બૉલિવૂડ 2026: રણબીર કપૂર, શાહરુખ ખાન, આમિર ખાન અને અન્ય સ્ટાર્સનું ભાવિ

19 February, 2026 08:45 AM IST  |  Mumbai | Vikkramm Chandirramani

મનોરંજન જગત માટે આ વર્ષ એક નિર્ણાયક વળાંક (Turning Point) સાબિત થવાનું છે. મારા દૃષ્ટિકોણથી, 2026 એવું વર્ષ છે જેમાં ટેકનોલૉજી, મૂડી અને સર્જનાત્મકતાનો જબરદસ્ત સંગમ થશે. ખાસ કરીને જાન્યુઆરી, એપ્રિલ અને સપ્ટેમ્બર મહિના અત્યંત નિર્ણાયક રહેશે

વિક્રમ ચંદિરામાનીએ જ્યોતિષશાસ્ત્રના આધારે આ વર્ષે બૉલીવૂડમાં શું થશે તેની વાત કરી છે

વર્ષોથી હું ગ્રહચક્રોની સ્થિતિઓને જોતો આવ્યો છું, તેમનું અનુસરણ કરતો આવ્યો છું અને અનેક ઘટનાઓ સર્જાય તે પહેલાં જ તેની આગાહીઓ પણ મેં જાહેરમા કરી છે. આ માટે જે જ્યારે હું એમ કહું કે 2026 કોઈ સામાન્ય વર્ષ નથી, ત્યારે તે વાતમાં તથ્ય છે. મનોરંજન જગત માટે આ વર્ષ એક નિર્ણાયક વળાંક (Turning Point) સાબિત થવાનું છે. મારા દૃષ્ટિકોણથી, 2026 એવું વર્ષ છે જેમાં ટેકનોલૉજી, મૂડી અને સર્જનાત્મકતાનો જબરદસ્ત સંગમ થશે. ખાસ કરીને જાન્યુઆરી, એપ્રિલ અને સપ્ટેમ્બર મહિના અત્યંત નિર્ણાયક રહેશે. વર્ષના પ્રથમ ચાર મહિનામાં મોટા ટેકઓવર, મલ્ટી-ફિલ્મ ડીલ્સ અને ટિકિટબારી પર આશ્ચર્યજનક સફળતાઓ જોવા મળશે. સૌથી મહત્વની વાત એ છે કે, આ વર્ષે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માત્ર ચર્ચાનો વિષય મટીને ઇન્ડસ્ટ્રીના માળખાનો અભિન્ન હિસ્સો બની જશે. આ પૃષ્ઠભૂમિમાં, આવનારા સમયમાં બોલિવૂડના દિગ્ગજ સિતારાઓનું નસીબ કેવું રહેશે, ચાલો જોઈએ:


રણબીર કપૂર


રણબીર તાજેતરમાં જ સાડેસાતીના પ્રભાવમાંથી મુક્ત થયો છે, જે 2017 થી એપ્રિલ 2025 સુધી ચાલી હતી. આ ગાળામાં શનિએ તેની આકરી પરીક્ષા લીધી, પણ સાથે જ તેને શિસ્ત અને પરિપક્વતા પણ આપી. તેની ફિલ્મ `એનિમલ`ની બ્લૉકબસ્ટર સફળતા (જેની આગાહી મેં ટ્રેલર પહેલા જ કરી હતી) તે વાતનો પુરાવો છે. એપ્રિલ 2026 થી રણબીર પોતાની `શનિ મહાદશા`માં પ્રવેશી રહ્યો છે, જે તેની કારકિર્દીનો સૌથી મોટો વળાંક હશે.
મારા મતે, 2026 રણબીર માટે નવી ઊંચાઈઓ સર કરવાનું વર્ષ છે. તેની ફિલ્મ `લવ એન્ડ વૉર` સફળ રહેશે. જો `રામાયણ` નવેમ્બરમાં દિવાળીની આસપાસ રિલીઝ થાય, તો તે સમય તેના માટે સોનામાં સુગંધ ભળે તેવો સાબિત થશે. સમય જતાં, રણબીર માત્ર અભિનેતા તરીકે જ નહીં, પણ રાજ કપૂર અને મનોજ કુમારની જેમ કેમેરાની પાછળ એક સફળ સર્જક તરીકે પણ ઉભરી આવશે. રણબીર હવે સાચા અર્થમાં એક એવો મેગાસ્ટાર બનવા જઈ રહ્યો છે, જેનો ટિકિટબારી અને સર્જનાત્મકતા બંને પર પ્રભુત્વ હશે.


આર્યન ખાન


મેં જ્યારે આર્યનની પ્રગતિ વિશે આગાહી કરી હતી, ત્યારે ઘણાએ તેને અવગણી હતી. પરંતુ તેની કુંડળીમાં શુક્રનો પ્રબળ પ્રભાવ છે, જે ગ્લેમર, બ્રાન્ડિંગ અને સ્ટોરી ટેલિંગનો ગ્રહ છે. તે અત્યારે ફિલ્મ, ફેશન અને લાઈફસ્ટાઈલ ક્ષેત્રે જે રીતે આગળ વધી રહ્યો છે, તે કોઈ સંયોગ નથી. 2026 તેના માટે પાયો નાખવાનું વર્ષ છે. મે 2026 તેના માટે ખૂબ મહત્વનો મહિનો છે. 2027 સુધીમાં તેની પ્રતિષ્ઠામાં મોટો ઉછાળો આવશે અને એક લાંબી સર્જનાત્મક કારકિર્દીનો આરંભ થશે.

