જોધપુર : ધ બ્લુ સિટી કે પછી બ્લુ ડાયમન્ડ સિટી!

03 November, 2019 01:32 PM IST  |  મુંબઈ | ટ્રાવેલ ગાઈડ-દર્શિની વશી

જોધપુર : ધ બ્લુ સિટી કે પછી બ્લુ ડાયમન્ડ સિટી!

ફરો જોધપુરમાં

રાજસ્થાન જેટલા રંગોથી જોડાયેલું છે એવું બીજું ભાગ્યે જ કોઈ રાજ્ય હશે. જયપુર તો પિંક સિટી, જેસલમેર તો ગોલ્ડન સિટી અને જોધપુર તો બ્લુ સિટી. જેટલો રંગીન અહીંનો ઇતિહાસ એટલું જ રંગીન વર્તમાન, પરંતુ આ બધામાં ઇસ્ટર્ન યુરોપ અને એશિયાની હિડન જેમ ગણાતી સિટી જોધપુરની વાત જ કંઈક અલગ છે. અહીંના ભવ્ય અને ફોટોજેનિક કિલ્લા અને એની ટોચ પરથી જોવા મળતાં બ્લુ રંગે રંગાયેલા જોધપુરનાં હજારો ઘરો અહીંનું મુખ્ય આકર્ષણ ગણાય છે. જોધપુરની સુંદરતા પર જાણે સૂર્ય દેવતા પણ ઓવારી ગયા હોય એમ અહીં અન્ય સ્થળો કરતાં વધુ સમય સુધી સૂર્યપ્રકાશ રહે છે જેથી એ સૂર્યનગરીના નામે પણ ઓળખાય છે. તો ચાલો જાણીએ અનેક નામો અને વિશેષણોથી જાણીતા રાજસ્થાનના બીજા મુખ્ય શહેર જોધપુરનાં આકર્ષણો વિશે...
મહેરાનગઢ કિલ્લો 
જોધપુર અને મહેરાનગઢ કિલ્લો બન્ને એકબીજાના પૂરક સમાન છે એટલે કે આ ભવ્ય અને જાજરમાન કિલ્લાને જોવા માટે ખાસ મોટા ભાગના ટૂરિસ્ટો અહીં આવે છે. આ કિલ્લા વિશે વાત કરીએ તો આ કિલ્લાનું બાંધકામ જમીનથી લગભગ ૧૨૦ મીટર ઊંચી પહાડી પર કરવામાં આવેલું છે. કિલ્લાને બાંધવા પાછળનો મુખ્ય ધ્યેય તો રક્ષણ કરવા માટેનો હતો, પરંતુ આજે આ કિલ્લો વન ઑફ ધ બેસ્ટ ટૂરિસ્ટ પૉઇન્ટ બની ગયો છે. ૪૫૭ મીટર લાંબો અને ૨૨૮ મીટર પહોળાઈ ધરાવતા આ કિલ્લા પર આજ સુધીમાં અનેક શાસકો રાજ કરી ચૂક્યા છે અને અનેક ફેરફારો પણ કરી ચૂક્યા છે. તેમ છતાં, એની ભવ્યતા અને આકર્ષણમાં કોઈ ફરક જોવા મળ્યો નથી. આ કિલ્લાનાં ચાર દ્વાર છે. આમ તો આઠ દ્વાર છે એવું કહેવાય છે જેમાંથી એક ગુપ્ત છે. બહારથી કિલ્લામાં પ્રવેશવાનો માર્ગ લગભગ અદૃશ્ય લાગે એવી રીતે એને એ સમયે બનાવવામાં આવ્યો હતો. અદૃશ્ય માર્ગ પણ સર્પાકાર આકારના રસ્તાઓ સાથે જોડાયેલો છે. ખરેખર એ સમયના લોકોને સલામી આપીએ એટલી ઘટે એવું તેઓનું ઝીણવટભર્યું અને લાંબી દૃષ્ટિનું કામ. આઝાદી મળ્યાના થોડા સમય બાદ અહીં એક સંગ્રહાલય પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેની અંદર ૧૪ ઓરડા છે અને એની અંદર મૂકવામાં આવેલી વસ્તુઓ અહીંના શૌર્યવાન યોદ્ધાઓના શૌર્ય અને પરાક્રમને જીવંત કરે છે. આ સિવાય એમાં રાજવંશના