સેલિબ્રિટી કપલ્સ વચ્ચે પણ આપણા જેવું જ હોય છે બધું

06 February, 2025 12:10 PM IST  |  Mumbai | Ruchita Shah

થોડાક સમય પહેલાં એક ઇન્ટરવ્યુમાં જાણવા મળ્યું કે ચેસ ચૅમ્પિયન વિશ્વનાથન આનંદની વાઇફે સિલી મિસ્ટેકને કારણે ગેમ હારેલા પતિને ૫૦ પુશઅપ્સની સજા આપેલી

ગૌરી અને હિતેન તેજવાણી, દિશા પરમાર અને રાહુલ વૈદ્ય અને મેહુલ અને અલ્પના બુચ

થોડાક સમય પહેલાં એક ઇન્ટરવ્યુમાં જાણવા મળ્યું કે ચેસ ચૅમ્પિયન વિશ્વનાથન આનંદની વાઇફે સિલી મિસ્ટેકને કારણે ગેમ હારેલા પતિને ૫૦ પુશઅપ્સની સજા આપેલી. ગમેતેટલો મોટો સ્પોર્ટ્સ પર્સન હોય કે ભલેને ગમેતેવી સફળતાની હૉટ સીટ પર પુરુષ બેઠો હોય, પણ પત્ની સામે તો ભલભલા પતિદેવોએ પાણી ભરવું જ પડે. આ વાતના ખરાખોટાનાં પારખાં કરવા અમે ત્રણ જુદા-જુદા એજ ગ્રુપની સેલિબ્રિટીઝ સાથે વાતોનાં વડાં કર્યાં અને જાણ્યું કે તેમના કેસમાં કયા સંજોગોમાં પત્નીઓ બાજી મારી જાય છે. તેમણે કહેલી હળવાશભરી મજાની વાતો જાણીને દરેક પરણેલા પુરુષના હૈયે હાશકારો ન થાય કે દરેક પત્નીનું સવા શેર લોહી ન વધે તો કહેજો

જો તમે ‘પુષ્પા પાર્ટ ટૂ’ ફિલ્મ જોઈ હોય તો આજના વિષયને સારી રીતે સમજી શકશો અને સાથે જો તમે પરણેલા પણ હશો તો આજના વિષયને વાંચીને તમને હૈયે પારાવાર ધરપત પણ થવાની છે. જે પુષ્પા ધ વાઇલ્ડ ફાયર જમીન પર પગ પછાડે અને ધરતી હલવા માંડે અને એકલા હાથે હજારો ગુંડા સામે લડી શકે તે પત્નીની રસોઈમાં મીઠું વધારે છે એવું કહેવાની ભૂલ કરે છે અને ઘરમાં જે આફત આવે છે! પતિ-પત્નીના સંબંધમાં આવા કિસ્સાઓ હંમેશાં હળવાશભરી રમૂજ સાથે કહેવામાં આવ્યા છે અને ક્યાંકને ક્યાંક બન્ને વચ્ચેના રોમાંચને અકબંધ રાખવાનું કામ પણ આવા જ કિસ્સાઓએ કર્યું છે. કપલ વચ્ચેનો આવો મીઠો છતાં સ્પાઇસી કકળાટ દામ્પત્યજીવનમાં મધુરતા રેલાવનારો હોય છે અને એટલે જ પત્નીથી ડરતો પતિ સહેજ પણ સંકોચ વિના એ ડરનો એકરાર કરી શકે છે અને પતિને સુધારવા માટે પત્ની દ્વારા થતા પ્રયાસોને પત્ની મુક્તપણે કહી શકે છે. ભારતીય ચેસ ઇતિહાસમાં લેજન્ડ ગણાતા વર્લ્ડ ચૅમ્પિયન વિશ્વનાથન આનંદનાં ધર્મપત્નીએ થોડાક સમય પહેલાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સિલી મિસ્ટેકને કારણે આર્જેન્ટિનામાં વિશ્વનાથન ગેમ હારી ગયા એટલે મેં તેને ૫૦ પુશઅપ્સ પછી જ જમવાનું મળશે એવી પનિશમેન્ટ આપી હતી અને વિશ્વનાથને હોંશે-હોંશે એ પનિશમેન્ટને પૂરી પણ કરી હતી. મેન્ટલ સ્ટ્રેસને ટૅકલ કરવાના ભાગરૂપે વિશ્વનાથન આનંદની વાઇફે આપેલી આ પનિશમેન્ટ પાછળ ઇન્ટેન્શન સારો હતો અને મોટા ભાગની પત્નીઓ પતિથી નારાજ થાય અથવા તો તેમને કંઈક કરવા માટે ફરજ પાડે ત્યારે તેમનું ધ્યેય તો પતિનું હિત જ હોય છે અને એટલે જ આવી બાબતો પતિ-પત્નીના સંબંધમાં એક નવો ચાર્મ ઉમેરવાનું કામ કરતી હોય છે. આજે કેટલાંક સેલિબ્રિટી કપલ્સ પાસેથી તેમના વ્યક્તિગત અનુભવો વિશે જાણીએ.

