મેરા ઘર હો સબસે પ્યારા

29 September, 2011 04:08 PM IST  | 

મેરા ઘર હો સબસે પ્યારા

 



લૅમ્પ અને ઍક્સેસરીઝ

કદાચ ઘરનું યુનિટ રોજ ન બદલી શકીએ, પરંતુ શોકેસમાં ગોઠવેલી ફોટો-ફ્રેમ તો બદલી શકાયને. ફોટો-ફ્રેમ, લૅમ્પ, દીવાલ પર ટીંગાડેલાં પેઇન્ટિંગ્સ, શોપીસ જેવી વસ્તુઓ ફેરવતા રહીએ તો ઘર નવા જેવું લાગશે. એમાં ઋતુઓ પ્રમાણે વૈવિધ્ય લાવીએ તો ઘરે આવનારા મહેમાનો માટે પણ એ પ્રભાવ પાડશે. ઘરને સરળતાથી નવા લુકમાં કન્વર્ટ કરવાનો આ સીધો અને સરળ રસ્તો તો છે જ, પણ સાથે સગવડભર્યો અને ઓછા ખર્ચવાળો પણ છે. ફોટો-ફ્રેમ, ઍન્ટિક શોપીસ જેવી વસ્તુઓ તમારી પસંદ અને તમારા વ્યક્તિત્વનો પરિચય પણ આપશે.

દીવાલને રંગો

આખું ફર્નિચર બદલાવવા જાઓ તો કદાચ માથાનો દુ:ખાવો થાય. હજાર કામ વધી જાય, પણ માત્ર ઘરની દીવાલ રંગવાની હોય તો? સ્વાભાવિક ઘરને ફ્રેશ લુક આપવા માટે દીવાલના કલરનો
બહુ મોટો રોલ છે અને વર્ષમાં એકાદ-બે વાર કલર કરાવવાથી તમને ઘરને જાણે નવાં કપડાં પહેરાવ્યાં હોય એવો અનુભવ પણ થશે.

પિલો-કવર અને બેડશીટ

ઘણાના ઘરમાં સોફા-સેટ, હોમ યુનિટ બધું ચકાચક હોય, પરંતુ સોફા પર ગોઠવેલાં ઓશીકાંનાં કવર મેલાંદાટ હોય. હકીકત તો એ છે કે બીજું કંઈ ન બદલો અને માત્ર પિલો-કવર બદલો અને એમાં જો થોડાં ફૅન્સી કવરની પસંદગી કરી હોય તો ઘર તમને ફ્રેશ અને ફાઇન લાગશે. આ રીતે બેડશીટ અને સોફા-કવરને બદલીને પણ સારો લુક અપાય. કૉટન અને સિલ્કનું શાઇનિંગ કરતું મટીરિયલ અથવા ઍમ્બ્રોઇડરી વર્ક હોય એવાં કવર ખૂબ ક્લાસી લુક આપે છે.

ફ્લોરિંગ


ધારો કે ફ્લોરિંગની લાદી ખરાબ થઈ ગઈ છે અથવા ડલ પડી ગઈ છે અને નવી ફ્લોરિંગ લગાડવાનો સમય નથી તો ઇન્સ્ટન્ટ રસ્તો છે કાર્પેટ નાખી દો. ડિઝાઇનર કાર્પેટની આજકાલ ભારે બોલબાલા છે.
લાઇટિંગ આજકાલ હોમ ડેકોરમાં લાઇટિંગનું મહત્વ વધ્યું છે. માત્ર લૅમ્પ અને ઝુમ્મર જ નહીં, શોકેસમાં સોફાસેટ પાસે એલઈડી લાઇટ લગાવવાનો ટ્રેન્ડ જોરમાં છે. એલઈડી લાઇટમાં વિવિધ રંગના બલ્બ ઉપલબ્ધ હોવાથી ઘરને ક્લાસી લુક આપી શકાય છે.

ઘરના પડદા

ઘણા લોકો ઘરમાં બૉક્સ-વિન્ડો હોય અને કોટેડ સ્લાઇડિંગ હોય તો પડદાની જરૂર નથી એવું માનતા હોય છે. જોકે હકીકત એ છે કે પડદાથી પણ ઘરને સુશોભિત કરી શકાય છે. પડદાના કલર, ડિઝાઇન અને મટીરિયલથી ઘરના ઇન્ટીરિયરને ચાર ચાંદ લાગે છે. પડદા લગાવવા એટલા ખર્ચાળ તો નથી જ પણ સાથે જો બે-ત્રણ જુદી જુદી ટાઇપના પડદા હોય તો સમયાંતરે એને બદલીને નાવીન્ય લાવી શકાય છે.

ફ્રેશ અને ખુશ્બૂદાર

ઘરમાં ફ્લાવર-પૉટ રાખી શકાય તેમ જ ઘરમાં ઍરકન્ડિશનર પણ રાખવા જોઈએ. આજકાલ તો નૅચરલ ઍરફ્રેશનર પણ મળે છે. ફ્લાવર-પૉટમાં ફ્રેશ ફ્લાવર હોય અને ઘરમાં ખુશ્બૂદાર વાતાવરણ હોય તો એ ઘરમાં રહેનારા અને ઘરે આવનારા દરેક વ્યક્તિને તાજગી આપશે.

સ્વચ્છતા

ઘર જો સ્વચ્છ હોય અને વેલ ઑર્ગેનાઇઝ્ડ હોય તો એમાં ફર્નિચર ઓછુંવત્તું હશે તોય સારું જ લાગશે. જોકે જરૂરી નથી કે ઘરની શોભા માત્ર હેવી અને હાઇ-ફાઇ ફર્નિચરથી જ વધારી શકાય. ઘરની તમામ વસ્તુ જો વ્યવસ્થિત પડી હોય અને સ્વચ્છ હોય તો એવા ઘરમાં લોકોને આવવાનું ગમશે જ.