‘પાંડે ચાલ્યો દુબઈ’ : પાર્ટ-1

26 November, 2019 01:06 PM IST  |  Mumbai | Umesh Deshpande

‘પાંડે ચાલ્યો દુબઈ’ : પાર્ટ-1

દુબઇ એરપોર્ટ

પાંચેક વર્ષ પહેલા દુબઈ જવા મળે એવા સંજોગો હતા. પરંતુ હોમ લોન તમારી ઘણી બધી ઇચ્છાઓને કાબુમાં રાખે છે. તેથી દ્રાશ તો ખાંટી છે. એ કહેવતની જેમ રણ પ્રદેશમાં મોટા-મોટા મોલ જોવા પાછળ પૈસા કેમ બગાડવા એવું વિચારીને એ વખતે મનને મનાવ્યું હતું. આ વખતે પણ મારી ટિકિટ તો કપાઈ જ ગઈ હતી.  કારણ કે દિવાળી વેકેશનમાં સાઢુ ભાઈને ત્યાં અબુ ધાબી જવાનું ત્રણ મહિના પહેલા જ નક્કી કરવામાં આવ્યું હતું. ઘરના અન્ય સભ્યોની ટિકિટ બુક થઈ ગઈ હતી પણ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી એ સમયગાળામાં જ હોવાથી મેં આવવાની ના પાડી હતી. જો કે મતદાન 21 આક્ટોબરે અને મતગણતરી 24 આક્ટોબરે એમ દિવાળી પહેલા આવતા મે રજા માંગી અને મંજૂર પણ થઈ. આમ મારી પહેલી વિદેશ યાત્રાની શરૂઆત થઈ. તો વાચક મિત્રો બાંધી દો તમારા સિટ બેલ્ટ અને તૈયાર થઈ જાવો મારી સાથે દુબઈના પ્રવાસ પર, 'પાંડે ચાલ્યો દુબઇ' પાર્ટ 1.

વિઝા અને ટિકિટ
રજા મંજૂર થતાં જ ટિકિટ અને વિઝા માટેની દોડધામ શરૂ થઈ. 20 દિવસ પહેલા જ ટિકિટ કાઢી હોવાથી પ્રમાણમાં થોડી મોંધી પડી. રિટર્ન ટિકિટ અંદાજે રૂ. 18,000ની થઈ જો અગાઉથી પ્લાનીંગ કરો તો રૂ. 5000 ઓછા થાય. વિઝાનો ખર્ચ વ્યક્તિ દિઠ રૂ 6000 થાય છે. જેમાં તમને 1 મહિનાના વિઝા મળે છે. ઘણી ટ્રાવેલ કંપનીઓ ઓનલાઇન પણ વિઝા કાઢી આપે છે. જેમાં તમારે તમારા પાસપોર્ટ અને ટિકિટની વિગતો આપવાની હોય છે. જો તમારા કોઈ ઓળખીતા દુબઈમાં રહેતા હોય તો તેઓ પણ વિઝા કાઢવામાં મદદરૂપ થાય છે. જો તમે કોઈ ટૂરમાં દુબઈ જતા હોય તો બધી જ માથાઝીક આ લોકો જ કરતા હોય છે.


