કચ્છને માણો માટુંગામાં

03 January, 2015 05:17 AM IST  | 

કચ્છને માણો માટુંગામાં


અલ્પા નિર્મલ

અમિતાભ બચ્ચન કહે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા; પણ જો અલગ-અલગ જાતિ-જ્ઞાતિનું સંગીત, લોક-સંગીત, ચિત્રકામ, માટીકામ, ભરતકામ જેવી કલા અને અસલ સંસ્કૃતિનો મુંબઈમાં બેસીને લહાવો લેવો હોય તો સેન્ટ્રલ માટુંગામાં આવેલી માટુંગા બોર્ડિંગમાં આયોજિત કચ્છ કલા ઉત્સવમાં આંટો મારી આવો. યસ, શ્રી હીરજી ભોજરાજ ઍન્ડ સન્સ ક.વી.ઓ. જૈન છાત્રાલયની સ્થાપનાનાં ૧૦૦ વર્ષની ઉજવણી નિમિત્તે સંસ્થાએ કચ્છના ધબકારસમી પરંપરાગત હસ્તકળાનું, લોકસંગીતનું, નૈસર્ગિક પ્રવાસના પ્રદર્શનનું અને ખાન-પાનનું ત્રણ દિવસનું આયોજન કર્યું છે. ગઈ કાલે શરૂ થયેલા આ પ્રદર્શનમાં લુપ્ત થતી જતી અનેક હસ્તકળાઓના સ્ટૉલ્સ છે, જ્યાં એ કારીગરીના બેનમૂન પીસ વેચાણ માટે પણ છે અને એ આર્ટનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન પણ છે. તો કરીએ ભાતીગળ ભોમકા કચ્છની કલાત્મક સંસ્કૃતિનો પરિચય.

૧. રોગાન આર્ટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાત વખતે બરાક ઓબામાને આપેલી ગિફ્ટ બનાવનાર આર્ટિસ્ટે જ બનાવેલો એ આર્ટનો નમૂનો તમારે ખરીદવો હોય તો પહોંચી જાઓ અબ્દુલ જબ્બારભાઈના રોગાન આર્ટના સ્ટૉલમાં. એરંડિયાને ચૂલા પર ઉકાળી-ઉકાળીને ગમ જેવું થાય એટલે કલર પિગમન્ટ સાથે પથ્થર પર ભરડીને મિક્સ કરેલા કલરથી લોખંડના પાતળા સળિયા વડે કાપડ પર બારીક ચિત્રકામ કરવામાં આવે એ રોગાન આર્ટ. આ કલાના દુનિયામાં ફક્ત ૯ કારીગર જ બચ્યા છે. એકથી ચાર મહિનાના કામને અંતે તૈયાર થતા આ પીસમાં ચારથી ૧૦ કલર્સ વપરાય છે અને ખૂબ જ ધૈર્ય માગી લેતી આ કલાના આર્ટિસ્ટની અત્યારે આઠમી પેઢી આ કામ કરે છે. જોકે આ કુટુંબે પોતાની આ વારસાઈ પોતાના પૂરતી ન રાખતાં ૧૦૦ જેટલી છોકરીઓને રોજગારના હેતુસર શીખવી છે. હજારો રૂપિયાના આ આર્ટના બેમિસાલ પીસ તો અહીં છે જ, સાથે એ કઈ રીતે તૈયાર થાય છે એનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન પણ જોવા મળે છે.

૨. માટીની બૉટલ

કચ્છનું પૉટરી વર્ક જગવિખ્યાત છે. તળાવની માટી ગુંદીને એમાં કુદરતી રંગો ભેળવીને બનતાં કુંજા, જગ, કપ, અગરબત્તીનાં સ્ટૅન્ડ, ડબ્બીઓ, વાઝ, શોપીસ સાથે પાણી ભરવાની બૉટલ પણ અહીં ઉપલબ્ધ છે. ૨૫૦ રૂપિયાની આ બૉટલમાં બેલ્ટ હોવાથી એ ખભે લટકાવી શકાય છે અને સાથે પાણીને કુદરતી રીતે ઠંડું રાખી શકાય છે.

૩. ખરડ અને તંગ કામ

ગાલીચાવણાટમાં ઈરાનનો નંબર પહેલો આવે, પણ મોદીજીનું ‘મેક ઇન ઇન્ડિયા’ સૂત્ર અપનાવવું હોય તો કચ્છમાં ખરડવણાટથી બનેલા ગાલીચા અને રંગ સુંદરતમ ઑપશન છે. એ જ રીતે ઘેટા-બકરા-ઊંટના વાળમાંથી દોરા બનાવીને ખીલીઓની મદદથી હાથે ગૂંથાતા પટ્ટાને તંગ કલા કહેવાય છે. આ પટ્ટાનો ઉપયોગ ઊંટ વગેરેને બાંધવા થાય છે. જોકે હવે આ કલાના કારીગરો પણ ગણ્યાગાંઠયા જ બચ્યા છે ત્યારે આવા પટ્ટાઓને શોપીસ તરીકે તમારા રૅર કલેક્શનમાં ઉમેરી શકાય. તંગ કામ યુનિક તો છે જ, સાથે એની પ્રોસેસ વધુ ઇન્ટરેસ્ટિંગ છે.