શૌર્ય, સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી કલાકૃતિઓ, રાવ જોધા અને અકબરનાં વસ્ત્રો, આભૂષણો, તૈમુરની તલવારો પણ મૂકવામાં આવેલી છે. આજે પણ કિલ્લાની બહાર ટોપગોળા અને હુમલાનાં નિશાન જોવા મળે છે. કિલ્લાના રક્ષણ માટે છેલ્લે સુધી લડીને મૃત્યુ પામેલા બહાદુર સૈનિકોની અહીં છત્રી પણ બાંધેલી છે. આ તો વાત થઈ માત્ર અહીં આવેલ સંગ્રહાલયની. અહીં આવેલા મહેલો પણ એટલા જ અફલાતૂન છે. ફૂલ મહલ, ઝાંસી મહેલ, મોતી મહેલ, શિશા મહેલ ગજબ છે. બારીક નકશીકામ, આંતરિક ચિત્રકારી, ઝરોખા, શિલ્પો વગેરે વગેરે... બધું જ અવ્વલ દરજ્જાનું છે. કિલ્લાની પાછળ ચામુંડા માતાનું મંદિર છે. ચામુંડા માતા જોધપુરના શાસકોનાં કુળદેવી ગણાતાં હતાં. એવું કહેવાય છે કે માતા કિલ્લા અને શહેરનું બાહ્ય આક્રમણથી રક્ષણ કરે છે. આ કિલ્લા કમ મહેલને જોવા માટે પેસા ખર્ચીને ટિકિટ લેવી પડે છે, પરંતુ કિલ્લામાં પ્રવેશ્યા બાદ એકદમ પેસા વસૂલ થયા હોવાની અનુભૂતિ થાય છે. કિલ્લાની ઉપરથી જોધપુર શહેરનો નજરો અદ્ભુત છે જ્યાં આવીને તમને તમારા સવાલના જવાબ મળી જશે કે કેમ જોધપુર બ્લુ સિટી કહેવાય છે. સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓને માટે અહીં વિવિધ મનોરંજનના કાર્યકમનું આયોજન પણ કરવામાં આવે છે તેમ જ દરેક પ્રવાસીઓનું ભાવભર્યું અને પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવે છે. આ કિલ્લો પ્રવાસીઓ માટે સવારે ૯ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ખુલ્લો રહે છે. 
જસવંત થાડા
મહેરાનગઢથી માત્ર એક કિલોમીટરના અંતરે જસવંત થાડા આવેલું છે જેને મારવાડના તાજમહેલનું બિરુદ પણ મળેલું છે, જેનું કારણ છે માર્બલમાંથી બનેલું આ સ્થાપત્ય. ૧૮૯૯માં મહારાજા સરદાર સિંહે તેમના પિતા મહારાજા જસવંત સિંહની યાદમાં જસવંત થાડા બધાવ્યું હતું, જ્યાં તેમની સમાધિ છે. દેવકુંડના કિનારે આવેલા જસવંત થાડામાં મારવાડના શાહી પરિવારના લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આ ઇમારતની અંદર અહીંના શાસકોની વંશાવલી પણ બનાવવામાં આવેલી છે તેમ જ તમામ શાસકોનાં ચિત્રો પણ મૂકવામાં આવેલાં છે. જસવંત થાડાના બાંધકામને જોઈને આંખ પહોળી થઈ જશે. કેવું અદ્ભુત કામ, વાહ! માત્ર શાહજહાં જ અદ્ભુત કામગીરી કરાવી શકે એવું નથી એમ અહીં આવીને થશે. જસવંત થાડાને જોવાનો સમય પણ સવારે ૯થી લઈને સાંજે પાંચ વાગ્યા સુધીનો છે.
