20 January, 2026 04:23 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
નવી જનરેશન પાસે ઘણું જ્ઞાન છે તો સાથોસાથ નવી જનરેશન પાસે પ્રશ્નો પણ ઘણા છે. હમણાં એક કપલ મળવા આવ્યું. વાઇફે સવાલ કર્યો કે શું હેલ્ધી રિલેશનશિપ માટે ફિઝિકલ ઇન્ટિમસી હોવી જરૂરી છે? બહુ મહત્ત્વનો કહેવાય એવો આ પ્રશ્ન અગાઉ પણ બેત્રણ વખત આંખ સામે આવ્યો હતો અને સૌથી અગત્યની વાત, દરેક વખતે આ પ્રશ્ન બાવીસ-પચીસ વર્ષની વ્યક્તિ દ્વારા જ પુછાયો છે.
એ સવાલનો જવાબ જાણતાં પહેલાં એક વાત સૌકોઈએ સમજી લેવી જોઈએ કે ફિઝિકલ રિલેશનશિપની અનિવાર્યતા દરેક વ્યક્તિએ બદલાતી હોય છે એટલે એનો કોઈ એક જવાબ ન હોઈ શકે પણ હા, એ નિશ્ચિત છે કે ફિઝિકલ રિલેશનશિપ અને એની જરૂરિયાત માટે પાર્ટનર પણ એ જ વિચારધારાનો હોવો ખૂબ જરૂરી છે. જો એકને એ આવશ્યક લાગે અને બીજાને એ બિનજરૂરી લાગતું હોય તો એ સંબંધોમાં સમય જતાં વિખવાદ કે અવિશ્વાસનો માહોલ ઊભો થઈ શકે છે એટલે એ યાદ રાખવું કે જાતીય સંબંધિત કોઈ પણ વિચાર કોઈ એકને આધીન નથી અને એમ છતાં કહેવાનું કે સંબંધોમાં ફિઝિકલ રિલેશનશિપ ન હોય તો ચાલી શકે પણ સંબંધોમાં વિશ્વાસ, પરસ્પર આદર, પારદર્શિતા અને ઇમોશનલ સપોર્ટ બહુ જરૂરી છે.
ઇન્ટિમેટ રિલેશનશિપ વિના સંબંધો ટકી શકે પણ જો ઉપર કહ્યા એ ચાર ગુણ સંબંધોમાં ન હોય તો એ રિલેશન સહેજ પણ ટકે નહીં. અનેક સંબંધો એવા છે જેમાં શારીરિક આકર્ષણ એકદમ બાહ્ય પરિબળ રહ્યું હોય અને એ પછી પણ તેમના સંબંધોની ખુશ્બૂ ઉમદા હોય. જેમ આ સત્ય છે એમ જ એ પણ સત્ય છે કે ફિઝિકલ રિલેશનશિપના અનેક ફાયદાઓ છે.
ફિઝિકલ રિલેશનશિપથી ઇમોશનલ બૉન્ડિંગ વધે છે, જે ટ્રસ્ટ વધારવાનું કામ પણ કરે છે. આ જ કારણે લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં સાઇકિયાટ્રિસ્ટ તરીકે સૂચન કરતો રહ્યો છું કે બન્નેએ ચોક્કસ સમયાંતરે પરસ્પર મળવું જોઈએ જેથી ટ્રસ્ટ અને ઇમોશનલ બૉન્ડિંગ અકબંધ રહે. ફિઝિકલ રિલેશનશિપની જરૂરિયાતને સાયન્સની નજરે જોઈએ તો ગમતી વ્યક્તિ સાથેના ઇન્ટિમેટ રિલેશનથી ઑક્સિટોસિન નામનું લવ-હૉર્મોન જન્મે છે જે મનને શાંતિ આપવાની સાથોસાથ સ્ટ્રેસ દૂર કરવાનું કામ પણ કરે છે અને આ લવ-હૉર્મોન કૉન્ફિડન્સ ડેવલપ કરવાનું કામ પણ કરે છે. આ કારણોસર પણ બે પાર્ટનર વચ્ચેની ફિઝિકલ રિલેશનશિપ હોય એ જરૂરી છે. ટૂંકમાં કહીએ તો ફિઝિકલ રિલેશન સંબંધોનો એક અગત્યનો ભાગ હોઈ શકે, સંપૂર્ણ સંબંધ નહીં. પણ હા, ભારતીય માનસિકતાને ધ્યાનમાં રાખીને કહેવું જોઈએ કે ફિઝિકલ રિલેશનશિપ સંબંધોને સંપૂર્ણ બનાવવાનું કામ ચોક્કસ કરે છે.