ભારતમાં ફ્રાન્સની ઝલક મેળવવી હોય તો ચાલો પૉન્ડિચેરી

19 January, 2020 04:18 PM IST  |  Mumbai Desk | darshini vashi

ભારતમાં ફ્રાન્સની ઝલક મેળવવી હોય તો ચાલો પૉન્ડિચેરી

મિની ફ્રાન્સ તરીકે ઓળખાતું પૉન્ડિચેરી એની ફ્રેન્ચ કૉલોની અને બ્યુટિફુલ બીચને લઈને વિશ્વભરમાં ફેમસ છે. દેશના આ કેન્દ્રશાસિત પ્રદેશનું નામ હવે બદલાઈ ગયું છે જેને આજે પુડુચેરી તરીકે ઓળખવામાં આવે છે.

ભારત દેશમાં આજ સુધીમાં અનેક શાસકોએ રાજ કર્યું અને ચાલ્યા ગયા, પરંતુ તેમની નિશાનીઓ આજે પણ દેશના કોઈને કોઈ ખૂણે જોવા મળે છે જેમાંનું એક છે પૉન્ડિચેરી. લગભગ ૩૦૦ વર્ષ સુધી અહીં રાજ કરનાર ફ્રેન્ચ શાસકોએ પૉન્ડિચેરીને મિની ફ્રાન્સ બનાવી દીધું હતું. જોકે આજે તો અહીં કોઈ ફ્રેન્ચ નથી, પરંતુ આજે પણ અહીંનાં લગભગ દરેક સ્થળે ફ્રેન્ચ કલ્ચરની ઝલક જોવા મળી રહી છે. ફ્રાન્સ સુધી લાંબા ન થવું હોય તો પૉન્ડિચેરીને જ જોઈ લેવું. તો ચાલો આજે ફરી આવીએ ભારતના ફ્રાન્સમાં એટલે કે પૉન્ડિચેરીમાં. 

 

સુંદર દરિયાકિનારો
પૉન્ડિચેરીનું મુખ્ય જમા પાસું એનો સમુદ્રકિનારો છે. અહીં મુખ્ય ચાર બીચ આવેલા છે જેમાં  પ્રોમિનેટ બીચ, પૅરેડાઇઝ બીચ, અરોવિલે બીચ, સૈરીનિટી બીચનો સમાવેશ થાય છે. આ ચારે બીચ જેટલા સુંદર છે એટલા સ્વચ્છ પણ છે. અન્ય શહેરોના બીચની સરખામણીમાં અહીંના બીચ વધારે શાંત છે. દરેક બીચ કોઈ ને કોઈ અલગ વિશેષતા ધરાવે છે જેમાંનો એક છે પ્રોમિનેન્ટ બીચ જ્યાં ૩૬૫ દિવસ ભીડભાડ રહે છે જેને લીધે હવે સાંજ પછી અહીં બીચ પર ટ્રાફિકની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. આ બીચ લગભગ ૧.૫ કિલોમીટરમાં ફેલાયેલો છે. શહેરનાં મોટા ભાગનાં મુખ્ય આકર્ષણો આ બીચની આસપાસ જ આવેલાં છે. અહીં બીજો એક બીચ આવેલો છે પેરેડાઇઝ બીચ જે બંગાળની ખાડીને લાગીને આવેલો એક એવો બીચ છે જે સમુદ્રની અંદર આવેલો છે. શહેરથી આઠ કિલોમીટરના અંતરે આવેલો આ બીચ જમીનની એક સૂકી પટ્ટી છે જેની ચારેતરફ પાણી જ પાણી છે. અહીં સુધી પહોંચવા માટે ફેરીનો ઉપયોગ કરવો પડે છે. ખરેખર તો આ બીચનું નામ કંઈક બીજું છે, પરંતુ અહીંની સુંદરતાને જોઈને અહીંના લોકોએ આ બીચનું નામ પૅરેડાઇઝ નામ આપી દીધું હતું.

