લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં આત્મીયતા કેવી રીતે ટકાવવી અને ફરિયાદો કેવી રીતે ઓછી કરવી?

07 September, 2026 04:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં અંતર સાથે એકલતા, અસુરક્ષા અને ફરિયાદો વધી શકે છે. આવી સ્થિતિમાં ક્વૉલિટી ટાઇમ, વિશ્વાસ, સ્પષ્ટ અપેક્ષાઓ અને ફિઝિકલ રીયુનિયનનું પ્લાનિંગ આત્મીયતા જાળવવામાં મદદરૂપ બને છે.

પ્રતીકાત્મક તસવીર

ગયા અઠવાડિયે ૨૮ વર્ષનો એક IT પ્રોફેશનલ મને રૂબરૂ મળ્યો. મૅરેજને માંડ દોઢ વર્ષ થયું હતું, પણ એ પછી જૉબના કારણે તેને બૅન્ગલોર રહેવું પડે છે અને તેની પત્ની સુરતમાં છે. તેનું કહેવું હતું કે અમારી વચ્ચે પ્રેમ ખૂબ છે, પણ આ લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ હવે અસહ્ય બની રહી છે. ફોન કે વિડિયો-કૉલ પર વાત શરૂ થાય કે તરત જ એકબીજાને સમય ન આપવાની ફરિયાદો અને ઝઘડા શરૂ થઈ જાય છે. શારીરિક નિકટતાના અભાવે માનસિક અંતર પણ વધતું જાય છે. આ સ્થિતિમાં આત્મીયતા કેવી રીતે ટકાવવી?
આ જે પ્રશ્ન છે એ આજના ગ્લોબલ અને કરીઅર-ઓરિએન્ટેડ કપલમાં બહુ કૉમન બની ગયો છે. ફિઝિકલ ડિસ્ટન્સ જ્યારે વધે ત્યારે માણસનો સ્વભાવ છે કે તેના સબકૉન્શ્યસ માઇન્ડમાં ઇનસિક્યૉરિટી, ડાઉટ્સ અને એકલતા જન્મે. સ્પર્શ અને પ્રત્યક્ષ હાજરીની હૂંફ જ્યારે ન મળે ત્યાં સુધી નાની વાતો પણ મોટો વિવાદ બની જાય, પણ અનિવાર્ય હોય એવા સમયે આત્મીયતા ટકાવવા અને ફરિયાદો ઓછી કરવાના રસ્તા વાપરી શકાય. એમાં સૌથી પહેલો છે રસ્તો છે ક્વૉલિટી અને ક્વૉન્ટ‌િટીનો.
આખો દિવસ સતત મેસેજ કરવા કે તું ક્યાં છે, શું કરે છે એ સામેવાળી વ્યક્તિને મૂંઝવણ આપી શકે. દિવસમાં કલાકો સુધી યાંત્રિક વાત કરવા કરતાં અડધો કલાક એવો સમય ફાળવો જેમાં માત્ર પ્રેમ, લાગણી અને દિવસભરના સારા અનુભવોની જ વાત થાય. આ ઉપરાંત ડિજિટલ સ્પેસમાં નિકટતા લાવવી જોઈએ. 
વિડિયો-કૉલથી એ નિકટતા આવી શકે તો સાથોસાથ ઑનલાઇન મૂવી જોવી, ગેમ રમવી, એક જ પ્લે-લિસ્ટ પર મનગમતાં ગીતો શૅર કરવા જેવી પ્રવૃત્તિઓ કરવાથી એકબીજાનો સાથ અનુભવી શકાય છે. અપેક્ષાઓની વાસ્તવિકતા અને સ્પષ્ટતાઓ પણ થવી જોઈએ. ફરિયાદો ત્યારે જ જન્મે જ્યારે અપેક્ષાઓ અવાસ્તવિક હોય. બન્ને સાથીઓએ એકબીજાના વર્ક-શેડ્યુલ, થાક અને અંગત સ્પેસનો આદર કરવો પડશે. જો પાર્ટનર કોઈ સમયે ફોન ન ઉપાડી શકે તો એને ઉપેક્ષા કે પ્રેમ ઓછો થવાનું પ્રમાણપત્ર ન સમજી શકાય અને એનાથી ઊલટું પણ જો પાર્ટનરને કોઈ સમયે જરૂર હોય તો એની અપેક્ષા વધારે પડતી છે એવું માનવું ગેરવાજબી છે. આ ૩ વાત પર ધ્યાન આપવા ઉપરાંત સૌથી મહત્ત્વની વાત છે ફિઝિકલ રીયુનિયનનું પ્લાનિંગ. 
ડૉ. પ્રકાશ કોઠારી અને મુક્ત ચિંતક રજનીશજીના વિચારો મુજબ અંતર શરીરનું હોઈ શકે, મનનું નહીં. સંબંધોમાં ભૌગોલિક આઝાદી ભલે હોય, પરસ્પર વિશ્વાસ અને ઔચિત્ય (મર્યાદા)ની લક્ષ્મણરેખા જળવાવી અનિવાર્ય છે.
નિષ્કર્ષ એ જ છે કે અંતર સંબંધને તોડવા માટેનું કારણ નથી, પરસ્પરના વિશ્વાસ અને પરિપક્વતાની કસોટી છે. એકબીજા પર આરોપ મૂકવાને બદલે સમજદારીપૂર્વક હૂંફ આપવી એ જ આ સંબંધને જીવંત રાખવાની સાચી ચાવી છે.

-ડૉ. મુકુલ ચોકસી

lifestyle news life and style relationships sex and relationships gujarati mid day