફુલોની મદદથી અહીં બનાવવામાં આવે છે. રણની આકરી ગરમી તથા રેતાળ જમીન હોવા છતાં આટલી મોટી માત્રામાં ફુલોને ઉછેરવા તથા તેની સારસંભાળ એક રીતે ચમત્કાર જ કહેવાય. આમ મિરેકલ ગાર્ડનનું નામ યોગ્ય જ હતું. ત્યાં લખેલી માહિતી મુજબ 2013નાં વેલેન્ટાઇન ડે થી આ બાગની શરૂઆત કરવામાં આવી છે. અહી પ્રવેશ માટે પુખ્તવયના લોકો માટે 55 દિરહામ તો બાળકો માટે 40 દિરહામ ટિકીટ છે. 72,000 સ્કેવર મીટરમાં ફેલાયેલા આ ગાડર્નને વર્ટીકલ ગાર્ડન માટે ગિનેઝ બુક ઓફ વર્લ્ડમાં પણ આનું નામ નોંધાયું છે. વિમાન એરબસ એ-380ની પ્રતિકૃતી તો ડિઝનીની વિવિધ કાર્ટુન પાત્રો સાથે ફોટા પાડવાની મજા આવી ગઈ. વિવિધ કિલ્લાઓની પ્રતિકૃતી તમને સાવ અલગ જ દુનિયામાં હોય એવો ભાર કરાવે.

બટરફ્લાય પાર્ક જવાનું ચૂકતા નહીં, 50 પ્રકારના 15 હજાર જેટલા પતંગીયા છે
‘મિરેકલ ગાર્ડન’ જોતા 3 કલાક જેટલો સમય લાગે છે. પણ એની બાજુમાં જ બટરફ્લાય પાર્ક આવેલો છે. મારા મતે થોડોક વધુ સમય કાઢીને આ 50 પ્રકારના અંદાજે 15,000 જેટલા પતંગીયા ધરાવતા આ ઇન્ડોર પાર્કમાં જવું જ જોઈએ. પતંગિયા માટે ખાસ 23થી 25 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન રાખવામાં આવે છે. અહીં દસ જેટલા અલગ-અલગ ડોમ છે. વળી ત્યાંના આસિસ્ટન્ટ તમને પતંગિયાને હળવેકથી તમારા હાથ પર કે ચહેરા પર મુકે છે. જેને કારણે તમે યાદગાર ફોટોઓ પણ પાડી શકો છો. ત્રણ વર્ષર્થી મોટા બાળકોની માંડીને મોટા સુધી તમામની 55 દિરહામ ટિકિટ છે. મેટ્રો, સિટી બસ, ટેક્સી કે પ્રાઇવેટ વ્હીકલ દ્વારા તમે આ સ્થળે સહેલાઇથી જઈ શકો છો.

યાદગાર ડેઝર્ટ સફારી
દુબઇ-અબુ ધાબીમાં ઘણા બધા ફરવાના સ્થળોમાંનું એક ડેઝર્ટ સફારી કે જે ખરેખર તમને દુબઇમાં અલગ જ દુનિયામાં લઇ જાય છે. ત્યારે અમારી પણ ડેઝર્ટ સફારી તરફ જવાની સફર શરૂ થઇ. ડેઝર્ટ સફારીમાં જવા માટે અનેક મોટી-મોટી ગાડીઓ આવી. લાન્સ ક્લુઝનરમાં સાત જણને બેસાડવામાં આવ્યા પછી શરૂ થઈ અમારી ડેઝર્ટ સફારી. ડ્રાઇવર કારને જાણી જોઈને ટેકરી પરથી જોરથી નીચે લાવતો જાણે કોઈ ચકડોળમાં બેઠા હોય એ રીતે કારને ઉપર-નીચે લઈ જવામાં આવતી કારમાં બેઠા-બેઠાં બધા બુમાબુમ કરે. દસેક મિનિટમાં જ એક કેમ્પ નજીક અમને ઉતારવામાં આવ્યાં. ત્યાં ચાર-પાંચ ઊંટ હતા. કારમાંથી ઉતરી બધા ઊંટ પર બેઠા. બે ચક્કર મારીને ફરી ત્યાં લાવીને છોડવામાં આવ્યાં. સૂર્ય અસ્ત થવા માટે હજૂ થોડો સમય હતો. તેથી બધા એક નાનકડી ટેકરી પણ ચઢીને બેઠા. ત્યાંથી નીચે ગબડવાની મજા લીધી. ત્યાં જ રણમાં દોડાવી શકાય એવી મોટરસાયકલ તેમજ રેતીમાં સર્ફિંગ કરી શકાય એવી સુવિધા પણ હતી.

