પરણેલા હો તો પતી જવાના ચાન્સ વધારે?

24 April, 2025 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં પ્રકાશિત એક બહુચર્ચિત રિસર્ચ જણાવે છે કે લગ્ન ન કરનારા કુંવારા લોકો પર ડિમેન્શિયાનું રિસ્ક ઘણું ઓછું જણાય છે, જ્યારે થોડાં વર્ષો પહેલાં આવેલા એક રિસર્ચમાં એનાથી તદ્દન ઊંધી વાત કહેવામાં આવેલી કે પરિણીત લોકો પર આ રિસ્ક ઓછું હોય છે.

પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં પ્રકાશિત એક બહુચર્ચિત રિસર્ચ જણાવે છે કે લગ્ન ન કરનારા કુંવારા લોકો પર ડિમેન્શિયાનું રિસ્ક ઘણું ઓછું જણાય છે, જ્યારે થોડાં વર્ષો પહેલાં આવેલા એક રિસર્ચમાં એનાથી તદ્દન ઊંધી વાત કહેવામાં આવેલી કે પરિણીત લોકો પર આ રિસ્ક ઓછું હોય છે. મોટી ઉંમરે મગજની ક્ષમતા પર અસર કરતા અને મૃત્યુ સુધી લઈ જતા આ રોગ ડિમેન્શિયાને લગ્ન સાથે શું લેવાદેવા? આજ સુધી આપણો લગ્ન.

આજકાલ લગ્નો ચાલે છે જ ક્યાં? લગ્ન કરીને ફસાવા કરતાં આપણે છૂટા સારા. જીવનમાં લગ્ન સિવાય પણ ઘણું બધું છે કરવા માટે. જીવન પોતાની શરતો પર જીવવું હોય તો લગ્નનાં બંધનોમાં પડાય જ નહીં.

જેને લગ્ન નથી કરવાં એ લોકો પાસેથી આવાં કેટકેટલાં વિધાનો તમે સાંભળ્યાં હશે. ઘરના વડીલો જો લગ્ન કરવા માટે પ્રેશર કરતા હોય તો લગ્ન નહીં કરવાનાં જાત-જાતનાં બહાનાં યુવાનો લઈ જ આવતા હોય છે, જેમાં એક બહાનું વધુ ભળ્યું એમ કહી શકાય. આ બહાનું છે કે મારે લગ્ન એટલે નથી કરવાં કારણ કે લગ્ન કરવાથી મોટી ઉંમરે મગજ બહેર મારી જાય છે. હાલમાં અમેરિકાની ફ્લૉરિડા સ્ટેટ યુનિવર્સિટીના નવા સ્ટડી પ્રમાણે કુંવારા લોકોને પરિણીત લોકો કરતાં ડિમેન્શિયા થવાની શક્યતા ઘણી ઓછી છે. ડિમેન્શિયા એક મગજની બીમારી છે જેમાં તમારી માનસિક ક્ષમતાઓ એટલે કે યાદ રાખવું, વિચારવું, સમજવું વગેરે ધીમે-ધીમે ઓછું થતું જાય છે. આ એક જ રોગ નથી, ઘણા રોગોનો સમૂહ છે જેમાં મગજના કોષો ધીમે-ધીમે મરતા જાય છે અને વ્યક્તિ આ રોગ સાથે જ મૃત્યુ તરફ આગળ વધે છે. ઑલ્ઝાઇમર્સ એક પ્રકારનો જાણીતો ડિમેન્શિયા જેવો રોગ છે.

