ભારતની અજોડ વાસ્તુ કળાનો અમૂલ્ય નમૂનો એટલે દૌલતાબાદનો કિલ્લો

19 December, 2018 03:24 PM IST  | 

ભારતની અજોડ વાસ્તુ કળાનો અમૂલ્ય નમૂનો એટલે દૌલતાબાદનો કિલ્લો

ઔરંગાબાદમાં બનેલો દૌલતાબાદ કિલ્લો સૌથી સશક્ત કિલ્લામાંનો એક છે.

આમ તો ઔરંગાબાદ અજંટા-ઈલોરાની ગુફાઓ માટે જાણીતું છે, સાથે જ ઐતિહાસિક દ્રષ્ટિએ પણ આ સ્થળ ખૂબ જ મહત્ત્વનું છે. કારણ કે દૌલતાબાદ અહીંના ખડકોને તોડીને બનાવેલો આ અદભૂત કિલ્લો છે. જે તે સમયની ઉત્તમ વાસ્તુકળાનો અમુલ્ય નમૂનો છે. એટલું જ નહીં આ ભારતના સૌથી વિશાળ અને મજબૂત કિલ્લામાંનો એક છે. કિલ્લાની અંદર બીજા પણ કેટલાક સ્મારક છે જેવી રીતે ભારત માતા મંદિર, ચંદ મિનાર, જળાશયો, ચીની મહેલ, હાથી ટેઁક અને બજાર બનાવાયેલા છે.

દૌલતાબાદ કિલ્લો 

કિલ્લાની બનાવટ

દૌલતાબાદ કિલ્લો 200 મીટર ઊંચી શંકુ આકારની પહાડી પર બનેલો છે. આટલી ઊંચાઈ પર હોવાને કારણે દુશ્મનોને અહીં સુધી પહોંચવું મુશ્કેલ હોય છે. આ કિલ્લાની બીજી વિશેષતા એ છે કે તે પહાડી પર બનેલો હોવાથી તેની ચારેબાજુ ઊંડી ખીણો છે. 95 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા આ કિલ્લાની સુરક્ષા માટે 3 ઊંચી દીવાલો છે, જેને કોટ કહેવાય છે. મુખ્ય કિલ્લા સુધી પહોંચવા માટે ત્રણ અભેદ્ય દિવાલો, એક જળાશય, અંધારિયા અને વાંકાચુંકા રસ્તા પરથી અને લગભગ 400 સીડીઓ પરથી પસાર થવું પડે છે. કિલ્લામાં સાત દ્વાર છે, જેની દિવાલો પર તોપ રાખેલી છે. આમાંથી છેલ્લા દ્વારે રાખેલી 16 ફુટ લાંબી તોપ આજે પણ જોઈ શકાય છે. કિલ્લાની અંદર ભારત માતાને સમર્પિત મંદિર છે. કિલ્લામાં એક બાજુ ખૂબ જ રોમાંચકારી હાથી હોડ પાણીની ટાંકી છે. જ્યાં સુધી પહોંચવા માટે સીડીઓ બનાવવામાં આવી છે.

દૌલતાબાદ કિલ્લાનું દ્રશ્ય

કિલ્લાનો ઇતિહાસ

ભીલમ નામના રાજાએ 11મી સદીમાં આ કિલ્લાની શોધ કરી હતી. ત્યારે આ શહેરને દેવગિરિ (દેવતાવાળા પહાડો)ના નામે ઓળખવામાં આવતું હતું. ઘણા સમય પછી મોહમ્મદ બિન તુગલકે દૌલતાબાદનો ઉપયોગ પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા માટે કર્યો. મોહમ્મદ બિન તુગલક પછી પણ કેટલાક શાસકો થયા. એવું માનવામાં આવે છે કે મુગલ બાદશાહ અકબરના સમયે આ કિલ્લો મોગલોએ જીતી લીધો અને તેને મોગલ સામ્રાજ્યમાં જોડી દેવામાં આવ્યો. ઈસ. 1707માં ઔરંગઝેબની મૃત્યુ સુધી આ કિલ્લો મોગલોના શાસનમાં જ હતો, જ્યાં સુધી તે હૈદરાબાદના નિજામના કબ્જામાં નહોતો આવ્યો.