દીવાને મળી ગયો છે ડિઝાઇનર ટચ

12 November, 2012 05:56 AM IST  | 

દીવાને મળી ગયો છે ડિઝાઇનર ટચ



દર વર્ષે દિવાળીમાં જો નવી-નવી સ્ટાઇલના દીવડાઓ બજારમાં ન દેખાય તો નવાઈ. ટ્રેડિશનલ દીવડાઓ સિવાય માટીના રંગીન ડેકોરેટ કરેલા કોડિયા પણ ડિમાન્ડમાં હોય છે. જોકે દર વર્ષે આમાં કોઈ ને કોઈ નવો ટ્રેન્ડ આવતો રહ્યો છે. હવે લોકો પરંપરાગત તેલવાળા દીવાથી આગળ વધીને ડેકોરેટિવ ટી-લાઇટ કૅન્ડલ્સ અને લેઈડી લાઇટ્સ તરફ વળ્યાં છે. જોઈએ કેવી ડિઝાઇનો ટ્રેન્ડમાં છે.

વૅક્સ દીવા


માટીના કોડિયાને જ ડેકોરેટ કરીને એમાં સુગંધિત કે રંગીન વૅક્સ ભરીને આ દીવા તૈયાર કરવામાં આવે છે. આ દીવા જોકે વન ટાઇમ યુઝ છે, કારણ કે વૅક્સ પૂરું થઈ ગયા બાદ કાં તો એમાં તમારે તેલથી દીવા કરવા પડશે અથવા ફરી વૅક્સ ભરવું પડશે. આવા દીવાઓ માર્કેટમાં કોઈ પણ દીવાવાળા પાસે આસાનીથી મળી રહેશે. આ દીવા દેખાવમાં આકર્ષક લાગે છે અને બૅચલર્સ કે ખૂબ બિઝી લોકો માટે સારા છે, કારણ કે એમાં વાટ બનાવવાની કે તેલ ભરવાની ઝંઝટ નથી.

ડિઝાઇનર દીવા

પાણીમાં ફ્લોટિંગ કૅન્ડલ્સ રાખવા માટે ફાઇબરની તકતીમાંથી સ્ટૅન્ડ જેવું બનાવવામાં આવે છે. એના પર પાતળા ઍલ્યુમિનિયમની એક પ્લેટ ફિટ કરીને એની આજુબાજુ સ્ટોન અને રંગબેરંગી ક્રિસ્ટલ્સ લગાવવામાં આવે છે. આ ક્રિસ્ટલને એ રીતે સેટ કરવામાં આવે છે કે દેખાવમાં એ એક મોટું ફૂલ જેવું લાગે. આ તકતીની વચ્ચેના ઍલ્યુમિનિયમની ડિશ જેવા ભાગ પર ટી-લાઇટ કૅન્ડલ મૂકીને એને પાણીમાં ફ્લોટ કરી શકાય છે. ફ્લોટિંગ દીવા રાખવા હોય ત્યારે આખા વાસણમાં આ એક જ ડિઝાઇનર દીવો રાખતાં એ ખૂબ જ સુંદર અને ટ્રેડિશનલ લાગે છે.

ટી-લાઇટ કૅન્ડલ્સ

ટી-લાઇટ કૅન્ડલ્સ મૉડર્ન હોમ ડેકોરમાં વધુ વપરાય છે, પરંતુ હવે આ નાનકડી ટિનની કૅન્ડલ્સે પરંપરાગત દીવડાઓનું સ્થાન પણ લઈ લીધું છે. કૅન્ડલસ્ટૅન્ડ પર આ કૅન્ડલ્સ સારી લાગે છે. એ ઉપરાંત એને ડેકોરેટિવ તકતી કે પ્લેટ બનાવી પાણીમાં ફ્લોટ પણ કરી શકાય છે. કોઈ પણ ફ્લૅટ ડિઝાઇનવાળા દીવાઓની અંદર આ કૅન્ડલ્સ મૂકી શકાય, પરંતુ આ પણ એક જ વાર વાપરી શકાય એવી કૅન્ડલ્સ છે. આ ટી-લાઇટ કૅન્ડલ્સ બજારમાં ત્રણથી ચાર રૂપિયા પર પીસના ભાવમાં મળી રહે છે. આ કૅન્ડલ્સ ખૂબ વર્સેટાઇલ છે જેને પોતાની ક્રીએટિવિટી પ્રમાણે બધી જ રીતે વાપરી શકાય છે.

