હેલ્ધી રહેવા ઝૂમો, નાચો ને કરો ઝુમ્બા

08 August, 2012 06:50 AM IST  | 

હેલ્ધી રહેવા ઝૂમો, નાચો ને કરો ઝુમ્બા

સેજલ પટેલ

રેગ્યુલર જિમમાં જવાનો કંટાળો આવે છે? એકની એક એક્સરસાઇઝ કરીને બોર થઈ જવાય છે?

બે-ત્રણ ડિફરન્ટ વર્કઆઉટ પ્રોગ્રામ્સ અજમાવ્યા પછીયે એક્સરસાઇઝ કરવાનું કોઈ એક્સાઇટમેન્ટ નથી રહેતું? તો જસ્ટ ઝૂમો, નાચો અને ગાઓ. ઇનફ કૅલરી બર્ન થઈ જશે. ભારતમાં છેલ્લાં દોઢ-બે વરસથી ડાન્સ વર્કઆઉટ્સની ફૅશન નીકળી છે ને એમાં લેટેસ્ટ આગમન થયું છે ઝુમ્બા ડાન્સ-કમ-વર્કઆઉટનું.

ઝુમ્બા વર્કઆઉટની શરૂઆત

ઝુમ્બાનો જન્મ થયો કોલંબિયાના બોગોટા શહેરમાં. ઍલ્બટોર્ પરેઝ નામના ફિટનેસ ટ્રેઇનરે ૧૯૮૬માં ઝુમ્બા ડાન્સ-વર્કઆઉટની શોધ કરી હતી. ઍરોબિક્સના ક્લાસમાં એકની એક ટ્યુન પર ડાન્સ કરતા તેના સ્ટુડન્ટ્સ બોર થવા લાગ્યા છે એવું ઍલ્બર્ટોને સમજાતું હતું ને એટલે તેણે જરાક મ્યુઝિક ચેન્જ કરવાનો અખતરો કર્યો. શરૂઆત સાલ્સા અને અન્ય લેટિન મ્યુઝિક બીટ્સનો સમન્વય કરીને નવું મ્યુઝિક બનાવવાથી કરી. અને મ્યુઝિક ચેન્જ થતાં જ સ્ટુડન્ટ્સ ચાર્જ્ડ-અપ થઈ ગયા. જોકે એ પછી તેણે પર્સનલી અખતરા કરી-કરીને ફિઝિકલ ટ્રેઇનિંગમાં પણ ખૂબ ઉપયોગી એવાં નવાં-નવાં ડાન્સ સ્ટેપ્સ લેટિન મ્યુઝિક બીટ્સનો ઉપયોગ કરીને તૈયાર કરવા માંડ્યા. અત્યારે હિપ-હોપ, સોકા, સામ્બા, મૅમ્બો, માર્શલ આર્ટ્સ, ચાચાચા, ફ્લેમૅન્કો, ટૅન્ગો, ભાંગડા અને બેલી ડાન્સિંગ મ્યુઝિક બીટ્સનો ઉપયોગ કરીને આખેઆખી નવી જ ડાન્સ સ્ટાઇલ ક્રીએટ થઈ ગઈ છે.

ઝુમ્બાનો ફેલાવો

છેક ૨૦૦૧માં ઍલ્બટોર્એ સેલિબ્રિટીઝને ઝુમ્બા ડાન્સનું ઘેલું લગાડ્યું ને ૨૦૦૫માં આ ડાન્સ-વર્કઆઉટનું મૅન્યુઅલ તૈયાર કરીને વિશ્વભરમાં એના ટ્રેઇનરો તૈયાર કરવાનું શરૂ કર્યું. લગભગ એક દાયકામાં તો ઝુમ્બા ફિટનેસ ફીવર ૧૨૬ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે ને એક અંદાજ મુજબ ૧,૧૦,૦૦૦ ક્લાસિસ ચાલે છે ને ૧૨૦ લાખ લોકો ઝુમ્બા ડાન્સ ફિટનેસ પર્પઝથી શીખી રહ્યા છે.

અમેરિકન સિંગર-ડાન્સર મડોના અને અમેરિકન ઍક્ટ્રેસ જેનિફર લોપેઝ ઝુમ્બા ડાન્સનાં ડાઇ-હાર્ડ ફૅન છે.

ડાન્સમાં શું નવું?

આ ડાન્સની કોરિયોગ્રાફીમાં કોઈ અઘરાં અને અટપટાં સ્ટેપ્સ નથી હોતાં. બીજા ડાન્સ-ફોર્મ્સની જેમ ઝુમ્બાથી પણ મૂડ બને છે. એનાથી અંદરનો ખચકાટ દૂર થાય છે જે તમને તમારા શરીર અને એની મૂવમેન્ટથી સભાન બનાવે છે. એક હાઈ-ટૅમ્પો ઍરોબિક ઍક્ટિવિટી જેટલી જ કૅલરી ઝુમ્બા ડાન્સથી બળે છે. તમારા વજન અને ફિટનેસ લેવલ મુજબ એક કલાકમાં ૪૦૦થી ૬૦૦ કૅલરી બર્ન થઈ શકે અને એક કલાકના ડાન્સ-સેશન પછી તમે તરોતાજા મહેસૂસ કરી શકો એ નફામાં.