ડેઝર્ટ સફારીમાં રાત્રે જામતો હતો માહોલ
રણમાં જ તંબુ બનાવીને થોડા-થોડા અંતરે ચાર અલગ-અલગ કેમ્પ બનાવવામાં આવ્યા હતા. જે પૈકી એક કેમ્પમાં અમારા પરિવાર માટે પણ એક ટેબલ રિઝર્વ હતું. અંધારુ થતા બધા ધીમે-ધીમે બધા પ્રવાસીઓ ત્યાં જઈ રહ્યાં હતા. વચ્ચે એક નાનકડો સ્ટેજ હતો. જ્યાં એક વ્યકિત પરંપરાગત નૃત્ય કરી રહ્યો હતો. અમૂક સ્ટોલ પર બધાને નાસ્તો તેમજ કોલ્ડ ડ્રીન્ક આપવામાં આવતું હતું. વેજ તથા નોનવેજ એમ બન્ને પ્રકારના નાસ્તાની સગવડ હતી. લોકોએ પરંપરાગત મેંહદી મુકવી હોય કે પછી હુક્કો પીવો હોય તો તેની પણ સગવડ ત્યાં કરવામાં આવી હતી. કેમ્પમાં એક તંબુમાં પરંપરાગત અરબ વસ્ત્રો પહેરીને ફોટો પડાવવાના હતા. ત્યાં ઘણાં લોકોની ભીડ હતી. અમારા પરિવારના બધા સભ્યોએ ત્યાં જઈને આરબોની જેમ વસ્ત્રો પહેરવાનો આનંદ લીધો.

મનમોહક બેલી ડાન્સ
દરમ્યાન એક મહિલા બેલી ડાન્સરે લગભગ અન્ય તમામ પ્રવૃત્તીઓ અટકાવી દિધી. પરંપરાગત અરેબિક સંગીતની સાથે વિવિધ અંગભંગિકાઓ સાથે પ્રવાસીઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરતી હતી. ડાન્સના આ પ્રકારને અરેબિયન ડાન્સ એવા નામે પણ ઓળખાય છે. પાછળ જે ગીત વાગતું હતું એના શબ્દો તો સમજાતા ન હતા. પણ ટ્યુન તો જાણીતી જ હતી. બેલી ડાન્સર પોતાના હાથમાં રહેલી તલવાર તેમજ લાઇટીંગવાળી લાકડી ત્યાં હાજર રહેલા દર્શકોને આપતી હતી. એમને પણ પોતાની જેમ ડાન્સ કરવા માટે કહેતી. અમુક લોકો કરી શકતા તો અમુક નહીં. હું એટલો નસીબદાર ન હતો કે બેલી ડાન્સર મને બોલાવે. મારો વારો જ ન આવ્યો. તેથી માત્ર ડાન્સ જોઇને જ સંતોષ માન્યો.

ડેઝર્ટ સફારીમાં પણ ગુજરાતીઓ માટે દારૂબંધી…!
કેમ્પમાં બેલી ડાન્સ પછી પુરૂષો દ્વારા ફાયર શો તેમજ તનુરા શો પણ કરવામાં આવ્યાં. દરમ્યાન ત્યાં બુફે ડીનર પણ શરૂ થઈ ગયું હતુ. ફરી વખત લાઇનમાં ઉભા રહેવુ ન પડે તે માટે ડીશમાં થોડુક વધુ જ લઈને આવ્યાં. ભોજન દેખાતું સારુ હતું. પરંતુ આપણને ભાવે એવું મસાલેદાર નહોતું. તેથી કોઈને વધુ ન ભાવ્યું. ગુજરાતી પ્રવાસીઓ માટે ખાસ આ કેમ્પમાં દારુ પીરસાતો નથી. જો કે ત્યાં પ્રતિબંધ નથી. પરંતુ જો પીવો હોય તો ઘરે થી જ વ્યવસ્થા કરી લેવી. કપડામાં, માથામાં તેમજ મન પર પણ આ ડેઝર્ટ સફારીની રણની રેતીની યાદો સાથે અમે પરત અબુધાબી આવવા માટે નીકળ્યાં.

સસ્તા ખજૂર ક્યાંથી ખરીદશો?
દુબઈ પ્રવાસનો અંત હવે નજીક હતો. તેથી મિત્રો માટે ખજૂર લેવાના હતા. એ માટે રાત્રે અબુધાબીમાં આવેલા ડેટ્સ માર્કેટમાં રાત્રે ગયો. સુરતમાં જે રીતે મીઠાઈવાળા તમને બધી મીઠાઇ ખવડાવે એવી જ પદ્ધતિ અહીં પણ છે. વળી સાઉદી તેમજ ઓમાનના સારી ક્વાલીટીના ખજૂર અહીં મળતા હતા. બીજા દિવસે જ્યારે એ જ પ્રકારના ખજૂર દુબઈના ગ્લોબલ વિલેજમા પણ મળતા હતા પરંતુ ત્રણ ગણી વધુ કિંમત હતી. આ ઉપરાંત અબુ ધાબીના ડેટ્સ માર્કેટમાં વિવિધ પ્રકારના ડ્રાયફ્રુટ્સ પણ હતા. દરેક પ્રકારના ડ્રાયફુટ્સ માત્ર ટેસ્ટ કરવાને કારણે પણ પેટ ભરાઈ ગયું હોય એવું લાગતું હતું.

આ પણ વાંચો : પાંડે ચાલ્યો દુબઈ પાર્ટ 6

આવતા સપ્તાહે
દુબઈની નવા ઓળખ બને એવી એક લેન્ડમાર્ક ઇમારત બનાવવા માટે એક સ્પર્ધા યોજવામાં આવી. જેમાં આર્કિટેક્ટ ફર્નાન્ડો ડોનિસે એક એવી ઇમારત બનાવી જેના થકી દુબઈનો ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળની ઝાંખી મળે એ ઇમારત કઈ ? આ ઉપરાંત ગ્લોબલ વિલેજ ફેરની મુલાકાત બાદ પાંડે પાછો મુંબઈ જવા નીકળશે.

travel news dubai