દિવાળીમાં ફર્નિચરને અરીસા જેવું ચમકતું બનાવવું છે તમારે?

05 October, 2016 06:27 AM IST  | 

દિવાળીમાં ફર્નિચરને અરીસા જેવું ચમકતું બનાવવું છે તમારે?



ફાલ્ગુની જડિયા-ભટ્ટ

નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે. ઘણી મહિલાઓ અત્યારથી જ દિવાળી પહેલાં ઘરની સાફસફાઈમાં લાગી ગઈ હશે, જ્યારે ઘણા પુરુષો દિવાળી પહેલાં ઘરને નવો લુક આપવા માટે બજેટ તૈયાર કરવા માંડ્યા હશે. જો આ વર્ષે તમે પણ તમારા ઘરને કંઈક નવો અને હટકે લુક આપવા માગતા હો તો આજકાલ ઇન્ટીરિયર ડિઝાઇનિંગમાં બહુ લોકપ્રિય બની રહેલા કલર-લૅમિનેશનના ટ્રેન્ડ વિશે જાણવામાં તમને મજા આવશે, કારણ કે આ એક એવી પ્રોસેસ છે જે એક વાર કરાવી દીધા બાદ આગલાં ૧૦-૧૨ વર્ષ તમારે તમારા ઘરના ફર્નિચરને હાથ પણ લગાડવાની જરૂર નહીં પડે. માત્ર ઘરની દીવાલનો રંગ બદલી નાખવાથી દર વખતે તમને જાણે નવા ઘરમાં રહેવા આવ્યા હોવાની ફીલ મળી જશે. વિશ્વાસ નથી થતો? તો એક વાર કલર-લૅમિનેશન શું એ સમજી લો.

કલર-લૅમિનેશન એટલે શું?


કલર-લૅમિનેશન વિશે માહિતી આપતાં ઈઝ ઇન્ટીરિયર નામની ઇન્ટીરિયર ડિઝાઇનિંગની ફર્મ ચલાવતા જય શેઠ કહે છે, ‘જેમ આપણા ઘરના કોઈ ખાસ ડૉક્યુમેન્ટ્સ હોય, કોઈનું આઇડેન્ટિટી કાર્ડ હોય કે પછી કોઈ ખૂબ સુંદર ફોટો હોય તો આપણે એ ક્યારેય ખરાબ ન થાય એ ઇરાદા સાથે એના પર પ્લાસ્ટિકનું લૅમિનેશન કરાવી દઈએ છીએ એવી જ રીતે કલર-લૅમિનેશન પણ વાસ્તવમાં એક ખાસ પ્રકારની પ્રોસેસ છે. ઘરના ફર્નિચર પર આ પ્રકારની પ્રોસેસ કરાવી દેવાથી એની સુંદરતા ઓછામાં ઓછા આગલા એકથી દોઢ દાયકા માટે અકબંધ થઈ જાય છે. આ પ્રોસેસમાં પહેલાં પ્લાય પર પ્રેસ કરીને વિનિઅરની શીટ લગાડવામાં આવે છે. આ વિનિઅર એટલે અલગ-અલગ પ્રકારના લાકડાની છાલ. દરેક લાકડાની છાલની અલગ-અલગ ડિઝાઇન હોવાથી આવી છાલ લગાડવાથી ફર્નિચરને નૅચરલ વુડન લુક મળે છે. ઉપરાંત આ છાલ પર કોઈ પણ પ્રકારનો રંગ આસાનીથી ચડી જતો હોવાથી તમે ઇચ્છો એ રંગ કે એનો કોઈ પણ શેડ એના પર લગાડી શકો છો. હવે આ કલર કરેલા વિનિઅર પર લેમિનેશનનું કોટિંગ કરવામાં આવે છે. આ કોટિંગ કરી દેવાથી વિનિઅરને મિરર પૉલિશ જેવી ઇફેક્ટ મળે છે જેની શાઇન અને લસ્ટર વર્ષોનાં વર્ષો સુધી એને નવા જેવું રાખે છે.’