પાસપોર્ટ તો મારી પાસે હતો જ. આજકાલ વધુમાં વધુ 15 દિવસમાં જ નવો પાસપોર્ટ પણ મળી જ જાય છે. જો ટિકીટ અને વિઝા મળી ગયા હોય તો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પણ કાઢી જ લેવો જોઈએ. જો વિદેશ પ્રવાસમાં કોઈક કારણોસર કોઈ વ્યક્તિ બિમાર પડે કે અકસ્માત થાય અથવા તો તમારું લગેજ ખોવાઈ જાય તો એવા સંજોગોમાં આ પ્રકારનો ઇન્શયોરન્સ થોડીક રાહત જરૂર આપે છે. પરિવારના ટ્રાવેલ ઇન્શયોરન્સના વ્યક્તિ દિઠ ઓછામાં ઓછા રૂ. 600 થાય છે. મારો પહેલો વિદેશ પ્રવાસ હતો. અને એ પણ એકલા જ જવાનું હતું. કારણ કે મારી પત્ની અને દિકરી તો અગાઉથી કરેલા આયોજન મુજબ ચાર દિવસ પહેલા જ અન્ય સગાવ્હાલાઓ સાથે પહોંચી જવાના હતા. તેથી બોર્ડિગ પાસ અને ઇમિગ્રેશનમાં અને સિક્યોરીટીમાં શું શું થશે એની વિગતો મને ફોન કરીને સમજાવાઈ હતી. છેલ્લી ઘડીએ ટિકીટ કરાવી હોવાથી અબુ ધાબીને બદલે શારજાહની ટિકિટ મળી હતી. હાલ તો આ બધુ બહુ સરળતાથી લખી રહ્યો છું પરંતુ ત્યારે દુબઈને બદલે આ લોકો અબુ ધાબી અને શારજાહની વાત કેમ કરે છે એ કંઈ સમજાતું નહોતું.

લગેજ પેકિંગ
મુંબઈથી માત્ર ઓફિસ જવા માટે લઈ જાઉ એ બેગ લઈને જ આવવાનું હતું. મારા કપડા તથા અન્ય સામાન ચારેક દિવસ પહેલા જ પત્ની લઈને ગઈ હતી. તેઓ પરિવારના અન્ય સભ્યો સાથે સુરતથી જ વાયા શારજાહ થઈને અબુ ધાબી ગયા હતા. મે મારા વિઝા, પાસપોર્ટ અને ટિકિટ માટે એક અલગ ફોલ્ડર બનાવ્યું હતું. પત્નીએ ત્યાં પહોંચયા બાદ મને એક કમર પર લટકાવાય એવું બેલ્ટ પાઉચ ખરીદવા માટે કહ્યું. એ હાજરાહજૂર ન હોવાથી એની વાત મે કંઈ ગણકારી નહીં. દુબઈ જવાના બે દિવસ પહેલા જ મને દિવાળીમાં ગુજરાતીઓના ફેવરીટ મઠિયા અને ચોળાફલીના બે-ચાર પેકેટ લેવા માટે કહ્યું એટલું જ નહીં પરિવારના ઘણાં બધા લોકો ત્યાં પહોંચયા હોવાથી જુવારનો લોટ પણ ખત્મ થઈ ગયો હતો. તો તે પણ મારા ઘરેથી પ્લાસ્ટીકની કોથળીમાં બાંધીને લઈ આવવાની સૂચના આપવામાં આવી. મેં ઘરમાં રહેલો જુવારનો તમામ લોટ એક થેલીમાં પેક કરી લીધો. અંદાજે ચારેક કિલો હતો. લોટ કેમ જોઈએ એ મને કંઈ સમજાયું નહોતું પણ દુબઈમાં આ બધુ બહું મોંધું છે એવું કારણ મને આપવામાં આવ્યું. એક દિવસ પહેલા જ મને કમર પર લટકાવા માટેનું બેલ્ટ પાઉચ લીધું એવું પૂછ્યું તો મે ના પાડી. તો તુરંત લઈ આવવા કહ્યું. છેવટે હાર માનીને નવુ બેલ્ટ પાઉચ ખરીદ્યું. જો કે એરપોર્ટ પર એ ઘણું કામ આવ્યું. બાઇડીની સલાહ કામ આવી હતી.


