તમને ઘસઘસાટ ઊંઘવામાં મદદ કરશે આ ઍપ્સ

17 March, 2023 06:43 PM IST  |  Mumbai | Parth Dave

ઘણા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હોય છે તો ઘણાને નીંદર જ નથી આવતી હોતી! આજે ઊંઘને ઊજવવાના દિવસે એવી ઍપ્લિકેશન્સની વાત કરી છે જે તમારી રાત્રિને બધું ભુલાવીને ઊંઘમય કરે છે

પ્રતીકાત્મક તસવીર

 અપૂરતી ઊંઘ લગભગ સોથી વધુ રોગોનું કારણ મનાય છે ત્યારે પૂરતી અને ક્વૉલિટી ઊંઘ મળે અને સ્ફૂર્તિ ફીલ થાય એ જરૂરી છે.

‘વૉન્ટેડ’માં પ્રકાશ રાજ ભલે કહે કે ગની મેરી જાન સોના નહીં, પણ હકીકત એ છે કે આજકાલ લોકોને ઊંઘ નથી આવતી. જ્વેલરી શૉપમાં મળતા સોનાથીયે મોઘેંરું સૂવાનું થઈ ગયું છે. મેરા ચૈન મેરી નીંદ મુઝે લૌટા દો કહેતા લોકો હવે મોટા ભાગે જેનાથી ઊંઘ ઊડી છે એની પાસે જ જઈ રહ્યા છેઃ ડિજિટલ ડિવાઇસ! યસ, સવારે ઊઠીને સૌથી પહેલાં જેનાં દર્શન કરીએ છીએ એ મોબાઇલમાં પડેલી ઍપ્સ ઊંઘવામાં મદદ કરી રહી છે, જેના થકી રાતના મોડે સુધી નીંદર નથી આવતી તે જ ‘બારકસ’ હવે આપણને વ્યવસ્થિત સૂવામાં મદદ કરે છે એટલું જ નહીં; તમારી નીંદર પૂર્ણ થઈ જાય એ ધ્યાન રાખી તમને કૂકડાની જેમ બાંગ પોકારી ઉઠાડે છે, તમારી સ્લીપ સાઇકલ સાચવે છે અને તમારા ઓશીકાની જેમ તમારાં નસકોરાં સુધ્ધાં સાંભળે છે આ ઍપ્લિકેશન્સ!

ચાલો, જોઈએ એવી કઈ-કઈ ઍપ છે જે માણસની સ્લીપ સાઇકલને સુવ્યવસ્થિત રાખી તેમની રાત્રિ વધુ આરામદાયક બનાવે છે જેથી દિવસ હર્યોફર્યો રહે!

સ્લીપ ઍઝ ઍન્ડ્રૉઇડ | રાત્રિ ઊંઘ દરમ્યાન આપણું શરીર એક નિશ્ચિત સ્લીપ સાઇકલ પૂરી કરે છે. લાઇટ સ્લીપ, ડીપ સ્લીપ અને આરઈએમ સ્લીપઃ આ એના પ્રકારો છે. આ ઍપ તમારી સ્લીપ સાઇકલને ટ્રૅક કરે છે. વેઅરેબલ સેન્સર અથવા મોબાઇલની મદદ વડે ‘સ્લીપ ઍઝ ઍન્ડ્રૉઇડ’ ઍપ તમારી સ્લીપિંગ ઍક્ટિવિટીને નોટિસ કરે છે. આ ઍપમાં ઍક્સેલરૉમીટર સેન્સર હોય છે, જે તમારી ઊંઘના ગ્રાફને રેકૉર્ડ કરે છે. 

ઍપના ડેવલપરનું કહેવું છે કે તમે જ્યારે લાઇટ સ્લીપમાં હો ત્યારે જ તમને આ ઍપ જગાડે છે. શરૂઆતના ૧૪ દિવસ આ ઍપ આપ ફ્રીમાં યુઝ કરી શકો છો. બાદમાં ચાર્જ ભરવાનો રહે છે. ઍપના નામથી જ ખ્યાલ આવે છે કે એ માત્ર ઍન્ડ્રૉઇડ યુઝર્સ માટે છે.

સોમરિસ્ટ | ઘણાને ઊંઘ બહુ આવતી હોય અને ઘણાને અનિદ્રા સતાવતી હોય, જેને અંગ્રેજીમાં સ્લીપલેસનેસ અથવા ઇન્સૉમ્નિયા કહે છે. આ અનિદ્રા એક રોગ છે. ઘણી ઍપ એવી પણ છે જે આ રોગને દૂર કરવાનું કામ કરે છે.

સોમરિસ્ટ એક પ્રકારના સ્લીપ-ટ્રેઇનરનું કામ કરે છે. ઇન્સૉમ્નિયાગ્રસ્ત વ્યક્તિ માટે કૉગ્નિટિવ બિહેવિયર થેરપીનું કામ આ ઍપ કરે છે. સોમરિસ્ટ ગૂગલ પ્લે અને ઍપલ બેઉ સ્ટોર પરથી ડાઉનલૉડ થઈ શકે છે. સોમરિસ્ટ તમારા માટે ૬થી ૯ અઠવાડિયાંની ઍક્ટિવિટીઝ અને લેસન્સ કરે છે જેનાથી તમારું મગજ યોગ્ય ઊંઘ માટે તૈયાર થઈ શકે. 

