પાંડે ચાલ્યો દુબઈ- પાર્ટ-8

11 January, 2020 08:20 AM IST  |  Mumbai Desk | Umesh Deshpande

પાંડે ચાલ્યો દુબઈ- પાર્ટ-8

દુબઈના પ્રવાસનો મારો આ છેલ્લો દિવસ હતો. પ્લેન રાતના 11.30નું હતું. તેથી એ પહેલા આખા દિવસની ફરવાની યોજના બનાવાઈ હતી. વહેલી સવારે 9 વાગે અબુધાબીથી નીકળ્યા અને અમારી કાર 10.30 વાગે ઝબિલ પાર્કમાં આવેલા દુબઈ ફ્રેમ નજીક પહોંચી. સવારના હેવી નાસ્તાનો કાર્યક્રમ પણ પાર્કિંગ લોટમાં પૂર્ણ કરી અમે ટિકીટ લઈને એક વિશાળ ફોટો ફ્રેમ જેવી દેખાતી બિલ્ડિંગમાં પ્રવેશ્યા.

વિશ્વની સૌથી મોટી ફોટો ફ્રેમ 

(કર્ટસી – ટ્વીટર @DubaiFrame )

ગિનીશ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મેળવનાર આ ફ્રેમની લંબાઈ 150 મીટર અને પહોલાઈ 90 મીટર છે. ફોટો ફ્રેમની ઇમારતમા જેવા પ્રવેશ કરીએ કે નીચે આજથી 50 વર્ષ પહેલા દુબઈ કેવું હતું એની ઝાંખી કરાવાય છે. અહીંની લિફ્ટ પણ બુર્જ ખલિફા જેવી જ ફાસ્ટ છે. 48માં માળે માત્ર 75 સેકન્ડમાં જ પહોંચાડી દે છે. ખરી યાદગાર ક્ષણ લિફ્ટની જેવા બહાર નીકળીએ ત્યારે જ છે. નીચેની તરફ પારદર્શક ગ્લાસ મુકેલો છે. તમને ઉંચાઇનો ડર હોય કે ન હોય. પરંતુ તમને થોડીક ક્ષણ માટે તો નીચે જુઓ તો ચક્કર આવવાના જ. દુબઈમાં આપણા જેવા કોઈ મોટા પહાડ તો નથી. પરંતુ એની ખોટ એણે આવી ઉંચી ઇમારતો બનાવીને જાણે પૂર્ણ કરી હોય એવું લાગે છે.

નવું દુબઈ, જુનું દુબઈ 

દુબઈના લેન્ડમાર્ક સમાન ઇમારત બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં દુબઈનો ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ આ ત્રણેયને સાંકળી શકાય. ત્યારે આર્કિટેક્ટ ફર્નાન્ડો ડોનિસે આ ફ્રેમ જેવી ઇમારતની કલ્પના કરી 1 લાખ ડોલરનું ઇનામ જીતી લીધું હતું. ટોચ પર ઉત્તરની દિશામાં જુનુ દુબઈ તો દક્ષિણની દિશામાં નવું દુબઈ દેખાય છે. લિફ્ટ પરથી નીચે આવીએ તો બહાર જતા પહેલા એક ટનલ આવે છે. જેમાં 2050માં દુબઈ કેવું હશે એની કલ્પના બતાવતો એક ઓડીયો-વિડીયો પ્રેઝન્ટેશન બતાવાય છે. અત્યારે જ આપણે આ બધુ જોઈને અંજાઈ જઈએ છીએ તો 2050માં આવું બધું દુબઈ કરે તો નવાઇ નહીં જ. દુબઈ ફ્રેમમાં જવા માટે વયસ્કો માટે 50 દિરહામ તો 3 થી વધુ વયના બાળકો માટે 20 દિરહામ ટિકિટ છે. પારદર્શક કાચમાંથી નીચે જોવાનો અનુભવ લેવા માટે અહીં ચોક્કસ જજો.