ઉમેદ ભવન
મહેરાનગઢ પછી જો કોઈનો નંબર આવે તો એ છે ઉમેદ ભવન જે જસવંત થાડાથી પાંચ કિલોમીટરના અંતરે સ્થિત છે. મહારાજ ઉમેદ સિંહે ઉમેદ ભવનનું નિર્માણ કરાવ્યું હતું જે છિતર મહેલના નામથી પણ પ્રસિદ્ધ છે. આ મહેલ વાસ્તુકલાનો શ્રેષ્ઠ નમૂનો ગણાય છે અને સૌથી શ્રેષ્ઠ હેરિટેજ સાઇટ પણ છે. સંગેમરમર અને બાલુકા પથ્થરમાંથી નિર્માણ કરવામાં આવેલો આ મહેલ ૧૯૪૩ની સાલની આસપાસનો ગણાય છે. આ મહેલ ભારતનાં સૌથી આખરમાં બનેલાં ઐતિહાસિક સ્થાનમાંનું એક ગણાય છે. શહેરની અંદર બનાવવામાં આવેલો આ મહેલ જોધપુરના આયના સમાન છે. આ મહેલની મુખ્ય વિશેષતા એ છે કે એમાં પથ્થરોને એકબીજા સાથે જોડી રાખવા માટે સિમેન્ટ કે અન્ય પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, પરંતુ પથ્થરોને એવી રીતે કોતરીને એકબીજાની ઉપર ગોઠવવામાં આવેલા છે કે તેઓ એકબીજાની સાથે મજબૂત રીતે જોડાઈ રહે. એટલું જ નહીં, બાંધકામ વખતે અને પથ્થરની પસંદગી કરતી વખતે એ બાબતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે ગમે એવી ગરમી અને ઠંડીના માહોલની વચ્ચે પણ મહેલની અંદરનું તાપમાન ૨૩ ડિગ્રી પર જળવાઈ રહે. મહેલનું બાંધકામ આટલું જોરદાર હશે તો અંદરથી કેવો હશે એની કલ્પના જ રોમાંચિત કરી મૂકે છે. વર્તમાન સમયમાં પૅલેસને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવેલો છે જેમાંનો એક ભાગ જોધપુર શહેરના શાહી પરિવારના હસ્તગત આવે છે, જ્યારે બીજા ભાગમાં હેરિટેજ હોટેલ અને ત્રીજા ભાગમાં સંગ્રહાલય છે. આ સંગ્રહાલયમાં એ સમયનાં ઘડિયાળોથી માંડીને તમામ ચીજવસ્તુઓને યોગ્ય રીતે સાચવણી કરીને મૂકવામાં આવેલી છે. અહીં બનાવવામાં આવેલી અતિવૈભવી અને ભવ્ય હોટેલનું નામ વિશ્વની સૌથી બેસ્ટ અને વિશાળ હોટેલમાં આવે છે. અહીં રહેવું ઘણું ખર્ચાળ તો છે. આ હોટેલ અત્યારે તાજ હોટેલ્સનો એક હિસ્સો છે. એવું કહેવાય છે કે આ મહેલને બનતાં ૧૬ વર્ષનો સમય લાગ્યો હતો, જેના બાંધકામની સાથે ૫૦૦૦ કારીગરો જોડાયેલા હતા. આ મહેલ કેટલો વિશાળ હશે એ જાણવું હોય તો તમને જણાવી દઈએ કે અહીં ૩૫૦ જેટલા ઓરડા છે. અહીં અનેક ફિલ્મોનાં શૂટિંગ પણ થાય છે તેમ જ અનેક ભવ્ય લગ્ન પણ લેવામાં આવે છે. આમ ઉમેદ ભવન વિશે લખવા બેસીએ તો કેટકેટલું લખાઈ શકે છે, પરંતુ એને વાંચવા કરતાં જોવાની અનેક ગણી મજા પડી શકે છે એ તો પાકું છે.
ઉમેદ ગાર્ડન
ઉમેદ ગાર્ડન એ ઉમેદ ભવનનો જ એક હિસ્સો છે, જે ૮૨ એકરના વિસ્તારમાં ફેલાયેલું છે. આ ગાર્ડનમાં દરેક જાતનાં વૃક્ષો ઉગાડેલાં છે. આ સિવાય ફાઉન્ટેનથી લઈને દરેક વસ્તુઓ જે ગાર્ડનની શોભા વધારે છે. આ વૈભવી ગાર્ડનનું ઉદ્ઘાટન વાઇસરૉય વિલીગડન દ્વારા કરવામાં આવ્યું હતું. ગાર્ડનમાં પ્રવેશવા માટેના પાંચ ગેટ છે. ગાર્ડનનું વધુ એક આકર્ષણ અહીં બનાવવામાં આવેલું ઝૂ છે જેમાં અનેક જંગલી પ્રાણીઓ છે. એ સિવાય ગાર્ડનમાં વિદેશથી લાવવામાં આવેલાં બર્ડ્સ પણ છે. ઉમેદ ગાર્ડનને અઠવાડિયામાં એક વખત માત્ર શુક્રવારે બંધ રાખવામાં આવે છે. એ સિવાયના દિવસોમાં આ ગાર્ડન ખુલ્લું હોય છે.
મંદોર ગાર્ડન
જોધપુરથી ૯ કિલોમીટર દૂર મંદોર ગાર્ડન આવેલું છે. મંદોર ગાર્ડન અહીંની લોકપ્રિય જગ્યા છે. આ જગ્યા પૂર્વે મારવાડ રાજાઓની રાજધાની હતી. અત્યંત સુંદર ગાર્ડન અને લીલોતરીથી ઢંકાયેલું આ ગાર્ડન બેહદ ખૂબસૂરત તો છે જ, સાથે અહીં બનાવવામાં આવેલી ગાર્ડનની છત્રી, મંદિરો અને જૂના કિલ્લા અને પાષાણની મૂર્તિઓ પણ એટલી જ અદ્ભુત છે. આ છત્રીઓ રાણીઓની યાદમાં બનાવવામાં આવેલી છે એવું કહેવાય છે. આ છત્રી પર કરવામાં  આવેલું કામ રાણીઓએ પોતે કરાવેલું છે. અસંખ્ય પાષાણ મૂર્તિઓ આવેલી છે જેમાં દેવી-દેવતાઓની પણ અનેક મૂર્તિઓ છે. થોડા સમય પૂર્વે અહીં એક એન્ટરટેઇનમેન્ટ ઝોનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. મંદોર ગાર્ડનમાં આવેલી એક પહાડી પરથી મંદોર શહેરને જોઈ શકાય છે જેમાં મંદોરના નષ્ટ થઈ ગયેલા હિસ્સાને પણ જોઈ શકાય છે. આ પહાડીની નજીક રાણીઓનાં સુંદર સ્મારક પણ બનાવવામાં આવેલાં છે.
હનવંત મહેલ
ઉમેદ ભવનને અડીને હનવંત મહેલ આવેલો છે. પહેલાંના સમયમાં રાજાઓ શિકાર કરીને આ મહેલમાં આરામ કરવા માટે આવતા હતા તેમ જ મિત્રોની સાથે મોજમસ્તી કરવા માટે પણ આ મહેલનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ મહેલમાંથી ઉમેદ ભવન સંપૂર્ણ રીતે દૃષ્ટિમાન થાય છે. જોકે આજે આ મહેલને મોંઘીદાટ હોટેલમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યો છે. ઉમેદ મહેલની બાજુમાં વામન કદનો લાગતો આ મહેલ પણ જોવા જેવો છે.
ક્લૉક ટાવર
હનવંત મહેલથી ચાર કિલોમીટરના અંતરે સરદાર માર્કેટ અને ક્લૉક ટાવર આવેલાં છે. આ ક્લૉક ટાવરને રાજા સરદાર સિંહે બનાવ્યો હતો. જેટલી ખૂબસૂરત આ ક્લૉક ટાવરની ઇમારત છે એટલી જ સુંદર અને લોકપ્રિય ક્લૉક ટાવરની ફરતે આવેલી રંગીન માર્કેટ છે જેમાં જાતજાતની વસ્તુઓ વેચાતી જોવા મળે છે. ખાવાના શોખીનોને તો અહીં ખૂબ મજા પડી જશે. તમે જેમ-જેમ નજીક આવતા જશો તેમ-તેમ સ્વાદિષ્ટ ભોજન અને મસાલાની સુગંધ તમને આવવાની શરૂ થઈ જશે. અહીંના શાહી સમોસા સૌથી વધુ વખણાય છે. બેસ્ટ મસાલા માટે પણ આ જગ્યા વખણાય છે. આ સિવાય અહીં ખાવા જેવી વસ્તુઓમાં મખનિયા લસ્સી, માવા કચોરી, ડુંગરીનાં વડાં, મરચાનાં વડાં પ્રસિદ્ધ છે. વ્યજનો ઉપરાંત સ્થાનિક હસ્તશિલ્પની વસ્તુઓ, સંગેમરમરમાંથી બનેલી વસ્તુઓ, માટીનાં રમકડાં, કઢાઈવાળાં જૂતાં, જોધપુરી મોજડી, રંગબેરંગી લહેરિયાનાં કપડાં અહીંની ખાસિયત છે.
