સાવધાનીપૂર્વક વાપરો ગેસ ગિઝર, અન્યથા જીવલેણ પુરવાર થઈ શકે છે.....

03 January, 2019 07:30 AM IST  | 

સાવધાનીપૂર્વક વાપરો ગેસ ગિઝર, અન્યથા જીવલેણ પુરવાર થઈ શકે છે.....

ગેસ ગિઝર (ફાઈલ ફોટો)

મુંબઈમાં એક ઘટના બની જેમાં ગેસ ગિઝરને કારણે થયો અકસ્માત, આ અકસ્માતે લીધો એક છોકરીનો ભોગ, થોડાંક સમય પહેલા મુંબઈના એક છોકરા સાથે અમદાવાદમાં આ અકસ્માત થયો હતો જેમાં છોકરાને ગંભીર ઈજા થતાં તેના પથારીવશ થયાના સમાચાર આવ્યા હતા અને આજે બનેલી આ ઘટનામાં મુલુંડની છોકરીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

શહેરમાં રહેતાં લોકો સમય અને પૈસાની બચત કરવા માટે સતત ધ્યાન રાખતાં હોય છે. ગેસ ગિઝર વાપરવાથી વીજળીનું બિલ ઘટે છે તેથી તે અહીંના લોકોના બજેટને અનુકૂળ રહે છે. ગેસ ગિઝરમાં નહાવા માટે પાણી ગરમ કરવાની એક સરળ પદ્ધતિ છે, એલપીજી ગેસ આઉટલેટ એક બંધ બર્નર સાથે જોડાયેલું હોય છે જે ઇનલેટ પાણીને ગરમ કરે છે, અને ગણતરીના સમયમાં ગરમ પાણી આપે છે. પણ શું તમારા બાથરૂમમાં રહેલું આ ગેસ ગિઝર સંપૂર્ણપણે સુરક્ષિત છે?

ગૅસ ગિઝર બની શકે છે જીવલેણ

સરળ અને સસ્તું લાગતું ગેસ ગિઝર કયારેક જીવનું જોખમ બની શકે છે. દિલ્હી તથા બેંગ્લોરમાં થયેલા એક મેડિકલ અભ્યાસ મુજબ દર વર્ષે ૧૦ થી ૧૨ એવા દર્દીઓને હોસ્પિટલમાં ઈમર્જન્સીમાં લાવવામાં આવે છે કે જે બાથરૂમમાં જ બેભાન હાલતમાં મળ્યા હોય અને ગેસ ગિઝરનો વપરાશ કરતા હોય. ખાસ કરીને શિયાળામાં આવા દર્દીઓ વધુ જોવા મળે છે. આ બનાવોનું કારણ શું હોઈ શકે? આ પ્રકારની ઘટના અને લક્ષણોને "ગેસ ગિઝર સિન્ડ્રોમ" પણ કહે છે, જેમાં વ્યક્તિને બાથરૂમમાં અચાનક ખેંચ આવે છે અથવા તે બેભાન થઈ જાય છે.

કઈ રીતે બને છે ગેસ ગિઝર જીવલેણ

જો ગેસ ગિઝર બાથરૂમમાં રાખવામાં આવ્યું હોય અને પૂરતી માત્રામાં ઓક્સિજન ના મળે તો એલપીજી-બળતણ ગેસનું આંશિક દહન થાય છે જેના કારણે ઝેરી ગેસ "કાર્બન મોનોક્સાઇડ" ઉત્પન્ન થાય છે. આ ઝેરી ગેસ "કાર્બન મોનોક્સાઇડ"નો કોઈ રંગ અને કોઈ ગંધ નથી એટલે એની હાજરીની ખબર પડતી નથી પણ આ એક "સાઇલેન્ટ કિલર" છે. ગેસના સંપર્કમાં આવતા મિનિટમાં વ્યક્તિને તેની અસર થવા લાગે છે અને તે બેભાન પણ થઇ શકે છે અને તે મગજને કાયમી નુકસાન પહોંચાડી શકે છે અને કયારેક જીવલેણ પણ સાબિત થાય છે. તેથી આવી સમસ્યાઓ ન થાય તે માટે ગેસ ગિઝરનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે. આ પ્રકારની તમામ સંભવિત સાવચેતીઓ સાથે તમે ગેસ ગિઝરનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકો છો.

