03 February, 2026 01:57 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
છેલ્લા એક વીકમાં મારી પાસે ચાર કેસ એવા આવ્યા જેમાં કપલ મા-બાપ ન બની શકતાં હોય. છેલ્લાં થોડાં વર્ષોથી આનું પ્રમાણ વધ્યું છે. મેડિકલ જર્નલની વાત કરું તો છેલ્લાં વીસ વર્ષમાં પશ્ચિમના દેશોમાં પુરુષોના સ્પર્મ-કાઉન્ટમાં ઑલમોસ્ટ પચાસથી સાઠ ટકાનો ઘટાડો થયો છે તો છેલ્લાં દસ વર્ષમાં આપણે પણ એ જ સ્તર પર પહોંચી ગયા છીએ અને અફસોસની વાત એ છે કે મેટ્રોમાં રહેતા પુરુષોમાં ગ્રામીણ વિસ્તારની સરખામણીએ ફાધર ન બની શકવાનું પ્રમાણ મોટી માત્રામાં બહાર આવ્યું છે. આ માટેનાં કારણો પર કામ કરવાનો સમય આવી ગયો છે અને એનું પહેલું કારણ છે, લાઇફસ્ટાઇલ.
મોડે સુધી જાગવું, મહદ અંશે બેઠાં-બેઠાં જ કામ કરવું, જન્ક ફૂડ અને વ્યસન સૌથી મોટાં દૂષણ તો છે જ પણ સાથોસાથ પૉલ્યુશન અને અલગ-અલગ પ્રકારના કેમિકલ્સના સંપર્કમાં આવતા રહેતા હોવાથી પણ સ્પર્મ-કાઉન્ટ પર મોટી માત્રામાં વિપરીત અસર જોવા મળે છે. સ્ટ્રેસ-લેવલ પણ હવે ખૂબ વધી ગયું છે. સ્ટ્રેસ હૉર્મોન્સનું સંતુલન ખોરવી નાખે છે, જેને લીધે સ્પર્મ-કાઉન્ટ પર નેગેટિવ અસર પડે છે. આ ઉપરાંત એક અગત્યનું કારણ.
મોબાઇલ અને લૅપટૉપ.
પૅન્ટના પૉકેટમાં રાખવામાં આવતો મોબાઇલ કે ખોળામાં રાખીને લૅપટૉપ પર કામ કરવાની જે આદત છે એ બહુ ખરાબ છે. આ ગૅજેટ્સ દ્વારા ઊભી થતી ગરમીની સીધી અસર
સ્પર્મ-કાઉન્ટ પર પડે છે. પહેલાં પણ આ કહેવાયું છે અને લોકોએ એ વાતને હસી કાઢી છે પણ અહીં જે કહેવાય છે એ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી વાત છે એટલે જો એ પ્રકારનો ઉપયોગ કરવાની આદત હોય તો એને ટાળવી ખૂબ જરૂરી છે.
સ્પર્મ-કાઉન્ટ વધારવા માટેના રસ્તાઓ છે પણ એનો પહેલો નિયમ છે લાઇફસ્ટાઇલને વ્યવસ્થિત કરવી અને બેઠાડુ જીવન છોડવું. હળવી કસરત અને રોજની સાતથી આઠ કલાકની ઊંઘથી સ્પર્મ-કાઉન્ટને થતું નુકસાન અટકે છે તો અશ્વગંધાનું સેવન ટેસ્ટોસ્ટેરોન લેવલ સુધારવા માટે ઉપયોગી છે. આ ઉપરાંત સફેદ મૂસળીનો ઉપયોગ કરવાથી સ્પર્મની ક્વૉલિટીમાં સુધારો થાય છે. લીલી શાકભાજી, વિટામિન C અને E યુક્ત ફ્રૂટ્સ, અખરોટ, પમ્પકિન સીડ્સ પણ ખૂબ જ લાભદાયી છે, પણ જો વ્યક્તિ આ બધું કરતી હોય અને એ પછી પણ કોઈ ફરક ન દેખાતો હોય તો તેણે એક્સપર્ટની ઍડ્વાઇઝ કે ફૅમિલી ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આ એક એવી સમસ્યા છે જેના માટે સમયસર જાગી જવું, સમયસર સુધરી જવું બહુ જરૂરી છે.
ગ્રામીણ લાઇફસ્ટાઇલ ધરાવતા લોકોને મેટ્રોના પુરુષો જેટલી હાડમારી નહીં હોવાને લીધે ત્યાં હજી આ પ્રશ્ન વિકરાળ થયો નથી.