25 February, 2025 06:53 AM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
હમણાં મુંબઈના એક ફંક્શનમાં એક ભાઈ મળ્યા. વાત-વાતમાં અચાનક જ એ ભાઈએ એક પ્રશ્ન કર્યો કે એવી કઈ એજ કે જ્યારે ઇન્ટિમેટ થવાનું મન ન થાય? બાયોલૉજિકલ એવી કોઈ ઉંમર ક્યારેય પુરવાર નથી કે ફલાણા કે ઢીંકણા વર્ષના થઈએ એટલે ફિઝિકલ રિલેશનની ઇચ્છાઓ બંધ થઈ જાય પણ હા, બૉડીમાં હૉર્મોનલ ચેન્જિસ શરૂ થયા પછી ઇચ્છા ઓછી થવા લાગે. પણ આ વાત વ્યક્તિએ-વ્યક્તિએ અલગ હોઈ શકે છે. એટલે એ ભાઈને મેં સવાલ કર્યો કે આવું પૂછવાનું કારણ શું? તો જવાબ મળ્યો કે મૅરિડ એવા એ ભાઈને ઇન્ટિમેટ રિલેશન માટે સહેજ પણ મન નથી થતું. તેમની ઉંમર જાણીને તમને પણ નવાઈ લાગશે. એ મહાશયની ઉંમર માત્ર ૩૯ વર્ષની હતી.
ઉંમરના આ તબક્કે સાવ જ કામેચ્છા ન થતી હોય એ નૉર્મલ તો નથી જ. કામેચ્છા ઘટવાનાં કારણોની તપાસ કરીને એને દૂર કરવાના પ્રયત્નોથી જરૂર ફાયદો થઈ શકે છે. કામેચ્છા નબળી પડવા પાછળ અનેક કારણો કામ કરતાં હોય છે. કેમ અને ક્યારથી આવું થઈ રહ્યું છે એનું યોગ્ય નિદાન થવું જરૂરી છે.
વ્યક્તિને બીજી કોઈ તકલીફ નથી એવું દેખાતું હોય તો જીવનમાંથી રસ ઊડી જવાની વાત કેટલેક અંશે ડિપ્રેશનનાં લક્ષણો સૂચવે છે. બીજી શક્યતા એ પણ સૂચવે છે કે બે-ચાર વાર ઉત્તેજના બરાબર ન આવવાથી ઍન્ગ્ઝાયટીને કારણે ઇચ્છા જ ન થતી હોય પણ એ અનિચ્છાને આધીન થઈને રહેવું વાજબી નથી. આવું થવાનું કારણ શું છે એનું તાત્કાલિક નિદાન થવું જોઈએ અને બૉડી-સાઇકલને એની જરૂરિયાતની દિશામાં વાળવી પણ જોઈએ.
જાણીતા સેક્સોલૉજિસ્ટ પ્રકાશ કોઠારી કહે છે કે કામેચ્છા બે પગ વચ્ચે નહીં, બે કાન વચ્ચે પેદા થાય છે. કામેચ્છા કુદરતી અને કૉમ્પ્લેક્સ બાબત છે. એની પાછળ માત્ર શારીરિક જ નહીં, માનસિક અને પર્સનલ રિલેશનને લગતાં ઘણાં પરિબળો કારણભૂત હોઈ શકે છે. અફસોસની વાત એ છે કે મુંબઈમાં આ પ્રકારના કિસ્સાઓ હવે સામાન્ય થવા માંડ્યા છે, જેનું મેઇન કારણ મુંબઈની સ્ટ્રેસફુલ લાઇફ અને ભાગદોડવાળી જિંદગી છે. જો નાની ઉંમરે આવો કોઈ પ્રૉબ્લેમ દેખાય તો સેક્સોલૉજિસ્ટને મળવામાં પણ સંકોચ ન રાખવો જોઈએ. વાત વધી જાય અને પર્સનલ રિલેશનશિપ સ્પૉઇલ થવા સુધી પહોંચી જાય એના કરતાં બહેતર છે કે આ પ્રકારની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ શોધવું.