આણામાં આટલું તો ન જ જોઈએ

27 November, 2012 06:41 AM IST  | 

આણામાં આટલું તો ન જ જોઈએ



લગ્નનાં આણામાં યુવતીઓ એવી બધી જ ચીજો પૅક કરવાની ઇચ્છા ધરાવે છે જે તેમને પસંદ હોય કે જે એક સ્ત્રી માટે બનેલી હોય. પરંતુ આવામાં ક્યારેક એવી ચીજો પણ સાથે આવી જાય છે, જે લગ્નને કેટલાંયે વર્ષો થઈ જાય તોયે એમ ને એમ વાપર્યા વિનાની પડી રહે છે અથવા એ ખરાબ થઈ જાય છે. તો જોઈએ એવી કઈ ચીજો છે, જે આણામાં સાથે લઈ જવામાં સંયમ રાખવો જરૂરી છે.

ઇમિટેશનનો ઢગલો


દરેક ડ્રેસને મૅચ થાય એવી જ્વેલરી ખરીદવી સારી વાત છે, પરંતુ કિલોના હિસાબે પણ ઇમિટેશન જ્વેલરી સાથે લઈ જવી વ્ાાજબી નથી, કારણ કે લગ્ન પછી મોટા ભાગના ફન્ક્શનમાં તમે પોતાની સાચી સોનાની અથવા ડાયમન્ડની જ્વેલરી પહેરીને જ જશો. માટે ઇમિટેશન ખરીદો પણ ઓછી સંખ્યામાં. એવા પીસ ખરીદો જે મૅચિંગને બદલે વર્સટાઇલ બને અને એક કરતાં વધુ આઉટફિટ્સ કે સાડીઓ સાથે મૅચ થાય.

રેડ અલર્ટ


લગ્નમાં લાલ અને મરૂન રંગ શુભ છે અને થોડા વધુ પ્રમાણમાં જોવા મળે છે. લાલ બિંદી, લાલ સિંદૂર, લાલ બંગડીઓ અને લાલ સાડી આમ બધું જ લાલ લેવા કરતાં સાડી, લહેંગા અને સલવાર કુરતામાં જુદા-જુદા રંગો ખરીદો, જેથી આણામાં લઈ ગયા હો એ બધું જ એકસરખું ન લાગે. એવું કલેક્શન કરો, જેમાં બધા જ મુખ્ય રંગો હોય, જેથી ચીજોમાં વરાઇટી લાગે.

વધુપડતું ફેન્સી પૅકિંગ

જ્વેલરી અને કપડાંને ખૂબ જ હેવી અને ફેન્સી કવર્સમાં પૅક કરવાથી એ વધુ વજનદાર લાગશે. આજ-કાલ આણા ડેકોરેશનનો ટ્રેન્ડ વધ્યો છે. આવામાં યુવતીઓ પોતાની ચીજોનું એટલું ફેન્સી પૅકિંગ કરાવતી હોય છે કે જાણે એને ક્યારેય ખોલવાનું જ ન હોય. આવામાં પૅક કરાવવાનો ખર્ચ તો થાય જ છે, પરંતુ એને પછીથી ખોલવું જ પડે છે એટલે એટલા પૈસા વેડફવાનો પણ કોઈ અર્થ નથી. ફેન્સી ગિફ્ટ રેપિંગને બદલે એને ટ્રાન્સપરન્ટ સાડી કવરમાં જ પૅક કરો. આ સાડી કવર થોડા ફેન્સી ડિઝાઇનના ખરીદી શકાય, પરંતુ દરેક નાની-નાની ચીજને અલગ-અલગ પૅક કરવાનું ટાળો. વજનદાર જ્વેલરી અને કૉસ્મેટિક બૉક્સ કબાટમાં પણ જગ્યા રોકશે.

પરફ્યુમની દુકાન

આજ સુધી ડિઓડરન્ટ સિવાય કંઈ બીજું વાપર્યું ન હોય એવામાં પરફ્યુમની આખી રેન્જ આણામાં સાથે લઈ જવાનો કોઈ અર્થ નથી. ઇવનિંગવેઅર માટે એકાદ સારી બ્રૅન્ડની પરફ્યુમની બૉટલ લઈ જવામાં વાંધો નથી, પરંતુ આખા સેટ પાછળ પૈસા ન વેડફો.

મેક-અપ બૉક્સ

આ તમારાં લગ્ન છે એટલે તમે રેગ્યુલર કરતાં થોડા વધુ પ્રમાણમાં મેક-અપ ખરીદો એ સ્વાભાવિક છે, પરંતુ ખરીદતા સમયે એ જરૂર ધ્યાનમાં રાખવું કે એમાંથી તમે કેટલો અને ક્યારે વાપરશો. કૉસ્મેટિક પ્રોડક્ટ્સની શેલ્ફ લાઇફ ખૂબ ટૂંકી હોય છે એટલે એવું બની શકે કે તમે મોંઘીદાટ બ્રૅન્ડની કૉસ્મેટિકની જરૂર કરતાં વધુ ચીજો ખરીદી લો અને પછી એ સમય રહેતા વપરાય નહીં, એક્સપાયર થઈ જાય અને ફેંકી દેવી પડે. વાપર્યા વિના કોઈ પણ ચીજ જો ફેંકી દેવી પડે તો એમાં મન દુભાય છે. એટલે જરૂર હોય એટલું જ અથવા વધુમાં છ મહિના કે એક વર્ષ ચાલે એટલી જ ચીજો ખરીદો.