કિચનમાં પણ વૉલ ડેકોર જરૂરી

01 November, 2011 06:27 PM IST  | 

કિચનમાં પણ વૉલ ડેકોર જરૂરી



કિચન એ દરેક સ્ત્રી માટે ઘરની એક ખૂબ મહત્વની અને પોતીકી એવી જગ્યા છે. પછી તે ફુલટાઇમ ગૃહિણી હોય કે સવારે ઘરની બહાર નીકળીને છેક રાતે ઘરે આવતી વર્કિંગ વુમન, પણ છેવટે એક વાર રસોડામાં તો પગ મૂકવાનો જ છે. તો એ રસોડું એવું હોવું જોઈએ જે બહારથી જ તમને વેલકમ કહીને આવકારે અને જેમાં એક વાર ગયા પછી બહાર નીકળવાનું મન ન થાય. કિચનમાં દીવાલોને એટલી બધી ડેકોરેટ કરવાનો જોકે સ્કોપ નથી, કારણ કે રસોડામાં દીવાલો પર મોટા ભાગમાં સ્ટોરેજ કાં તો પછી ટાઇલ્સ લગાવવામાં આવે છે, પણ પ્લૅટફૉર્મના ઉપરના ભાગમાં કે સામેની દીવાલ પર ડેકોરેશન જરૂર કરી શકાય. તો જોઈએ કેટલીક વૉલ ડેકોર આઇડિયાઓ.

કિચન વૉલ ડેકોરના કેટલાક આસાન રસ્તાઓ

પ્લેટ્સથી ડેકોરેશન

કિચનની દીવાલ પર જુદા-જુદા બ્રાઇટ કલરની પ્લેટ્સ લગાવી શકાય, આ માટે કાચ કરતાં પ્લાસ્ટિકની પ્લેટ્સ વાપરી શકાય જે કાચની કે ડિઝાઇનવાળી પ્લેટ કરતાં સસ્તી મળી રહે છે. આવી ફૅન્સી પ્લેટને એક જૂના લોખંડના સ્ટૅન્ડ પર લગાવો. જો તમારું કિચન થીમ-બેઝ્ડ હોય તો ડેકોરેશન માટેની પ્લેટ એ થીમને ધ્યાનમાં રાખીને પસંદ કરી શકાય. ફ્લોરલ ડિઝાઇન, કૅટ કે કાટૂર્નની ડિઝાઇનવાળી જુદા-જુદા રંગોની પ્લેટ ગ્રુપમાં રાખીને સજાવી શકાય. ફક્ત ગોળને બદલે ચોરસ, ત્રિકોણ, ફ્લાવર જેવા શેપની પ્લેટ્સ પણ સારી લાગશે.

ફૂડ ફોટોગ્રાફ્સ

કિચનની વૉલને ડેકોરેટ કરવાની બીજી એક સરળ રીત એટલે તમારા ફૅમિલી ફોટોગ્રાફ્સ. બર્થ-ડે પાર્ટી વખતે કેક-કટિંગ, ઘરે રાખેલી કોઈ પાર્ટીના ડિનર-ફોટોમાં પરિવારની એ ખુશખુશાલ ક્ષણોને ડિઝાઇનર ફોટોફ્રેમ્સમાં કંડારીને કિચનની વૉલ પર સજાવો. આવી સજાવટ કરવા માટે ફ્રૂટ કે વેજિટેબલ્સની થીમ પર આધારિત નાની-નાની ફ્રેમ્સનું એકસાથે કૉલાજ બનાવીને લગાવી શકાય. પણ અહીં એ ધ્યાનમાં રાખવાનું છે કે લગ્નના આલબમનો કંસાર ખાતો ફોટો અહીં નથી ચાલવાનો. એના કરતાં ફસ્ર્ટ ટાઇમ એકબીજાને પોતાના હાથે કંઈક ખવડાવતાં હોય એ ફોટો વધુ સૂટ કરશે.

ક્રૉકરી બહાર કાઢો

સારાં ચમકાવેલાં વાસણો અને ક્રૉકરીને કબાટમાં સાચવીને રાખવાને બદલે એને કિચનમાં લાકડાનું સ્ટૅન્ડ બનાવડાવીને એના પર મૂકી શકાય. મહેનતથી ઘસી-ઘસીને ચમકાવેલાં વાસણોને કબાટ કરતાં કિચનના ડિસ્પ્લેમાં રાખવાથી કિચનની સુંદરતા અને તમારી કુશળતા બન્ને દેખાઈ આવશે. આમ પણ રસોડામાં ક્રૉકરી કરતાં વધારે વિશેષ ડેકોરેશન કોઈ બીજું નથી.

પેઇન્ટિંગમાં હાથ અજમાવો

જો તમે પેઇન્ટિંગમાં સારો હાથ ધરાવતા હો તો તમારી મનગમતી ડિઝાઇન કિચનની દીવાલ પર તમારી જાતે બનાવો. આ માટે તમે બજારમાં મળતાં સ્ટેન્સિલ્સનો પણ ઉપયોગ કરી શકો છો. હવે જો કંઈ ક્રીએટિવ કરવું હોય તો કિચનમાં સફાઈ માટે વપરાતા સ્પન્જને અડધું કાપો. એને પાતળા ઍક્રિલિક પેઇન્ટમાં ડુબાડો. હવે સ્ટેન્સિલને દીવાલ પર પકડીને કલરમાં ડુબાડેલા સ્પન્જથી સ્ટેન્સિલના અંદરના ભાગમાં કલર કરો અથવા સ્ટેન્સિલનો અંદરનો ભાગ છોડીને બહારની બાજુથી બૉર્ડર બનાવો. આ એક ખરેખર ક્રીએટિવ વૉલ આર્ટ બનશે. વૉલ ડેકોર આર્ટને પણ તમે કિચનની વૉલ ડેકોરેટ કરવા માટે અપનાવી શકો છો.

ફળો અને શાકભાજીનાં પોસ્ટર

કિચનને ડેકોરેટ કરવા માટે તમે ઍક્સેસરીઝ પણ વાપરી શકો છો. ફળો અને વેજિટેબલ્સના ફોટાવાળાં પોસ્ટર્સ, વૉલ-હૅન્ગિંગ્સ, રંગબેરંગી બીન્સ ભરેલી ડિઝાઇનર બૉટલ્સ વગેરે વાપરીને તમે વૉલ ડેકોરેટ કરી શકો છો. આ ઉપરાંત ફ્રિજ કે મેટલનાં સ્ટૅન્ડ પર મૅગ્નેટવાળી ઍક્સેસરીઝ લગાવી શકાય છે. આવા પ્રકારની ડેકોરેટિવ ઍક્સેસરીઝ લાઇફસ્ટાઇલ કે હોમ ડેકોર સ્ર્ટોસમાં મળી રહે છે.