20 June, 2023 04:35 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મારી ઉંમર ૨૩ વર્ષ છે. હજી લગ્નને એકાદ વર્ષની વાર છે. હમણાંથી ફિયાન્સ સાથેની નજદીકી વધી છે, પણ પ્રેગ્નન્સીની ચિંતા રહે છે. ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેવાય? શું એમ કરવાથી પછીથી બાળક થવામાં તકલીફ પડે? છુપાઈને એકાંત તક માંડ શોધતા હોઈએ છીએ એટલે દરેક વખતે કૉન્ડોમ હાથવગું નથી હોતું. ક્યારેક કૉન્ડોમ ડિસ્પોઝ કરવાની પણ તકલીફ હોય છે. અમે મહિનામાં એકાદ વાર જ મળીએ છીએ. એટલે વિચાર આવે છે કે પિરિયડના મોસ્ટ સેફ દિવસોની ગણતરી કરીને મળીએ તો ચાલે? એ વખતે પુલઆઉટ વીર્યસ્ખલન થાય તો ડબલ પ્રોટેક્શન મળે? આવામાં કૉન્ડોમ ન વાપરીએ તો સેફ ગણાય? મારી સાઇકલ ૩૦થી ૩૪ દિવસની છે. તો આઇડિયલી સેફ દિવસો કયા ગણાય? મલાડ
કપલ પરણેલું હોય કે કુંવારું, પ્રેગ્નન્સી ટાળવા માટે કૉન્ડોમ જેટલું સેફ અને સુરક્ષિત સાધન બીજું કોઈ જ નથી. અનવૉન્ટેડ પ્રેગ્નન્સી તો ટળે જ છે, સાથે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ ફેલાવાની શક્યતાઓ પણ ઘટે છે. માસિકચક્ર અનુસાર જો તમે સેફેસ્ટ દિવસોની પસંદગી કરો તો પણ એનાથી ૧૦૦ ટકા પ્રોટેક્શન નથી મળતી. ક્યારેક તો પિરિયડ્સ દરમ્યાન સમાગમ માણ્યા પછી પણ પ્રેગ્નન્સી રહ્યાના કિસ્સા છે. જોકે આવું રૅર બને છે, પણ જ્યારે તમારાં હજી લગ્ન નથી થયાં ત્યારે આવો ચાન્સ લેવો કે કેમ એ તમારે ખુદ નક્કી કરવું જોઈએ.
સામાન્ય રીતે પિરિયડ્સ પૂરો થયા પછીનું પહેલું અઠવાડિયું અને માસિક આવવાનું હોય એના પહેલાનું એક વીક સેફ ગણાય. તમારી સાઇકલ ૩૦થી ૩૪ દિવસની હોવાથી તમે પિરિયડ પહેલાંનું અઠવાડિયું કયું છે એ નક્કી કરવામાં થાપ ખાઓ એવું બની શકે છે. બીજું, વીર્યસ્ખલન યોનિમાર્ગની બહાર કરવાની મેથડમાં પણ ક્યારેક ચૂક થઈને સ્પર્મનું એકાદ ડ્રૉપ અંદર જતું રહે તો ગર્ભ રહેવાની શક્યતા તો રહે જ છે.
લગ્ન પહેલાં પ્રેગ્નન્સીમાં સંપૂર્ણ સુરક્ષિતતા જોઈતી હોય તો કૉન્ડોમ જ બેસ્ટ છે. નછૂટકે જ તમે માસિકના સેફ દિવસોમાં કૉન્ડોમ વિના સમાગમ કરવાનું પસંદ કરો, જે તમારા હિતમાં છે.