ફુલ બૉડી વર્કઆઉટ

શરીરના દરેકેદરેક મસલ્સ અને જૉઇન્ટ્સને આવરી લે એ પ્રકારનાં ડાન્સ-સ્ટેપ્સ ઝુમ્બામાં છે. નિતંબ અને પેટ એ બે પર સૌથી વધુ કામ થાય ને સાથે બૉડી ફ્લેક્સિબિલિટી પણ વધે. ડાન્સ કરતાં-કરતાં જ સ્ક્વૉટ્સ, જમ્પ અને બૅલેન્સિંગ એમ બધું જ મ્યુઝિકના સહારે કેળવવા લાગે છે. જેમ-જેમ તમારી ક્ષમતા વધતી જાય એમ-એમ તમે લેટિન બીટ્સ સાથે રિધમમાં પુશ-અપ્સ પણ કરી શકશો. દરેક ઝુમ્બા ક્લાસની શરૂઆત વૉર્મિંગ-અપ સેશનથી થાય અને અંત બ્રીધિંગ અને સ્લો-મોશન સ્ટેપ્સથી કૂલિંગ ડાઉન સેશનથી થાય છે.

કોણ કરી શકે?

ઑલમોસ્ટ ઍનીબડી કૅન ડુ ધિસ. જે લોકો ફિટ  રહેવા માટે નિયમિત એક્સરસાઇઝ કરવાનો સમય ફાળવે છે એ તમામ લોકો આ ફિટનેસ વર્કઆઉટ કરી શકે છે. બ્લડપ્રેશર ઘટાડવા માટે કે બોન ડેન્સિટી વધારવા માટે પણ આ ડાન્સ-ફૉર્મ ખૂબ મદદગાર નીવડે છે.

ઝુમ્બાના આઠ પ્રકારના ક્લાસિસ

ફાઉન્ડર ઍલ્બટોર્એ નાના-મોટા સૌ કરી શકે એ માટે તેમ જ વ્યક્તિગત જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કુલ આઠ પ્રકારના ડાન્સનું મૅન્યુઅલ તૈયાર કર્યું છે.

૧. ઝુમ્બા ફિટનેસ : કરવામાં સરળ, ખૂબ માણી શકાય અને સાથે ફિટનેસની પ્રાથમિક બાબતો પર કામ થાય એવા પ્રકારની કોરિયોગ્રાફી ધરાવતા ડાન્સ આ ક્લાસમાં થાય છે. પહેલી વાર આ વર્કઆઉટ શરૂ કરતા હો તો આ સ્ટેપ્સ બેસ્ટ છે.

૨. ઝુમ્બા ગોલ્ડ : મિડલ એજ પછી પણ ઍક્ટિવ અને યંગ બાય હાર્ટ રહેવાવાળા લોકો માટે આ ડાન્સ-ફૉર્મર્ છે. પાર્ટી જેવા વાતાવરણમાં હળવાં અને સરળતાથી થઈ શકે એવાં સ્ટેપ્સની કોરિયોગ્રાફી એમાં હોય છે.

૩. ઝુમ્બા ટોનિંગ : રેગ્યુલર વર્કઆઉટ કરીને બૉડી ટોનિંગ કરવા માટે શરીરની રચના મુજબ જે-તે બૉડી પાર્ટ પર ફોકસ કરતાં સ્ટેપ્સ આમાં હોય. શરીરને સુડોળ બનાવવાની ઇચ્છા ધરાવનારાં આ ડાન્સ-સ્ટેપ્સ કરી શકે.

૪. ઍક્વા ઝુમ્બા : આ ક્લાસમાં પાણી ઉછાળવાનું, સ્ટ્રેચિંગ, ટ્વિસ્ટ્સ, શાઉટિંગ તેમ જ મ્યુઝિકલ રિધમમાં સ્ટેપ્સ એ આ ફૉર્મની ખાસિયત છે. એનાથી હાર્ટ-રેટ વધે, બૉડી-ટોનિંગ થાય અને સૌથી વધુ રિલૅક્સેશન મળે.

૫. ઝુમ્બાટૉમિક : હિપ-હોપ, કુમ્બિયા અને માર્શલ આર્ટ્સના મિશ્રણવાળી કોરિયોગ્રાફી કિડ્સ માટે સૌથી મજાની છે.

૬. ઝુમ્બા ઇન સર્કિટ : માત્ર ૩૦ મિનિટની હાઈ સ્પીડ, લેટિન મ્યુઝિક પર ઇન્ટેન્સ ડાન્સ સ્ટેપ્સ પછી વચ્ચે સ્ટ્રેન્ગ્થ ટ્રેઇનિંગ માટેની કસરત પણ કરવામાં આવે છે. એનાથી ઝટપટ કૅલરી બર્ન થાય છે.

૭. ઝુમ્બા ગોલ્ડ ટોનિંગ : જો તમે ડાઇ-હાર્ડ ફિટનેસ પ્રેમી હો તો તમારે આ ફિટનેસની કસોટી કરે એવાં કૉમ્પ્લેક્સ ને છતાં મ્યુઝિક સાથે કરવામાં અદમ્ય આનંદ આવે એવાં આ સ્ટેપ્સ કરવાનું શીખવું જોઈએ. જેમ ઇન્ટેન્સિટી વધે છે એમ બૉડી ટોનિંગ અને સ્ટ્રેન્ગ્થ બન્નેમાં જાદુઈ અસર દેખાવા લાગે છે.

૮. ઝુમ્બા સેનેટો : આ વર્કઆઉટ ખુરશી સાથે કરવાનો છે. એમાં મસલ્સની સ્ટ્રેન્ગ્થ વધે, બૉડીની સહનશક્તિ વધે, ટોનિંગ થાય અને બૉડી બૅલેન્સિંગ ઍક્ટ શીખવા મળે છે.