કોણ દાતા? કોણ યાચક?

29 September, 2011 03:47 PM IST  | 

કોણ દાતા? કોણ યાચક?

આમ એક પછી એક યાચકની લંગાર અખંડિત ચાલુ જ રહી. દાન આપતાં-આપતાં બપોરનો જમવાનો સમય થયો તો પણ યાદ ન રહ્યું.

નવાબસાહેબને ત્યાં મહેમાન આવ્યા હતા. તેમની સમીપ બેસીને ખૂબ જ ઝીણવટપૂર્વક તે નિરીક્ષણ કરી રહ્યા હતા. દાન લઈને યાચકો વિદાય થયા ત્યારે નવાબસાહેબનું ધ્યાન પાસે બેઠેલા મહેમાન તરફ ગયું.
મહેમાનની સામે ક્ષોભભરી દૃષ્ટિ કરીને નવાબ બોલ્યા, ‘ભાઈજાન, માફ કરજો. ભોજનનો સમય થઈ ગયો છે એનો મને ખ્યાલ જ ન રહ્યો. આપને ભૂખ પણ ખૂબ જ કકડીને લાગી હશે.’

નવાબ સામે આદરભરી દૃષ્ટિ કરીને મહેમાન બોલ્યા, ‘ભાઈજાન, હું તો સવારનો આપની અદા જોવામાં જ મશગૂલ છું. યાચકોને દાન આપતી વેળાએ આપના મુખ પર જે ભાવો છવાય છે એ ખૂબ જ બહેતરીન હોય છે. જાણે જોયા જ કરીએ. આજે મેં અહીં નિહાળ્યું એવું વિરલ દૃશ્ય તો લખનૌમાં પણ હું ક્યારેય જોવા પામતો નથી. અરે, લખનૌની વાત ક્યાં કરું? મોટાં-મોટાં રજવાડાંઓ અને નવાબોને ત્યાં ખેરાત અપાતી જોઈ છે, પણ અહીંયાં જે જોયું એની બરોબરી કરવાની કોઈની હેસિયત નથી.’

મહેમાનને અધવચ્ચેથી જ બોલતાં અટકાવતાં નવાબ બોલ્યા, ‘ભાઈજાન, આપ મારા વધુપડતાં વખાણ કરી રહ્યા છો. હું તો ખુદાનો એક નાચીઝ ગુલામ છું.’

‘ભાઈજાન, આપને સારું લગાડવા માટે નથી કહી રહ્યો. હીરાને ‘હીરો’ કહેવામાં કંઈ તેની ખુશામત નથી થઈ જતી. હીરાને ‘હીરા’ તરીકે જે ન સ્વીકારે એ પાગલ છે, મૂરખ છે. મને તો ખાસ યાદ રહી ગઈ દાન દેવાની આપની અદા. દાન દેતી વખતે આપ આપનો જમણો હાથ જેટલો ઊંચો કરો છો એટલી જ નજર નીચી ઢાળી દો છો. મને તો એ જાણવું છે કે દાન દેવાની આ અદા આપ ક્યાંથી શીખ્યા?’

નવાબ તરત જ બોલી ઊઠ્યા, ‘ભાઈજાન, દાન દેતી વખતે હાથ હું એટલા માટે ઊંચો કરું છું કે દાન લેનારને ખ્યાલ આવે કે દાન તો ઉપરવાળો ખુદા દઈ રહ્યો છે; હું તો તેનો માત્ર કારભારી છું. પણ લોકો મારી વાત સમજતા જ નથી. મારા એ ઇરાદા તરફ આંખ આડા કાન કરે છે. એ લોકોનો એવો ભ્રમ હું ભાંગી શકતો નથી. એટલે હું શરમથી મસ્તક નીચું ઢાળી દઈ નજર પણ જમીન તરફ ખોડી રાખું છું.’

મહેમાન તો નવાબની વિચારસરણી જાણીને ખૂબ જ પ્રભાવિત થઈ ગયા. આ દાની નવાબ હતા હિન્દી સાહિત્યના મુલ્ક મશહૂર કવિ રહીમ.

- હેતા ભૂષણ