લેટ્સ ગો ટુ બૅચલર્સ ગોવા

15 December, 2019 06:34 PM IST  |  Mumbai Desk | darshini vashi

લેટ્સ ગો ટુ બૅચલર્સ ગોવા

બૅચલર્સ ગોવા : ગોવાને જો માણવું હોય તો બૅચલર્સની જેમ માણવું. ફૅમિલી ગોવા અને બૅચલર્સ ગોવામાં બહુ મોટો ફરક છે.

આમ તો રિલૅક્સ થવા માટે ઘણાં ડેસ્ટિનેશનના વિકલ્પ અવેલેબલ છે, પરંતુ એ બધામાં ગોવાની વાત અને એની મજા કંઈક ઑર જ છે. મુંબઈની જેમ અહીં પણ લાંબો દરિયાકિનારો અને એવી જ રંગીન લાઇફ હોવા છતાં આજે પણ ગોવા જવા માટે ટૂરિસ્ટો એમાં પણ યંગ જનરેશન ઍની ટાઇમ રેડી જ હોય છે. 

આજની તારીખમાં ઘણા જૂજ કહી શકાય એટલા લોકો હશે જેમણે ગોવા જોયું નહીં હોય, પરંતુ તમે કયું ગોવા જોયું છે? ઑર્ડિનરી અથવા તો ફૅમિલી ટાઇપ કહેવાય એવું ? કે પછી થોડું હટકે, થોડું ડિફરન્ટ અને યંગ જનરેશનને પ્રિય એવું બૅચલર્સ ગોવા જોયું છે? જો તમારો જવાબ ‘ના’ છે તો તમારે આ આર્ટિકલ વાંચવો જ જોઈએ. એ પહેલાં ગોવાનું થોડું બૅકગ્રાઉન્ડ ચેક કરી લઈએ. મહારાષ્ટ્ર અને કર્ણાટકની બૉર્ડર પર આવેલા ગોવાના સ્થાનિક લોકોની રહેણીકરણી, બોલચાલ અને ખાણીપીણીમાં બન્ને રાજ્યોની છાંટ આવી જાય છે. વિસ્તારની દૃષ્ટિએ ગોવા દેશમાં સૌથી નાનું છે. ગોવાની રાજધાની પણજી છે, જ્યારે મુખ્ય શહેર વાસ્કો દ ગામા છે. મુખ્ય ભાષા કોંકણી અને મરાઠી છે અને અહીં ફરવા માટે અનેક જગ્યા છે.
 નાઇટઆઉટ ઍટ બીચ
લગ્નમાં જમણવારની ડિશ ગમે એટલી મોંઘી હોય તો પણ એ સ્વીટ વગર અધૂરી લાગે તેમ જ ગોવાની કલ્પના બીચ વિના અધૂરી લાગે. ગોવા જાઓ અને બીચ પર ન ગયા તો શું મજા આવે? પરંતુ આ મજા ત્યારે બમણી બની જાય જ્યારે એને રાતના સમયે માણવામાં આવે. યસ, બીચ ઍટ નાઇટ. આપણે લોકો પહેલાંથી બીચ પર સવારે અથવા ઢળતી સાંજે જવાનું પસંદ કરતા આવ્યા છે, પરંતુ સાંજ ઢળ્યા બાદ બીચની ખૂબસૂરતી સોળે કળાએ ખીલી ઊઠે છે. ગોવાના અનેક બીચ પર આ ખૂબસૂરતી છલકાતી જોવા મળે છે. લાઉડ મ્યુઝિક, ડીજે, લાઇટ્સ, આરામખુરસીઓ અને એમાં વાતો ઠંડો પવન આવા માહોલને વધુ ગમતીલો