સજાની શું જરૂર છે? મારી તો માત્ર એક નજર જ કાફી છે- ગૌરી અને હિતેન તેજવાણી 

પત્ની પર્ફેક્શનિસ્ટ હોય અને પતિદેવને જે વસ્તુ જ્યાંથી લીધી હોય ત્યાં પાછી મૂકવાની આદત ન હોય ત્યારે એ ઘરનું વાતાવરણ કેવું હોય એ જોવું હોય તો સેલિબ્રિટી કપલ હિતેન તેજવાણી અને ગૌરી પ્રધાનના ઘરે જવું પડે. વીસ વર્ષનું લગ્નજીવન અને પંદર વર્ષનાં ટ્વ‌િન્સ બાળકોના પેરન્ટ્સ બની ગયા પછી પણ તેમની વચ્ચેની મીઠી નોક-ઝોકમાં પત્ની દ્વારા પતિને મળતી 
પનિશમેન્ટનો સિલસિલો અકબંધ છે. હિતેન કહે છે, ‘બીજાં કપલ કરતાં અમારી વચ્ચે થતી નોક-ઝોકનું પ્રમાણ ઓછું છે, કારણ કે હું દરેક પતિએ પાળવા જેવા બે યુનિવર્સલ નિયમનું પાલન કરું છું અને એ છે વાઇફ ઇઝ ઑલ્વેઝ રાઇટ અને થૅન્ક યુ વેરી મચ. મારી પત્નીએ કહ્યું એટલે પથ્થરની લકીર. એમાં કોઈ આર્ગ્યુમેન્ટ જ નહીં કરવાની. અને તેના દરેક સપોર્ટ માટે સતત આભાર માનતા રહેવાનો. હા, અમારી વચ્ચે એવું બન્યું છે કે હું ઘરે પહોંચવામાં મોડો પડ્યો હોઉં અને જો મેં ઇન્ફૉર્મ ન કર્યું હોય તો એ રાત મારે લિવિંગ રૂમમાં જ વિતાવવી પડે. અને સાચું કહું તો પહેલાં કરતાં હું વધુ બેટર પર્સન બન્યો છું માત્ર ગૌરીને કારણે. આજે પણ જો ગૌરી બે દિવસ ન હોય તો મારા માટે ઘરમાં પણ સર્વાઇવ કરવું અઘરું થઈ જાય એટલું બધું તે મને સાચવે છે.’
‘મારાં પંદર વર્ષનાં બાળકો હિતેન કરતાં વધુ સ્વાવલંબી છે,’ એવી રમૂજ કરતાં ગૌરી કહે છે, ‘હિતેનના કબાટને તમે ખોલો અને જો કપડાંનો ઢગલો તમારા પર ન પડે તો નવાઈ નહીં એવી હાલત હતી. જોકે હવે એ સ્થિતિ મેં બદલી છે. અફકોર્સ, હિતેનને પોતાની મેળે કપડાં કાઢવાની મનાઈ છે કારણ કે એ એક શર્ટ કાઢવા જશે અને બાકીનાં બધાં કપડાંની ગડી બગાડી દેશે. મોડે સુધી ઊઠવાનું નહીં, ઊઠ્યા પછી રેડી નહીં થવાનું જેવા કેટલાક મુદ્દા છે જેમાં હું અકળાઉં પણ હવે તો મારે ખિજાવાની પણ જરૂર નથી, એક આંખ જ કાફી છે. માત્ર એક નજર તેને જોઈ લઉં અને તેને પનિશમેન્ટ મળી ગઈ હોય અને મારું કામ થઈ જાય. કપલ વચ્ચે જ્યારે પ્રામાણિકતા અને અન્ડરસ્ટૅન્ડિંગ હોય ત્યારે જ આ સંભવ છે.’

