18 February, 2026 12:46 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
ન્યુ એજ પેરન્ટ્સનું પેરન્ટિંગ જૂની પેઢીના પેરન્ટિંગ કરતા ઘણું જુદું છે. એક સમય હતો જ્યારે પેરન્ટ્સ પોતાના પેરન્ટ્સ પાસેથી જ પેરન્ટિંગ શીખતા. આજના પેરન્ટ્સને પેરન્ટિંગ શીખવવા માટે પોતાના અનુભવોની સાથે-સાથે પ્રોફેશનલ્સ, ઇન્ટરનેટ, પેરન્ટિંગ બુક્સ અને બીજાં અઢળક રિસોર્સ છે. એક સમયે બાળકોને માથે ચડાવવાનું, પોસરાવવાનું કામ દાદા-દાદીનું મનાતું. દાદા-દાદી બાળકને માથે નહીં ચડાવે તો કોણ ચડાવશે એવું પણ કહેવાતું. પણ આજે સમય અને પેરન્ટિંગ બન્ને બદલાયાં છે ત્યારે ન્યુ એજ દાદા-દાદીના રોલ પણ બદલાયા છે. આ બદલાયેલા રોલ અને એ બદલાવની જરૂરિયાતને સમજીએ
તારાં મમ્મી આખો દિવસ સાસ-બહૂ સિરિયલ જોયા કરે છે. તેમના રૂમમાં ટીવી ચાલુ જ હોય, હું બેબીને થોડો સમય પણ તેમના રૂમમાં કેવી રીતે મૂકું? બાળકોને આ સિરિયલોથી તો દૂર જ રાખવાં જોઈએને? પણ તે સમજતાં જ નથી. એકાદ સિરિયલ જુએ તો ઠીક, આ તો આખો દિવસ સિરિયલો જ ચાલ્યા કરે. એક પતી જાય પછી રિપીટ ટેલિકાસ્ટ ચાલ્યા કરે. હું બાળકને તેમના રૂમમાં નહીં જવા દઉં, ભલે તેમને લાગે કે વહુ કેટલી ખરાબ છે! હું મારા બાળકને સિરિયલો નહીં જોવા દઉં.
પપ્પા નીચે બેબીને ફરવા માટે લઈ જાય છે એ ખૂબ સારું છે પણ તેનું ધ્યાન જ રાખતા નથી. બિલ્ડિંગના બધા છોકરાઓ બેબીને રમાડવા આવે તો તેમણે તેને ઊંચકવાની ના પાડવી જોઈએ એના બદલે તેઓ કોઈ પણ બાળકને રમાડવા દે છે. કાલે તો હદ થઈ ગઈ, શેરીના કૂતરાની પીઠ પર બેસાડીને બેબીને ફેરવતા હતા. આ તો સારું થયું મેં જોઈ લીધું. હવેથી તેમની સાથે નીચે ન મોકલીશ.
આપણી દીકરી સવા વર્ષની થઈ ત્યાં સુધી આપણે તેને ચૉકલેટ શું છે એ જ ખબર પડવા નથી દીધી અને કાલે દાદા-દાદી આવ્યાં તો એના માટે થેલી ભરીને ચૉકલેટો લઈ આવ્યાં. એ તો ઠીક છે મેં ના પાડી તો કહે છે કે એક તો ખવડાવી જ શકાય. એમાં શું છે? અમે પણ છોકરાં મોટાં કર્યાં છે, અમને ન શીખવાડ. આનો તો હું શું જવાબ આપું? એટલું બસ ન હોય એમ તેના માટે કેટલાં બધાં પૅકેટ ફૂડ ખરીદી લાવ્યાં. ડૉક્ટરે ચોખ્ખી ના પાડી છે કે બજારનાં પડીકાંઓ બાળકને ખવડાવવાનાં નથી. હું કેવી રીતે સમજાવું તેમને?
અમારા ટ્વિન્સ માટે અમે બધું જ સરખું લીધું છે કારણ કે છોકરા-છોકરીનો કોઈ ભેદ અમને રાખવો નથી. પણ મારી મમ્મી સમજતી જ નથી. દીકરી માટે પિન્ક ઘોડિયું અને દીકરા માટે બ્લુ ઘોડિયું લાવી છે. બાળકોને જેન્ડર ડિસ્ક્રિમિનેશનના પાઠ અત્યારથી જ ભણાવવાના. મને ખૂબ જ ગુસ્સો આવ્યો એટલે મેં કહ્યું કે કાલે એ બદલાવી આવજે. તો તેને ખૂબ જ ખરાબ લાગી ગયું. તેને થયું કે નાના-નાની તરીકે તેને એટલો પણ હક નથી કે તે તેનું ઘોડિયું તેની પસંદથી લાવે?