જીવલેણ ગેસ ગિઝર સિન્ડ્રોમ કેવી રીતે ટાળી શકાય?

ગેસ ગિઝર સિન્ડ્રોમને ટાળવા માટે ગેસ ગિઝરનો યોગ્ય ઉપયોગ કરતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

બાથરુમનું બારણું ગિઝર ચાલુ હોય ત્યાં સુધી બંધ કરવું નહીં. પહેલાં નાહવા માટે ગરમ પાણીની ડોલ ભરી લો, ગિઝરની સ્વીચ બંધ કરો અને પછી બારણું બંધ કરો. ધ્યાન રાખવું કે બારણું બંધ કર્યા પછી ગિઝર ચાલુ કરશો નહીં. બાથરૂમમાં વેન્ટિલેશન પૂરતું હોવું જરૂરી છે અને સ્નાન કરતી વખતે પ્રયત્ન અવો રાખવો કે વેન્ટિલેશન ખુલ્લાં રાખી શકો. ધ્યાનમાં લેવા જેવી મહત્વની વાત એ છે કે સ્નાન કરતી વખતે ગિઝર બંધ જ હોય, જો પૂરતું વેન્ટિલેશન નહિ હોય તો બાથરૂમમાં કાર્બન મોનોક્સાઈડની માત્રા વધતાંની સાથે તે જોખમી પુરવાર થઈ શકે છે. એક યોગ્ય અને સુરક્ષિત ઉપાય એ પણ છે કે ગેસ ગિઝર યુનિટ બાથરૂમની બહાર હોય અને ગરમ પાણી કોઈ પાઈપલાઈન મારફતે અંદર જાય. બર્નર અને સમગ્ર યુનિટને કોઈ પણ લીકેજ / બ્લોકેજ માટે નિયમિત રીતે તપાસ અને સર્વિસ કરાવો. ગેસ ગિઝરની સ્વીચ એટલી ઊંચાઈએ હોવી જોઈએ કે તેને સરળતાથી બંધ કરી શકાય એવું પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (પીએયુ) દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસ અનુસાર કહેવામાં આવ્યું છે. કાર્બન મોનોક્સાઈડના સંપર્કમાં આવતાંની સાથે જ માથાનો દુખાવો, ચક્કર આવવા, શ્વાસની તકલીફ, થાક આવા લક્ષણો શરૂઆતમાં જોવા મળે છે. ત્યાર બાદ મૂંઝવણ થાય છે. તેથી પ્રારંભમાં જોખમ જેવું લાગે કે તરત જ કાર્બન મોનોક્સાઈડ ક્યાંથી લીક થાય છે તે શોધી લેવું.

કાર્બન મોનોક્સાઈડ ઝેરના અસરગ્રસ્ત વ્યક્તિની સારવાર કેવી રીતે કરવી?

સારવાર માટે મુખ્ય આ બાબતો ધ્યાનમાં રાખવી કે સૌ પ્રથમ તો તે વ્યક્તિને ખુલ્લા વિસ્તારમાં લઈ જવું. તાજો પવન મળે તે રીતે ગોઠવણ કરી આપવી. તેને શ્વાસોચ્છવાસમાં સરળતા રહે તેવું વાતાવરણ આપવું બારી-બારણાં ખોલીને તાજી હવા અંદર આવવા દેવી. યાદ રાખવું કે કાર્બન મોનોકેસાઈડ ઝેર માટે કોઈપણ પ્રકારના ઘરગથ્થું ઉપચારો ઉપલબ્ધ નથી. પ્રયત્ન કરો કે તાત્કાલિક તબીબી મદદ મળે. મોડા પડશો નહીં, તેમજ તે વ્યક્તિને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવું.

 

આ પણ વાંચો : 19000 કિલો બટાકા વેચ્યા પછી UPના ખેડૂત પાસે બચ્યા માત્ર રૂ.490, PMને મોકલી દીધા

 

આ શિયાળામાં જો તમે પણ ગેસ ગિઝર વાપરતાં હોવ તો સાવચેતી રાખો અને અકસ્માતથી બચવા માટે ઉપરોક્ત બાબતોનું ધ્યાન રાખવું કે જેથી ગેસ ગિઝર સિન્ડ્રોમને રોકી શકાય.