એરપોર્ટમાં થઈ ગડબડ
સામાન્ય રીતે હું જ્યાં પણ ફરવા જાઉ તો ત્યાં જતા પહેલા ત્યાંનો વિશે જાણકારી મેળવું ત્યાં ફરવાના સ્થળો ક્યાં-ક્યાં છે. ત્યાનો નકશો, કોઈ પુસ્તક કે પછી ઇતિહાસ. પરંતુ આ વખતે એવું કંઈ જ નહોતું કર્યુ. ભોમિયા વગર મારે ભમવા તો ડુંગરા જેવું જ કંઈ... છેવટે 24 તારીખનો સૂરજ ઉગ્યો. જો કે એ દિવસે મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીનું પરિણામ હતું. પત્રકારો માટે ચૂંટણીના પરિણામ એટલે જાણે લગ્ન પ્રસંગ. મારી ત્યાં જવાની બેગ તો તૈયાર જ હતી. ઓફિસમાં એટલી બધી દોડધામ હતી કે રાતના 12 વાગ્યા ત્યારે જ ટિકિટ અને વિઝાની મારા બેલ્ટ પાઉચ માટે વધુ એક પ્રિન્ટ કઢાવી. વહેલી સવારની 4.55 વાગ્યાની ફ્લાઇટ છે. ઓફિસથી લોકલ ટ્રેનમાં બેસીને અંધેરી જઈ રહ્યો હતો. ત્યારે અગાઉ વિદેશ પ્રવાસ કરી ચૂકેલા મારા એક સહ કર્મચારીએ મારી આટલી બધી ભરેલી બેગમાં શું છે એ વિશે પૂછતા મેં મઠિયા, ચોળાફલી અને લોટ વિશે કહ્યું તો એમણે સલાહ આપતા કહ્યું કે ‘લોટ કચરાના ડબ્બામાં નાંખી દે વિમાનમાં નહીં લઈ જવા દે.’ હું થોડોક ડર્યો. એરપોર્ટ પહોંચ્યો ત્યાં તો સાઢુભાઈનો ફોન આવ્યો. મે એમને ફોન પર જ લોટ વિશે વાત કરી તો એમણે બોર્ડિગ પાસ લેતી વખતે વિમાનના કર્મચારીને જણાવવા કહ્યું. જો ના પાડે તો ડસ્ટબીનમા નાંખી આવજે એમ પણ કહ્યું. જો કે પત્ની અને સાળીએ ફોન પર જ ખખડાવતા કહ્યું કે બોર્ડિગ વખતે કહેવાની જરૂર નથી. હંમેશની જેમ મે પત્નીની વાત માની અને બોર્ડિંગ પાસ લઈને ગુપચૂપ આગળ વધ્યો. સિક્યોરીટી ગેટ આગળ મને બેલ્ટ, મોબાઈલ, પાકિટ અને હેન્ડ બેગ જમા કરાવવા કહ્યું. આ બધી વસ્તુઓ ચેકીંગ માટે જઈ રહી હતી. બેલ્ટ, મોબાઇલ અને પાકિટ તો પાછા આવી ગયા. પરંતુ મારી બેગ એરપોર્ટના સીઆરપીએફના સિક્યોરીટી જવાને ઉંચકીને અંદરના એક ટેબલ પર મુકી દિધી હતી મને કંઈ સમજાયું નહીં. સાચું કહુ તો હું ડરી ગયો હતો. બે ત્રણ મિનિટ તો બેગને જોયા કરી. મનમાં થયું પણ ખરું કે બેગને ત્યાં મુકીને જ જતો રહું. પણ હિંમત ન ચાલી. મારી પાછળ આવનારા લોકો પણ પોત-પોતાની બેગો લઈને આગળ વધતા હતા. છેવટે હિંમત કરીને જવાનને કહ્યું ‘સર વો બેગ મેરી હૈ.’ ‘જરા ઠેહરો.’ એમ કહીને એ ઓફિસર મારા જેવા જ અમુક પ્રવાસીઓને રોક્યા હતા એમની સાથે વાત કરી રહ્યો હતો. થોડી વાર પછી મારી બેગ લઇને આવ્યો. દરમ્યાન સ્કેનીંગ કરનાર જવાને એને કઈક કહ્યું. જે મને કાંઈ સમજાયું નહીં. તેણે ધીરે-ધીરે મારા બેગનો સામાન બહાર કાઢયો. સૌથી ઉપર મુંબઈના જાણીતા માહિમ હળવાના બે પેકેટ હતા. ત્યાર બાદ મઠિયા અને ચોળાફળીના તૈયાર પેકેટ પણ કાઢીને બહાર મુકયા ત્યાર બાદ પેલી જુવારની લોટની સફેદ રંગની કોથળી પણ બહાર કાઢી. દરમ્યાન એણે સ્ટીલના સળીયા જેવું મશીન લોટમાં નાંખ્યું. પછી બોલ્યો ‘ચપાતી કે લીયે હે’ મે માત્ર હકારમાં માથું હલાવ્યું. એણે એક મારો પાસપોર્ટ માંગ્યો અને પછી એના રજીસ્ટરમાં કંઈક લખ્યું. એમાં મારી પાસે સહી કરાવીને બેગ પાછી આપી દિધી. એ દસ મિનિટે તો મારા શ્વાસ અદ્ધર કરી દિધા હતા.

આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં ચેકિંગ વખતે શું લઇ જવું અને શું ન લઇ જવું
આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં સુરક્ષા ઘણી વધારે હોય છે. તેના અલગ કાયદા કાનુન હોય છે. જે સામાન્યથી લઇને નેતા, સેલિબ્રિટી લોકોએ પણ તેનું પાલન કરવું પડતું હોય છે. પણ જો તમે પહેલીવાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જઇ રહ્યા છો તો તમારે પણ આ કાયદાનું પાલન કરવું પડશે. ત્યારે મારા થયેલા અનુભવો પરથી તમને જણાવીશ કે તમારે કેરી બેગમાં શું લઇ જવું અને શું ન લઇ જવું. સામાન્ય રીતે સુરક્ષાના કારણોસર કોઈ પણ જાતનો પાવડર હેન્ડ બેગમાં લઈ જવા દેવામાં આવતો નથી. જો તમારે લઇ જવો હોય તો તે પાવડર જેવી કોઈ પણ વસ્તુ હોય તો એને લગેજમાં જ જવા દેવી. હા, નેનકટર, કોઇ પણ તિક્ષ્ણધારવાળી વસ્તું પણ તમે લઇ નહીં જઇ શકો.

બેલ્ટ પાઉચ
ત્યાર બાદ ઇમિગ્રેશનનો વારો આવ્યો. જ્યાં મારો ફોટો પાડવામા આવ્યો. ત્રણ વખત અલગ-અલગ સ્થળોએ પાસપોર્ટ, વિઝા અને રિટર્ન ટિકિટ માંગી હતી.  ત્યારે પેલી કમરમાં રાખેલું બેલ્ટ પાઉચ કામ આવ્યું. મુંબઈ એરપોર્ટ અંદરથી ખુબ જ ભવ્ય છે. હું શારજાહ માટેની મારી ‘એર અરેબિયા’ની ફ્લાઇટ જ્યાંથી ઉપડવાની હતી. ત્યાં જઈને બેઠો. વિમાન ઉપડવા માટે હજુ ત્રણ કલાકનો સમય હતો. મે આપણા ભારતીય ચલણને મારા પાકીટના બીજા ખાનામાં મુક્યું તેમજ દિરહામને મુખ્ય ખાનામાં મુક્યા.