આધ્યાત્મિક સ્થળો
પૉન્ડિચેરી ભલે એના ફ્રેન્ચ આર્કિટેક્ચર અને દરિયાકિનારાને લઈને પ્રસિદ્ધ હોય, પરંતુ એની આધ્યાત્મિક સુંદરતાને પણ અવગણવા જેવી નથી. આધ્યાત્મિક સ્થળોમાં પ્રથમ ક્રમાંકે અરબિંદો આશ્રમ આવે છે જેની સ્થાપના ૧૯૨૬માં કરવામાં આવી હતી. શહેરી ભાગદોડથી દૂર રહીને નેચર અને શાંતિની નજીક જવા માગતા હો તો આ આશ્રમની મુલાકાત અવશ્ય લેવી. વિદેશીઓ આ આશ્રમમાં વધુ જોવા મળતા હોય છે જેઓ આધ્યાત્મિક શાંતિની ખોજમાં અહીં આવતા હોય છે. આ આશ્રમ કેટલો મોટો છે એ જાણવું હોય તો તમને જણાવી દઈએ આની અંદર ૪૦૦ વિશાળ ભવન આવેલાં છે. આવું જ બીજું એક સ્થળ છે એરુવેલી. મીરા અલ્ફાસા જેને ‘મધર’ના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણે ૧૯૬૮ની સાલમાં અરબિંદોના માટે આધ્યાત્મિક કૌલૉબેર્ટનું નિર્માણ કર્યું હતું જેમનું લક્ષ્ય વિશ્વભરના લોકો અહીં આવીને શાંતિ મેળવી શકે એ હતું. અહીં અનેક પ્રકારનાં વર્કશૉપ પણ છે તેમ જ વિવિધ થેરપી પણ ઑફર થાય છે. પૉન્ડિચેરીમાં ૩૨ ચર્ચ આવેલાં છે જેમાં લેડી એન્જલ્સ ચર્ચ, સ્કેડ હાર્ડ ચર્ચ, ડ્યુપ્લેક્સ ચર્ચનો સમાવેશ થાય છે.

વૉટર ઍક્ટિવિટી
આજે વૉટર ઍક્ટિવિટી તો અનેક સ્થળે છે, પરંતુ વૉટરની અંદર એટલે કે દરિયાના પાણીની અંદર જઈને કંઈક નવું શોધવાનો અને જોવાનો ચાન્સ બધી જગ્યાએ મળતો નથી. તમને જો એનો આનંદ લેવો હોય તો અહીં આવી પહોંચજો. અહીંનું સ્કૂબા ડાઇવિંગ વન ઑફ ધ બેસ્ટ ગણાય છે. પાણીની અંદર લાયન ફિશ, પૅરટ ફિશ, વ્હેલ, શાર્ક તેમ જ ડૉલ્ફિન પણ છે. જો તમને સ્વિમિંગ ન આવડતું હોય તો પણ એનો વાંધો નથી, કેમ કે અહીં ડાઇવિંગ સ્કૂલ પણ છે જ્યાં શીખી શકાય છે. અહીંના એક બીચ પર સ્પેનના બે ભાઈઓ દ્વારા એક સર્ફ સ્કૂલ પણ ચલાવવામાં આવે છે જ્યાં સર્ફિંગ શીખીને સમુદ્રનાં પાણી પર સર્ફિંગનો આનંદ લઈ શકાય છે. જો કોઈ આવી ઍક્ટિવિટી ન કરવી હોય તો અહીં સુંદર બોટહાઉસ પણ છે જે જોઈ શકાય છે. અહીં ઑસ્ટ્રેરી અથવા ઓસ્ડ્યું ઝીલ આવેલી છે જે પોન્ડિચેરીથી થોડા કિલોમીટર દૂર છે. જ્યાં ભાડા પર બોટ મળે છે જેમાં બેસીને આ ઝરણામાં પાણી પીવા આવતાં પક્ષીઓને દાણા નાખી શકો છો. અહીં ઝીલ પાસે સુંદર મજાનાં અને અલગ-અલગ વરાઇટીનાં પક્ષીઓ જોવાં મળે છે. 

બીજું શું જોવા જેવું છે?
૧૮૩૬માં બનેલું લાઇટ હાઉસ અહીંનું સૌથી આકર્ષક સ્થળ ગણાઈ છે. જે સમયે આ લાઇટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે આ સ્ટ્રક્ચરની ગણના યુનિક સ્ટ્રક્ચરની યાદીમાં કરવામાં આવતી હતી. અહીં આવેલા બીચ પર પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન માર્યા ગયેલા ફ્રાન્સના સૈનિકોની યાદમાં એક મેમોરિયલ બનાવવામાં આવેલું છે જેનો જોવાં જેવાં સ્થળોની યાદીમાં સમાવેશ કરી શકાય છે. ભૂતકાળમાં પૉન્ડિચેરી પર ડચ, ફ્રાન્સ અને બ્રિટનના શાસકો રાજ કરી ચૂક્યા છે જેમના શાસન દરમ્યાન કરવામાં આવેલા કરારના દસ્તાવેજ તેમ જ અનેક દુર્લભ વસ્તુઓ અહીં આવેલા પૉન્ડિચેરી મ્યુઝિયમમાં મૂકવામાં આવેલા છે. ઇતિહાસમાં રસ ધરાવનાર લોકોને અહીં આવવું ગમશે. રોમ અને તામિલનાડુ વચ્ચે શું સબંધ છે એ જાણવું હોય તો અહીં આવેલા અરિકા મેડુ પહોંચી જજો જેની બંજર દીવાલો અહીં રોમ શાસન કેવું રહેલું હશે એનો અંદાજ આપે છે. ૨૦૦ વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતું અરિકા મેડુ આજે એક ખંડિયેર જ બની ગયું છે.