બનાવી જાય છે, પરંતુ આ બધા બીચમાં બાગા બીચ બાજી મારી જાય છે. એવું નથી કે જો તમે ડ્રિન્ક કરતા હો તો જ બીચનો આનંદ લઈ શકો, પરંતુ એના સિવાય પણ અહીંના માહોલને એન્જૉય કરવાના ઘણા વિકલ્પ છે. અહીંનો સંગીતમય માહોલ એવો હોય છે કે ડાન્સ કરવાનું ન ગમતું હોય તેના પગમાં પણ જાન આવી જાય. હા, અને એમાં પણ જો ફ્રેન્ડ્સ સાથે ગયા હો તો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે એ જોવાની પણ ફુરસદ નહીં રહે. બીજું કે અહીં શરાબ પીનારો વર્ગ વધારે હોય છે, પરંતુ એનાથી અન્ય ટૂરિસ્ટોને હેરાનગતિ થતી હોવાનું ઓછું નોંધાયું છે. ફેમસ અને ગીચ બીચ હોવાથી અહીં પોલીસચોકી પણ હોય છે એટલે ખાસ ચિંતા કરવા જેવું નથી હોતું, પરંતુ જો એકલા આવ્યા હો તો સાવચેતી રાખવી સલાહભરી રહેશે. જો શોરબકોરથી દૂર રહીને શાંત વાતાવરણમાં એન્જૉય કરવું હોય તો સાઉથ ગોવામાં ઘણા બીચના ઑપ્શન છે. જ્યાં સૌથી વધુ ફૉરેનર ટૂરિસ્ટો જ દેખાય છે. અહીં સુધી કેટલાક બીચ પર ઇન્ડિયન ક્રાઉડ અલાઉડ નથી ત્યાં માત્ર હિપ્પી અને ફૉરેન ટૂરિસ્ટને જ જવાની પરમિશન છે, તો એવી બીચ-ફેસ હોટેલો અને રેસ્ટોરાં પણ છે જેમાં અલગ-અલગ દેશનાં નૃત્યોના લાઇવ પર્ફોર્મન્સ જોવા મળતા હોય છે જેમાંનું એક છે થલાસા, જ્યાં છે અસલ ગ્રીક ડાન્સ પર્ફોર્મન્સ, ફાયર શો બીજું ઘણું બધું. કંઈક નવું ટ્રાય કરવું હોય તો મસ્ટ સી થલાસા.
અરમ્બૉલ બીચ
અરમ્બૉલ બીચ જે હિપ્પી બીચના નામે વધુ જાણીતો છે. યુરોપિયન અને રશિયન ટૂરિસ્ટોના જન્નત સમાન આ બીચ પર આ લોકો પોતાના જ મસ્ત જોવા મળે છે. તેમને કોઈને ચિંતા કે ડર હોતો નથી, બસ લાઇફ એન્જૉય કરતા જોવા મળે છે, પરંતુ આ બીચ પર જેમ સાંજ પડે એમ એની રંગત વધતી જાય છે. બીચ પર એક ડ્રમ-સર્કલ છે એની ફરતે બધા વિદેશીઓ બેસી જાય છે અને તાનમાં આવીને ડ્રમ વગાડે છે અને એ પણ રિધમમાં. તો બીજી તરફ કોઈ નૃત્ય કરે છે તો કોઈ ખેલ બતાવે છે, જે જોવાની મજા પડે. અહીં જ્યારે હિપ્પી કાર્નિવલનું આયોજન થાય છે એ સમયે અહીંની રોનક અલગ જ હોય છે.
