ફિયાન્સે તેના એક્સ-બૉયફ્રેન્ડને ભૂલી નથી શકી

16 July, 2021 09:24 AM IST  |  Mumbai | Sejal Patel

મને લાગે છે કે તે જૂની રિલેશનમાંથી બહાર આવ્યા પહેલાં જ મારી સાથે લગ્ન કરી લેશે તો એની અસર અમારા લગ્નજીવન પર પણ પડશેને? શું કરવું?

પ્રતીકાત્મક તસવીર

ખૂબ જ ઑર્થોડોક્સ પરિવારમાં ઉછર્યો છું અને અત્યારે અરેન્જ્ડ મૅરેજ થવાનાં છે. સમસ્યા એ છે કે મારાં જેની સાથે અરેન્જ્ડ મૅરેજ થવાનાં છે તે છોકરી મૂડલેસ રહે છે. એનું કારણ તેના એક્સ સાથેનું બ્રેકઅપ છે એવું તેના દૂરના રિલેટિવ્સ તરફથી જાણવા મળ્યું છે. તેનું જે ડ્રાય વર્તન છે એ જોતાં આ વાત સાચી પણ લાગે છે. ખબર પડી છે કે તેનો એક્સ પરણી ચૂક્યો હોવાથી તે આ લગ્ન માટે તૈયાર થઈ છે. ત્યારે સવાલ એ થાય કે તે હજી પેલાને ભુલાવી નથી શકી એટલે દુખી રહે છે કે હું પસંદ નથી એટલે દુખી રહે છે? મને લાગે છે કે તે જૂની રિલેશનમાંથી બહાર આવ્યા પહેલાં જ મારી સાથે લગ્ન કરી લેશે તો એની અસર અમારા લગ્નજીવન પર પણ પડશેને? શું કરવું?

તમારું ઑબ્ઝર્વેશન અને તમને મળેલી વાયા વાયા ઇન્ફર્મેશન વચ્ચે મેળ ખાય છે એટલે એ વાતો સાચી માની લેવાનું મન થાય. જોકે જ્યારે લગ્ન જેવા જિંદગીભરના સંબંધની શરૂઆત આવી ધારણાઓ પર ન થવી જોઈએ. તમારો પરિવાર ઑર્થોડોક્સ હોય તો કદાચ તમે તેમની સાથે વાત ન કરી શકો, પરંતુ તમારી ભાવિ જીવનસંગિની સાથે તો આ બાબતે ક્લેરિટી હોવી મસ્ટ છે. 
ઉલટતપાસની દૃષ્ટિએ નહીં, પણ તેના મનની વાત તે મોકળાશથી કહી શકે એવું વાતાવરણ ઊભું કરીને તેની સાથે વાત કરો. બહાર ઓછી અવરજવર હોય એવી જગ્યાએ તેને લઈ જાઓ અને જાણવાની કોશિશ કરો કે શું તે તમારા સંબંધથી રાજી છે? જરૂર પડ્યે જૂના સંબંધની અસર તો મન પર નથીને? એવું પણ પૂછી લો. તમે તેના પાસ્ટને રિસ્પેક્ટ કરો છો અને એ પાસ્ટ ગમેએવો હોય એ સ્વીકારવાની તૈયારી સાથે આ વાત થવી જોઈએ અને એની પ્રતીતિ તમારી ફિયાન્સેને પણ થવી જોઈએ. બની શકે કે એક જ મુલાકાતમાં તે ખુલી ન શકે, તો બે-ત્રણ વાર મળો. ધારો કે તમારી શંકા સાચી નીકળે અને તે જૂના સંબંધને ભુલાવી ન શકી હોય તો એ જાણીને તમે તો સ્વસ્થતા જાળવો જ, પણ સાથે તેને પણ ધરપત આપો કે જ્યાં સુધી તે જૂના ફ્રેન્ડને ભૂલી ન શકે ત્યાં સુધી તમે રાહ જોવા તૈયાર છો. આ માટે બન્નેના પરિવારજનોને કઈ રીતે કન્વીન્સ કરવા એ વિચારવાનું રહે. આજના જમાનામાં ૨૩ વર્ષની ઉંમરના દીકરાને ઝટપટ પરણાવી દેવાની ઉતાવળ કોઈ વડીલ નહીં કરે. 

sex and relationships sejal patel