સ્માર્ટફોન ક્યારે આઉટડેટેડ બને છે?

09 December, 2022 03:46 PM IST  |  Mumbai | Harsh Desai

મોબાઇલને એક ચોક્કસ સમયે બદલવો જરૂરી છે. એનાથી ટેક્નૉલૉજીની સાથે અવગત તો રહી શકાય છે, પરંતુ સાથે જ હૅકિંગ અને ફિશિંગ રૅકેટથી પણ દૂર રહી શકાય છે અને ડેટા સિક્યૉર રહે એ અલગ

પ્રતીકાત્મક તસવીર

મોબાઇલ ચેન્જ કરવાનું ખાસ કારણ છે કે જે પણ મોબાઇલ હૅક થાય છે અથવા તો ફિશિંગ રૅકેટનો ભોગ બને છે એ મોટા ભાગનાં ડિવાઇસ જૂનાં હોય છે. ડિવાઇસ જૂનાં હોવાથી સિક્યૉરિટી અપડેટ નથી મળતી.

સ્માર્ટફોન વધુ સ્માર્ટ બનતા જઈ રહ્યા છે, પરંતુ એનો મતલબ એ નથી કે એ હંમેશાં સ્માર્ટ જ રહે છે. નથિંગ ઇઝ પર્મનન્ટ એવું કહેવાય છે અને ટેક્નૉલૉજીની દુનિયામાં એ એટલું જ સાચું છે. આજે નવી ટેક્નૉલૉજી આવી અને થોડા દિવસમાં એની નવી અપડેટ આવે અથવા તો એનું નવું ઑલ્ટરનેટિવ આવે અને એ તરત જ જૂની થઈ જતી હોય છે. જોકે સ્માર્ટફોનની વાત કરીએ તો એ એકદમ જ જૂના નથી થઈ જતા, પરંતુ એની પણ એક લિમિટ હોય છે. આ લિમિટ કઈ છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. દરેક ડિવાઇસની લિમિટ અલગ હોય છે. જોકે આ લિમિટ પર પહોંચતાં જ યુઝર્સે ડિવાઇસ ચેન્જ કરવું જરૂરી છે. એવું નથી કે એક વાર મોબાઇલ ખરીદ્યો એટલે લાઇફ ટાઇમ સુધી એનો જ ઉપયોગ કરવો. દવાની એક્સપાયરી ડેટ હોય છે એમ ગૅજેટ્સની પણ હોય છે. તો એ વિશે થોડી માહિતી જોઈએ.

શૌક બડી ચીઝ હૈ
મોટા ભાગે આ કૅટેગરીમા આવતા યુઝર નવું મૉડલ આવતાંની સાથે જ તેમના સ્માર્ટફોનને ચેન્જ કરી નાખે છે. આઇફોન 14 આવતાં આઇફોન 13 વેચી દે છે અને હવે આઇફોન 15ની પણ રાહ જોવા માંડે છે. આ પ્રકારના યુઝર્સ માટે શોખ પહેલાં આવે છે. આથી તેમના માટે ટેક્નૉલૉજી જૂની થઈ કે નવી એ મહત્ત્વનું નથી હોતું, તેમના માટે સ્ટેટસ અને નવું મૉડલ આવે એટલે લેવું એ મહત્ત્વનું હોય છે.

પ્રૉબ્લેમ આવે ત્યારે
મોટા ભાગના યુઝર્સ આ કૅટેગરીમાં આવતા હોય છે. તેમના મોબાઇલમાં જ્યાં સુધી કોઈ પ્રૉબ્લેમ ન આવે ત્યાં સુધી તેઓ નવો મોબાઇલ નથી ખરીદતા. તેમના માટે હજી ફોન ચાલી રહ્યો છેને એ પહેલાં આવે છે, જ્યાં સુધી મોબાઇલ ઑટોમૅટિકલી બંધ ન થઈ જાય ત્યાં સુધી તેઓ નવો મોબાઇલ નથી ખરીદતા. જોકે હકીકતમાં એવું ન હોવું જોઈએ. આ પ્રકારના યુઝર્સ સૌથી વધુ રિસ્ક પર જીવતા હોય છે. જોકે એ વિશે પછી જોઈએ.

