દહેરાદૂન જવું છે, તો માત્ર 5થી 6 હજારમાં ફરો આ જગ્યાઓ

21 March, 2019 08:19 PM IST  | 

દહેરાદૂન જવું છે, તો માત્ર 5થી 6 હજારમાં ફરો આ જગ્યાઓ

આ ત્રણ જગ્યાઓ ફરીને થાવ તાજામાજા

જો તમે દહેરાદૂન ફરવા જવા ઈચ્છો છો અને બજેટનો પ્રોબ્લેમ છે તો ટેન્શન છોડી દો અને બેગ પેક કરી લો. કારણ કે અમે તમારા માટે લાવ્યા છીએ એવી ટિપ્સ જેના કારણે તમે આ સુંદર કુદરતી જગ્યાઓનું લિસ્ટ જે તમે માત્ર 5થી 6 હજારના બજેટમાં જ દહેરાદૂનની ટ્રિપ કરી શક્શો, જે તમને ફ્રેશ કરી દેશે. કુદરતની ગોદમાં વસેલું દહેરાદૂન ખૂબસુરત છે. અહીં નદીઓથી લઈને મ્યુઝિયમ અને મંદિર બધું જ જોવા લાયક છે. લિમિટેડ બજેટમાં તમે દહેરાદૂનની આ જગ્યાઓની મુલાકાત લઈ શકો છો.

દહેરાદૂન ભારતની રાજધાની દિલ્હીથી 230 કિલોમીટર ગુજરાતથી દહેરાદૂનનું અંતર 1,365 કિલોમીટર છે. આ શહેર પ્રવાસન, શિક્ષા, સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. કુદરતના ખોળે વસેલું દહેરાદૂન ફ્રેશન કરી દેશે. એક તરપ દહેરાદૂનમાં FRI જેવી ઐતિહાસિક જગ્યા છે, તો બીજી તરપ આસ્થા માટે સુંદર મંદિરો પણ મોજૂદ છે.

રોબર્સ કેવ

એક નદી જે મોટા મોટા ખડકો વચ્ચેથી વહે છે, તેમાંથી પસાર થવું એ અદ્વિતીય સુંદર નજારો છે. ઠંડી હવાની મજા લેતા લેતા, ઘૂંટણી સુધીના પાણીમાં નદીમાં ચાલવું રોમાંચક સફરથી કમ નથી. પિકનિક માટે આવતા લોકો અહીં ડાકુ ગુફાની મુલાકાત ખાસ લે છે, કારણ કે આ ડાકુ ગુફા કોઈ સ્વર્ગથી કમ નથી. રોબર્સ કેવ નામની આ પ્રાકૃતિક ગુફા દહેરાદૂન શહેરથી 8 કિલોમીટર દૂર છે. સ્થાનિકોમાં તે 'ગુચ્ચુ પાની' નામથી જાણીતી છે.

કુદરતી રીતે બનેલી આ નદી અને ગુફાને સ્થાનિકો ગુચ્ચુ પાની તરીકે ઓળખે છે. ગાઢ જંગલ અને હરિયાળા વાતવરણ વચ્ચે કલાત્મક આકારોવાળા ખડકો વચ્ચે વીક એન્ડ ટ્રિપ માટે આ ગુફાઓ સૌથી બેસ્ટ ઓપ્શન છે. ગુચ્ચુ પાની દૂનની સુંદર તળેટીમાં વસેલું અમૂલ્ય સ્થાન છે. ડાકુ ગુફાની મુલાકાત પછી બહાર નીકળશો તો અહીં લાગેલી છત્રીઓ અને ખુરશીઓ તમારું ધ્યાન ખેંચશે. જ્યાં બેસીને તમે ગરમ ચા અને મેગીનો સ્વાદ માણી શક્શો. ચૂનાના પથ્થરોમાંથી બનેલી આ ગુફા 600 મીટર લાંબી છે.

દંતકથા અનુસાર આ ગુફામાં ડાકૂ માનસિંહ તેની ટોળી સાથે છુપાઈ જતો હતો. તેમાંથી વહેતી નદીમાં ચાલવાનો અહેસાસ સુખદ છે. પરંતુ નીચે પથરા અને કાંકરા હોવાને કારણે તેમાં સેન્ડલ કે શૂઝ પહેરીને જવું જરૂરી છે.