 ડિસ્કો, ડિસ્કો ઍન્ડ ડિસ્કો
ગોવામાં કદાચ હોટેલો કરતાં ડિસ્કો વધારે છે એવું લખવું જરાય અતિશયોક્તિભર્યું નથી લાગતું. ટીટોસ, મમેમ્બો, હિલ ટૉપ, ક્લબ એલપીકે, કર્લી જેવાં મોટાં નામ ધરાવતા ડિસ્ક અહીં મોજૂદ છે જે તમને વિદેશના કોઈક ડિસ્કમાં હોવાનો અહેસાસ કરાવશે. અહીં દરેક ડિસ્કોની બહાર બાઉન્સર હોય જ છે, જરા પણ અઘટિત ઘટના બને તો તરત જ તે વ્યક્તિને બહાર તગેડી મૂકવામાં આવે છે. વધુમાં વધુ લેડીઝ ડિસ્કોનો આનંદ લઈ શકે એ માટે અહીં કેટલાક ડિસ્કોમાં લેડીઝ માટે ફ્રી એન્ટ્રી પણ રાખવામાં આવી છે એટલે લેડીઝ તેમના ગ્રુપમાં કોઈ પણ પ્રકારની ચિંતા વિના ડિસ્કો એન્જૉય કરી શકે છે. યુવાન કપલ તેમના નાનાં છોકરાંઓ સાથે પણ ગોવા આવતાં હોય છે. ડિસ્કોમાં બાળકોને એન્ટ્રી હોતી નથી એટલે હવે ઘણા ડિસ્કોએ બહાર બાળકો માટે પ્લે-એરિયા પણ બનાવ્યો છે. અહીં મોસ્ટ ઑફ બધા ડિસ્કો આખી રાત ખુલ્લા રહે છે એટલે એન્જૉય પાર્ટી ઑલ નાઇટ. 
હેડફોન પાર્ટી
નાઇટ લાઇફની વાત ચાલી રહી હોય ત્યારે પાર્ટી તો બનતી હૈ. પાલોલેમ બીચ પર એક સેટરડે નાઇટ પાર્ટીનું આયોજન થાય છે જે સાયલન્ટ નૉઇઝ પાર્ટી તરીકે પણ જાણીતી છે. જ્યાં આવનારને એક-એક હેડફોન આપવામાં આવે છે. એમાં ત્રણ ડીજે ચૅનલ આવે છે એટલે જેને જે મ્યુઝિક ગમે એ પ્રમાણે ચૅનલ ચેન્જ કરીને પાર્ટી એન્જૉય કરી શકે છે. જો હેડફોન કાઢી નાખો તો એકદમ શાંત વાતાવરણ બની જાય અને જેવા હેડફોન પાછા કાને ભરાવો એટલે પાર્ટી ચાલુ. જો પાર્ટીમાં ડાન્સ કરીને કંટાળી જાય તો સુંદર પાલોલેમ બીચ પર લટાર મારવા નીકળી પડવું. પાલોલેમ બીચની વાત નીકળી છે તો તમને જણાવી દઈએ કે અહીંથી બોટમાં બટરફલાય બીચ સુધી જવાની વ્યવસ્થા છે. જો કપલ્સને પ્રાઇવસી જોઈતી હોય તો આ બીચ પર્ફેક્ટ છે. ખૂબ જ સુંદર વ્યુની સાથે શાંત વાતાવરણ એક બેસ્ટ કૉમ્બિનેશન પૂરું પાડે છે.
કસીનો
યંગ જનરેશનમાં બીચ બાદ ગોવા જો કોઈ બાબત માટે ફેમસ હોય તો એ છે કસીનો. કસીનો તો દેશમાં ઘણી જગ્યાએ છે, પણ અહીંના કસીનો અને એમાં પણ ક્રૂઝની અંદર બનાવેલા અને દરિયામાં ફ્લોટ થતા કસીનો લાસ વેગસને ટક્કર આપે એવા છે. જુગાર રમતા હોય તેમને માટે જ કસીનો છે એવું માનવું ભૂલભરેલું સાબિત થાય એમ છે. જો ગોવામાં આવીને કસીનો નહીં જુઓ તો બહુ પસ્તાશો. ગોવામાં કોઈ ફાઇવસ્ટાર હોટેલને ટક્કર આપે એવા પાણીમાં તરતી ક્રૂઝની અંદર બનાવવામાં આવેલા વૈભવી અને ત્રણથી ચાર માળના કસીનોની એક વખત તો મુલાકાત લેવી જ જોઈએ. જોકે આવા અફલાતૂન કસીનોની એન્ટ્રી-ફી પણ અફલાતૂન જ છે, પરંતુ પૈસા વસૂલ છે. મોટા ભાગના ફ્લોટિંગ કસીનો ૨૪ કલાક ઓપન રહે છે એટલે કોઈ પણ સમયે આવી શકાય. હા, પણ આઇડી-પ્રૂફ લઈ જવાનું ભુલાય નહીં. બીજું એ કે કસીનો હોવાથી જે ફ્લોર પર કસીનો હોય છે ત્યાં ચાઇલ્ડ સ્ટ્રિક્ટ્લી અલાઉડ નથી. એટલે અહીં એક ચાઇલ્ડ કૅર રૂમ પણ બનાવવામાં આવી છે જેમાં બાળકો માટે રમવા-ખાવાની અને સૂવાની વ્યવસ્થા પણ હોય છે. જેમાં અંદર પ્રોપર ટ્રેઇન્ડ કૅર ટેકર હોય છે. ભલે કસીનો ન રમવાના હો, પરંતુ કસીનોના ફ્લોર પર એક રાઉન્ડ મારી આવજો; જેમાં ફિલ્મોમાં જોવા મળતી બ્લૅક જૅક, અનલિમિટેડ ટેક્સસ, વિડિયો પોકર, રુલેટ જેવી અસંખ્ય ગેમ અહીં છે. કસીનો ઉપરાંત અહીં અનેક લાઇવ શો, ડીજે તેમ જ અન્ય કાર્યક્રમો પણ થતા રહે છે. અહીં જમવાની વ્યવસ્થા પણ હોય છે. એક તરફ લાઇવ શો ચાલતા રહે છે અને બીજી તરફ ટેબલ પર ડિનરનો આનંદ લેવાતો હોય છે જેનો ચાર્જ એન્ટ્રી-ફીની અંદર સામેલ હોય છે. મોટા ભાગના કસીનોમાં ડ્રેસકોડ ફરજિયાત હોય છે તેમ જ પગરખાંની બાબતમાં પણ કેટલાક રૂલ્સ ફૉલો કરવા પડે છે. આ કસીનોમાં ડેલ્ટિન જર્ક, ડેલ્ટિન રૉયલ, કસીનો પ્રાઇડ જેવા ટોચનાં નામ છે.
ફૉરેનર માર્કેટ
ગોવાની સેટરડે માર્કેટ વિશે ઘણાને જાણ હશે, પરંતુ આ સિવાય પણ અહીં વધુ એક માર્કેટ ભરાય છે એ વિશે બધાને ખબર નહીં હોય. એમાં ભારતીયો કરતાં વિદેશીઓના સ્ટૉલ વધુ લાગેલા હોય છે. અંજુના બીચથી ૪.૫ કિલોમીટરના અંતરે અને પણજીથી ૧૭ કિલોમીટર ઉત્તરે આ માર્કેટ છે, જેને ઘણા ઇંગો’સ નાઇટ માર્કેટ તરીકે પણ ઓળખે છે. આ માર્કેટ નવેમ્બરથી એપ્રિલ દરમ્યાન સાંજે ૪થી લઈને રાતે ૧૧ વાગ્યા સુધી ખુલ્લી રહે છે. માર્કેટમાં એક તરફ લાઇવ પર્ફોર્મન્સ, ડીજે ચાલતું જ હોય છે તો બીજી તરફ જાતજાતની સ્થાનિક તેમ જ વિદેશી વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જોવા મળે છે. આ બજાર ખાસ કરીને યુરોપિયન અને હિપ્પી કલ્ચર ધરાવતા ટૂરિસ્ટોને પ્રિય છે. અહીં ઘણા યુરોપિયન ટૂરિસ્ટો સ્ટૉલ નાખીને બેસેલા જોવા મળે છે. ક્યાં તો તેઓ પોતે જે વસ્તુઓ લઈને આવ્યા હોય તેનું વેચાણ કરતા હોય છે અને ક્યાં તો તેમના દેશમાં બનતી ખાદ્ય પદાર્થોની આઇટમોને અહીં બનાવીને એનું વેચાણ કરતા જોવા મળે છે. એટલે અહીં ગ્રીક, રશિયન, ઇટાલિયન, ટર્કીઝ ફૂડના પુષ્કળ સ્ટૉલ જોવા મળશે. આ ઉપરાંત અહીં એવી ઘણી બ્રૅન્ડેડ અને લક્ઝરી વસ્તુઓ પણ સસ્તામાં વેચાતી જોવા મળે છે. 