ઓસિયન
જોધપુરથી ૬૫ કિલોમીટરના અંતરે ઓસિયન આવેલું છે જે ઘણું પ્રાચીન શહેર છે. આ સ્થળ પ્રાચીન મંદિરો માટે જાણીતું છે જેમાં ઓસિયન માતાનું મંદિર પણ છે. આ સિવાય અહીં જૈન ધર્મનાં અનેક મંદિરો પણ આવેલાં છે. આઠમી સદીથી લઈને બારમી સદી સુધી આ સ્થળ મુખ્ય વ્યાપારિક મથક તરીકે ઓળખાતું હતું. આજે અહીં કોઈ વ્યાપારિક મથક તો નથી, પરંતુ પ્રાચીન શહેરને જોવા માટે ટૂરિસ્ટોનો ધસારો જોવા મળે છે. અહીં કેમલ રાઇડ ઉપલબ્ધ છે જેથી એનો આનંદ પણ લઈ શકાય છે. આ ડેસર્ટ સફરીનો આનંદ લેવા માટે ટૂરિસ્ટો ખાસ અહીં સુધી આવતા હોવાનું પણ જોવાયું છે.

જાણી-અજાણી વાતો...
જોધપુરની શોધ ૧૪૫૯માં રાવ જોધાએ કરી હોવાનું કહેવાય છે. જેમના નામ પરથી આ શહેર જોધપુર તરીકે ઓળખાયું હતું.
જોધપુર રેગીસ્તાનની વચ્ચે હોવાથી ગરમીથી બચવા અહીંનાં ઘરોને બ્લુ રંગથી રંગવામાં આવ્યાં હોવાનું કહેવાય છે. 
મહેરાનગઢનું સંગ્રહાલય દેશનાં સૌથી શ્રેષ્ઠ સંગ્રહાલયોની યાદીમાં સ્થાન ધરાવે છે. 
મહેરાનગઢમાં હૉલીવુડની પ્રખ્યાત ફિલ્મ ડાર્ક નાઇટનાં અમુક સીન શૂટ કરવામાં આવ્યાં હતાં ત્યાર બાદથી લઈને આ મહેલ હૉલીવુડનો ફેવરિટ બની ગયો હતો.
ઉમેદ ભવન અગાઉ ચિત્તર મહેલ તરીકે ઓળખાતો હતો, કેમ કે એનું બાંધકામ ચિત્તર ટેકરી પર કરવામાં આવ્યું હતું.
ઉમેદ ભવનમાં પ્રિયંકા ચોપડા અને નિક જોનસનાં લગ્ન લેવાયાં હતાં.
દેશની ટૉપ ફાઇવમાંની એક સ્યુટ ઉમેદ ભવનમાં છે.
એવું કહેવાય છે કે ઉમેદ ભવનનું નિર્માણ રાજા ઉમેદ સિંહે ત્યાંના સ્થાનિક લોકોને રોજગાર આપવા માટે કરાવ્યું હતું.
ઉમેદ ભવનનું ઉદ્ઘાટન સોનાનું તાળું ખોલીને કરવામાં આવ્યું હતું.
મહેરાનગઢની અંદર આવેલા ચામુંડા મંદિરમાં થોડાં વર્ષ પૂર્વે નવરાત્રિ દરમ્યાન ભાગદોડ મચી જવાને લીધે લગભગ ૨૫૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં. અહીંના કેટલાક સ્થાનિક લોકોનું કહેવું છે કે આજે પણ અહીં એકલા આવતા ટૂરિસ્ટોને આ સ્થળે તેના સિવાય પણ બીજું કોઈ હોવાનો અહેસાસ થતો હોય છે.

jodhpur travel news