ક્યાં-ક્યાં કરાવી શકાય?


આવું કલર-લૅમિનેશન તમે ઘરના કોઈ પણ ફર્નિચર પર કરાવી શકો છો; પછી એ ટીવી-યુનિટ હોય, બેડ હોય, વૉર્ડરોબ હોય, ડાઇનિંગ ટેબલ હોય કે કાંઈ પણ. માત્ર ઘર જ નહીં; આ પ્રકારનું લૅમિનેશન ઑફિસ, હોટેલ, જિમ, કૉફી-શૉપ, લાઉન્જ કે રેસ્ટોરાંમાં પણ એટલું જ સુંદર લાગે છે. અહીં જય કહે છે, ‘કલર-લૅમિનેશનમાં લેટેસ્ટ ટ્રેન્ડ કૉન્ટ્રાસ્ટ કલર્સ વાપરવાનો છે. જેમ કે દીવાલ પરની લાકડાની પૅનલ પર આછા લૅમિનેટેડ રંગો વાપરી ફર્નિચર ડાર્ક લૅમિનેટેડ રંગોમાં બનાવવામાં આવે. આવો લૅમિનેટ કરેલો વાઇટ કલર તો એટલો સુંદર લાગે છે કે પછી એ ટાઇમલેસ બની જાય છે. આવું વાઇટ કલરનું લૅમિનેશન હંમેશાં ફ્રેશનું ફ્રેશ લાગે છે. તેથી બને ત્યાં સુધી ઘર હોય કે ઑફિસ, જ્યારે તમે કૉન્ટ્રાસ્ટ કર્લસનો ઉપયોગ કરવા માગતા હો ત્યારે બન્નેમાંથી એક રંગ હંમેશાં વાઇટ રાખવો જોઈએ. એમાં પણ વાઇટનું પ્રમાણ ડાર્ક કલર કરતાં વધુ હોવું જોઈએ. આવું ફર્નિચર જ્યાં આંખોને ઠંડક આપે છે ત્યાં જ બીજી બાજુ નાની રૂમને પણ ઉઘાડ આપે છે.’

કેવી રીતે વાપરી શકાય?

અત્યાર સુધી આવું લૅમિનેશન માત્ર પ્લેન રંગો પર જ કરવામાં આવતું હતું, પરંતુ હવે એમાં પણ કટ-લૅમિનેશનના ટ્રેન્ડે જોર પકડ્યું છે. અહીં જય કહે છે, ‘કટ-લૅમિનેશનને તમે મહિલાઓની સાડીઓમાં જોવા મળતા કટવર્ક સાથે સરખાવી શકો. આમાં સાદા વિનિઅર્સ પર ડિઝાઇન કરી એમાં વિવિધ રંગો ભરવામાં આવે છે અને પછી એને લૅમિનેટ કરવામાં આવે છે. તમારી ઇચ્છા હોય તો તમે એમાં મધર ઑફ પર્લ તરીકે ઓળખાતાં છીપલાં પણ ચોંટાડી શકો છો. આવાં છીપલાં ચોંટાડ્યા બાદ જ્યારે એને લૅમિનેટ કરવામાં આવે ત્યારે એની સફેર્સ એકદમ સપાટ લાગે છે, પરંતુ જોવામાં એની અંદર જડેલાં છીપલાં એટલાં આકર્ષક લાગે છે કે એની સુંદરતાતરત મનને મોહી લે છે.’