મારા માટે  પનિશમેન્ટ એટલે કોઈ સારી ગિફ્ટ આપી દો એટલે મામલો સેટલ - દિશા પરમાર અને રાહુલ વૈદ્ય

૨૦૨૧ના જુલાઈમાં લગ્નસંબંધથી જોડાનારાં અને ૨૦૨૩માં એક દીકરીના પેરન્ટ્સ પણ બની ચૂકેલાં સિંગર રાહુલ વૈદ્ય અને ઍક્ટ્રેસ દિશા પરમાર વચ્ચેની નોક-ઝોકનો સૌથી મોટો મુદ્દો હોય છે ટાઇમ. રાહુલ એમાં પોતે જ વાંકમાં હોય એટલે કોઈ દલીલ કર્યા વિના દિશાને ખુશ કરવાના રસ્તા તેણે ગોતી લીધા છે. ટેસ્ટી ફૂડ અને કોઈ ગમતી ગિફ્ટ આ બેમાંથી જ્યારે જે પૉસિબલ હોય એ રાહુલ કરી દે એટલે મામલો સેટલ થઈ જાય છે. રાહુલ કહે છે, ‘આમ તો મારી પત્ની બહુ જ સમજદાર છે એટલે તે પોતે જ લાંબો સમય નારાજ નથી રહેતી. તેને કંઈક ખરાબ લાગે એટલે તે બોલવાનું ઓછું કરી નાખે એટલે મારે સમજી લેવાનું. હું ખૂબ કામમાં હોઉં અને તેને અને મારી દીકરીને સમય ન આપું એ વાતથી તે વધારે નારાજ થાય. જોકે અમે એક નિયમ રાખ્યો છે કે આજના ઝઘડાનું આજે જ સોલ્યુશન લાવી દેવાનું. ઝઘડો આવતી કાલ પર ન જવો જોઈએ એટલે કોઈ નારાજગી આવી પણ હોય તો એ લાંબી ન ટકે.’

આ વિષય પર દિશા કહે છે, ‘એક તો કામકાજના લોડ વચ્ચે રાહુલ ઘરે ઓછો સમય રહેતો હોય અને જ્યારે પણ ઘરે હોય ત્યારે મોટા ભાગનો સમય ફોન પર જ હોય. આ વાતથી હું ખૂબ અકળાઉં. જોકે કામને કારણે એનો કોઈ પર્યાય પણ નથી એ અમે બન્ને સમજતાં હોઈએ પણ આ કારણથી એ પછીયે અમારી વચ્ચે મીઠી નોક-ઝોક થઈ જતી હોય છે. બાકી તો બધી જ બાબતમાં તે પર્ફેક્ટ જ છે પણ હા, એક વાત એવી છે જેમાં કોઈ બદલાવ આટલાં વર્ષોમાં નથી આવ્યો અને એ એ છે કે તે જ્યારે પણ ઘરે હોય ત્યારે બે-બે કલાક બાથરૂમમાં પસાર કરે. ખબર નહીં આટલો ટાઇમ શેનો બાથરૂમમાં લાગતો હશે. આનું કોઈ સોલ્યુશન નહોતું દેખાતું એટલે બે બાથરૂમ બનાવી લીધા. હવે જેટલો ટાઇમ બાથરૂમમાં પસાર કરવો હોય એટલો કરો. મને કોઈ પ્રૉબ્લેમ નથી. કપલ વચ્ચે હંમેશાં નાની-નાની અપેક્ષાઓ હોય એ સ્વાભાવિક છે અને જરૂરી છે, જે કપલ વચ્ચેના સંબંધને હંમેશાં લાઇવ રાખે છે.’