સ્માર્ટફોન ક્યારે ચેન્જ કરવો?
શોખ ન હોય અને પ્રૉબ્લેમ ન આવ્યો હોય એવા લોકોએ પણ ચોક્કસ સમયે ડિવાઇસ ચેન્જ કરવું જરૂરી છે. ઍપલ દ્વારા એના મોબાઇલની ત્રણ કૅટેગરી આપવામાં આવી છે. પહેલી કૅટેગરીમાં લેટેસ્ટ ફોન આવે છે, જેમાં છેલ્લાં બે-ત્રણ વર્ષના આઇફોનનો સમાવેશ થાય છે. ત્યાર બાદ બીજી કૅટેગરીમાં તેમણે જે મૉડલ બંધ કરી દીધું હોય અને બે-ત્રણ વર્ષ થઈ ગયાં હોય એ આવે છે. આ કૅટેગરીના મૉડલને તેઓ રિપેર પણ નથી કરતા. અમુક અપવાદમાં કરી આપે છે, પરંતુ મોટા ભાગે એનાથી દૂર રહે છે. ત્રીજી કૅટેગરી છે વિન્ટેજ. મોબાઇલ બંધ કરી દીધાનાં પાંચ વર્ષ બાદ આ કૅટેગરીમાં એનો સમાવેશ કરવામાં આવે છે. આ કૅટેગરીમાં આવી ગયા બાદ સ્માર્ટફોન સ્માર્ટ નહીં, પરંતુ વિન્ટેજ થઈ જાય છે. આથી આ સમયે મોબાઇલ ચેન્જ કરવો જરૂરી બને છે. ગૂગલ પિક્સેલ દ્વારા પણ એની લૉન્ચ ડેટથી ત્રણ વર્ષ સુધી ઍન્ડ્રૉઇડ અપડેટ આપવામાં આવે છે અને પાંચ વર્ષ સુધી સિક્યૉરિટી અપડેટ મળે છે. જોકે ત્યાર બાદ એને અપડેટ મળતી બંધ થઈ જાય છે અને એથી એ સમયે મોબાઇલ ચેન્જ કરવો જરૂરી બને છે.

બદલાવ જરૂરી છે
આ મોબાઇલ ચેન્જ કરવાનું ખાસ કારણ છે કે જે પણ મોબાઇલ હૅક કરવામાં આવે છે અથવા તો જે પણ ફિશિંગ રૅકેટનો ભોગ બને છે એમાં મોટા ભાગના ડિવાઇસ જૂના હોય છે. સ્માર્ટફોન જૂના થઈ ગયા હોવાથી એને સિક્યૉરિટી અપડેટ નથી મળતી. આથી એ એકદમ વનરેબલ બની જાય છે. આ પ્રકારના મૉડલને ટાર્ગેટ કરવું ખૂબ જ સરળ છે. આથી યુઝર્સે એનાથી દૂર રહેવું હોય તો એના મોબાઇલને ચેન્જ કરવો જરૂરી છે, જેથી નવી-નવી સિક્યૉરિટી અપડેટ મળતી રહે અને તેમનું બૅન્ક અકાઉન્ટ અને ડેટા બન્ને સેફ રહે.

અન્ય કેવા પ્રૉબ્લેમ આવે?
અપડેટ મળતી બંધ થઈ જાય એટલે મોબાઇલમાં ધીમે–ધીમે પ્રૉબ્લેમ આવવાના શરૂ થઈ જાય છે. આ તમામ પ્રૉબ્લેમ તરત જ આવે એવું જરૂરી નથી, પરંતુ એનાં એંધાણ સો ટકા મળી જાય છે. સૌથી પહેલાં તો નવી ઑપરેટિંગ સિસ્ટમની અપડેટ ન મળતાં ઍપ્લિકેશનની અપડેટ પણ નહીં કરી શકાય. આ ઍપ્લિકેશન અપડેટ ન મળતાં એના નવા ફીચરનો પણ ઉપયોગ નહીં કરી શકાય. ઉદાહરણ તરીકે આજે કેટલાક આઉટડેટેડ ડિવાઇસ છે એમાં વૉટ્સઍપનાં તમામ ફીચર્સ નથી ચાલતાં અને જે ચાલે છે એ પણ એકદમ ધીમે- ધીમે. આ ઍપ્લિકેશન સપોર્ટ ન મળતાં એનું પ્રેશર પ્રોસેસર પર પડે છે. પ્રોસેસર પર વધુ લોડ પડતાં ફોન ગરમ થવાનું શરૂ થઈ જાય છે. ફોન ગરમ થતાં એની અસર બૅટરી પર પડે છે અને એ અચાનક બંધ થવાનું શરૂ થઈ જાય છે. બૅટરી પર અસર પડતાં બની શકે કે એની આડઅસર મધર બોર્ડ પર પણ પડે. આથી એક પછી એક પ્રૉબ્લેમ શરૂ થઈ જાય છે અને અંતે મોબાઇલ બદલવો પડે છે. આથી શોખ હોય કે મોબાઇલમાં પ્રૉબ્લેમ હોય કે પછી કંઈ ન હોય, પરંતુ ચોક્કસ સમયે મોબાઇલને ચેન્જ કરવો જરૂરી બને છે.

life and style technology news harsh desai