કલર-લૅમિનેશનના ફાયદા


કલર-લૅમિનેશનનો સૌથી મોટો અને ઊડીને આંખે વળગતો ફાયદો એને કારણે ફર્નિચર પર આવતી મિરર-ઇફેક્ટ છે. આ મિરર-ઇફેક્ટને કારણે આખું ફર્નિચર રીતસરનું ચમકવા લાગે છે. વળી આ ચળકાટ પણ પાછો આંખોને વાગે એવો નહીં, પરંતુ દિલને મોહી લેનારો હોય છે. એ સિવાય એનો બીજો મોટો ફાયદો ફર્નિચરને સાફ કરવામાં પડતી સુવિધા છે. કલર-લૅમિનેશનનું કોટિંગ જ કંઈક એવા પ્રકારનું છે કે એ કોઈ પણ પ્રકારના આછા કે ઘેરા રંગોને ફર્નિચરમાં ઍબ્સૉર્બ થવા દેતું નથી. પરિણામે એના પર ચા, કૉફી, પેનની શાહીથી માંડીને કશું પણ ઢળે તો તમારે તરત એને સાફ કરવા માટે દોડવું પડતું નથી; બલકે કશું ઢળે ત્યારે પણ માત્ર સાબુના ભીના કપડાથી સાફ કરી લેવાથી જ કામ પતી જાય છે. બીજી કોઈ જ વિશેષ પળોજણની આવશ્યકતા રહેતી નથી. એ સિવાય ફર્નિચર પર સનમાઇકા લગાડવાથી કેટલીક વાર જો એને ચોંટાડવામાં કશી ખામી રહી જાય તો ક્યારેક વચ્ચે-વચ્ચે એમાં નાના-નાના ફુગ્ગા જેવા બબલ્સ ઊપસી આવે છે, પરંતુ કલર-લૅમિનેશનમાં આવી કોઈ સમસ્યા ક્યારેય ઊભી થતી જ નથી. પરિણામે દેખાવમાં એ હંમેશાં એકસરખું સપાટ જ લાગે છે.

કેટલો ખર્ચ થાય?


કલર-લૅમિનેશન પ્રમાણમાં એક મોંઘી પ્રોસેસ છે. એમાં અનેક પ્રકારનાં મટીરિયલ તથા કલાકોની મહેનતની આવશ્યકતા રહે છે. કોઈ એક ફર્નિચરના પીસ પર આ પ્રકારની પ્રોસેસ કરવામાં ૧૫-૨૦ દિવસથી માંડીને કેટલીક વાર એકથી દોઢ મહિના જેટલો સમય લાગી જાય છે, જેના પરિણામે સ્વાભાવિક રીતે એની કૉસ્ટ પણ વધી જાય છે. તેથી એક સ્ક્વેર ફુટ કલર-લૅમિનેશનનો અંદાજિત ખર્ચ લગભગ ૪૦૦ રૂપિયા જેટલો થઈ શકે છે.

જોકે જેમનું આટલુંબધું બજેટ ન હોય તેમના માટે હવે રેડીમેડ લૅમિનેટેડ શીટ્સ પણ મળવા લાગી છે. આ શીટ્સ સનમાઇકાની જેમ ફર્નિચર પર લગાડી દેવાથી એનો લુક કલર- લૅમિનેશન જેવો જ આવે છે. બલકે હવે તો બજારમાં આવી લૅમિનેટેડ શીટ્સ પ્લેન કલર્સ ઉપરાંત વિવિધ ડિઝાઇન્સમાં પણ મળવા લાગી છે, પરંતુ જો તમારો ઇરાદો દાયકાઓ સુધી એ જ ફર્નિચર વાપરવાનો હોય તો આવી ડિઝાઇનવાળી શીટ્સ વાપરવા કરતાં આંખોને ગમે એવા આછા-ઘેરા રંગોનું કૉમ્બિનેશન ધરાવતી શીટ્સ વાપરવી વધુ બહેતર રહેશે. જોકે જયનું કહેવું છે કે તમે ફર્નિચર પર કલર-લૅમિનેશન કરાવો કે એના પર લેમિનેટેડ શીટ્સ લગાડો, એ બેનો હેતુ એક જ રહેવાનો. બન્નેના ફાયદા પણ લગભગ સરખા જ થવાના, પરંતુ બન્નેના દેખાવમાં આસમાન-જમીનનો ફરક તો રહેવાનો જ એ સત્યને ક્યારેય નકારી શકાય નહીં.