અમેઝિંગ થાઇલેન્ડમાં ટુમોરોલેન્ડ 2026ની ટ્રીપ પ્લાન કરવાની ટિપ્સ

23 June, 2026 06:56 PM IST  |  Pattaya | Gujarati Mid-day Online Correspondent

આ વર્ષે ટુમોરોલેન્ડ ‘લેન્ડ ઓફ સ્માઇલ્સ’ તરીકે ઓળખાતા થાઇલેન્ડમાં આવી રહ્યું છે. 11થી 13 ડિસેમ્બર, 2026 દરમિયાન પટાયાની નજીક ચોનબુરી ખાતે આવેલા વિઝડમ વેલીમાં યોજાનારો આ ટુમોરોલેન્ડનો એશિયામાં પ્રથમ સંપૂર્ણ સ્તરનો ફેસ્ટિવલ હશે.

અહીંનો સમુદ્ર તમારી આંખોમાં છવાઈ જશે એ ચોક્કસ - તસવીર સૌજન્ય પીઆર

ટુમોરોલેન્ડ એવો અનુભવ છે, જેના માટે લોકો ક્યારેક મહિનાઓ તો ક્યારેક વર્ષો સુધી આયોજન કરતા હોય છે. તેની પરીકથાની દુનિયાની યાદ અપાવતી ભવ્ય થીમ, કલાત્મકતા અને વૈભવથી સજ્જ વિશાળ સ્ટેજિસ તથા વિશ્વસ્તરીય EDM ડીજે લાઇનઅપ આ તમામ પ્રયત્નોને સાર્થક બનાવે છે. જ્યારે ટુમોરોલેન્ડ માત્ર બેલ્જિયમમાં જ યોજાતું હતું, ત્યારે તેમાં અંતર, ખર્ચ અને વિશેષ આયોજનનો એવો સમાવેશ થતો હતો કે ઘણા ભારતીય પ્રવાસીઓ માટે તે માત્ર એક સ્વપ્ન સમાન બની રહેતું.

પરંતુ આ વર્ષે ટુમોરોલેન્ડ ‘લેન્ડ ઓફ સ્માઇલ્સ’ તરીકે ઓળખાતા થાઇલેન્ડમાં આવી રહ્યું છે. 11થી 13 ડિસેમ્બર, 2026 દરમિયાન પટાયાની નજીક ચોનબુરી ખાતે આવેલા વિઝડમ વેલીમાં યોજાનારો આ ટુમોરોલેન્ડનો એશિયામાં પ્રથમ સંપૂર્ણ સ્તરનો ફેસ્ટિવલ હશે. પ્રકૃતિ, પર્વતો, પાણી અને ખુલ્લા નૈસર્ગિક વિસ્તારોની વચ્ચે આવેલું આ સ્થળ એક અનોખું ફેસ્ટિવલ ગ્રાઉન્ડ બની રહેશે. ટુમોરોલેન્ડ હંમેશાં ફેસ્ટિવલપ્રેમીઓને ધ્યાનમાં રાખીને ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે. બીજી તરફ થાઇલેન્ડમાં બધું વધુ સ્વાભાવિક અને જીવંત લાગે છે, જ્યાં સ્ટ્રીટ માર્કેટ્સ, બીચ ટાઉન્સ અને નાઇટલાઇફ એક જ વાર્તાના અલગ-અલગ પ્રકરણો બની જાય છે. આ બંનેનું મિલન એક સંપૂર્ણપણે અલગ પ્રકારનો અનુભવ સર્જશે. ભારતીય પ્રવાસીઓ માટે આ થાઇલેન્ડની મુલાકાતને વધુ યાદગાર બનાવવાની ઉત્તમ તક છે. ફ્લાઇટનો સમય ઓછો છે, પ્રવાસની વ્યવસ્થા સરળ છે અને અંતર કોઈ મોટો મુદ્દો નથી. વધુમાં, થાઇલેન્ડ નજીક હોવાથી આ સફરને લાંબા વેકેશનમાં પણ ફેરવી શકાય છે.

