કિચનમાંથી કચરાનો કરો નિકાલ

24 November, 2011 10:03 AM IST  | 

કિચનમાંથી કચરાનો કરો નિકાલ



કાઉન્ટર ટૉપનો ઉપયોગ

કાઉન્ટર ટૉપ એટલે કે રસોડાનું પ્લૅટફૉર્મ હંમેશાં ભરેલું ન લાગવું જોઈએ. પ્લૅટફૉર્મ પર જે પણ ચીજ રસોડામાં કામ આવનારી ન હોય એનો નિકાલ કરો. ફળોને પ્લૅટફૉર્મ પર આમ જ રાખી દેવા કરતાં એના માટે કોઈ સારી જગ્યા શોધો અથવા પ્લૅટફૉર્મ પર કોઈ ડિઝાઇનર સ્ટૅન્ડ મૂકીને એના પર ફળો કે કોઈ બીજી ચીજ મૂકો. જેમ-તેમ મૂકવા કરતાં આ રીત સારી લાગશે.

ટેક્નૉલૉજીનો વપરાશ

જે ચીજો ખરીદવાની હોય એ લખેલું લેબલ આખા ફ્રિજ પર લગાવીને રાખવું એ સારી વાત છે, કારણ કે આમ તમને ચીજો યાદ રહેશે. જોકે ડિઝાઇનર લુક તરીકે એ સારું નહીં લાગે. એટલે કોઈ સસ્તા રાઇટિંગ પૅડ કે કૂપન-બૉક્સમાં ઇન્વેસ્ટ કરો અને ચીજો એના પર લખીને રાખો.

નકામી ચીજોને છુપાવો

આ દિવસોમાં મસાલાની નાની બરણીઓ અને વાસણોનાં નાનાં ડેકોરેટિવ સ્ટૅન્ડ રસોડામાં ડેકોરેશનનો એક ભાગ બન્યાં છે, પણ આવી નાની ચીજોની સંખ્યામાં થોડો કન્ટ્રોલ કરો. કૉફીમેકર, ઑટોમૅટિક કૅન ઓપનર, જૂસર વગેરે ચીજોના વપરાશ પર નહીં પણ દેખાડા પર થોડી લગામ મૂકો. જે પણ ચીજ પ્લૅટફૉર્મ પર રાખ્યા બાદ પણ બહારની તરફ લાગતી હોય એને કૅબિનેટની અંદર રાખો અને જ્યારે જરૂર હોય ત્યારે જ બહાર કાઢો.

ચીજોનો ભરાવો ન કરો

એંઠી કે ધોયેલી ચીજોને સિન્કમાં ભરેલી ન મૂકી રાખો. એને તરત ડિશવૉશરમાં કે પછી હાથથી ધોઈ નાખો અને ત્યાર બાદ કોરી કરીને તરત જ એની જગ્યાએ મૂકી દો, કારણ કે જો ખરાબ ચીજો સિન્કમાં ભરી રાખશો તો એ જોવામાં સારું નહીં લાગે અને એની ગંદી વાસ પણ આવશે.

કેટલીક ડેકોરેટિંગ ટિપ્સ

* ફ્રિજના ઉપરના ભાગને હંમેશાં સાફ રાખો. અહીં તમે કુકિંગ બુક્સ રાખી શકો છો. જ્યારે જરૂર પડે ત્યારે જો રેસિપી બુક હાથવગી હશે તો વાપરવામાં સરળતા રહેશે. જોકે બુક્સને એમ જ મૂકી ન દો. અહીં એક નાનું બુક-સ્ટૅન્ડ મૂકી શકાય.

* તમારા કાચના ડિસ્પ્લે બાબતે થોડા ક્રીએટિવ બનો. ઉદાહરણ તરીકે જો તમારી કૅબિનેટના દરવાજા પારદર્શક કાચના હોય તો એમાં સૌથી પહેલાં શેલ્ફમાં થોડી ડેકોરેટિવ અને સુંદર એવી ક્રૉકરી રાખો અને નીચેની શેલ્ફમાં રોજબરોજ વપરાતી ચીજો રાખો.

* જો તમારી કૅબિનેટના નીચેના ભાગમાં જગ્યા હોય તો ત્યાં એક હૅન્ગર લગાવડાવો જેમાં તમે વાઇન ગ્લાસિસ અથવા ચમચા હૅન્ગ કરી શકો.

* સીઝન બદલાવાની સાથે રસોડામાં ડેકોરેશનની આઇટમોમાં પણ બદલાવ લાવતા રહો; જેમ કે નાના ટોવેલ, કોસ્ટર્સ, એપ્રન અને બાકીની ડેકોરેટિવ આઇટમો. કિચનમાં ખોટાં ફળો, શાકભાજી વગેરે પણ રાખી શકાય; પણ જો જગ્યા હોય તો જ, કારણ કે જો પહેલેથી જ જગ્યાની કમી હશે તો આવી ચીજો અડચણરૂપ જ બનશે.