ગડ્યાચી જત્રા
ભૂતપ્રેતમાં માનવું કે ન માનવું એ એક અલગ વિષય છે, પરંતુ આ જાત્રાને જોનાર અચ્છેઅચ્છા વ્યક્તિમાં ભય નિર્માણ થઈ જાય છે એ વાત તો ૧૦૦ ટકા સાચી. જો તમારે કંઈક ઍડ્વેન્ચર કરવું હોય અને વધુપડતા સાહસિક હો તો આ જાત્રા જોઈ શકો છો. ભૂત-પ્રેત અને ખરાબ આત્માઓના પ્રકોપથી બચવા માટે આ જાત્રાનું આયોજન દર ત્રણ વર્ષે એપ્રિલ મહિનામાં ગોવામાં થાય છે એવું અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે. આ જાત્રા જોવા માટે ઘણા સ્થાનિક લોકો સાથે વિદેશીઓ પણ ઊભા રહે છે. એવું કહેવાય છે કે આ જાત્રા ત્રણ દિવસની હોય છે જેમાં ભાગ લેનારા સફેદ ધોતિયું પહેરે છે અને ભયાનક સ્થળે જઈને પૂજા કરે છે .આ ત્રણ દિવસ દરમ્યાન રાતના સમયે એ સ્થળે કોઈ લાઇટ કરવામાં આવતી નથી, માત્ર ચન્દ્રના પ્રકાશમાં પૂજા અને વિધિ થાય છે. એ સિવાય અનેક વિધિઓ તો સામાન્ય માણસને જોવા જેવી હોતી નથી.
બાઇક વીક
બાઇક-લવર માટે સૌથી મોટી ઇવેન્ટ ગણાતા ઇન્ડિયા બાઇક વીકનું આયોજન તાજેતરમાં ગોવામાં થયું હતું. ડિસેમ્બરની ૬ અને ૭ તારીખે વાગાટોર બીચ પર આ બાઇક-ઇવેન્ટ યોજાઈ હતી. દર વર્ષે થતા આ ફેસ્ટિવલમાં દેશના અલગ-અલગ સ્થળેથી બાઇકર્સ પોતાની બાઇક લઈને અહીં આવી પહોંચે છે. જેઓ વિવિધ સ્ટન્ટ રજૂ કરે છે; એટલું ઓછું હોય
એમ મૉડિફાય કરેલી વિવિધ બાઇક એક જ જગ્યાએ જોવા પણ મળી રહે છે. જેમ મહિલાઓ આજે કોઈ ક્ષેત્રે પાછળ નથી રહી એમ બાઇક ચલાવવાની બાબતમાં પણ તેઓ આગળ છે. આ બાઇક વીકમાં ભાગ લેવા માટે મહિલાઓની સંખ્યા પણ વધી રહી છે. અહીં બાઇક ઍક્સેસરીઝની દુકાનો પણ હોય છે
જ્યાં ટ્રેન્ડી અને હટકે ઍક્સેસરીઝ મળે છે.

બોમ જિઝસ બેસિલિકા : બેઝિલિકામાં અવસાન પામેલા સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરનું અહીં શરીર રાખવામાં આવ્યું છે. સેંકડો વર્ષ પૂર્વે સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર મૃત્યુ પામ્યા હોવા છતાં તેમનું શરીર હજી પણ કોહવાયું નથી જે એક ચમત્કાર જ ગણવામાં આવે છે. એને જોવા માટે દર વર્ષે લાખો લોકો દેશ-વિદેશથી આવે છે. 