રિસર્ચ શું કહે છે?
૨૪,૦૦૦ અમેરિકન્સને લઈને કરેલું આ રિસર્ચ ૧૮ વર્ષ ચાલ્યું, જે શરૂ થયું ત્યારે એમાંથી કોઈ વ્યક્તિને ડિમેન્શિયા નહોતો. પાછળથી એ બધાને લગ્ન કરેલા, તલાક લીધેલા, જેમના પાર્ટનરનું મૃત્યુ થઈ ગયું છે એવા અને ક્યારેય લગ્ન નહીં કરેલા એવા જુદા-જુદા ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા. પછી જેને ડિમેન્શિયા થયો એ આધારે આ તારણ સમજી શકાયું, જેમાં પહેલાં સ્પષ્ટ દેખાયું કે લગ્ન કરેલી વ્યક્તિઓ પર બીજા લોકોની સરખામણીમાં આ રિસ્ક વધુ છે. ફક્ત જેમનો તલાક થઈ ગયેલો તે અને ક્યારેય પરણ્યા ન હોય એવા લોકો પર જ રિસ્ક ઓછું હતું. જોકે લગ્ન સિવાય સ્મોકિંગ અને ડિપ્રેશન જેવાં કારણો પણ એટલાં જ મહત્ત્વનાં છે એ જોઈ શકાયું. એની સાથે રિસર્ચમાં વ્યક્તિને કયા પ્રકારનો ડિમેન્શિયા થાય છે એમાં પણ ફરક જોવા મળેલો. જેમનાં લગ્ન નથી થયાં તેમનામાં ઑલ્ઝાઇમર્સ ડિસીઝ, જે ડિમેન્શિયાનું એકદમ કૉમન ફૉર્મ છે, એનું રિસ્ક ઘટેલું દેખાયું હતું. જ્યારે એની સામે તેમને વૅસ્ક્યુલર ડિમેન્શિયા થવાની શક્યતા જણાઈ હતી, જે ખૂબ ઓછો જોવા મળતો ડિમેન્શિયા છે. આ સિવાય રિસર્ચમાં માઇલ્ડ કૉગ્નિટિવ ઇમ્પેરમેન્ટથી ડિમેન્શિયા સુધીનો પ્રોગ્રેસ જેમણે તલાક લીધો છે અને કુંવારા છે એમાં ખૂબ જ ઓછો જોવા મળ્યો હતો.

તર્ક શું?
રિસર્ચમાં ફક્ત પરિણીત લોકો પર આવેલા આ રિસ્ક પાછળનો તર્ક શું હોઈ શકે? આ વાતનો તર્ક રિસર્ચમાં આ પ્રકારે પણ રજૂ થયો કે જે વ્યક્તિને જીવનસાથી છે એ વ્યક્તિઓના જીવનમાં જરા જેટલો પણ બદલાવ આવે તો એ બદલાવ તરફ તેમના જીવનસાથી તરત જ આંગળી ચીંધે છે. એટલે તે તરત ડૉક્ટરને મળે છે અને તેમનું નિદાન જલદી સામે આવે છે. એકલા રહેતા લોકોમાં આવેલો બદલાવ તે ખુદ જ્યાં સુધી સમજી ન શકે ત્યાં સુધી ડૉક્ટર પાસે જતા નથી.