આ અત્યારે જે ઘરમાં બાળક જન્મ્યું છે એ લગભગ દરેક ઘરની પરિસ્થિતિ છે. એક સમય હતો જ્યારે દાદા-દાદી કે નાના-નાનીના હિસાબે જ બાળકોનો ઉછેર થતો. તેમને અનુભવ હતો એટલે દરેક નાની બાબતે નવાં બનેલાં માતા-પિતા તેમની પાસે દોડી જતાં અને તેઓ એનો ઉપાય ચપટીમાં લાવી આપતાં. એક સમય એવો પણ હતો કે બાળકોને બગાડવાનો, માથે ચડાવવાનો અને પોસરાવવાનો પૂરેપૂરો હક ગ્રૅન્ડ પેરન્ટ્સનો હતો. બાળકને મમ્મીથી છુપાવીને લાડુથી માંડીને પૈસા આપવાનું, તેનાં તોફાનો પર પડદો પાડવાનું અને મમ્મી-પપ્પા જો વધુ ખિજાય તો ઉપરાણું લેવાનું કામ ગ્રૅન્ડ પેરન્ટ્સનું હતું. હવે સમય સાથે પેરન્ટિંગ પણ બદલાયું છે અને એટલે જ ગ્રૅન્ડ પેરન્ટ્સનો રોલ પણ. આજે એ વિસ્તારથી સમજવાની કોશિશ કરીએ.
ઘર બાળકની દુનિયા છે. બાળકને કઈ રીતે મોટું કરવું, તેનામાં કઈ સારી બાબતો નાખવી, કયા પ્રકારના સંસ્કાર તેનામાં નાખવા એ બધાની ઘરમાં ચર્ચા કરવી જરૂરી છે. પેરન્ટિંગ કોચ ડૉ. રિરી ત્રિવેદી કહે છે, ‘બાળકના ઉછેર બાબતે ઘરમાં જેટલા પણ લોકો રહે છે એ બધા સેમ પેજ પર હોવા ખૂબ જ જરૂરી છે. તેના માટે જે વસ્તુ નુકસાન કરે એમ છે એ વસ્તુઓ નથી જ કરવાની, જેમ કે બાળકને સ્ક્રીન નથી દેખાડવાની એ બાબત પર ઘરના બધા લોકો સહમત થશે. ન થાય તો ગ્રૅન્ડ પેરન્ટ્સને એના ગેરફાયદાઓ સમજાવો. તેમને જણાવો કે નાના બાળક માટે આ બધું સાંભળવું યોગ્ય નથી. તેમને સલાહ આપતા હોય એ રીતે નહીં, એક માહિતી શૅર કરતા હો એ રીતે તેમને એ જણાવવું જોઈએ. પહેલાં ઘરોમાં એટલાં ટીવી ચાલતાં જ નહોતાં કે આવા કોઈ નિયમોની જરૂર પડે. હવે એ જરૂરી છે એ પણ પ્રેમથી સમજાવવું. એની સાથે-સાથે એ અપેક્ષા રાખવી પણ ખોટી છે કે તમે ટીવી જોવાનું છોડી દીધું છે એ રીતે તેઓ પણ ટીવી જોવાનું છોડી દે. તમે જન્ક ખવાનું છોડી દીધું છે તો તેઓ પણ છોડી દે. બાળકના આવ્યા પછી પેરન્ટ્સનું જીવન જેટલું બદલાય ગ્રૅન્ડ પેરન્ટ્સનું એટલુંબધું ન બદલાઈ શકે. આજનું પેરન્ટિંગ જુદું છે. એ અપનાવતાં તેમને વાર લાગી શકે, સમજવામાં તકલીફ થઈ શકે પણ પ્રેમ અને યોગ્ય કમ્યુનિકેશનથી એ સાધવું જરૂરી છે.’