મોલમાં જ હવામાં ઉડો

વિમાનમાંથી પેરાશુટ પહેરીને છલાંગ લગાવવાનો વિડીયો તો ઘણાં જોયા છે. એનો અનુભવ કરવાની ઇચ્છા પણ છે. પરંતુ દુબઈના સીટી સેન્ટર મોલમાં વિમાન કે પેરાશુટ વગર જ ઉડવાનો અનુભવ લીધો હતો. આઇ-ફ્લાય દુબઈ નામની કંપની ઇન્ડોર સ્કાય-ડાઇવિંગનો અનુભવ કરાવે છે. અમારા પરિવારના પાંચ સભ્યોએ આ માટેની હિંમત દેખાડી. સૌથી પહેલા તો એક ટેબલ પર હવામાં હોય ત્યારે કઈ રીતે હાથ અને પગની મુવમેન્ટ રાખવાની એ પ્રેક્ટિકલ તેમજ વિડીયો બતાવીને શિખવાડ્યું. પછી સેફ્ટી માટે  સ્પેશ્યલ શૂટ પહેરાવ્યો. સર્કસમાં ઘણી વખત મોતનો કુવો હોય તેવો જ પરંતુ એના કરતા કદમાં થોડો નાનો હોય એવા કુવાની બહાર અમને બેસાડ્યા. ત્યાર બાદ એક પછી એક એમ તમામને ઇન્સ્ટ્રકટર કુવામાં લઈ જતો. ગુરૂત્વાકર્ષના નિયમની વિરૂદ્ધ હવાના જોરદાર દબાણની મદદથી અમે ઉપરની તરફ જતા હતા તેમજ નીચે આવતા હતા. સમગ્ર પ્રક્રિયામાં આરામથી બે –ત્રણ કલાક વિતી ગયા. હવામાં જતા હોય એનો વિડીયો પણ અમને ઉતારીને આપવામાં આવ્યો. એક વ્યક્તિ દિઠ 220 દિરહામ ટિકિટ હતી. પરંતુ મોલમાં જ હવામાં ઉડવાનો અનુભવ કરવા મળ્યો.

ગ્લોબલ વિલેજ

(કર્ટસી – ટ્વીટર @GlobalVillageAE)

 નાના હતા ત્યારે પપ્પા સુરતના વનિતા વિશ્રામ મેદાનમાં દર વર્ષે ભરાતા મેળામાં લઈ જતા. જ્યાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા લોકોના સ્ટોલ રહેતા. આવો જ કંઈક મેળો દુબઇના શેખ મોહમ્મદ બિન ઝાયેદ રોડ પર થોડાંક દિવસો પહેલા જ શરૂ થયેલા ગ્લોબલ વિલેજમાં શરૂ થયો હતો. અહીં વિવિધ 90 દેશોના સ્ટોલ હતાં. ઇરાનનો સ્ટોલ સૌથી વધુ ગમ્યો. એની ડિઝાઇન પણ એવી હતી. સ્ટોલમાં ફરીએ ત્યારે અમે વિવિધ ખરીદી કરીએ એ માટે અમને સ્ટોલમાં વિવિધ ખાણીપાણીની વસ્તુઓ વેચતા લોકો ટેસ્ટ કરવા માટે આપતા. ઇન્ડિયાનો સ્ટોલમાં પણ રખડ્યા. રાજસ્થાનની કઠપુતળીનો શો જોવા માટે ઘણાં લોકોએ ભીરે ભીડ કરી હતી. અમે પણ તે જોવા માટે ઉભા રહી ગયા. હજૂ તો માત્ર ચારેક દેશોના સ્ટોલમાં જ ફર્યા ત્યાં તો 8 વાગી ગયા હતા. તેથી 1.72 કરોડ સ્કેવર ફુટમાં ફેલાયેલા બધા જ સ્ટોરમાં ફરી શકાય એવુ નહોતું. તેથી ઝડપથી તમામ સ્ટોરની ઉપર છલ્લી મુલાકાત લેવાનું શરૂ કર્યુ. ગ્લોબલ વિલેજના સેન્ટરમાં એક વિશાળ સ્ટેજ પણ હતો. ત્યાં કંઈ ભારતીય કાર્યક્રમ જ ચાલી રહ્યો હતો. આમ આખુ ચક્કર મારીને અમારા પરિવારના સિનિયર સિટીઝન જ્યાં બેઠા હતા. ત્યાં પાછો આવ્યો.