થોડું શૉર્ટમાં...
દરજ્જો : કેન્દ્રશાસિત પ્રદેશ
નવું નામ : પુડુચેરી
ક્યાં આવેલું છે : તામિલનાડુમાં આવેલા ચેન્નઈથી ૧૬૦ કિલોમીટર દૂર દક્ષિણ દિશામાં  પૉન્ડિચેરી આવેલું છે.
મુખ્ય ભાષા : તમિલ, અંગ્રેજી, મલયાલમ અને તેલુગુ
જનસંખ્યા : લગભગ ૧૪ લાખ
રાજધાની : પુડુચેરી અથવા પૉન્ડિચેરી
જોવાં જેવાં સ્થળો : પૅરેડાઇઝ બીચ, અરોવિલે બીચ, આયી મંડપમ, અરિક મેડુ, આનંદ રંગા મહેલ વગેરે વગેરે.
ફરવા માટેનો સમય : ત્રણથી ચાર દિવસ

ક્યારે અને કેવી રીતે જવું ?
આમ તો બારે મહિના અહીં આવવા માટે બેસ્ટ ગણવામાં આવે છે, પરંતુ ઑક્ટોબરથી માર્ચનો સમયગાળો સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. અહીં આવવા માટે નજીકનું સ્થળ ચેન્નઈ છે. આ સિવાય પૉન્ડિચેરીની સાથે રોડ, રેલવે અને હવાઈમાર્ગ પણ જોડાયેલા હોવાથી અહીં સુધી પહોંચવું સરળ છે. ચેન્નઈથી પૉન્ડિચેરી સુધીનું અંતર ૧૬૦ કિલોમીટર છે, જ્યારે બૅન્ગલોરથી મુંબઈ સુધીનું અંતર ૩૧૧ કિલોમીટર છે.

પૉન્ડિચેરી વિશે કેટલીક રોચક માહિતી
પૉન્ડિચેરીને વાઇટ ટાઉનના નામથી પણ ઓળખવામાં આવે છે.
પૉન્ડિચેરીમાં હિન્દુ દેવી-દેવતાઓનાં લગભગ ૩૫૦ જેટલાં મંદિરો આવેલાં છે જેમાંનાં કેટલાંક ૧૨મી સદીનાં હોવાનું કહેવાય છે.
વાઇટ ટાઉનમાં સેક્રેડ હાર્ટ કૅથેલિક ચર્ચ આવેલું છે. આ ચર્ચ એટલું મોટું છે કે એમાં એક સમયે ૨૦૦૦ લોકો એકસાથે પ્રાર્થના સ્થળે ભેગા થઈ શકે છે.
પૉન્ડિચેરીમાં ગણપતિનું એક મંદિર આવેલું છે. માનવામાં આવે છે કે આ મંદિર ફ્રેન્ચ સમયનું છે જેની અંદર એક હાથી છે જે ભાવિકો પાસેથી ચડાવાના પૈસા લઈ લે છે.
અહીં આવેલી મોટા ભાગની રેસ્ટોરાંમાં ભારતીય વ્યંજનોની સાથે ફ્રેન્ચ ખાવાનું પણ મળે છે.
પોડીકાજી અટમ નૃત્ય અહીંનું મુખ્ય નૃત્ય છે જે અહીંના માછીમારો દ્વારા મનાવવામાં આવે છે.
પૉન્ડિચેરીમાં માર્ચથી એપ્રિલ મહિના દરમ્યાન મસ્કારાદે માસ્ક ફેસ્ટિવલનું આયોજન કરવા આવે છે જેમાં ફ્રાન્સની ઝલક જોવા મળે છે.
પૉન્ડિચેરીને શાંતિથી અને ભરપૂર મજા લઈને જોવું હોય તો સાઇકલ-ટૂર પર નીકળી જવું. અહીં રેન્ટ પર સાઇકલ સરળતાથી મળી રહેશે.