ગર્લફ્રેન્ડને સમજવી અઘરી છે એવું લાગે છે

02 June, 2023 04:05 PM IST  |  Mumbai | Sejal Patel

સ્ત્રીઓને માત્ર બોલીને પોતાના મનનો ભાર હળવો કરવો હોય છે. જ્યારે તે પોતાની સમસ્યાઓ વર્ણવતી હોય કે પોતાની નાજુક સાઇડને તમારી સામે છતી કરતી હોય ત્યારે તેને સલાહ નહીં,

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

કહેવાય છે કે સ્ત્રીઓને સમજવાનું બહુ અઘરું છે. મને એમ હતું કે મારી સાથે એવું નહીં થાય. જોકે હું છેલ્લાં ત્રણ વર્ષથી એક કમિટેડ રિલેશનશિપમાં છું અને અત્યારે કંઈક આવું જ અનુભવી રહ્યો છું. મારી ગર્લફ્રેન્ડ બહુ જ સેન્સિટિવ સેન્સિબલ છે. લાઇફ પ્રત્યે ગંભીર પણ ખરી. હું જ્યારે ઇમોશનલી ડાઉન હોઉં ત્યારે સતત મારા પડખે રહે અને હું ક્યાંક અટક્યો હોઉં તો એનો ઉકેલ પણ સરસ આપે. જોકે જ્યારે તે ડિસ્ટર્બ હોય ત્યારે શું કરવું એ સમજાતું નથી. એ વખતે તેની સેન્સિબિલિટી જાણે ગાયબ થઈ જાય છે. સૉલ્યુશન્સ આપું તો પણ તેને લાગે કે હું તેને સમજતો નથી. થોડા દિવસ પછી મેં જે ઉકેલ સૂચવેલો એ સારો હતો એવું તે સામેથી જ કહે, પણ જ્યારે તે ડિસ્ટર્બ હોય ત્યારે તેને એ વાત ઍક્સેપ્ટ કરવામાં જોર પડે. તે વગર કારણે રડે છે એ વાત પણ તેને ન સમજાવી શકાય. શું તે ડિપ્રેશનમાં છે એટલે આવું કરે છે? 

તમે જે વર્ણન કર્યું છે એ ડિપ્રેશનનું તો નથી, પણ એ સ્ત્રીસહજ સ્વભાવનું છે. છોકરીઓને સમજવી અઘરી છે એવું કેમ કહેવાય છે ખબર છે? જ્યારે તે ડિસ્ટર્બ હોય ત્યારે તેને શું જોઈએ છે એ સમજવામાં પુરુષો થાપ ખાઈ જતા હોય છે. સ્ત્રીઓ ઇમોશનલી ગવર્ન્ડ હોય છે. તેઓ જ્યારે ઇમોશનલી હાઈ લેવલ પર હોય, અકળાયેલી હોય, કોઈકના પર ગુસ્સો કરતી હોય, તેની સાથે જ ખોટું થઈ રહ્યું છે એવી ફરિયાદ કરતી હોય, કલીગ વિશે ઘસાતું બોલતી હોય, પોતાના કોઈ પણ પ્રૉબ્લેમ્સ વિશે વાત કરતી હોય ત્યારે તેને એ વખતે સલાહ, સૂચન કે સૉલ્યુશન્સ નથી જોઈતાં હોતાં. જ્યારે તે ઇમોશનલી વલ્નરેબલ હોય છે ત્યારે તેને પોતાની સાથે કોઈ છે એવો સધિયારો જોઈતો હોય છે. તેને માત્ર બોલીને પોતાના મનનો ભાર હળવો કરવો હોય છે. જ્યારે તે પોતાની સમસ્યાઓ વર્ણવતી હોય કે પોતાની નાજુક સાઇડને તમારી સામે છતી કરતી હોય ત્યારે તેને સલાહ નહીં, સુકૂનની જરૂર છે. તેના પ્રૉબ્લેમ્સને જસ્ટ સાંભળો. તે અકળાઈ હોય તો તેને કહો હા, સાચી વાત છે, અકળામણ થાય એવી જ સ્થિતિ છે. તેને લાગવું જોઈએ કે તેના જેવું ફીલ કરનાર કોઈક છે. બસ, એ સમય નીકળી જવા દો. થોડા સમય પછી તે મેન્ટલી સ્ટેબલ હોય ત્યારે તમે હળવેકથી એ જ વાત કાઢીને એ પ્રૉબ્લેમના સૉલ્યુશનની ચર્ચા કરો તો કદાચ એ ડિસ્કશન ફ્રૂટફુલ રહેશે.

columnists sejal patel sex and relationships