શાહરુખ ખાન


શાહરુખે સપ્ટેમ્બર 2025માં `બુધની મહાદશા`માં પ્રવેશ કર્યો છે. બુધ તેને વધુ તીક્ષ્ણ અને પસંદગીશીલ બનાવશે. 2023ની ધમાકેદાર વાપસી બાદ 2026નું વર્ષ તેના માટે વધુ વ્યૂહાત્મક રહેશે. ફેબ્રુઆરીના મધ્યથી એપ્રિલ સુધીનો સમય રોકાણ માટે ઉત્તમ છે; તે રિયલ એસ્ટેટ અથવા નવી ટેકનોલોજી (AI) માં મોટું રોકાણ કરી શકે છે. એવી પણ શક્યતા છે કે તે આર્યન સાથે કામ કરે અથવા કોઈ એવા દિગ્ગજ સ્ટાર સાથે સ્ક્રીન શેર કરે જેની સાથે તેણે ક્યારેય કામ કર્યું નથી. 2026ના અંત સુધીમાં તેની તરફથી કેટલીક મોટી જાહેરાતોની અપેક્ષા રાખી શકાય છે.


આમિર ખાન


એપ્રિલ 2026માં આમિર ખાન `ચંદ્રની મહાદશા` પૂર્ણ કરીને `મંગળની મહાદશા`માં પ્રવેશશે. મંગળ તેને વધુ સાહસિક અને નિર્ણાયક બનાવશે. માર્ચના મધ્યથી એપ્રિલ સુધીમાં તે નવા સર્જનાત્મક કરારો કરી શકે છે. 2026માં આમિર પોતાની સ્ટાર્ડમને ફરીથી જીવંત કરશે અને સફળતાપૂર્વક પોતાની જાતને ઉદ્યોગમાં ફરી સ્થાપિત કરશે.


હૃતિક રોશન અને વિકી કૌશલ


•    હૃતિક રોશન: માર્ચ અને એપ્રિલ મહિનામાં મહત્વની ભાગીદારીના યોગ છે. જુલાઈમાં કોઈ વિદેશી પ્રોજેક્ટ સાથે જોડાણ થઈ શકે છે, જ્યારે ઓગસ્ટમાં પણ એક મોટું જોડાણ સંભવિત છે.
•    વિકી કૌશલ: જાન્યુઆરીથી એપ્રિલ સુધીનો સમય વિકી માટે અત્યંત સક્રિય છે. ફેબ્રુઆરી અને એપ્રિલમાં નવા પ્રોજેક્ટ્સ મળશે અને તેની લોકપ્રિયતામાં સ્થિર વધારો જોવા મળશે.


અરિજીત સિંહ


અરિજીતે પ્લેબેક સિંગિંગમાંથી વિરામ લેવાનો જે નિર્ણય લીધો છે, તે મને આશ્ચર્યજનક નથી લાગતો. તે હાલમાં સાડેસાતીમાંથી પસાર થઈ રહ્યો છે, જે ઘણીવાર કલાકારોને અંતર્મુખ બનાવે છે (જેમ શાહરુખે 2018 પછી બ્રેક લીધો હતો). ફેબ્રુઆરીના બીજા ભાગમાં તેની યોજનાઓ વધુ સ્પષ્ટ થશે. જૂન, જુલાઈ અને ઓક્ટોબર તેના માટે મહત્વના મહિના છે. વર્ષના અંત સુધીમાં તેની એક નવી ઓળખ સામે આવશે, અને તે સામાજિક કાર્યો તરફ પણ વળે તેવી શક્યતા છે.


નિષ્કર્ષ: `ધ બિગ પિક્ચર`


સમગ્ર ચિત્ર પર નજર કરીએ તો, મનોરંજન ઉદ્યોગ અત્યારે પરિવર્તનના આરે છે. ઓગસ્ટના મધ્યથી સપ્ટેમ્બર સુધીમાં ટેકનોલોજી અને એન્ટરટેઈનમેન્ટનો એક અનોખો સમન્વય જોવા મળશે. 2026ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્ટુડિયો માત્ર AI દ્વારા ફિલ્મ નિર્માણની જાહેરાત કરે તો નવાઈ નહીં. ટૂંકમાં, 2026 એ પરિવર્તનનું વર્ષ છે. જે કલાકારો અને નિર્માતાઓ આ બદલાતા પ્રવાહને સમજી શકશે, તેઓ આગામી દાયકા સુધી બોલિવૂડ પર રાજ કરશે.

વિક્રમ ચંદિરામાની 2001થી જ્યોતિષનો અભ્યાસ કરી રહ્યા છે. તેઓ વૈદિક અને પશ્ચિમી જ્યોતિષના સિદ્ધાંતોને પોતાની આંતરસૂઝ (Intuition) સાથે જોડીને ઊંડી સમજ પ્રસ્તુત કરે છે. વધુ વિગતો માટે: www.futurescopes.com

Vikkramm Chandirramani futurescopes astrology astrologer entertainment news bollywood Shah Rukh Khan aryan khan ranbir kapoor vicky kaushal arijit singh hrithik roshan