ફક્ત પત્થરોનો બનેલો છે રાજસ્થાનનો આ કિલ્લો

19 December, 2018 02:45 PM IST  | 

ફક્ત પત્થરોનો બનેલો છે રાજસ્થાનનો આ કિલ્લો

જેસલમેરનો સોનગઢનો કિલ્લો જોવાલાયક સ્થળ છે.

સોનાર કિલ્લો જેસલમેરની શાન છે. પીળા પત્થરોથી બનેલા આ કિલ્લા પર જ્યારે સૂર્યના કિરણો પડે છે ત્યારે તે સોનાની જેમ જ ચમકે છે. એટલે જ તેને સોનાર કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. પોતાની બનાવટ અને સુંદરતાને લીધે આ કિલ્લો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટની સૂચિમાં પણ સામેલ છે. રાજસ્થાનના મોટા કિલ્લાઓમાં સોનાર કિલ્લો બીજા સ્થાને આવે છે. આ કિલ્લો ત્રિકુટા પહાડી પર થારના રણની બરાબર વચ્ચે આવેલો છે.

સોનાર કિલ્લાની બનાવટ

વિશાળ પીળા પત્થરોથી બનેલો સોનાર કિલ્લો જોવામાં જેટલો સુંદર છે તેનું નિર્માણ પણ તેટલું જ રોચક છે. ચૂના-માટીના ઉપયોગ વગર બનાવાયેલો આ કિલ્લો પોતે જ પોતાનામાં એક પ્રકારની આશ્ચર્યતા ઉભી કરે છે. આ કિલ્લો 1,500 ફૂટ લાંબો અને 700 ફૂટ પહોળો છે. કિલ્લાની ચારે બાજુ 99 ગઢ બનાવેલા છે જેમાંના 92 ગઢનું નિર્માણ 1633થી 1647ના સમયગાળા દરમિયાન થયું. તેનું ભોંયરું પણ લગભગ 15 ફૂટ લાંબું છે. ભારતના કોઈપણ કિલ્લામાં આટલા બુરજ નથી. આમ તો આ કિલ્લાના ચાર દ્વાર છે પણ કિલ્લાનું મુખ્ય પ્રવેશદ્વાર તેનું ખાસ આકર્ષણ છે. જેના પર તમે સુંદર નકશીકામનો નમૂનો જોઈ શકશો.

કિલ્લામાં જોવા જેવા અન્ય સ્થળો

રાજસ્થાનનો સોનગઢ કિલ્લો

જૈન મંદિર

આ ગોલ્ડન ફોર્ટમાં આવેલા જૈન મંદિરને તો તમારે જોવું જ જોઈએ. સુંદર વાસ્તુકળા અને ડિઝાઈન્સને કારણે આ મંદિર તમને મંત્રમુગ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે. આ મંદિરને સફેદ અને પીળા પત્થરો પર બારીક કોતરણી અને કલાકૃતિ તૈયાર કરીને બનાવવામાં આવ્યું છે.

મ્યુઝિયમ અને પ્રાચીન વારસો

જેસલમેરનો આ કિલ્લો ત્યાંના મહારાજાઓનો નિવાસસ્થાન રહ્યો છે. તેમાં એક સંગ્રહાલય અને વારસાનું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે, જ્યાં તે સમયની કેટલીક વસ્તુઓના અવશેષો અને કળાકૃતિઓનો મોટો સંગ્રહ પ્રદર્શન માટે મૂકાયો છે. જે તે સમયના જેસલમેરના સમૃદ્ઘ વારસાની ઝાંખી કરાવે છે.

રાજસ્થાનનો જેસલમેર કિલ્લો

 વિજયી યુદ્ધની સાક્ષી

કિલ્લાના સૌથી ઉપરના કોટે તેની ક્યારેય હાર ન માનતી રાજપૂતી શાનની પ્રતીક તોપ પણ અવશ્ય જોવી જોઈએ. આ તોપ કેટલાય યુદ્ધોમાં વપરાઈ હશે. યુદ્ધની રણનીતિ પ્રમાણે જે સ્થાને આ તોપને રાખવામાં આવી છે ત્યાંથી તમે આખા શહેરનો નજારો માણી શકો છો.

સ્થાનિક વસ્તુઓનું બજાર

કિલ્લામાં પ્રવેશ કરવાની સાથે તેના આગળના ભાગમાં ગોપા ચોક પર એક બજાર જોવા મળશે. અહીં રાજસ્થાનની હસ્તકલાથી બનાવેલી કેટલીય વસ્તુઓ મળશે. આ સ્થાન સનસેટ વ્યુ પોઈન્ટ તરીકે પ્રસિદ્ધ છે.

સંધ્યાસમયનું દ્રશ્ય સોનગ્રહ કિલ્લો

ફરવા માટેનો યોગ્ય સમય

ઑક્ટોબરથી માર્ચ સુધીના મહિના જેસલમેર ફરવા માટે યોગ્ય સમય છે જ્યારે તમે અહીંની પ્રત્યેક સ્થળને બરાબર રીતે માણી શકો છો.

travel news