દૂધ સાગર ફૉલ : ‘ચેન્નઈ એક્સપ્રેસ’નું અહીં શૂટિંગ કરવામાં આવ્યું હતું. પણજીથી ૬૦ કિલોમીટરના અંતરે આ વૉટરફૉલ માન્ડોવી રિવરની ઉપર આવેલો છે. આ વૉટરફૉલ દેશનો સૌથી ટોલેસ્ટ વૉટરફૉલ પણ ગણાય છે. એની હાઇટ ૩૧૦ મીટર અને પહોળાઈ ૩૦ મીટર છે.
આગોડા ફોર્ટ : અનેક ફિલ્મોમાં આ ફોર્ટ જોયો હશે. લાલ પથ્થરનો આ કિલ્લો ૧૭મી સદીમાં પોર્ટુગીઝ લોકોએ બાંધ્યો હતો. ખૂબ જ વિશાળ એવા આ કિલ્લાની અંદર જેલ પણ છે જેમાં અગાઉ કેદીઓને રાખવામાં આવતા હતા. કિલ્લાને અડીને બીચ છે. 
કાલંગટ બીચ : ગોવાનો આ ફેમસ બીચ છે જ્યાં ફૉરેનરની સાથે સ્થાનિક લોકો પણ એટલા જ જોવા મળે છે. અહીં વિવિધ પ્રકારની વૉટર સ્પોર્ટ્સ પણ થાય છે.
અંજુના બીચ : ગોવાનું વધુ એક બ્યુટિફુલ બીચ, જે ટૂરિસ્ટોનું પ્રિય છે અને જેની બહાર લાગતી માર્કેટ પણ એટલી જ પ્રખ્યાત છે.
ડોનાપોલા : અનેક ફિલ્મોમાં ડોનાપોલા જોવા મળ્યું છે. આ સ્થળનું નામ એક મહિલાના નામ પરથી રાખવામાં આવ્યું હતું. અત્યારે અહીં વૉટર સ્પોર્ટ્સ માટે લોકો આવે છે. બાળકોને ગમે એવું આ સ્થળ છે.
પણજી : ઉત્તર ગોવામાં વસેલા પણજીમાં સ્થાનિક લોકો રહે છે, જે ગોવાની રાજધાની પણ છે. પોર્ટુગલ સમયનાં મકાનો,
રસ્તા, વિલા અહીં જોવા મળે છે તેમજ કાજુ માટે પણ આ સ્થળ જાણીતું છે.

‍આ વાત તમને ખબર નહીં હોય!
ગોવામાં સેન્ટ કૅથેડ્રલ ચર્ચ આવેલું છે જેનું બાંધકામ ૧૫મી સદીમાં શરૂ કરવામાં આવ્યું હતું જે છેક ૯૦ વર્ષ પછી પૂરું થયું હતું. આ ચર્ચ પોર્ટુગીઝ દ્વારા બાંધવામાં આવેલું એશિયાનું સૌથી મોટું ચર્ચ છે.
ગોવામાં પાઇલટ મોટરસાઇકલ ટૅક્સી સર્વિસ ચાલે છે. એકાંકી મુસાફરોના ટ્રાન્સપોર્ટેશન
માટે આ સેવા ઘણી ઉપયોગી બને છે.
દેશનું સૌપ્રથમ પ્રિન્ટિંગ
પ્રેસ ગોવામાં શરૂ કરવામાં આવ્યું હતું.
અહીંની ઑફિશ્યલ ભાષા કોંકણી છે જે પાંચ અલગ-અલગ સ્ક્રિપ્ટમાં લખાય છે.
ગોવામાં ૧૯૬૧ની સાલ પૂર્વે જન્મેલા લોકો જન્મે પોર્ટુગીઝ તરીકે રજિસ્ટર્ડ છે જેથી એ તમામ પોર્ટુગીઝ સિટિઝનશિપ માટે માન્ય ગણાય છે.
ગોવાનું સૌથી જૂનું બાંધકામ આદિલશાહનું મકાન છે જે ૧૫મી સદીની શરૂઆતમાં બાંધવામાં આવ્યું હતું.

travel news mumbai travel goa weekend guide