એકલતા અનુભવતા લોકોનો સહારો બને છે ફેસબુક

20 October, 2014 03:56 AM IST  | 

એકલતા અનુભવતા લોકોનો સહારો બને છે ફેસબુક




સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સનું વળગણ લોકોને સમાજથી અલિપ્ત બનાવી દેતું હોવાનાં તારણોથી વિપરીત તારણ એક રિસર્ચમાં બહાર આવ્યું છે. આ તારણ અનુસાર એકલવાયું જીવન જીવતા લોકો ફ્રેન્ડ્સની તલાશ માટે ફેસબુકનો ઉપયોગ કરે છે. રિસર્ચરોના જણાવ્યા પ્રમાણે ફેસબુક લોકોને સમાજથી અલિપ્ત નથી બનાવતી, પરંતુ આ સોશ્યલ નેટવર્કિંગ સાઇટનો ઉપયોગ એકલવાયા લોકો વધુ ને વધુ લોકો સાથે સંપર્ક સ્થાપવા માટે કરે છે.

આ રિસર્ચ કરનારી ટીમના એક સભ્ય આ તારણની છણાવટ કરતા કહે છે, ‘એકલવાયા ન હોય એના કરતાં એકલવાયા હોય એવા વધુ ને વધુ લોકો ફેસબુક પર વધુ સમય વિતાવે છે. ખાસ કરીને શરમાળ કે જેમને સમાજમાં ઓછા લોકો ઓળખતા હોય એવા વધુ લોકો પોતાનું શરમાળપણું દૂર કરવા કે વાતચીતની કળા વિકસાવવા કે પછી સોશ્યલ નેટવર્કિંગ વધારવાના હેતુથી ફેસબુક પર ફેસ-ટુ-ફેસ સેટિંગમાં આવે છે.’

ફેસબુક અને એકલવાયાપણા વચ્ચે શું સંબંધ છે એનું તારણ કાઢવા માટે રિસર્ચરોની ટીમે વિવિધ સ્ટડીનો અભ્યાસ કર્યો હતો. આ તારણ પ્રમાણે કોઈ વ્યક્તિ એકલવાયાપણું અનુભવતી હોય તે ફેસબુક પર વધુ સમય વ્યતીત કરે છે.

ઇન્ટરનેટના વળગણથી થતી સમસ્યાઓ સંદર્ભે રિસર્ચ-ટીમના એક પ્રોફેસર કહે છે, ‘ઇન્ટરનેટના વધુપડતા ઉપયોગથી લોકોમાં એકલવાયાપણા જેવી માનસિક તકલીફો થઈ શકે કે નહીં એ બાબતે ઇન્ટરનેટ સ્ટડીનું સૂચન હતું કે ઇન્ટરનેટના ઉપયોગની હાનિકારક અસરો પણ છે. અમારો સ્ટડી આનો સપોર્ટ કરનારો હતો અને તારણ મળ્યું હતું કે ઇન્ટરનેટના ઉપયોગને એકલવાયાપણા સાથે સંબંધ છે.’

જોકે આ સ્ટડીનું આખરી તારણ એવું મળ્યું છે કે ઇન્ટરનેટનો ઉપયોગ લોકોને એકલવાયા બનાવી દે છે એવી સામાન્ય સમજથી વિપરીત અમારા સ્ટડીનું તારણ છે કે એકલવાયાપણું અનુભવતા લોકો ઇન્ટરનેટનો વધુ ઉપયોગ કરે છે.