વિપરીત સ્ટડી 
૨૦૧૯નો એક અમેરિકન સ્ટડી આનાથી તદ્દન વિપરીત વાત કરી રહ્યો હતો. લગ્ન ન કર્યાં હોય એ વ્યક્તિઓ પર લગ્ન કર્યાં છે એ વ્યક્તિઓ કરતાં ડિમેન્શિયા થવાની શક્યતા ઘણી વધારે છે. જેમનાં લગ્ન થયાં છે એ વ્યક્તિઓની હેલ્થ કુંવારી વ્યક્તિઓ કરતાં વધુ સારી જ હોય છે એવું ઘણાં રિસર્ચ પહેલાં જ સાબિત કરી ચૂક્યાં છે. લગ્ન કરેલા લોકો લાંબું જીવન જીવે છે, તેમની હાર્ટ-હેલ્થ વધુ સારી હોય છે, તેમના પર સ્ટ્રોક આવવાનું રિસ્ક કુંવારા લોકોની સરખામણીમાં ઘણું ઓછું હોય છે. આ બન્ને બાબતોમાં હકીકતે કઈ વાત સાચી? આવા રિઝલ્ટનો શું અર્થ કાઢી શકાય? એ વિશે સમજાવતાં ગ્લેનીગલ્સ હૉસ્પિટલના ન્યુરોલૉજિસ્ટ ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘ડિમેન્શિયા એક એવો રોગ છે જે બે પ્રકારના લોકોને લગભગ થતો નથી અથવા થાય તો તેઓ સારું સર્વાઇવ કરી શકે છે, જે લોકો ફિઝિકલી ઍક્ટિવ હોય અને બીજા ખૂબ ભણેલા હોય. ટૂંકમાં ડિમેન્શિયાથી બચવા માટે શરીર અને મગજ બન્ને કસાય એ જરૂરી છે. પરંતુ જ્યાં સુધી સંબંધોની વાત આવે છે તો એનો સંબંધ સીધો સોશ્યલ કૉગ્નિશન સાથે છે. એટલે કે સામાજિક રીતે તમે કેટલા સક્રિય છો, કેવી સમજશક્તિ ધરાવો છો, લોકો સાથે કેટલું હળોભળો છો, કેટલા નવા-નવા લોકોને મળો છો એ બધું જ એમાં આવી ગયું. જ્યારે વ્યક્તિ બીજા શું વિચારે છે એ વિશે વિચારતી થઈ જાય ત્યારે તેના મગજનો વિકાસ જુદી રીતે થાય છે. આમ તમારા જીવનમાં જેટલા વધુ લોકો, જેટલું તમારું સોશ્યલ સર્કલ મોટું એટલું ડિમેન્શિયાથી દૂર રહી શકવાની શક્યતા વધુ.’

પરિણીત કે કુંવારા? 
તો પછી લગ્ન અને કુંવારા હોવાની જે કન્ડિશન છે એને આ બાબતે કઈ રીતે સમજવી એ વિશે વાત કરતાં ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘ડિપ્રેશન એક પ્રકારનો સુડો ડિમેન્શિયા જ ગણાય. સ્ટ્રેસ, મૂડ-સ્વિંગ અને એકલવાયાપણું વ્યક્તિના મગજ પર અસર કરે જ છે. હવે જો પરિસ્થિતિ સમજીએ તો જે કુંવારા છે એ મોટા ભાગે એકલવાયા રહેતા હોય, તેમને જીવનમાં વધુ ઍડ્જસ્ટમેન્ટ કરવાં નહીં હોય, પોતાના મનની વાત કહેવા માટે કોઈ ક્યારેક હોય, ક્યારેક ન હોય તો આ પરિસ્થિતિ વર્ષો સુધી ભોગવવાને લીધે વ્યક્તિ ધીમે-ધીમે ડિમેન્શિયા ભણી જઈ શકે છે. પરંતુ જેમનાં લગ્ન થઈ ગયાં છે તેઓ પણ પોતાની જવાબદારીઓમાં અટવાઈ જાય છે, તેમના જીવનમાંથી તેમનું મિત્રવર્તુળ ધીમે-ધીમે ગાયબ થતું જાય છે, ગણ્યાગાંઠ્યા ઘરના સદસ્યોમાં જ તેમનું જીવન રચ્યુંપચ્યું રહે છે એ પણ જીવનને અને મગજને લિમિટ કરવા જેવી બાબત છે. આમ જોવા જઈએ તો કુંવારા હોય કે લગ્ન કર્યાં હોય, બન્નેમાં તમે કયા પ્રકારનું જીવન જીવો છો એ વધુ મહત્ત્વનું છે.’