૪. મડ વર્ક

કચ્છના કુંભાર અને મેઘવાળ જ્ઞાતિના લોકો પોતાના ભૂંગાઓને સજાવવા લીંપણમાં આભલાઓ ચોંટાડી અવનવી ભાત ઊપસાવતા એ મડ વર્કની વિવિધ સાઇઝ, શેપ ને કલર્સની ફ્રેમ આ પ્રદર્શનમાં ઉપલબ્ધ છે.

૫. ટ્રેડિશનલ બેલ

ટિપિકલ ડોરબેલને બદલે હટકે કન્સેપ્ટ જોઈતો હોય તો પશુઓને ગળે બંધાતી ઘંટડીઓને અહીં ડોરબેલ તરીકે યુઝ કરી શકાય એવો પીસ કચ્છી આર્ટિસ્ટોએ બનાવ્યો છે. લોખંડ, કાંસું, તાબું, જસત જેવી ધાતુઓમાંથી બનેલા આ ઘંટનો એવો મોટો નાદ આવે છે જે ડોરબેલની ગરજ સારે છે. એ જ રીતે આ જ શેપના સાત સૂર ‘સા રે ગ મ પ ધ ની’ પણ સુપર્બ ટ્રેડિશનલ વાદ્ય છે.

૬. ઘમ રે ઘમ ઘંટી

ગ્રામ્ય સંસ્કૃતિનું અતિમહત્વનું અંગ એ ઘંટી. અનાજ દળવાની આ ઘંટીનાં બે પડ વચ્ચે કેટલીયે સદીઓ વીતી છે અને એ માસ્ટરપીસનું મિનિએચર સ્વરૂપ વસાવવું હોય તો અહીં ઉપલબ્ધ છે. ફક્ત દસ ઇંચ ડાયામીટર ધરાવતી આ અસલી ઘંટી ૧૦૦૦ રૂપિયાની છે અને સાકર, વરિયાળી જેવી વસ્તુઓ પીસી શકે છે.


૭. નામદા કામ

વધુ એક લુપ્ત થતી જતી કલા એટલે નામદા કામ. મોટા ભાગે આસન ને અંબાડીમાં વપરાતી આ કલાના પીસ બનાવવા ડિઝાઇન પ્રમાણે ઊન પાથરીને પાણીથી દબાવવાનું અને હાથેથી વણવાનું હોય છે. ખૂબ ચીવટ માગી લેતી કલાનું ડેમોન્સ્ટ્રેશન તો અહીં છે જ, સાથે વેચાણ માટે કેટલાક પીસ પણ છે.

૮. ફૅન્સી બૅગ્સ

આ બૅગ જોઈને કોઈને માનવામાં આવે કે એ નકામી થઈ ગયેલી પ્લાસ્ટિકની ઝભલા થેલીમાંથી બનાવવામાં આવી છે? યસ... પ્લાસ્ટિક, દોરા, સિલ્વર પૅકેજિંગ મટીરિયલના વીવિંગ દ્વારા બનાવવામાં આવેલા આ મટીરિયલમાંથી બૅગ, પાઉચ, ચટાઈ જેવી અનેક વસ્તુઓ બનાવવામાં આવી છે.

૯. કચ્છી બાર્બીની ફૅમિલી

વષોર્ પહેલાં સ્થાનિક પ્રજાનાં બાળકો કાપડ અને રૂમાંથી બનાવેલી ઢીંગલીઓથી રમતાં એવી ઢીંગલી પણ અહીં વેચાણમાં છે એટલું જ નહીં, એની સાથે એનું આખું કુટુંબ પણ છે. કચ્છી બાર્બીનો સેટ શહેરી બચ્ચાંઓ રમવા માટે વાપરી શકે અથવા તો શોપીસ તરીકે પણ બહુ પ્લેઝન્ટ લાગે.

૧૦. મદમસ્ત મ્યુઝિક

કચ્છી સંગીત ત્રણ પ્રકારનું છે - ક્લાસિકલ, લોક અને સૂફી. ભોરિંડો, સુરાંધો, જોડિયા પાવા, રાવણહથ્થો, સંતાર, ઘડો-ઘમેલો, શહનાઈ, ડાકલાં, બીન સાથે મોરચંગ જેવાં વાદ્યો દ્વારા સર્જાતાં ગીત-સંગીત મદમસ્ત કરી દે છે. આ કલા ઉત્સવમાં આખો દિવસ કચ્છી સંગીત પીરસતા કલાકારોનો લાઇવ પફોર્ર્મન્સ પણ છે.

૧૧. અને ઘણુંબધું

કચ્છ કલા ઉત્સવમાં કચ્છની સંસ્કૃતિ, ઇતિહાસ, વાઇલ્ડ-લાઇફ, ટૂરિઝમ,લાઇફ-સ્ટાઇલ દર્શાવતી ડૉક્યુમેન્ટરી અને ફિલ્મ બતાવતો ફિલ્મ-ઝોન છે તો સંગીત, સાહિત્ય, પ્રવાસન, ફોટોગ્રાફ્સ વગેરે પણ ઉપલબ્ધ છે. સાથે જ કચ્છની ફેમસ અજરખ પ્રિન્ટ, મશરૂ કૉટન મટીરિયલ, લેધર વર્ક અને ભરતકામના પણ વિવિધ ઑપ્શન છે તો કચ્છી-ગુજરાતી ફૂડનો જલસો પણ છે.

- તસવીરો : અલ્પા નિર્મલ