બેલ્ટ પાઉચ શું કામ ઉપયોગી છે
જ્યારે તમે પહેલીવાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જઇ રહ્યા હોવ તો બેલ્ટ પાઉચ ઘણું ઉપયોગી રહે છે. કારણ કે ચેકિંગ કરતી વખતે, ઇમિગ્રેશન વખતે તમારા પાસપોર્ટ, વિઝા અને ટીકિટો અનેકવાર બતાવવા પડતા હોય છે. જેના કારણે પાસપોર્ટ, ટીકિટ કે વિઝા ક્યાય ભુલી કે રહી જવાના કિસ્સાઓ અનેકવાર બનતા રહે છે. તેથી જો બેલ્ટ પાઉટ તમારી પાસે હશે તો તમને આવી તકલીફનો સામનો કરવો નહીં પડે.

વિમાનમાં કેટલ ક્લાસ
એ સમય દિવાળીના તહેવારનો હતો. પરંતુ મુંબઈમાં વરસાદ હજૂ બંધ થયો ન હતો. 4.30 વાગ્યે અમને વિમાનમાં અંદર જવાની સૂચના આપવામાં આવી. મને ત્રણ સીટ પૈકી વચ્ચેની સીટ મળી હતી. સરખી રીતે હાથ મુકવાની પણ સગવડ ન હતી. કોન્ગ્રેસના નેતા શશિ થરૂરે વિમાનમાં સસ્તી ઇકોનોમિક્સ ટિકિટને કેટલ ક્લાસ કહીને જે રીતે મજાક ઉડાવી હતી. એ વાત સાચી સાબિત થઈ હતી. પરંતુ ભારતમાં ઘણાં લોકો માટે આ પણ એક સ્વપ્ન જેવી જ વાત હતી. વિમાનની બિઝનેશ ક્લાસમાં બે જ સીટ હોય છે. કેટલાંક પ્રવાસીઓ રેલવેમાં હોય તે રીતે જગ્યા બદલવાની વિનંતી કરતા હતા. પણ વિમાનમાં તમામ સીટ ફુલ હોવાથી એર હોસ્ટેસે આવા લોકોની વિનંતીને પ્રેમથી નકારી હતી. નાનુ બાળક જે રીતે બારીમાંથી બહાર જોય તેમ હું પણ બહાર જોઈ રહ્યો હતો. વિમાન આકાશમાં ઉડે તે પહેલા એરવે પરથી એકદમ ઝડપથી ચાલે. તે ક્ષણ હું ચૂકવા માંગતો નહોતો. આખરે એક નાનકડા ઝટકા સાથે પૈડાઓ જમીનથી અદ્ધર થયા અને વિમાને આકાશ તરફ ઉડાણ ભરતા જ નીચે ચમકતી આમચી મુંબઈની લાઇટો હું જોઈ રહ્યો હતો. કેવું અદભૂત વાહન, આટલા બધા લોકોને ક્યાંથી ક્યાં પહોંચાડે?  વિમાન હવામાં સ્થિર થતાં જ એર હોસ્ટેસ તમામ માટે નાસ્તો લઈને આવી હતી. વિમાનમાં પણ વાઇ-ફાઇ હતું. મે કનેક્ટ કરવાનો પ્રયાસ કરી જોયો પણ થયું નહીં. બાદમાં એનો ચાર્જ જોઈને વિચાર માંડી વાળ્યો. મારી આજુબાજુની બન્ને વ્યક્તિઓ ઘોરવા (ઉંઘવા) લાગ્યા હતા. પણ ઉત્સુકતાને કારણે મને ઉંધ નહોતી આવતી. થોડીક ઝબકી લાગી ત્યાં તો શારજહાં પહોંચી ગયાની ઘોષણા પાઇલોટે કરી. હવે હું બીજા દેશમાં પ્રવેશ કરી ચુક્યો હતો. ત્યારે ત્યાના એરપોર્ટમાં પણ ઘણી ચેકીંગ સહીતની પ્રોસીઝરથી પસાર થવું પડતું હોય છે. ત્યા શું બન્યું અને તે ઘટનાથી તમારે શું કરવું તેની ચર્ચા આપણે આવતા અંક (પાર્ટ 2)માં કરીશું...

travel news dubai