એક્સપ્લોર કરીએ શિવમંદિરોની અનોખી દુનિયા

04 August, 2019 01:53 PM IST  |  મુંબઈ | ટ્રાવેલ-ગાઇડ - દર્શિની વશી

એક્સપ્લોર કરીએ શિવમંદિરોની અનોખી દુનિયા

શિવમંદિરો

હર કંકર મેં શંકરની માન્યતા ધરાવતા આપણા દેશમાં શિવમંદિરોની સંખ્યા ગણી ગણાય નહીં એટલી હશે. દરેક ગલી, દરેક ચૌરાહામાં એકાદ શિવમંદિર ન નીકળે તો જ નવાઈ. કોઈ રાજ્ય બાકી નથી જ્યાં શિવજીનું એકાદ પ્રાચીન મંદિર ન હોય. ગણેલાં શિવમંદિરની વાત કરવી એટલે સમુદ્રમાંથી એક ટીપું પાણી લીધા જેવું જ લાગશે છતાં આજે અચરજમાં મૂકી દે એવી કથા, માન્યતા અને વિશેષતા ધરાવતાં મહાદેવનાં કેટલાંક મંદિરોની મુલાકાત લઈને શ્રાવણ સે‌િલ‌બ્રેટ કરીએ

દુનિયાની બીજી સૌથી ઊંચી શિવજીની પ્રતિમા

કર્ણાટકમાં સમુદ્રના કિનારે આવેલું મુરુડેશ્વર મંદિર આસ્તિક હોય કે નાસ્તિક, કોઈ પણ વ્યક્તિનું મન મોહી લે એવું બનાવેલું છે. ત્રણ તરફ અફાટ અને ધસમસતો અરબી સમુદ્ર અને એક તરફ મુરુડેશ્વર મંદિર અલૌકિક અહેસાસ કરાવી જાય છે. એવું પણ કહેવાય છે કે આ મંદિર રામાયણ કાળથી સંબંધ ધરાવે છે. એક વાર્તા પ્રમાણે જ્યારે અમરત્વ મેળવવા રાવણે શંકર ભગવાનનું તપ કર્યું હતું ત્યારે તેમના તપથી પ્રસન્ન થઈને શિવે રાવણને એક શિવલિંગ આપ્યું પરંતુ એક શરત મૂકી હતી કે એ શિવલ‌િંગ જ્યાં મૂકશે ત્યાં એ હંમેશ માટે સ્થાપિત થઈ જશે. અન્ય દેવતાઓએ યુક્તિ કરી અને આ શિવલિંગને છળકપટથી જમીન પર મુકાવ્યું ત્યારે શિવલિંગ એક કપડાથી ઢંકાયેલું હતું. શિવલિંગ નીચે મૂકતાંની સાથે એ કપડું ઊડીને અહીંની જમીન પર આવી પડ્યું હતું. ત્યારથી આ ક્ષેત્ર પવિત્ર માનવામાં આવે છે. અહીંનું સૌથી મોટું આકર્ષણ છે અહીં સ્થાપિત કરવામાં આવેલી શંકર ભગવાનની બસો ફીટ કરતાં પણ ઊંચી મૂર્તિ; જે દુનિયાની બીજી સૌથી ઊંચી મૂર્તિ છે એટલું જ નહીં, આ મૂર્તિ એવી જગ્યાએ બનાવવામાં આવી છે જ્યાં એના પર આખો દિવસ સૂર્યપ્રકાશ પડતો રહે અને ચમકતી રહે.

ત્રણ બાજુએ અરબી સમુદ્રને સ્પર્શતી એવી અનેક માળ ઊંચી શંકર ભગવાનની મૂર્તિ લાઇફમાં એક વાર જોવા જેવી છે.

તામિલનાડુમાં આવેલું આ મંદિર ગ્રેનાઇટના એક જ વિશાળ પથ્થરમાંથી બનાવવામાં આવેલું છે. મંદિરના બાંધકામને સેંકડો વર્ષો વીતી ગયાં હોવા છતાં હજી પણ એ એટલું જ મજબૂત અને નવું લાગે છે.

એક જ પથ્થરમાંથી બનેલું મંદિર

તામિલનાડુમાં તંજોર ખાતે બૃહદેશ્વર મંદિર આવેલું છે. શંકર ભગવાનના આ મંદિરને દુનિયાનું પ્રથમ ગ્રેનાઇટ મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિરની સૌથી મુખ્ય વાત એ છે કે આ મંદિર એક વિશાળ ગ્રેનાઇટના પથ્થરમાંથી બનાવવામાં આવેલું છે. એવું કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ ૧૦૦૦મી સદીમાં રાજા ચોલના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું. આ મંદિરને બનાવતાં પાંચ વર્ષનો સમય લાગ્યો હતો. પથ્થરમાંથી બનેલું હોવાથી આ મંદિરના પાયા પણ નથી એમ છતાં આ મંદિર સેંકડો વર્ષથી અડીખમ ઊભું છે. એથી આ સ્થળ હેરિટેજ સ્થળની યાદીમાં સ્થાન પણ ધરાવે છે. આ મંદિરની વધુ એક વિશેષતા વિશે કહીએ તો આ મંદિરનું શિખર એવી રીતે બનાવવામાં આવેલું છે કે એનો પડછાયો જમીન પર ક્યારેય પડતો નથી. પાષાણના શિખર પર સુવર્ણકળશ છે. મંદિરની જેમ મંદિરની બહાર પણ એક જ પથ્થરમાંથી કદાવર નંદી બનાવવામાં આવેલો છે.