એ દિવસ અને આજનો દિવસ, ખીચું તો મારે જાતે જ બનાવવું પડે છે- મેહુલ અને અલ્પના બુચ

ત્રીસ વર્ષનું લગ્નજીવન ધરાવતા હિન્દી ગુજરાતી ફિલ્મો અને નાટકના જાણીતા ચહેરા મેહુલ બુચ અને અલ્પના બુચમાં સૌથી મોટો ફરક હોય તો એ છે કે મેહુલભાઈનો ‘ઠીક છે, ચાલશે’ ઍટિટ્યુડ અને અલ્પનાબહેનનો પર્ફેક્શનવાળો મિજાજ. એ સિવાય ખાઈ-પી ને હરવાફરવાનો શોખ બન્નેને પણ મેહુલભાઈની અવ્યવસ્થિતતા તેમની વચ્ચે નોક-ઝોકનું કારણ બની જાય. જોકે એક વારની ભૂલની સજા મેહુલભાઈ કઈ રીતે આજ સુધી ભોગવી રહ્યા છે એની વાત કરતાં તેઓ કહે છે, ‘હું મારા જીવનના અનુભવો પરથી શીખ્યો કે સાહેબ, શક્ય હોય તો પત્નીની ભૂલ ક્યારેય ન કાઢવી. ખાસ કરીને તેણે બનાવેલા ભોજનની તો બિલકુલ નહીં. હું એનું પરિણામ ભોગવી ચૂક્યો છું. એમાં બન્યું એવું કે મને ખીચું ખૂબ ભાવે. તેણે મારા કહેવાથી ખીચું બનાવ્યું અને ઘણી વાર બનાવ્યું, પણ સાચું કહું તો મને તેણે બનાવેલું ખીચું બહુ ભાવે નહીં. જોકે દર વખતે હું મૂંગા મોઢે ખાઈ લઉં પણ એક દિવસ મારાથી કહેવાઈ ગયું કે અલ્પના, તું એક કામ કર કે ખીચું કોઈની પાસેથી શીખી લે અને મસ્ત ખીચું બનાવ, તારું ખીચું છે એ રિયલ ખીચું નથી. બસ, પત્યું. મારી એ ભૂલની સજારૂપે અલ્પનાએ મને એટલું જ કહ્યું કે આજ પછી મેહુલ, તારે ખીચું ખાવું હોયને તો જેની પાસેથી શીખવું હોય તેની પાસેથી શીખીને તારે પોતે બનાવી લેવાનું, મને તો આવું જ આવડે છે. અને છેલ્લાં આઠ-દસ વર્ષથી ખીચું હું જાતે જ બનાવીને ખાઉં છું. શરૂઆતમાં તો યુટ્યુબ પરથી ખીચું બનાવવાની રીત શીખ્યો અને આટલાં વર્ષોથી ખીચું બહુ જ ભાવે એટલે ખાવાની ઇચ્છા થાય ત્યારે રસોડામાં જવાનું અને જાતે ખીચું બનાવીને ખાવાનું. આવી એક આજીવન સજા મને મળી છે જે આજ સુધી ભોગવી રહ્યો છું અને જિંદગીભર ભોગવતો રહીશ, કારણ કે સામાન્ય સંજોગોમાં હું રસોડામાં જતો જ નથી.’

આ ઘટના વિશે જ્યારે અલ્પનાબહેનને અમે પૂછ્યું ત્યારે તેમની બાજુ પણ જાણવા જેવી હતી. તેઓ કહે છે, ‘પત્ની આટલી મહેનતથી કંઈ બનાવે તો એને અપ્રિશિએટ જ કરવાનું હોય. મને પોતાને જરાય ખીચું ન ભાવે અને જ્યારે પણ બનાવતી એ માત્ર મેહુલ માટે. હવે ફરક માત્ર એટલો કે હું સહેજ પાતળું ખીચું બનાવું અને તેને ઘટ્ટ હોય એવું ભાવે. આ જે કંઈ થયું એ એકંદરે સારું પણ થયું કે ક્યારેય રસોડામાં પગ નહીં મૂકનારો હવે મહિનામાં એક વાર કમ સે કમ ખીચું બનાવવા માટે રસોડામાં તો આવતો થયો.’ કપલ વચ્ચેનાં આવાં મધુર સંસ્મરણો જ દામ્પત્યજીવનને વધુ આનંદમય બનાવતાં હોય છે. અલ્પનાબહેન કહે છે, ‘એવા ઘણા કિસ્સા હોય જેમાં મોડે સુધી મિત્રો સાથે પાર્ટી કર્યા પછી મેહુલ ઘરે આવે અને કહે કે મીટિંગ ચાલતી હતી અને પછી પાછા પકડાઈ પણ જાય. બહાર નીકળ્યા હોય અને તબિયતનો વિચાર કર્યા વિના આડેધડ મીઠાઈઓ ખાય અને પછી ઘરે આવે ત્યારે કોઈ જુદી જ વાર્તા કરે. ગમે ત્યાં ગમે તે વસ્તુ મૂકે અને પછી જુએ જ નહીં. મારી એક ફરિયાદ છે કે છ ફીટની હાઇટના લેવલ પર જ મેહુલ વસ્તુઓ શોધે અને પોતાની સામે પડેલું વૉલેટ કે મોબાઇલનું ચાર્જર પણ તે જુએ નહીં ત્યારે હું ખિજાઉં. જોકે આ જ ચાર્મ છે જેણે ત્રીસ વર્ષથી અમને પ્રેમના બંધનથી બાંધીને રાખ્યાં છે.’

sex and relationships columnists ruchita shah gujarati mid-day celeb health talk