સ્ટોરી મૂકો, પૈસા કમાઓ

19 March, 2021 01:09 PM IST  |  Mumbai | Harsh Desai

ફેસબુક હાલમાં યુઝર્સ માટે આ ફીચર પર કામ કરી રહ્યું છે જેમાં સ્ટિપકર દ્વારા ઍડ કરવામાં આવશે. એનો ઉપયોગ કરીને યુઝર્સ પોતાની સ્ટોરી મૂકીને કમાણી પણ કરી શકશે

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ મીડિયા હવે કમાવાનું પણ સાધન બની ગયું છે અને એમાં ફેસબુક પણ હવે ઉમેરાશે. અમેરિકાની સોશ્યલ મીડિયા કંપની ફેસબુક હાલમાં એક નવા ફીચર પર કામ કરી રહી છે, જેના દ્વારા યુઝર્સ સરળતાથી પૈસા કમાઈ શકશે. જોકે આ માટે શું કરવાનું રહેશે એની વિગતો આ ફીચર લૉન્ચ થાય એ પછી જ ખબર પડશે.

ફેસબુક હાલમાં એની સ્ટોરી ફીચર પર કામ કરી રહ્યું છે જેના દ્વારા યુઝર પૈસા કમાઈ શકશે. અત્યારે આપણે ફેસબુક પર ફોટો અથવા તો વિડિયો શૅર કરીએ છીએ, પરંતુ હવે એ શૅર કરવા માટે યુઝર્સને પૈસા પણ મળશે. ટેક્નૉલૉજી વધતાં આજે ઘણા લોકો કન્ટેન્ટ ક્રીએટર બની ગયા છે. યુટ્યુબર્સની સાથે-સાથે હવે સોશ્યલ મીડિયામાં બૂમ થતાં ઇન્ફ્લુઅન્સર શબ્દ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. આ ઇન્ફ્લુઅન્સર એક રીતે સોશ્યલ મીડિયા દ્વારા કમાણી જ કરે છે અને હવે તેમને કમાણી માટે વધુ એક નવો રસ્તો આપવામાં આવી રહ્યો છે.

કેવી રીતે કરાશે ઍડ? | આ માટે ફેસબુકની સ્ટોરીમાં એક ઍડ મૂકવાની રહેશે. આ ઍડ એક સ્ટિકર જેવી હશે. આપણે હાલમાં લોકેશન અથવા તો ટ્રાવેલિંગ જેવાં વગેરે સ્ટિકર મૂકીએ છીએ એવાં જ સ્ટિકર ઍડ માટેનાં પણ આવશે. જોકે ઇન્ડિયામાં બેઠેલા યુઝર્સ અમેરિકાની કંપનીને પ્રમોટ નહીં કરી શકે. ઇન્ટરનૅશનલ બ્રૅન્ડ હોય તો વાત અલગ છે પરંતુ જો એનું વેચાણ ઇન્ડિયામાં ન થતું હોય તો એ પ્રમોટ નહીં થઈ શકે. તેમ જ મુંબઈમાં બેઠેલી વ્યક્તિ ગુજરાતની પ્રોડક્ટને સેલ નહીં કરી શકે. મરીન લાઇન્સ પર ફરવા ગયેલી વ્યક્તિ હોટેલ તાજ અથવા તો કોલાબાની કોઈ પણ શૉપ અથવા તો હોટેલની ઍડ કરી શકે.

યુઝર્સ કેવી રીતે કરશે કમાણી? | યુઝર્સ તેમની સ્ટોરીમાં ઍડ મૂકશે અને એ કેટલા લોકો દ્વારા જોવામાં આવી છે એના આધારે તેને પૈસા ચૂકવવામાં આવશે. યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર જે રીતે વ્યુઝના આધારે ગણતરી કરવામાં આવે છે એ રીતે જ આ ફીચરમાં પણ પૈસા આપવામાં આવશે, પરંતુ એ થોડા ઓછા હશે. યુઝર્સ માટે ચોક્કસ વ્યુઝ રાખવામાં આવશે અને એની ઉપર જાય તો જ તેમને પૈસા ચૂકવવામાં આવી શકે છે. જોકે એક જ સ્ટોરીને આટલા વ્યુઝ મળવા એવું જરૂરી નથી. એક અઠવાડિયાની અંદર અથવા તો એક દિવસમાં વિવિધ સ્ટોરી દ્વારા કેવી રીતે વધુ ઍડ કરી શકાય એ માટે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. જોકે ફક્ત સ્ટોરી માટે કે પછી લાઇવ વિડિયો માટે પણ પૈસા મળશે એ એમના ફીચરને જાહેર કર્યા બાદ ખબર પડશે.

અન્ય પ્લૅટફૉર્મ પર પણ | ફેસબુકમાં આ સ્ટોરી-ફીચરમાં ઍડના ફીચર પર પણ કામ ચાલી રહ્યું છે. આથી આ ફીચર બહુ જલદી લૉન્ચ કરવામાં આવશે. જોકે એક વાર એના લૉન્ચ થયા બાદ અને એની સફળતા બાદ એને તરત ઇન્સ્ટાગ્રામમાં પણ લૉન્ચ કરવામાં આવે એવી શક્યતા છે. ઇન્સ્ટાગ્રામ પર હાલમાં જ સ્ટોરી દ્વારા પેઇડ પ્રમોશન કરવામાં આવે છે, પરંતુ એ ફક્ત સેલિબ્રિટીઝ પૂરતું છે. સામાન્ય યુઝર્સ માટે પણ આ ફીચર લાવવામાં આવે એના ચાન્સ ખૂબ જ વધુ છે. ફેસબુક કરતાં ઇન્સ્ટાગ્રામ પર ફોટો અને વિડિયો દ્વારા વધુ વ્યુઝ મળે છે. જોકે વૉટ્સઍપમાં આ ફીચર લાવવું થોડું મુશ્કેલ છે.

ફેસબુકને પણ કમાણી

આ ઍડ માટે કંપનીઓ પાસેથી ફેસબુક પૈસા લેશે. આ માટે ફેસબુક વ્યુઝ પર આધારિત પૈસા વસૂલ કરશે. એક તરફ કંપની પાસેથી પૈસા મળશે અને બીજી તરફ ફેસબુકનો વધુ ઉપયોગ થશે અને એ પણ એમના માટે પ્રૉફિટ છે. આથી ફેસબુક એક તીરથી બે નિશાન લગાવી રહ્યું છે.

Columnist HarshDesai