હૅકર્સની સાથે ગૂગલ અને ઍપલ જેવી કંપનીઓથી પણ વૉટ્સઍપના ડેટા કેવી રીતે સિક્યૉર રાખશો?

22 December, 2023 09:14 AM IST  |  Mumbai | Harsh Desai

ઑફિસની મીટિંગથી લઈને ફૅમિલી ફંક્શન સુધીનાં ઘણાં ડિસ્કશન વૉટ્સઍપ પર કરવામાં આવે છે. જોકે ઘણી વાર એવું બને છે કે યુઝરના ચૅટ ડેટા લીક થઈ ગયા હોય છે.

પ્રતીકાત્મક તસવીર

ઇન્સ્ટન્ટ મેસેજિંગ ઍપ્લિકેશન આજે ઘણીબધી ઉપલબ્ધ છે, પરંતુ એમાં વૉટ્સઍપનો ખૂબ જ ઉપયોગ થાય છે. ઑફિસની મીટિંગથી લઈને ફૅમિલી ફંક્શન સુધીનાં ઘણાં ડિસ્કશન વૉટ્સઍપ પર કરવામાં આવે છે. જોકે ઘણી વાર એવું બને છે કે યુઝરના ચૅટ ડેટા લીક થઈ ગયા હોય છે. ઘણી વાર મોબાઇલને હૅક કરવામાં આવ્યો હોય છે તો ઘણી વાર એવું પણ થાય છે કે ડેટા બૅકઅપમાંથી ચૅટ લીક થઈ હોય છે. ચૅટ જ્યારે બૅકઅપ કરવામાં આવે છે ત્યારે મોબાઇલની લૉકલ ડ્રાઇવ અથવા તો જે-તે મોબાઇલ કંપનીના સર્વર પર કરવામાં આવે છે. આજે ઍન્ડ્રૉઇડ અને ઍપલની આઇઓએસ બે ઑપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે અને એથી આ ડેટા ગૂગલ અને ઍપલ આ બે કંપનીના સર્વર પર સ્ટોર થાય છે. ગૂગલ ઘણી વાર યુઝરના ડેટાને રીડ કરે છે અને એ અનુસાર ઍડ્વર્ટાઇઝમેન્ટ તેમને આપે છે એવો એના પર આરોપ કરવામાં આવ્યો છે. બીજી તરફ ઍપલ યુઝર્સના પણ ડેટા લીક થયા હોવાનું બહાર આવતું રહે છે. આ માટે વૉટ્સઍપ પર કેટલાંક ફીચર છે એનો ઉપયોગ સારી રીતે કરવાથી ડેટા એટલે કે પ્રાઇવસી વધુ સિક્યૉર થઈ શકે છે. આ સિક્યૉર થતાં હૅકર્સ અથવા તો કંપનીઓ પણ ડેટાને રીડ નહીં કરી શકશે.

ઇન્ક્રિપ્શન ઑન રાખવું
હાલમાં વૉટ્સઍપમાં સૌથી મહત્ત્વનું અને બેસિક પ્રોટેક્શન ફીચર ઇન્ક્રિપ્શન છે. બે યુઝર્સ વચ્ચેની સેટને ઇન્ક્રિપ્ટ રાખવાથી એને ત્રીજી વ્યક્તિ વાંચી નહીં શકે. બેસિકલી આ ફીચર બાય ડિફૉલ્ટ ઑન હોય છે. જોકે વૉટ્સઍપના સેટિંગ્સમાં જઈને અકાઉન્ટમાં સિક્યૉરિટી નોટિફિકેશન ઑન કરી દેવું. આથી જ્યારે પણ એન્ડ-ટુ-એન્ડ ઇન્ક્રિપ્શન બદલાશે ત્યારે નોટિફિકેશન મળતું રહેશે. તેમ જ નવી ચૅટ શરૂ કરતાં પહેલાં પણ એ જોઈ શકાશે.