જોકે સોમરિસ્ટ એક પ્રિસ્ક્રિપ્શન ડિજિટલ મેડિસિન છે. એટલે કે ડૉક્ટર દ્વારા સૂચવાયા બાદ જ આ ઍપ્લિકેશનનો તમે ઉપયોગ કરી શકો છો. વધુ માહિતી somryst.com પર મળી રહેશે.
હેડસ્પેસ | ઘણા લોકોને સવારે ઊઠીને, વૉક દરમ્યાન કે મેડિટેશન દરમ્યાન સ્મૂધ સંગીત સાંભળવું ગમતું હોય છે. ઘણાં ગીતોથી આગળ વધીને હવે પૉડકાસ્ટ સાંભળી રહ્યા છે. હેડસ્પેસ નામની ઍપ તમને એવું સંગીત અને પૉડકાસ્ટ પૂરાં પાડે છે જેના થકી તમારું મગજ ધીરે-ધીરે શાંત થાય છે, તમને શાંત વિઝ્યુઅલ્સનો અનુભવ થાય છે અને સારી નીંદર માટે મદદરૂપ થાય છે.

આ પણ વાંચો:  મેટાવર્સ અત્ર, તત્ર, સર્વત્ર

હેડસ્પેસ જાણીતી મેડિટેશન ઍપ્લિકેશન છે, જેમાં ૪૫થી પંચાવન મિનિટના સ્લીપકાસ્ટ્સ મૂકવામાં આવ્યા છે. ટેન્શનમુક્ત ઊંઘ માટેના મેડિટેશન કોર્સ ૪૦ જેટલા છે, જે તમે પેઇડ વર્ઝન અપગ્રેડ કર્યા બાદ યુઝ કરી શકો છો. શરૂઆતના ૧૪ દિવસ હેડસ્પેસનો ફ્રીમાં ઉપયોગ કરી શકાય છે.

નૉઇઝ્લી |  નૉઇઝ્લીમાં મગજને શાંત કરતા જુદા-જુદા સ્લીપ સાઉન્ડ જેવા કે મેઘગર્જના, પવનનો અવાજ, કૉફી શૉપનો ‘બઝ્ઝ’ અવાજ વગેરે મૂકવામાં આવ્યા છે. આમાંથી તમે તમને ગમતા અવાજો પસંદ કરી એને તમારી અનુકૂળતા–તમને ઊંઘવામાં મદદ કરે એ પ્રકારના અવાજો સાથે મિક્સ પણ કરી શકો છો.

નૉઇઝલીની વેબસાઇટ પર જુદા-જુદા અવાજના નમૂના આપવામાં આવ્યા છે. એ તમે ફ્રીમાં સાંભળી શકો છો, જેથી ખ્યાલ આવે કે આ ઍપ કયા પ્રકારની સર્વિસ આપે છે. આઇઓએસ અને એન્ડ્રોઇડ પર અવેલેબલ એવી આ ઍપ્લિકેશનની કોસ્ટ 2 ડૉલર છે. તે એક વખત પૅ કરી દીધા બાદ તમે અનલિમિટિડેટ અવાજો નૉઇઝ્લીની વેબસાઇટ પરથી ડાઉનલૉડ કરી 
શકો છો.

પિલો | પિલો ઍપ એક સ્માર્ટ સ્લીપ અસિસ્ટન્ટ છે, જે તમારી સ્લીપ સાઇકલનું ઍનૅલાઇઝિંગ કરે છે. એ માટે તમે આઇફોન અથવા આઇપૅડ ઉપરાંત ઍપલ વૉચનો ઉપયોગ કરી શકો છો.
પિલો ઍપમાં સ્માર્ટ અલાર્મ ક્લૉક પણ છે જે તમારી ઊંઘ થઈ ગયા બાદ તમને જગાડે છે. પિલો ઍપ જાણીતી એટલે છે કે જો તમે નસકારાં બોલાવતા હો તો એની જાણ અને એ મુજબ તમારા સ્વાસ્થ્યની જાણ કરે છે. ઍપમાં નસકોરાં માટેનો અલગથી વિભાગ છે.     

ઇન શૉર્ટ, આ ઍપ એટલે તમારો તકિયો જ જોઈ લોને! 

ડિગિપિલ | ડિગિપિલ બોલે તો ડિજિટલ પિલ. ડિજિટલ ગોળી! અનિદ્રાને દૂર કરવા, તાણ ઓછી કરવા, વજન ઘટાડવા, મોટિવેશન વધારવા આ ગોળી લેવામાં આવે છે. 

ઍપની પહેલી ગોળી તમારા મૂડ મુજબ પસંદ કરો. એ ગોળીનો ટ્રીટમેન્ટ સમય છે ૩૦ મિનિટ. ગોળીનું નામ છે, સ્લીપ ડીપલી. આ ગોળી તમને ફ્રીમાં આપવામાં આવશે. બાદમાં પીસ ઑફ માઇન્ડ અને પાવર નૅપ નામની ગોળીના ચાર્જ લેવામાં આવશે. ઍન્ડ્રૉઇડ અને આઇઓએસ બંને પર આ ઍપ્લિકેશન અવેલેબેલ છે. એને ડાઉનલોડ કરવાનો કોઈ ચાર્જ નથી.

columnists parth dave technology news tech news app review