સંબંધ પર આધાર 
આ સ્ટડી દ્વારા એક સત્ય તો એ સામે આવ્યું કે એક સમયે લોકો માનતા હતા કે લગ્ન કરી લેવા માત્રથી તેઓ એક હેલ્ધી જીવન જીવશે કે રોગોનું રિસ્ક તેમના પર ઓછું છે એ વાતને સત્ય માનવા જેવી નથી. લગ્ન કરો કે લગ્ન ન કરો, ડિમેન્શિયાનું રિસ્ક તમારા પર હોઈ જ શકે છે એ વાતનો તર્ક આપતાં શિરીષ હસ્તક કહે છે, ‘લગ્નસંબંધ એક વેરિએબલ ફૅક્ટર છે. સંબંધો કેટલા સરળ કે કેટલા ગૂંચવાયેલા છે એના પર પણ ઘણુંબધું નિર્ભર કરે છે. લગ્ન કરી લેવા માત્રથી રિસ્ક ઓછું કે વધુ નથી થતું. એ સંબંધને તમે કઈ રીતે જીવી રહ્યા છો એના પર એ નિર્ભર કરે છે. સંબંધોની મગજ પર અસર ઘણી કૉમ્પ્લેક્સ છે, સીધી અને સરળ નથી. જે ખરેખર અસરકર્તા છે એ તમારું રિલેશનશિપ સ્ટેટસ નહીં પરંતુ તમે કેટલા લોકોને ઉપયોગી છો, તેમની સાથે જોડાયેલા છો અને અંદરથી સંતોષ અનુભવો છો એના પર નિર્ભર કરે છે.’

સંબંધો અને હેલ્થ 
ડિવૉર્સ એક અત્યંત સ્ટ્રેસફુલ ઘટના છે જે તમારી અંદર ઑલ્ઝાઇમર્સ ડિસીઝને ટ્રિગર કરતી હોય છે. એ સિવાયનું એક રિસર્ચ એ પણ કહે છે કે જે લોકો કુંવારા છે તે એકલવાયું જીવન જીવે છે, લોકોને મળતા નથી જેને કારણે તેમને ડિમેન્શિયા થવાનું રિસ્ક વધુ રહે છે એ વાત સાચી નથી એમ આ રિસર્ચ પુરવાર કરે છે. એ વિશે વાત કરતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘સંબંધોનાં સમીકરણો સીધાં હોતાં નથી. ઘણાનું દામ્પત્યજીવન ખુશહાલ હોય છે તો ઘણાનું કંકાસથી ભરેલું. ઘણા એકલા રહીને ખૂબ ખુશ હોય છે તો ઘણા એકલતાને તેમના જીવનનો શ્રાપ સમજતા હોય છે. ઘણા તલાક લઈને શાંતિનો શ્વાસ લેતા હોય છે તો ઘણા યોગ્ય જીવનસાથી મળ્યાનો હાશકારો ભોગવતા હોય છે. આ નિરાંત અને હાશકારો તમને એક હેલ્ધી જીવન અપાવે છે. એમાં લગ્ન કે નહીં લગ્ન જેવો પ્રશ્ન જ નથી. તમારી શારીરિક અને માનસિક સ્વસ્થતા તમારી પરિસ્થિતિ પર આધાર રાખે છે, લગ્ન કે લગ્ન ન કરવા પર નહીં. કોઈ પણ સંજોગોમાં ખુશ રહેતા, લોકો સાથે કનેક્ટ કરતા, જુદા-જુદા ટાસ્ક અપનાવી એને સૉલ્વ કરતા, મગજને સતત નવાં-નવાં કામ આપતાં અને શરીરને કસતાં જો તમે શીખી ગયા હો, જીવનને બોજની જેમ વેંઢાર્યા કરવાને બદલે ઉત્સવની જેમ ઊજવતા હો તો રોગ તમારાથી દૂર રહેશે. નો નિર્ણય શારીરિક, સામાજિક, આર્થિક અને માનસિક જરૂરિયાતો પર નિર્ભર રહેતો; શું હવે પછી હેલ્થને ધ્યાનમાં રાખીને લોકોએ આ નિર્ણય લેવો જોઈએ?

