સંતાનોની રૂમને કેવી રીતે ડિઝાઇન કરશો?

01 December, 2012 08:45 AM IST  | 

સંતાનોની રૂમને કેવી રીતે ડિઝાઇન કરશો?



આપણું પણ એક અલગ વિશ્વ હોય એવી દરેકની ઇચ્છા હોય છે અને એટલે જ ચાર દીવાલ અને એક છતની નીચે પણ આપણે આપણા માટે એક ખાસ સ્પેસની અપેક્ષા રાખીએ છીએ. આપણું બીજું વિશ્વ છે આપણાં સંતાનો, જેના માટે આપણે દુનિયાની તમામ સુખ-સગવડ ઊભી કરવાનું સપનું જોતા હોઈએ છીએ. પોતાનાં સંતાનોનું પણ અલાયદું વિશ્વ હોય એવી દરેક માતા-પિતાની અંતરની ઇચ્છા હોય જ છે. પેરન્ટ્સ પોતાનાં બાળકોને તેમના આ અનોખા વિશ્વમાં રમી શકે, અભ્યાસ કરી શકે અને તેમની બુદ્ધિપ્રતિભાને વધુ સારી રીતે ખીલવી શકે એવા કમ્ફર્ટ ઝોનમાં મૂકવા માગે એ સ્વાભાવિક છે અને એટલે જ આજે બાળકો માટેના ખાસ બેડરૂમનો કન્સેપ્ટ વિકસ્યો છે. અલબત્ત, સંતાનોના બેડરૂમની ડિઝાઇન તૈયાર કરવામાં જો તેમના વિચારો જાણી શકાય તો કામ વધુ સરળ બને છે. જોકે આજે ઇન્ટીરિયર ડિઝાઇનરોની હેલ્પથી કામ વધુ આસાન બની રહ્યું છે. બાળકોના બેડરૂમની ડિઝાઇન તૈયાર કરતી વખતે ધ્યાનમાં લેવા જેવા મુદ્દા.

સ્ટડી અને કમ્પ્યુટર ટેબલ જરૂરી

બાળકોના બેડરૂમની ડિઝાઇન તૈયાર કરતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે તમારાં બાળકો એમાં સ્ટડી કરવાનાં છે એટલે કમ્પ્યુટર અને સ્ટડી ટેબલો હોવાં આવશ્યક છે. પલંગની ડિઝાઇન પણ આ વાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવી અનિવાર્ય છે.

જગ્યા પ્રમાણે બેડ

બેડરૂમની જગ્યાના આધારે રૂમ ડિઝાઇન કરવો જોઈએ. મોટા ભાગના પેરન્ટ્સ બે બાળકો હોય તો બન્નેને એક રૂમમાં સમાવી શકાય એ રીતે ડિઝાઇન માગે છે. બેડની નીચે બીજો એક બેડ બનાવીને રાતે સૂતી વખતે એને સરકાવીને બહાર કાઢી શકાય એવી ડિઝાઇન સામાન્ય છે. ઘણા લોકો ટ્રેનમાં હોય છે એવા ડબલ ડેકર બેડ બનાવે છે. અલબત્ત, ઘણી વાર બેડરૂમમાં બે સિંગલ બેડની જગ્યા પણ હોય છે.

બુક્સ અને ટૉય્ઝ માટે સ્ટોરેજ

બાળકોના રૂમમાં સૌથી મોટી સમસ્યા હોય તો એ સ્ટોરેજની છે. બુક્સ અને રમકડાં માટે ખાસ સ્ટોરેજની જગ્યા જરૂરી છે, જેથી રૂમમાં જ્યાં-ત્યાં ઢગલાં જોવા ન મળે. આમ બુક્સ, રમકડાં અને સી.ડી. સ્ટોર કરી શકાય એવા યુનિટ્સ બનાવવા જોઈએ જેનો ઉપયોગ સ્ટડી ટેબલ તરીકે પણ થઈ શકે. નાનાં બાળકોની માતાઓ ઘણી વાર પર્સનલાઇઝ્ડ ટૉય બાસ્કેટના ઑર્ડર આપે છે, જેથી રમકડાં જ્યાં-ત્યાં વેરવિખેર હાલતમાં પડ્યાં ન રહે.

