લિવ-ઇનમાં રહીને પરસ્પરને ચાન્સ આપવાનું યોગ્ય છે?

19 March, 2021 01:11 PM IST  |  Mumbai | Sejal Patel

લગ્નમાં બન્ને વ્યક્તિ પરસ્પરની અને પરિવારની સહમતીથી સમાજની હાજરીમાં એકમેકને જીવનસાથી તરીકે પસંદ કરે છે અને પછી સહજીવન શરૂ કરે છે

પ્રતીકાત્મક તસવીર

મારો પરિવાર વાપીમાં છે અને મારું ભણવાનું પૂરું કરીને બે વર્ષથી હું જૉબ માટે મુંબઈ રહું છું. ઑફિસના ફ્રેન્ડ થકી મળેલી છોકરી સાથે પ્રેમમાં છું. અમારા વિચારો મળતા આવે છે, પરંતુ બન્નેની જીવનશૈલી ભિન્ન છે. અમે બન્ને વર્કિંગ હોવાથી મળવાનો અને સાથે ફરવાનો સમય પણ નથી મળતો. એ જ કારણોસર વિચારી રહ્યાં છીએ કે લિવ-ઇનમાં રહીશું તો પરસ્પરને વધુ જાણી શકીશું. મારા પેરન્ટ્સ તો એ માટે જરાય તૈયાર નહીં થાય, પણ મૉડર્ન હોવા છતાં એ છોકરીના પેરન્ટ્સ પણ તૈયાર થાય એવું લાગતું નથી. અહીં અમે કોઈને કહ્યા વિના સાથે રહેવાનું શરૂ કરીએ એવો વિચાર પણ કરી રહ્યાં છીએ, પણ સમાજનો ડર લાગે છે. બીજી તરફ થાય છે કે અમે કંઈ પહેલાં લિવ-ઇનમાં રહેવાવાળાં થોડાં છીએ?

લગ્નમાં બન્ને વ્યક્તિ પરસ્પરની અને પરિવારની સહમતીથી સમાજની હાજરીમાં એકમેકને જીવનસાથી તરીકે પસંદ કરે છે અને પછી સહજીવન શરૂ કરે છે. તમારે સહજીવન પહેલાં શરૂ કરવું છે અને પછી જો ગાડું બરાબર ચાલ્યું તો લગ્ન કરીશું એવું માનો છો. લિવ-ઇનમાં સમાજ અને કાયદાનું બંધન ન હોવાથી ન ફાવ્યું તો હું મારા રસ્તે અને તું તારા રસ્તે. આવી છટકબારી હોવાને કારણે સહજીવનની શરૂઆત જ ખોટી સમજણથી શરૂ થાય છે. તમે લગ્ન કરીને સાથે રહો કે લિવ-ઇનમાં, જો એકબીજાની મર્યાદાઓનો સ્વીકાર કરવા જેટલી સહિષ્ણુતા ન હોય તો બેમાંથી એકેય નથી ચાલતા. લગ્ન વ્યવસ્થા કેટલાક અંશે સહિષ્ણુતા કેળવાય એ માટેનું વાતાવરણ પૂરું પાડે છે, પણ લિવ-ઇનમાં ‘સ્વતંત્ર’ માઇન્ડસેટ સાથે આગળ વધો તો એમાં જરૂરી ઉષ્મા અને હૂંફની ગેરહાજરી વર્તાય છે. આજકાલ યુવાનો લિવ-ઇનને મૅરેજ પહેલાંની સંબંધોની ટેસ્ટ તરીકે વાપરવાનો વિચાર કરી રહ્યા છે. એ તેમની પસંદગી હોઈ શકે છે, પણ મને એવું લાગે છે કે જે કામ તમારે છુપાઈને કરવું પડે એ કદી ન કરવું. તમારી ઉંમર પણ કંઈ ૨૫ વર્ષથી વધુની હોય એવું મને નથી લાગતું ત્યારે એકમેકને સમજી લેવા સાથે રહેવાની ઉતાવળ શા માટે? એમ છતાં લિવ-ઇનમાં રહેવું જ હોય તો ઍટ લીસ્ટ બન્નેના પેરન્ટ્સને કૉન્ફિડન્સમાં લઈને કન્વિન્સ કરવાનું આવશ્યક છે.

Columnist SejalPatel sex and relationships