માતા-પિતાને એવું હોય છે કે અમે તેનાં મા-બાપ છીએ, અમે કહીએ એમ થવું જોઈએ. અમારું વિઝન છે કે આ બાળકનો ઉછેર આ પ્રકારનો થાય. બીજી તરફ તકલીફ એ હોય છે કે ઘણા ગ્રૅન્ડ પેરન્ટ્સને ઈગો ખૂબ વધારે હોય છે. અમે આટલાં છોકરાં મોટાં કર્યાં અને આ લોકો અમને શીખવશે કે છોકરાં કેમ મોટાં કરવાં? આ બાબતે વાત કરતાં દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘પરિવારનો દુશ્મન છે આ ઈગો. એને મૂકીને વાત કરવી જરૂરી છે. અહીં બાળકની વાત છે, તેના હિત વિશે જ બધા વિચારે છે. જો ખરેખર બાળકનું હિત ઇચ્છતા હો તો પરિવારમાં પ્રેમ રોપો. બાળકને જુદા-જુદા નિયમો નહીં, પરિવારનો પ્રેમ જરૂરી છે જે ઘરના મોટા લોકોની એટલે કે ગ્રૅન્ડ પેરન્ટ્સની જવાબદારી છે. તેમના માટે માન સ્થાપવાની જવાબદારી પેરન્ટ્સની છે. આ બન્ને સંબંધો જળવાશે તો બાળકના ઉછેરમાં વાંધો નહીં આવે. બાકી પેરન્ટ્સ બાળકને ઉછેરવાની જવાબદારી ગ્રૅન્ડ પેરન્ટ્સને આપે છે, પણ એ ઉછેર કેવો હોય એની ગાઇડલાઇન્સ પોતાના હાથમાં રાખવા માગે છે. તમે કહેશો એ રીતે તેઓ બાળકને ઉછેરે એ શક્ય જ નથી. દરેક વ્યક્તિની પોતાની જ રીત હોવાની.’
એક બાળકના ઉછેર માટે એક ગામની જરૂર પડે છે એવી કહેવત છે. એને યાદ કરતાં પેરન્ટિંગ કોચ દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘પેરન્ટ્સને લાગે કે તે બધું મૅનેજ કરી શકશે, પણ એવું થતું નથી. પ્રોફેશનલ કામને છોડીને ઘરે રહે તો પણ એ અઘરું છે. જો ઘરમાં ગ્રૅન્ડ પેરન્ટ્સ હોય તો એ કામ ઘણું સારું થાય. ઉપરથી બાળકનો ઉછેર ખૂબ સારો થાય. ગ્રૅન્ડ પેરન્ટ્સની ભૂમિકા બાળકના ઉછેરમાં ઘણી વધુ છે. તેમની પોતાની પદ્ધતિ અને આદતો હોવાની જ. તેમની જીવનની ફિલોસૉફી અલગ હોવાની. તેમનો વ્યવહાર પણ અલગ હોવાનો, પણ એ બાળક વિરોધી નથી હોવાનો. અલગ હોવું અને ખરાબ હોવામાં ફરક છે. ગ્રૅન્ડ પેરન્ટ્સ બાળકને જેટલો અને જેવો પ્રેમ આપી શકે, પેરન્ટ્સ ક્યારેય નહીં આપી શકે. એટલે કોઈ પણ રીતે તેમનાથી દૂર કરવાની કે તેમની રીત યોગ્ય નથી એટલે બાળક તેમની પાસે નહીં જાય કે તેમની સાથે નહીં રહે એ વિચાર જ ખોટો છે. એ મનમાંથી કાઢી જ નાખજો.’
આ વાત સાથે સહમત થતાં ડૉ. રિરી ત્રિવેદી કહે છે, ‘તમે સમજાવ્યું પણ જો એ માનતા નથી કે સમજી શકતા નથી તો તેમની સાથે ઝઘડા કે ટસલ ન કરો. એ ઝઘડા બાળક પર વધુ ખરાબ અસર કરે છે. જેમ કે ગ્રૅન્ડ પેરન્ટ્સ બાળકને ખૂબ ચૉકલેટો ખવડાવે છે તો એ ચૉકલેટોથી એટલું નુકસાન નથી જેટલું નુકસાન તમે તેમની સાથે ઝઘડો કરશો કે તેમનું મન દુભાવશો તો બાળકને થશે. મોટા થયા પછી બાળકને સમજાઈ જશે કે મમ્મી-પપ્પા મને ડિસિપ્લિન કરતાં હતાં અને બા-દાદા લાડ લડાવતાં હતાં. એ લાડ બાળક માટે ખૂબ જ જરૂરી છે. ઘરની દરેક વ્યક્તિ બાળકને કડકાઈથી રાખે એ યોગ્ય નથી.’
