14 June, 2023 04:00 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારી ઉંમર ૬૦ વર્ષ છે. મારો હોલસેલનો વેપાર છે, પણ હવે દીકરાઓ જ એ બિઝનેસ સંભાળે છે એટલે હું મોટા ભાગે નિવૃત્ત જીવન જીવું છું. મને રાતે કપડાં વિના સૂવાની આદત છે. વાઇફને એ ગમતું નથી, પણ કપડાં સાથે મને ઊંઘ આવતી નથી. મારી આ આદતને લીધે મને પ્રશ્ન થાય છે કે આપણે અન્ડરવેઅર શા માટે પહેરવી જોઈએ? એ પહેરવાના ફાયદા છે કે પછી એમ જ પ્રથા છે એટલે બધા પહેરે છે? હું થોડા સમયથી શિશ્નોત્થાન માટેની મેડિસિન લઉં છું. એ પછી પેટમાં આગ લાગી હોય એવી ઍસિડિટી થાય છે. એનો કોઈ ઉપાય છે? - બોરિવલી
અન્ડરવેઅર કે લંગોટ પહેરવાનો ફાયદો એ છે કે વધુ વજન ઊંચકવાનું બને ત્યારે કે પછી જો અન્ડરવેઅર બરાબર ટાઇટ પહેરી હોય તો હર્નિયા જેવી તકલીફ ન થાય. પુરુષોની વાત કરું તો અંડકોષ અને ઇન્દ્રિય બન્ને છૂટા હોય છે એટલે એ અનાયાસ પણ અથડાવાનો ભય રહે છે, જે કોઈ વખત હાનિકારક નીવડી શકે છે અને એવી ઈજા વિશે જાહેરમાં બોલી પણ શકાય નહીં. આ કારણે અન્ડરવેઅર પહેરવી જરૂરી છે. પણ હા, અન્ડરવેઅર રાતે સૂતી વખતે કાઢી નાખવી હિતાવહ રહેશે. છોકરાઓ અને છોકરીઓએ અન્ડરવેઅર રાતના સમયે કાઢી નાખવી જોઈએ. રાતના સમયે ઇન્દ્રિયને બંધનમાં રાખવી યોગ્ય નથી.
ઘણા ફિલ્મસ્ટાર રાતે અન્ડરવેઅર નથી પહેરતા. એટલું જ નહીં, તેઓ ટોટલી બર્થસૂટમાં જ સૂએ છે એટલે કે શરીર પર એક પણ કપડું પહેરતા નથી. એટલે તમે કંઈ એવું નથી કરતા જે બીજા કોઈ પ્લૅનેટની વાત સમાન હોય. પણ હા, તમે ક્યાં રહો છો, તમારું ઘર કેવડું છે અને એમાં કેવી સગવડો છે એ મહત્ત્વનું છે. ઉંમર હવે વધી રહી છે એટલે જો આ આદત ધીમે-ધીમે બદલો તો એ સારું છે. ઇમર્જન્સીના સમયમાં તમે આ અવસ્થામાં સૂતા હો તો તમારાં વાઇફ કોઈને રૂમમાં તરત જ બોલાવી ન શકે કે પછી આવો કોઈ બીજો ભય તેના મનમાં હશે એટલે કદાચ તે તમને ના પાડતાં હશે. શિશ્નોત્થાન માટેની દવાથી પેટમાં બળતરાની થવાની ફરિયાદ સામાન્ય છે. એનું નિવારણ બહુ સહેલાઈથી થઈ શકે છે. તમારા ફૅમિલી ડૉક્ટરને જણાવો. તે ચોક્કસ તમને ઍસિડિટીની દવા આપશે.