એકસાથે એક કરોડ શિવલિંગનાં દર્શન કરવાં હોય તો કોટીલિંગેશ્વર આવી જવું. કરોડ શિવલિંગની સાથે અહીં મહાકાય શિવલિંગ પણ છે.

અહીં છે એક કરોડ શિવલિંગ

કર્ણાટકમાં જ સુખદ આશ્ચર્ય પમાડતું મહાદેવનું બીજું એક મંદિર છે જ્યાં એકબે નહીં પરંતુ એક કરોડ શિવલિંગ બનાવવામાં આવેલાં છે. એક કરોડની પાછળ કેટલાં મીંડાં લાગે એ વિચારવા માટે પણ આપણને થોડો સમય લાગે છે ત્યારે આટલાં બધાં શિવલિંગ બનતાં કેટલો સમય ગયો હશે! કર્ણાટકના કોલાર જિલ્લામાં કોટીલિંગેશ્વર ધામ આવેલું છે જ્યાં એક કરોડ શિવલિંગની સાથે દુનિયાનું સૌથી ઊંચું શિવલિંગ પણ આવેલું છે. મુખ્ય મંદિરનો આકાર શિવલિંગ સ્વરૂપમાં છે. શિવલિંગ રૂપમાં આ મંદિરની ઊંચાઈ ૧૦૮ ફીટની છે. શિવલિંગની પાસે ૩૫ ફીટ ઊંચી નંદીની મોટી પ્રતિમા બનાવવામાં આવેલી છે. આ કરોડ શિવલિંગની પાછળ એક પૌરાણિક કથા છે, જે મુજબ ગૌતમ ઋષિના શ્રાપથી મુક્તિ મેળવવા ઇન્દ્રએ અહીં આ સ્થાને શિવલિંગ સ્થાપિત કરીને એની પૂજા કરી હતી તેમ જ વિશ્વમાં આવેલી તમામ નદીના નીરથી આ શિવલિંગ પર અભિષેક કર્યો હતો, જેથી પ્રસન્ન થઈને શિવજીએ તેને શ્રાપમાંથી મુક્ત કર્યો હતો. ત્યારથી ભક્તોમાં એવો વિશ્વાસ થઈ ગયો છે કે અહીં શિવલ‌િંગ સ્થાપિત કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. બસ, ત્યારથી અહીં ભક્તો પોતાની યથાશક્તિ પ્રમાણે અહીં આવી શિવલિંગ બનાવે છે જેથી આજે આ શિવલિંગની સંખ્યા એક કરોડની થઈ ગઈ છે.

 

ક્યારેય દેડકાનું મંદિર જોયું છે? ચાલો, ક્યારેક સાંભળ્યું તો હશેને? નહીં? તો પછી અહીં આવવા જેવું છે. દેડકા પર બેસેલા શિવને જોવા માટે અહીં આવવું પડે.

દેડકાની પીઠ પર બિરાજમાન શિવજી

દેડકાની પીઠ પર બેસેલા શંકર ભગવાનને જોવા હોય તો ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લામાં પહોંચી જવું જ્યાં શિવજી દેડકા પર બિરાજમાન છે. એને લીધે આ મંદિર મેઢક મંદિર તરીકે પણ ઓળખાય છે. આ સિવાય અહીં આશ્ચર્યમાં મૂકી દેતી અનેક મૂર્તિઓ પણ છે, જેમ કે અહીં આવેલા શિવલિંગ માટે એવું કહેવામાં આવે છે કે એ રંગ બદલે છે તો અહીં બનાવવામાં આવેલો નંદી બેસેલો નથી, પરંતુ ઊભો છે. મંદિરનું બાંધકામ રાજસ્થાન શૈલીમાં કરવામાં આવેલું છે. અહીંનું શિવલિંગ નર્મદા નદીમાંથી લાવવામાં આવેલું હોવાનું કહેવાય છે જેને લીધે આ શિવલિંગ નર્મદેશ્વર તરીકે પણ પ્રચલિત છે. એવું કહેવાય છે કે આ મંદિર તંત્રવિદ્યા માટે પણ જાણીતું છે.

આ પણ વાંચો : વન ઑફ ધ મોસ્ટ વિઝિટેડ કન્ટ્રી ઈન ધ વર્લ્ડ : ઇંગ્લેન્ડ

travel news weekend guide