વૉટ્સઍપ કૉલ સિક્યૉર
મેસેજની સાથે વૉટ્સઍપનો ઉપયોગ કૉલ માટે પણ કરવામાં આવે છે. વૉટ્સઍપ દ્વારા કૉલ્સ માટે પણ સિક્યૉરિટી આપવામાં આવી છે. આ માટે બે ફીચર છે. પહેલું ફીચર સાઇલન્ટ અનનોન કૉલ્સ છે. આ ફીચરની મદદથી અજાણ્યા કૉલ્સ ઑટોમૅટિક સાઇલન્ટ થઈ જશે અને એને યુઝર્સ સુધી નહીં પહોંચવા દેવામાં આવે. આ સાથે જ બીજું ફીચર છે પ્રોટેક્ટ આઇપી ઍડ્રેસ. આ ફીચરની મદદથી અન્ય યુઝર અથવા તો કંપનીઓને પણ જે-તે યુઝરનું આઇપી ઍડ્રેસ શું છે એની જાણ નહીં થાય. જોકે આ ફીચરનો માઇનસ પૉઇન્ટ એ છે કે એ માટે ઇન્ટરનેટ કનેક્શન વધુ સ્ટ્રૉન્ગ જોઈશે. જો લો ફ્રીક્વન્સી હશે તો કૉલ્સની ક્લૅરિટી ઓછી આવશે નહીંતર એ રીકનેક્ટિંગ વધુ થશે, પરંતુ યુઝર એના આઇપી-ઍડ્રેસને બચાવી શકશે.

એક્સ્ટ્રા સિક્યૉરિટી માટે ચૅટ લૉક
યુઝરને જ્યારે પણ લાગે કે તેમની કોઈ ચોક્કસ ચૅટ સેન્સિટિવ છે અને એને પ્રોટેક્ટ કરવી જોઈએ ત્યારે આ ફીચરનો ઉપયોગ કરી શકાય છે. અન્ય લોકોથી છુપાવવા તેમ જ કંપનીથી પણ છુપાવવા માટે ચૅટ લૉકનો ઉપયોગ કરી શકાય છે. આ ચૅટ લૉક કર્યું હોય ત્યારે એ ડેટાને ઍક્સેસ કરવા માટે સૌથી પહેલાં ફોનની સિક્યૉરિટીને બ્રેક કરવી પડશે, જે ખૂબ જ મુશ્કેલ છે. આથી આ ચૅટ અન્ય તો શું, પરંતુ કંપની માટે પણ મુશ્કેલ રહેશે. કોઈ પણ ચૅટને ટેપ અથવા તો લેફ્ટ સ્વાઇપ કરી એને લૉક કરી શકાય છે.

ડિસઅપીઅરિંગ મેસેજ ઑન
વૉટ્સઍપ દ્વારા ડિસઅપીઅરિંગ મેસેજ ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચર બે રીતે યુઝરને મદદ કરે છે. પહેલાં તો કોઈ વ્યક્તિ પર ભરોસો ન થતો હોય અને એ ચૅટનો દુરુપયોગ કરે એવું હોય ત્યારે આ ફીચર કામ આવે છે. જોકે આ સાથે જ કંપનીઓ પણ આ ડેટાને રીડ નથી કરી શકતી. આ ફીચરમાં ૨૪ કલાક, સાત દિવસ અને ૯૦ દિવસ આપવામાં આવ્યા છે. આ ફીચર ઑન કરતાં જ જે-તે ટાઇમ લિમિટ બાદ દરેક મેસેજ જેમાં ઑડિયો, ફોટો, વિડિયો અથવા તો કોઈ પણ ફાઇલ હોય એ પણ ડિલીટ થઈ જશે. દરેક યુઝર માટે આ ફીચર ઑન કરતાં કંપની દ્વારા પણ ઓછા સમયકાળમાં એને ઍક્સેસ કરવું મુશ્કેલ બની જશે. તેમ જ ચોક્કસ સમય બાદ એ ડિલીટ થઈ જતાં કંપની ફરી એ ડેટાને ઍક્સેસ નહીં કરી શકે.

બૅકઅપ ઇન્ક્રિપ્શન
બૅકઅપ લેવા માટે વૉટ્સઍપ આઇઓએસમાં આઇક્લાઉડનો ઉપયોગ કરે છે. ઍન્ડ્રૉઇડમાં પણ ડેટાના ક્લાઉડ પર સ્ટોર કરવામાં આવે છે. આથી બૅકએપ લેતી વખતે એને નૉર્મલ બૅકઅપ લેવા કરતાં ઇન્ક્રિપ્ટેડ બૅકઅપ લેવું જોઈએ. આ બૅકઅપને કારણે કંપનીઓ એ ડેટાને ઍક્સેસ નહીં કરી શકે. આ માટે વૉટ્સઍપના સેટિંગ્સમાં ચૅટમાં જઈને ચૅટ બૅકઅપમાં એ ઑન કરી દેવું.

harsh desai columnists technology news google facebook