ઘરને પણ આપો લગ્નનો માહોલ

09 December, 2011 08:06 AM IST  | 

ઘરને પણ આપો લગ્નનો માહોલ



લગ્ન ભલે ઘરમાં ન થવાનાં હોય પણ મહેમાનો આવે એટલે ઘરને જોઈને લાગવું જોઈએ કે અહીં લગ્ન છે. સાચુંને? થોડા સમયથી આ ચીજ જાણે એક ટ્રેન્ડ બની ગઈ છે અને લોકો લગ્નમાં પોતાના ઘરને પણ ડેકોરેટ કરવા માટે પ્રોફેશનલ ડેકોરેટરની મદદ લઈ રહ્યા છે. લગ્નપ્રસંગોએ ઘરને ડેકોરેટ કરવામાં સાચાં ફૂલોનો વપરાશ મુખ્યત્વે છે, જ્યારે વધારે દિવસ સુધી ડેકોરેશન સારું રાખવા તેમ જ ફરી એને બીજી વાર વાપરવાના હેતુથી આર્ટિફિશ્યલ આઇટમોનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. તો જોઈએ કઈ રીતે ઘરને ડેકોરેટ કરી પ્રાસંગિક માહોલ ઊભો કરી શકાય.

ફૂલોની લડીઓ

હવે લોકો રંગબેરંગી કરતાં સફેદ ડેકોરેશન વધારે પ્રિફર કરે છે, જેમાં રજનીગંધાનાં ફૂલોનો ઉપયોગ મુખ્યત્વે થાય છે. રજનીગંધાનાં ફૂલોની લડીઓ બનાવીને એના પડદા તેમ જ શામિયાના જેવો લુક આપવામાં આવે છે. થોડા વધુ સુગંધિત વાતાવરણ માટે મોગરાની કળીઓની માળા તેમ જ લડીઓ પણ બનાવી શકાય, પણ અહીં પ્રૉબ્લેમ એ છે કે મોગરાનાં ફૂલો ખૂબ ઝડપથી કરમાઈ જાય છે. એની સરખામણીમાં રજનીગંધા વધુ ડ્યુરેબલ છે. આ સિવાય ગલગોટાનાં ફૂલોનું ડેકોરેશનનો ટ્રેન્ડ તો ખૂબ જૂનો છે, જે દેખાવમાં ખૂબ સુંદર અને પરંપરાગત લુક આપે છે.

લૉન્ગ લાસ્ટિંગ ફ્લાવર્સ

સેલિબ્રિટીઓ કે બિઝનસમેનોનાં લગ્નમાં આવાં ફ્લાવર્સનું ડેકોરેશન હવે આમ છે, જેમાં તેઓ કેટલાય કરોડો રૂપિયાનાં ફૂલોની બહારગામથી મગાવે છે. જોકે ઘરમાં ડેકોરેશન કરવા માટે આટલું ઉપર જવાની જરૂર નથી. કોઈ લોકલ ફ્લોરિસ્ટને બોલાવીને ઘરને ફૂલોથી ડેકોરેટ કરી શકાય છે. આવાં ફૂલોનું ડેકોરેશન ખિસ્સામાં થોડું મોટું કાણું પાડે છે, પણ દેખાવમાં પણ એ ખૂબ રૉયલ લાગે છે. કાર્નેશન, ઝરબેરા, ઑર્કિડ, બર્ડ ઑફ પૅરેડાઇઝ આ બધા જ પ્રકારનાં ફૂલો ૭-૮ દિવસ સુધી ટકી રહે છે. માટે જો રિયલ ફ્લાવર્સનું ઘરમાં ડેકોરેશન કરવું હોય તો લગ્નના પ્રસંગો શરૂ થવાના એક દિવસ પહેલાં જ આ ફૂલોથી ઘરેને ડેકોરેટ કરી શકાય. આ ડેકોરેશનમાં લીલા રંગની ફોમની ઈંટ પર ફૂલો લગાવવામાં આવે છે. સીલિંગ અને દીવાલનો જે ખૂણો પડતો હોય એ લાઇનમાં તેમ જ ઘરના બધા ખૂણાઓમાં આ ડેકોરેશન સારું લાગશે. એ સિવાય સેન્ટરમાં એક ફૂલોનો બનાવેલો માટો ગોળો પણ લટકાવી શકાય. ફૂલોનું ડેકોરેશન કરવા માટે ધ્યાન રાખો કે ફૂલો ફ્રેશ અને સારી કન્ડિશનમાં હોય.

આર્ટિફિશ્યલ હોમ ડેકોર

જે રીતે સાચાં ફૂલોનું ડેકોરેશન હોય એ રીતે ખોટાં ફૂલોથી પણ ઘરને પ્રસંગો માટે ડેકોરેટ કરી શકાય. અહીં ફૂલો બે પ્રકારનાં હોય છે. એક તો એવાં કે જે આબેહૂબ સાચાં ફૂલોનો જ લુક આપે. આવું ડેકોરેશન કૉસ્ટ-ઇફેક્ટિવ પણ છે, કારણ કે સાચાં ફૂલો કરતાં આવાં ખોટાં ફૂલોનું ડેકોરેશન પ્રમાણમાં સસ્તું હોય છે. બીજો પ્રકાર એટલે સિલ્વર અને ગોલ્ડન રંગનાં આર્ટિફિશ્યલ ફૂલો જે દેખાવમાં ખરેખર ખૂબ સુંદર અને મેટાલિક લુક આપે છે. આવું ડેકોરેશન સાંજના સમયે સંગીત-સંધ્યા કે મેંદી રસમમાં લાઇટ ઇફેક્ટ સાથે ખૂબ સારો લુક આપે છે.

નેટનું ડેકોરેશન

જેમ ડ્રેસિસ અને સાડીઓમાં નેટ ટ્રેન્ડમાં છે એ જ રીતે ઘરને ડેકોરેટ કરવા માટે પણ ગોલ્ડન, સિલ્વર તેમ જ રંગબેરંગી ચળકતી નેટનો વપરાશ ખૂબ વધ્યો છે. નેટમાંથી દીવાલો પર પડદા જેવો લુક આપી શકાય છે, જે દેખાવમાં સારું લાગે છે.

આભલાં અને દેશી ભરત

પહેલાંના જમાનામાં ઘરમાં બંધાતા દેશી ભરતનાં તોરણ તેમ જ ચાકડાનો શોખ હવે લોકોને પાછો લાગ્યો છે. આભલાંનું વર્ક, કોડીનાં તોરણ, દીવાલ પરનાં વૉલપિસ અને ચાકડાનો ઉપયોગ પણ લગ્ન પ્રસંગોએ ઘરને ડેકોરેટ કરવામાં કરી શકાય છે.