ટપકેશ્વર મહાદેવ મંદિર

ભગવાન શિવના દેશભરમાં સુંદર અને પ્રાચીન મંદિરો છે, જેનો ઈતિહાસ રામાયણ કે મહાભારત સાથે જોડાયેલો છે. ભોળેનાથનું આવું જ એક પ્રાચીન મંદિર ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં પણ આવેલું છે. દહેરાદૂનનું ટપકેશ્વર મહાદેવ મંદિર લોકપ્રિય શિવ મંદિર છે. અહીં પણ ગુફા સુંદર છે. દહેરાદૂન શહેરના બસસ્ટેન્ડથી 5.5 કિલોમીટર દૂર નદીના કિનારે આ મંદિર બનેલું છે. ટપક શબ્દનો અર્થ થાય છે પાણી ધીરે ધીરે પડવું. કહેવાય છે કે મંદિરમાં એક શિવલિંગ છે અને ગુફાની છત પરથી સતત પાણી ટપકીને તેના પર અભિષેક થાય છે. પરિણામે આ મંદિરનું નામ ટપકેશ્વર મહાદેવ મંદિર બન્યું છે.

એક પૌરાણિક કથા અનુસાર આ ગુફા દ્રોણાચાર્યનું નિવાસ્થાન મનાય છે. એટલે આ ગુફાને દ્રોણ ગુફા તરીકે ઓળખાય છે. દ્રોણના પુત્ર અશ્વત્થામા આ જ ગુફામાં જન્મ્યા હતા. જન્મ બાદ તેમની માતા તેમને સ્તનપાન નહોતા કરાવી શક્યા. તેમણે ભગવાન શિવને પ્રાર્થના કરી અને ભગવાને ગુફાની છત પરથી દૂધ ટપકાવીને આશીર્વાદ આપ્યો. ત્યારથી અહીં દૂધની ધારા ગુફાના શિવલિંગ પર ટપકે છે. કહેવાય છે કે કળયુગમાં આ દૂધ પાણી સ્વરૂપ બની ચૂક્યુ છે. આ કથા મહાકવ્ય મહાભારતમાં પણ લખાયેલી છે. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ દર્શન કરવા માટે આવે છે.

આ ગુફા કુદરતી રીતે બનેલી છે. ગુફાનું મંદિર ટોંસ નામની નદીના કિનારે આધારિત છે. આ મંદિરની આસપાસ બનેલા ઝરણાંને કારણે કુદરતી વાતાવરણ સુંદર બને છે. ગુફા ખૂબ જ નાની જગ્યામાં સ્થિત છે. દર્શન માટે આ મંદિરમાં વાંકા વળીને જવુ પડે છે.

રાજાજી નેશનલ પાર્ક

જો તમે પ્રકૃતિ પ્રેમી છો અને જંગલમાં ફરવાનો શોખ છે તો દહેરાદૂન તમારા માટે બેસ્ટ જગ્યા છે. અહીં જંગલ સફારી માટે રાજાજી નેશનલ પાર્ક ફેમસ છે. જ્યાં લોકો દૂર દૂરથી જંગલ સફારીની મજા લેવા માટે આવે છે. 830 સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું રાજાજી નેશનલ પાર્ક હાથી માટે જાણીતું છે. આ ઉપરાંત આ નેશનલ પાર્કમાં હરણ, ચિત્તા, રીંછ, જંગલી સુવર, સસલા, જંગલી બિલાડી અને મોર પણ જોવા મળે છે. રાજાાજી નેશનલ પાર્કમાં 315 જાતના પક્ષીઓ પણ જોવા મળે છે.

1983 પહેલા આ વિસ્તારના જંગલમાં રાજાજી, મોતીચૂર અને ચિલ્લા એમ ત્રણ અભયારણ્ય હતા. 1983માં ત્રણેયને ભેગા કરી દેવાયા. રાજાજી નેશનલ પાર્ક ઋષિકેશથી 6 કિલોમીટર અને દહેરાદૂનથી 23 કિલોમીટર દૂર આવેલું છે. 

આ પણ વાંચોઃ ગુજરાત ટ્રાવેલ : નથી જોયું સેલવાસ? તો આ વેકેશનમાં કરો પ્લાનિંગ

આ ત્રણ જગ્યાઓ ઉપરાંત દહેરાદૂનમાં FRI, સહસ્તર્ધારા, બુદ્ધિસ્ટ મંદિર અને માલસી ડિયર પાર્ક જેવી જગ્યાઓ પણ ફરવા લાયક છે. તો તૈયાર થઈ જાવ કુદરતના ખોળે વસેલા દહેરાદૂનના પ્રવાસ માટે. પકડો ટ્રેન અને પહોંચી જાવ દહેરાદૂન ફરવા માટે.

travel news life and style dehradun