શહેરની મજા માણો

જો તમે થોડા દિવસ વહેલા પહોંચો તો આખો અનુભવ બદલાઈ શકે છે. વિશ્વભરમાંથી લોકો ટુમોરોલેન્ડ માટે આવવાનું શરૂ કરે તે પહેલાં જ બેંગકોક પહોંચી જવું અને શહેરને નજીકથી માણવું યોગ્ય રહેશે. અહીં ભવ્ય મંદિરોની બાજુમાં કાચથી બનેલી આધુનિક ઇમારતો ઊભી છે. લક્ઝરી મોલ્સની નજીક જ સ્ટ્રીટ ફૂડ વેચાણકર્તાઓ જોવા મળે છે અને શહેરનો સ્વભાવ ક્યારેક ધમધમાટભર્યો તો ક્યારેક શાંત અનુભવાય છે. ચાઓ ફ્રાયા નદીને નિહાળતા રૂફટોપ બાર્સ, તલાદ રોટ ફાઈ શ્રીનગરિન્દ્રા અને એશિયાટિક ધ રિવરફ્રન્ટ જેવા નાઇટ માર્કેટ્સ તેમજ નદી પરની ક્રૂઝ સવારી શહેરની લય સાથે તમને પરિચિત કરાવશે. બેંગકોકથી માત્ર બે કલાકના અંતરે આવેલા ચોનબુરી અને પટાયા, જ્યાં ફેસ્ટિવલ યોજાવાનો છે, તે માત્ર ટુમોરોલેન્ડની પૃષ્ઠભૂમિ નથી. સોનેરી દરિયાકિનારા, દરિયાઈ બોટમાંથી સીધું પીરસાતું તાજું સીફૂડ અને મોડી રાત સુધી જીવંત રહેતી નાઇટલાઇફ આ વિસ્તારને વિશેષ બનાવે છે. ફ્લોટિંગ માર્કેટ્સ પાણી પર ચાલતા રોજિંદા જીવનની ઝલક આપે છે, જ્યારે ‘સેન્ક્ચુઅરી ઓફ ટ્રુથ’ તેની અદભૂત લાકડાની કોતરણી માટે જાણીતું છે. દરિયાકિનારાના વ્યૂપોઇન્ટ્સ પરથી થાઇલેન્ડની ખાડીના વિશાળ દૃશ્યો જોવા મળે છે અને ટૂંકી બોટ સફર તમને કોહ લાર્ન લઈ જાય છે, જ્યાં નિર્મળ પાણી અને શાંત બીચિસ શહેરના ધમધમાટમાંથી થોડો વિરામ આપે છે. આ તમામ અનુભવો મળીને ફેસ્ટિવલ સ્થળને પણ સફરનો એક મહત્ત્વનો ભાગ બનાવી દે છે, જ્યાં ટુમોરોલેન્ડનો ઉત્સાહ અને થાઇલેન્ડનું દરિયાકિનારાનું સૌંદર્ય એકબીજા સાથે ભળી જાય છે.

વધુ દિવસ રોકાઓ, અલગ રીતે થાઇલેન્ડને જાણો

ભલે તમારી સફરની શરૂઆત ટુમોરોલેન્ડથી થતી હોય, પરંતુ થાઇલેન્ડ પોતે જ એક મોટી વાર્તા છે. સંગીતના સૂર શમી જાય પછી પણ આ દેશ તમને થોડો વધુ સમય રોકાવા આમંત્રણ આપે છે. થાઇલેન્ડ તમારી સફરને સ્વાભાવિક રીતે આગળ વધારવાની તક આપે છે. તરત પરત ફરવાને બદલે આ પ્રવાસને વધુ વિસ્તારી શકાય છે. ક્રાબી તમને પ્રકૃતિની વધુ નજીક લઈ જાય છે. ફિરોઝી પાણીમાંથી ઊભા થતા ચૂનાપથ્થરના ઊંચા ખડકો, છુપાયેલા ખાડીઓ અને એકાંત દરિયાકિનારાઓ વચ્ચે ફરતી લોંગટેઇલ બોટ્સ એક અલગ જ દુનિયાનો અનુભવ કરાવે છે. અહીં એવું લાગે છે કે ટુમોરોલેન્ડની ઊર્જા ધીમે-ધીમે શાંતિમાં પરિવર્તિત થઈ રહી છે. હુઆ હિનનો સ્વાદ થોડો અલગ છે. તેનું રાજવી વારસો અને જીવંત નાઇટ માર્કેટ્સ સંસ્કૃતિ અને રંગોથી ભરપૂર છે. અહીં જીવનની ગતિ ધીમી પડે છે, પરંતુ વાતાવરણની જીવંતતા યથાવત્ રહે છે. ઉત્તર થાઇલેન્ડ પણ એક અલગ અનુભવ આપે છે. ચિયાંગ માઈ તેની હરિયાળી અને શાંત ગતિ માટે જાણીતું છે. ટુમોરોલેન્ડના ઊર્જાસભર અનુભવ પહેલાં કે પછી સંતુલન મેળવવા માટે આ વિસ્તાર ઉત્તમ છે.

ભારતીય પ્રવાસીઓ માટે ટુમોરોલેન્ડ ભલે આ પ્રવાસનું મુખ્ય કારણ હોય, પરંતુ આખી સફરને માત્ર ફેસ્ટિવલ સુધી મર્યાદિત રાખવી યોગ્ય નથી. થાઇલેન્ડમાં કોન્સર્ટ તો માત્ર સમગ્ર અનુભવનો એક ભાગ છે. બેંગકોકની ગલીઓ, ઉત્તર થાઇલેન્ડની શાંતિ અને દક્ષિણના ટાપુઓ – આ બધું મળીને એવી સફર રચે છે જે સ્ટેજની સીમાઓને ઘણી પાછળ છોડી દે છે.અહીં આવીને જ આ પ્રવાસનું સાચું સંતુલન મળે છે, જ્યાં ફેસ્ટિવલના ઉત્સાહ અને સંવેદનાઓના અતિરેકને સમુદ્રની શાંતિ સાથે માણી શકાય છે. 

international travel food travelogue travel news thailand