રંગ ઘણુંબધું કહી દે છે

દીવાલો પર કયો કલર લગાવવો એનો વિચાર કરવો જરૂરી છે. રંગ માનવીની અંદર છુપાયેલા વ્યક્તિત્વને બહાર લાવે છે. સામાન્ય રીતે કોઈ છોકરીને તેની પસંદગીના રંગ વિશે પૂછીએ તો તે ગુલાબી રંગ પસંદ હોવાનું કહે, પરંતુ એ સમય હવે ગયો. હવે તેઓ સીઝનલ કલરની ડિમાન્ડ કરે છે. આજકાલ બાળકીઓ આછો જાંબુડિયો, ભૂરાશ પડતો લીલો રંગ કે આછા રંગ પસંદ કરે છે. અલબત્ત, છોકરાઓ બ્લુ કે બ્લુના અન્ય શેડ પસંદ કરે છે. ઘણા લોકો પરંપરાગત કલરમાંથી બહાર આવીને ઑરેન્જ, લાલ, બ્રાઉન અને અન્ય ભડક કલર પસંદ કરે છે.

થીમ પ્રમાણે ડિઝાઇન

બાળકોને આજકાલ થીમ પ્રમાણે ડિઝાઇન કરેલો રૂમ પસંદ પડે છે, પણ એક વાત યાદ રાખવી જરૂરી છે કે આજે પસંદ કરેલી થીમ આવતી કાલે જૂની થઈ જશે. છ-આઠ મહિનામાં આ થીમ બાળકોને જોવી પણ નહીં ગમે. હૅના મૉન્ટાના ટીનેજ છોકરીઓની હૉટ ફેવરિટ છે, જ્યારે ડોરા નાની બાળકીઓમાં વધુ ફેમસ છે. ટીનેજર છોકરાઓ મૅન્ચેસ્ટર યુનાઇટેડ થીમની પસંદગી કરે છે તો નાના છોકરાઓમાં બેન૧૦ અને સ્પાઇડરમૅન જેવાં પાત્રો વધુ લોકપ્રિય છે. થીમની વાત આવે ત્યારે તમારે કૉમ્પ્રોમાઇઝ કરવાની તૈયારી રાખવી જરૂરી છે. તમે તમારાં બાળકોની અવાસ્તવિક વાત માનવા તૈયાર ન હો તો વચલો માર્ગ કાઢવો.




વર્તમાન ટ્રેન્ડને દિમાગમાં રાખવો

ડિઝાઇન અને ડેકોરેશનની બાબતમાં વર્તમાન ટ્રેન્ડને અપનાવવાનું  વલણ રાખવું. આજકાલ વૉલપેપર મ્યુરલ્સનો ટ્રેન્ડ છે. તમે પણ તમારાં સંતાનો માટે આ ટ્રાય કરી શકો છો. વિન્ડો પર કાટૂર્નવાળા પડદા લગાડવાનો ટ્રેન્ડ જૂનો થઈ ગયો. હવે સુંદર પતંગિયા અને ફૂલોની ડિઝાઇન સાથેના રોમન પડદાઓ છોકરીઓના બેડરૂમને શોભાવે છે. છોકરાઓના બેડરૂમમાં સૉલિડ પેલ્મેટ સાથેના ડેનિમ પડદાઓનો ટ્રેન્ડ નવો છે. જો તમારા પુત્રે મૅન્ચેસ્ટર યુનાઇટેડ થીમ પસંદ કરી હોય તો લાલ કે ઑરેન્જ કલરની પેલ્મેટ સાથેના ડાર્ક બ્લુ પડદાઓની પસંદગી કરવી. નાનાં બાળકો માટે તમે રૂમની આખી સીલિંગને આકાશ જેવી સજાવી શકો, પરંતુ આ બહુ ખર્ચાળ છે અને માત્ર પ્રોફેશનલો જ કરી શકે. આના વિકલ્પ તરીકે તમે રાતે અંધારામાં ચમકી શકે એવાં સ્ટિકરો લગાવી શકો. બાળક મોટું થાય અને ન ગમે ત્યારે સરળતાથી કાઢી શકાય.

બાળકના રૂમની સજાવટ કરવાથી તમને તેની સાથે અમૂલ્ય સમય વિતાવવાની તક મળે છે. આજે માર્કેટમાં રૂમસજાવટ માટેના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે ત્યારે તમે તમારા ખિસ્સાને પરવડે એ રીતે બાળકની સર્જનશક્તિને ખીલવી શકશો અને તેના મનોજગતને મોકળું આકાશ પણ આપી શકશો.