એલઈડી કૅન્ડલ્સ

કૅન્ડલ્સ અને દીવાથી પ્રદૂષણ થાય એ કૉન્સેપ્ટમાં માનતા લોકો આ વર્ષે ઇકો-ફ્રેન્ડ્લી એલઈડી દીવા તરફ વળ્યાં છે. આ ઉપરાંત આ વખતે ફિલિપ્સ જેવી કંપનીએ પણ પોતાની એલઈડી કૅન્ડલ્સ બજારમાં મૂકી છે. એના છ દીવાની કિંમત આશરે ૭૦૦૦ રૂપિયા છે, પરંતુ આનો સસ્તો પર્યાય એવી ચાઇના મેડ એલઈડી કૅન્ડલ્સ પણ બજારમાં ભરપૂર મળી રહેશે. જેને ટી-લાઇટ કૅન્ડલ્સનો જ શેપ આપવામાં આવે છે અને એ બટન સેલ પર ચાલે છે. આ જ એલઈડી કૅન્ડલ્સમાં થોડું ટેક્નૉલૉજીવાળું વર્ઝન એટલે સેન્સરવાળા દીવા જે ચાલે તો બૅટરી પર છે, પરંતુ એને સાચા દીવાની જેમ ફૂંક મારીને ઑન કે ઑફ કરી શકાય છે.

ફ્લોટિંગ કૅન્ડલ્સ

બજારમાં હવે ફૂલોના શેપની કૅન્ડલ્સ આવી ગઈ છે જે રંગીન વૅક્સને મોલ્ડમાં સેટ કરીને બનાવવામાં આવે છે. આ કૅન્ડલ્સમાં જુદા-જુદા શેપનાં અને ડિઝાઇનનાં ફૂલો મળે છે. પાણીમાં તરતી રાખવામાં આવે ત્યારે એ ખૂબ સુંદર લુક આપે છે. મોટા કાચના વાસણમાં અસલી ફૂલોની પાંખડીઓ સાથે આ ફૂલોના શેપની કૅન્ડલ્સ ખૂબ સુંદર લુક આપે છે. આ કૅન્ડલ્સને કાચના લાંબા ગ્લાસમાં રાખીને દરવાજાની આજુબાજુ પણ રાખી શકાય અથવા નાના-નાના ડેકોરેટિવ બાઉલ્સમાં રાખીને વિન્ડો પાસે રાખી શકાય. આ કૅન્ડલ્સ પણ બજારમાં પાંચથી સાત રૂપિયા પર પીસની કિંમતે મળી રહેશે.

ફ્લોટિંગ એલઈડી


ઇકો-ફ્રેન્ડ્લી દીવામાં જ બીજી એક વરાઇટી છે ફ્લોટિંગ એલઈડી લાઇટ્સ. આ દીવા પ્લાસ્ટિકના બનેલા છે અને એમાં એક બટન-સેલ ઊભો ફિટ કરવામાં આવ્યો છે. સાથે તારમાં ફિટ કરેલો એક નાનકડો એલઈડી બલ્બ આવે છે. દીવા લગાવવા હોય ત્યારે આ તારવાળા બલ્બને સેલ પર ભરાવી દેતાં એમાં લાઇટ થશે અને જ્યારે વપરાશ પૂરો થઈ જાય ત્યારે એ લાઇટ કાઢી લેવી. આ દીવાઓ પોતાના રંગબેરંગી લુકને કારણે ખૂબ લોકપ્રિય થઈ રહ્યા છે. વળી વૅક્સ કે તેલ-ઘીની ઝંઝટ ન હોવાને લીધે બાળકો હોય એવા ઘરમાં પણ સેફ રહેશે.

એલઈડી = લાઇટ એમિટિંગ ડાઓડ