ભગવાન નીલવર્ણા શા માટે?

28 September, 2011 02:48 PM IST  | 

ભગવાન નીલવર્ણા શા માટે?

 

લાઇફ કા ફન્ડા


ભારતની સંસ્કૃતિ વિશે વિસ્તારપૂર્વક પ્રવચન પૂરું કર્યા પછી સ્વામીજીએ ત્યાં એકત્રિત થયેલા વિદ્યાર્થીઓને પૂછ્યું, ‘આપણે ત્યાં ચિત્રોમાં, શિલ્પોમાં તેમ જ પ્રતિમાઓમાં પ્રભુને નીલવર્ણના શા માટે આલેખવામાં આવે છે?’

પ્રશ્ન સાંભળીને સૌ ઊંડા વિચારમાં પડી ગયા. સૌ અંદરોઅંદર ધીમે-ધીમે એકબીજાને પૂછવા લાગ્યા, પણ પ્રશ્ન પુછાયે પૂરી પાંચ મિનિટ વીતી ગઈ છતાં કોઈ કરતાં કોઈ જવાબ આપી શક્યું નહીં.
‘શું આ પ્રશ્નનો જવાબ મેળવ્યા વિના જ મારે અહીંથી પાછા જવું પડશે?’ સ્વામીજીએ વિદ્યાર્થીઓ પ્રતિ વેધક દૃષ્ટિ ફેરવતાં પૂછ્યું.

સ્વામીજીનો આ પડકાર સાંભળીને એક દૂબળોપાતળો કિશોર ઊભો થયો. કિશોરને ઊભો થયેલો જોતાં જ સભામાં થતો ગણગણાટ શમી ગયો. નાનકડી ટાંકણી જમીન પર પડે તો પણ એનો અવાજ સ્પષ્ટ સંભળાય એવી શાંતિ સભાખંડમાં પથરાઈ ગઈ. વિદ્યાર્થીનો જવાબ સાંભળવા માટે નાના-મોટા સૌ એકકાન બની ગયા.

વિદ્યાર્થી વિનમ્ર સ્વરે જવાબ આપતાં બોલ્યો, ‘સ્વામીજી, પ્રભુનું રૂપ વિશાળ છે. તેમનો મહિમા અપાર છે. જેનું માપ કાઢી શકાય કે તાગ લઈ શકાય એવી કોઈ જ ભૌતિક વસ્તુ સાથે પરમેશ્વરની સરખામણી કઈ રીતે થઈ શકે? સ્વામીજી; નીલ રંગ વિસ્તાર, વ્યાપકતા, ઊંડાણ અને અનંતતાનો દ્યોતક છે. અગાધ આકાશનો રંગ પણ નીલો છે. આથી પ્રભુદર્શન કરનારા પ્રભુની વિશાળતા, વ્યાપકતા અને અનંતતાની સતત પ્રતીતિ કરી શકે એ હેતુથી પ્રભુની પ્રતિમા તેમ જ પ્રભુનાં ચિત્રોમાં પ્રભુનો રંગ નીલો આલેખાવા માંડ્યો.’

કિશોરનો આ જવાબ સાંભળીને સ્વામીજીની પ્રસન્નતાનો પાર રહ્યો નહીં. તેમણે તે વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવી બહુ-બહુ શાબાશી આપી. પછી અંતરના આશીવાર્દ આપતાં બોલ્યા, ‘ભાઈ, તારી બુદ્ધિશક્તિએ મને મુગ્ધ કરી દીધો છે. મને વિશ્વાસ છે કે તું જ્યારે પુખ્ત વયનો થઈશ ત્યારે ભારતની સંસ્કૃતિના પ્રચારમાં પણ તન-મન-ધનથી લાગી જઈશ. ભવિષ્યમાં બહુ મોટો માણસ બનીશ.’

અને ખરે જ સ્વામીજીના આશીવાર્દ ફળીભૂત થયા. પુખ્ત વયે એ યુવાન દેશસેવાના કામમાં લાગી ગયો. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેણે અત્યંત મહત્વનો ભાગ ભજવ્યો અને દેશ આઝાદ થયા પછી સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલનો હોદ્દો સંભાળ્યો. તે હતા ચક્રવર્તી રાજગોપાલાચારી.

- હેતા ભૂષણ