બિલીમોરાનો અમિતાભ

સામે એક દુબઈની જાણીતી ભારતીય રેસ્ટોરાં હતી. તેની બહાર એક વ્યકિત અમિતાભ બચ્ચન જેવો ડ્રેસ પહેરી એમના જેવા જ અવાજમાં હિન્દી, અરબી અને ઇંગ્લિશમાં ત્યાં આવનાર લોકોને પોતાની રેસ્ટોરામાં આવવા માટે આમંત્રણ આપતો હતો. જો કે રેસ્ટોરામાં જવા કરતા પણ લોકોને એની સાથે સેલ્ફી પડાવવામાં વધુ રસ હતો. મે પણ મારા સાઢુભાઈ સાથે એની સાથે ફોટો પડાવ્યો. અમને ગુજરાતીમાં વાતચિત કરતા જોઈને એણે પૂછ્યું ક્યાંના છો?, મારા સાઢુભાઈએ સુરત કહેતા તરત જ એણે ગુજરાતીમાં કહ્યું ‘હું પણ બિલિમોરાના જ છું.’ બિલિમોરાના અમિતાભને મળ્યા બાદ અમે તુરંત જ દુબઈ એરપોર્ટ જવા આગળ વધ્યાં. અમારી કાર તો નજીકમાં જ પાર્ક કરી હતી. પરંતુ કુલ 18,300 કાર પાર્ક કરી શકાય એટલા વિશાળ પાર્કિગમાં લોકોને મેઇન ગેટ સુધી લઈ જવા માટે એક મિની ટ્રેન પણ રાખવામાં આવી હતી.

 એરપોર્ટ જતા પહેલા ઓનલાઇન ચેક-ઇન 

મારા સાઢુભાઈ સાથે દુબઈ એરપોર્ટના ડિપારચરના ગેટ પર મુકીને પાછા વળ્યાં. ફ્લાયદુબઈની મારી ફ્લાઇટ હતી. મુંબઈથી આવ્યો ત્યારે ચેક ઇન માટે અડધો કલાક કરતા વધારે લાઇનમાં ઉભો હતો. પરંતુ અહીં ઓનલાઇન ચેક ઇન કરાવ્યું હતું. તેથી લાઇનમાં ઉભો રહ્યા વગર સીધો જ સિક્યોરીટીમાં ગયો. મારા મોબાઇલમાં જ બોર્ડિંગ પાસ હતો. હમણાં લખી રહ્યો છું ત્યારે સરળ લાગી રહ્યું છે પરંતુ બોર્ડિંગની ટિકિટ વગર ખબર નહીં શું થશે એવી બીક લાગતી હતી. પરંતુ વિમાનમાં બેઠો ત્યાં સુધી કંઈ વાંધો ન આવ્યો. મિત્રોએ કહ્યું હતું કે દુબઈ એરપોર્ટ ઘણું મોટું છે. બધું જો જે. પરંતુ મોબાઇલ બોર્ડિંગ પાસને કારણે મે આમ-તેમ જવાનું ટાળ્યું. એક બસ દ્વારા અમને અમારા ફ્લાઇટ સુધી લઈ જવામાં આવ્યાં. આ વખતે મારી વિન્ડો સીટ હતી. એક પછી એક વિમાન ટેક ઓફ થવા માટે લાઇનસર ઉભા હતા. અમારા વિમાનનો પણ વારો આવ્યો અને એ અંત્યત ઝડપથી રન-વે પર દોડીને ઝટકા સાથે  આકાશની દિશામાં આગળ વધ્યું. નીચે ચમકતી લાઇટો ધીમે- ધીમે ઓછી થઈ રહી હતી. વિમાન હવામાં સ્થિર થતા જ એર હોસ્ટેસ નાસ્તાની ટ્રે લઇને આવી.

આ પણ વાંચો : પાંડે ચાલ્યો દુબઈ : પાર્ટ 7

બસરાથી કરબલા

મારી બાજુની સીટ પર ઇરાકના કરબલાની યાત્રા કરીને પરત આવેલા પિતા-પુત્ર બેઠા હતા. ઇમામ હુસેનના કુરબાનીની વાત મને ખબર છે. પરંતુ સાચુ કહું તો દર વર્ષે શિયા મુસ્લિમો દ્વારા યોજાતી વિશ્વની આ સૌથી મોટી ધાર્મિક યાત્રા વિશે મને ખબર નહોતી. ઇરાકના બસરાથી કરબલા સુધી અંદાજે 500 કિલોમીટર આ પિતા-પુત્ર અને એમનો પરિવાર ચાલતા-ચાલતા ગયા હતા. ઇરાકમાં ચાલતા આંતરયુદ્ધ તેમજ સુન્ની મુસ્લિમ આતંકવાદીઓથી બચવા માટે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા, ભવ્ય મસ્જિદો, સ્થાનિક લોકો દ્વારા કરાતી વ્યવસ્થાની વાતો તેમજ ફોટાઓ અને વિડીયો પણ ઉત્સાહભેર બતાવતા હતા. એમની વાતો સાંભળતા-સાંભળતા અઢી કલાક ક્યાં પસાર થઈ ગયા અને ક્યારે આમચી મુંબઈ આવી ગયું એની ખબર જ ન પડી.

travel news dubai