જે ઘરમાં પેરન્ટ્સ અને ગ્રૅન્ડ પેરન્ટ્સ બન્ને સાથે બાળક ઊછરે છે એમાં અમુક નિયમો મહત્ત્વના છે જે બન્નેએ સમજવા જરૂરી છે.
તમારાં બાળકોએ પોતાના બાળક વિશે જે વિચાર્યું છે એ વાતને માન આપવું જરૂરી છે. એ વાત નવી હોઈ શકે પણ નવી છે એટલે ખોટી છે એવું નથી. તેમને વખોડો નહીં. તમને કશું નથી આવડતું કે તમે સાવ ખરાબ પેરન્ટ્સ છો એવું સતત તેમને ફીલ કરાવશો તો આ રીતે બાળક પર પણ ખરાબ અસર પડશે.
બાળકને ડિસિપ્લિન કરવું સરળ નથી એ તમે જાણો છો. જો મમ્મીએ કહ્યું છે કે બાહરથી આવીને પહેલાં નહાવા જવું તો દાદી થઈને તમે તેને એ નિયમથી વિપરીત જવામાં પ્રોત્સાહન ન આપો. આ રીતે તમારાં બાળકોનું કામ મુશ્કેલ ન બનાવો. ઊલટું મમ્મીએ કહ્યું છે તો તારે એ માનવું જ જોઈએ એવી વાત કરશો તો બધા માટે એ બેસ્ટ રહેશે. ભલે પછી નવડાવતી વખતે તમે તેની જોડે મસ્તી કરો અને મજા લો, એની ના ન હોઈ શકે.
બાઉન્ડરી તમારે ડિસાઇડ કરવી પડશે. ગ્રૅન્ડ પેરન્ટ્સની દરેક બાબતને તમે વખોડી નહીં શકો. એ ખોટું છે. થોડો લાડ-પ્રેમ અને થોડી છૂટછાટ તો સારાં છે. આ થોડામાં શું આવે એ તમારે નક્કી કરવાનું છે. તમારે ઉછેરનું એક ખુલ્લું મેદાન તો ગ્રૅન્ડ પેરન્ટ્સને આપવું જ પડશે જેની બાઉન્ડરી તમારે નક્કી કરવાની છે. એની અંદર રહીને બાળક અને ગ્રૅન્ડ પેરન્ટ્સ મુક્ત હોવાં જોઈએ. એ મેદાનમાં કોઈ જાતની સખળ-ડખળ તમે ન કરો.
ગમે તેમ હોય પણ એ તમારા પેરન્ટ્સ છે એ માન ક્યારેય ભુલાય નહીં. તમે જેવું વર્તન તેમની સાથે કરશો એવું જ વર્તન તમારું બાળક તમારી સાથે કરશે. બાળકના ભલા માટે માતા-પિતાનું માન ઘવાય એ બિલકુલ યોગ્ય નથી. એટલે જે પણ કહેવા માગો છો કે કરાવવા માગો છો એ વાત માન સાથે તેમની સામે મૂકો.
બન્નેએ એકબીજાની બુરાઈ બાળક સામે કરવાની નથી. ‘તારી મા’ને તો કંઈ આવડતું નથી કે ‘તારી મા’ આવી કે તેવી જેવું બાળક સામે બોલશો જ નહીં. ‘દાદી’ તને ખોટો માથે ચડાવે છે, ‘દાદા’ને તારી હેલ્થની કંઈ પડી નથી એટલે જ તો દરરોજ આઇસક્રીમ ખવડાવે છે એવું તેમને બિલકુલ કહેવું નહીં. બાળઉછેરમાં કંઈ થાય કે ન થાય, આ તો બિલકુલ ન જ થવું જોઈએ. એકબીજાની બુરાઈ કરવાનું ટાળો. તમે એક યુનિટ બનીને બાળકના ઉછેરમાં લાગો તો રિઝલ્ટ સારું રહેશે.