લગ્નજીવનનું દિવ્ય સ્વરૂપ આપણે ભૂલતા જઈએ છીએ: ડૉ. મયંક શાહ 
આ પ્રકારના રિસર્ચ સામે આવે ત્યારે પહેલો પ્રશ્ન એ થાય કે તો શું લગ્ન ન કરવાં? પણ આ ઉપરછલ્લી વાતને ગંભીરતા વડે સમજાવતાં લગ્ન પર ‘અષ્ટ પદ્મમ’ નામનું પુસ્તક લખનાર હોમિયોપૅથ, માઇન્ડ થેરપી એક્સપર્ટ અને સ્પિરિચ્યુઅલ હીલર ડૉ. મયંક શાહ કહે છે, ‘આજકાલ લોકો લગ્નનો ખરો અર્થ સમજતા નથી. પહેલાં તો એ સમજીએ કે શરીર, મન અને આત્મા આ ત્રણેયનાં ઊર્જાક્ષેત્ર જુદાં હોય છે. એટલે કે એ ત્રણેય અલગ ઊર્જાથી ચાલે છે પરંતુ આ ત્રણેય ઊર્જાઓ એકબીજા સાથે સંકળાયેલી છે. મન પર જે અસર થાય એ શરીર અને આત્માને અસર કરે જ છે અને શરીર પર જે અસર થાય એ મન અને આત્માને. એટલે લગ્ન કે જીવનસાથી સાથે જિવાતું તમારું દૈનિક જીવન તમારા મન પર અસર કરે છે અને એ જ અસર શરીર પર દેખાવાની જ છે. એટલે જો કોઈને એમ હોય કે લગ્નજીવનની તમારા જીવનમાં આવતા રોગો પર શું અસર હોઈ શકે? તો જવાબ એ છે કે અસર પૂરેપૂરી હોઈ શકે.’

બીજી જરૂરી વાત એ કે આજે ઘણા લોકો આઝાદીના નામે કે જવાબદારીથી ભાગવા માટે નિર્ણય લે છે કે તેમને લગ્ન નથી કરવાં પરંતુ એને કારણે તે પશુ જેવું જીવન જીવે છે એમ જણાવતાં ડૉ. મયંક શાહ કહે છે, ‘યોગિક પદ્ધતિમાં લગ્નનું મહત્ત્વ એટલા માટે છે કે આ રીતે સ્ત્રી અને પુરુષ એકબીજાને તેની કુંડલિની શક્તિ જાગૃત કરવા માટે ઉપયોગી થાય છે. જે લોકો લગ્ન નથી કરતા તેઓ એક યોગી કે સાધુની જેમ તેમની ઊર્જાને ચૅનલાઇઝ કરે તો ચોક્કસ તે સુંદર જીવન જીવે પરંતુ એવું સામાન્ય લોકોને આવડતું નથી. આમ તેમની એનર્જી વેડફાઈ જાય છે. વ્યક્તિના વીર્યમાં ઓજ નામની ધાતુ હોય છે. બોન-મૅરોમાં મૅરો એટલે આ ઓજ. હાડકાંમાં આ ધાતુ સમાયેલી હોય છે. તમારા લીધેલા ખોરાક પર સાત પ્રકારની પ્રોસેસ થાય ત્યારે એ ઓજ તૈયાર થાય છે. લગ્નજીવનમાં જ્યારે આ ઓજનો યોગ્ય ઉપયોગ થાય, વ્યક્તિ એને પચાવે ત્યારે એ શક્તિનું ઊર્ધ્વગમન થાય છે જેના વડે શારીરિક અને માનસિક બળ વધે છે, લાંબું આયુષ્ય મળે છે, અલૌકિક જીવન ઉપલબ્ધ થાય છે. લગ્નજીવનનું આ દિવ્ય સ્વરૂપ આપણે ભૂલતા જઈએ છીએ પરંતુ શાસ્ત્રોમાં એનું મહત્ત્વ આંકવામાં આવ્યું છે.’

mental health sex and relationships relationships love tips tips life and style