શું તમારું બાળક ઊંઘમાં બબડે છે?

28 August, 2012 06:24 AM IST  | 

શું તમારું બાળક ઊંઘમાં બબડે છે?

રુચિતા શાહ

ઘણી વાર નાનાં બાળકો ભરઊંઘમાં બૂમો મારતાં હોય કે કંઈક બબડતાં હોય એવું સાંભળ્યું હશે. બાળકો ઊંઘતી વખતે અમુક પ્રકારનું ઍબ્નૉર્મલ બિહેવિઅર કરતાં હોય છે. જેને પેરાસોન્મિયા પણ કહેવાય છે, જેમાં ઊંઘમાં બોલવું મુખ્ય છે. જોકે બાળક ૧૧ વર્ષનું થાય ત્યાં સુધીમાં તો તેનું આ વર્તન કન્ટ્રોલમાં આવી જાય છે. સ્લીપ ટૉકિંગ નાનાં બાળકોમાં જ શા માટે વધુ જોવા મળે છે? એનાથી બાળકોને કોઈ નુકસાન ખરું? એનો ઇલાજ શું? એ વિશે વિસ્તારથી જાણીએ.

સ્લીપ ટૉકિંગ છે શું?

ઊંઘના કોઈ પણ ભાગમાં વ્યક્તિ ધીમા અવાજમાં બબડાટ કરે કે જોરથી બૂમો મારે છે. કેટલીક વાર ઊંઘમાં બોલતી વ્યક્તિ શું બોલે એ સમજવું મુશ્કેલ હોય છે જ્યારે કેટલીક વાર આખા દિવસમાં બનેલી કોઈ ઘટનાનું રિપિટેશન તે ઊંઘમાં કરે એવું પણ બને. ક્યારેક કોઈ સપનું જોઈ રહ્યો હોય જેમાં બહુબધા લોકોની સાથે વાત કરતાં પોતાના ભાગનું તે બોલતો હોય. ઊંઘમાં બોલનારી વ્યક્તિને પોતાને પણ ખબર નથી હોતી કે તે શું બોલે છે. અલબત્ત, એટલે તેનો એના પર કોઈ કન્ટ્રોલ પણ નથી હોતો. ઊંઘમાંથી જાગ્યા પછી રાત્રે તેઓ નીંદરમાં શું બબડતા હતા એ તેમને સવારે યાદ પણ હોતું નથી. એટલે જ્યારે તેમની આજુબાજુ સૂતેલા લોકો તેઓ ઊંઘમાં શું બબડતા હતા એ વિશે જણાવે તો તેમને આર્ય થાય છે. કેટલીક વાર તેઓ જાગ્રતાવસ્થામાં જે અવાજમાં કે ભાષામાં બોલતા હોય સ્લીપ ટૉકિંગમાં એનાથી જુદી ભાષા પણ વાપરી શકે છે.

બાળકોમાં વિશેષ

એક રિસર્ચ અનુસાર ૮૦ ટકા બાળકોને ઊંઘમાં બબડવાની ટેવ હોય છે, લગભગ દર ૧૦ બાળકમાંથી ૧ બાળક સ્લીપ ટૉકિંગ કરે છે એનું કારણ આપતાં પીડિયાટ્રિશ્યન ડૉ. પંકજ પારેખ કહે છે, ‘ત્રણ વર્ષથી ૧૨ વર્ષ સુધીનાં બાળકોમાં આ પ્રકારનું ઍબ્નૉર્મલ બિહેવિઅર વિશેષ જોવા મળે છે, કારણ કે આ ઉંમરનાં બાળકોની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ હજી પૂરતા પ્રમાણમાં વિકસિત થયેલી નથી હોતી તેમ જ કેટલાંક હાઇપર ઍક્ટિવ બાળકોમાં થાકને લીધે, અપૂરતી ઊંઘને લીધે, કેટલાક કેસમાં વારસાગત કારણે, મગજના મજ્જાતંતુઓમાં સોજો આવ્યો હોય જેવાં કારણોને લીધે બાળકોની ઊંઘમાં ડિસ્ટર્બન્સ રહેતો હોય. બાળક ગાઢ નિંદ્રા ન લઈ શકે ત્યારે તે ઊંઘમાં બબડાટ કરે છે. જોકે જેમ-જેમ બાળક મોટું થાય એમ-એમ આપમેળે જ આ પરિસ્થિતિ કન્ટ્રોલમાં આવી જતી હોય છે.’

મોટાઓમાં પણ હોય

બાળકોમાં અતિ સામાન્ય બનેલું સ્લીપ ટૉકિંગ લગભગ ૫થી ૭ ટકા મોટી વયના લોકોમાં પણ જોવા મળે છે. આ વિશે હિન્દુજા હૉસ્પિટલના સ્લીપ ફિઝિશ્યન ડૉ. ઝરીર ઉદવાડિયા કહે છે, ‘મોટે ભાગે બાળકોમાં જોવા મળતી સ્લીપ ટૉકિંગની સમસ્યા કેટલાક મોટી વયના લોકોને પણ સતાવતી હોય છે. ખાસ કરીને જે વ્યક્તિ સ્ટ્રેસમાં હોય, તાવ આવતો હોય, અપૂરતી અને ખલેલયુક્ત ઊંઘ લેતી હોય, આલ્કોહોલનું સેવન કરતી હોય, કોઈ દવાની આડઅસર થઈ હોય જેવાં કારણોને લીધે ઊંઘમાં વાત કરવાની સમસ્યા ઉદ્ભવે છે. હેરિડિટીમાં હોય તો પણ મોટી વય સુધી વ્યક્તિને આ તકલીફ હોઈ શકે છે.’

કોઈ નુકસાન ખરું?

સ્લીપ ટૉકિંગથી ઊંઘમાં વાત કરનારી વ્યક્તિને કોઈ નુકસાન થતું નથી એની વાત કરતાં જસલોક હૉસ્પિટલની સ્લીપ ડિસઑર્ડર ક્લિનિકનાં ડૉ. પ્રીતિ દેવનાની કહે છે, ‘સ્લીપ ટૉકિંગ કરનાર વ્યક્તિને એનાથી કોઈ નુકસાન નથી, પરંતુ એની સાથે સુનારા લોકોની ઊંઘ ખરાબ થઈ શકે છે. ખૂબ રૅર કેસમાં કેટલાક પેશન્ટને ઊંઘમાં બૂમો મારવાની આદત હોય એ બીજા લોકો માટે આતંક બની શકે છે. સામાજિક લેવલ પર ઊંઘમાં બોલનાર વ્યકિતને શરમમાં મુકાવાની સ્થિતિ આવી શકે છે. માટે જ આવા લોકો ઘરથી દૂર ક્યાંય જવાનું હોય તો રાત્રે ઊંઘવાનું ટાળે છે અને અનિદ્રાને કારણે તેમને બીજી અનેક બીમારી થવાની શક્યતા વધી જાય છે.’

ટ્રીટમેન્ટ શું?

સ્લીપ ટૉકિંગની કોઈ ખાસ દવા નથી એમ જણાવીને ડૉ. પ્રીતિ દેવનાની કહે છે, ‘નાનાં બાળકોમાં સામાન્ય ગણાતી સ્લીપ ટૉકિંગની સમસ્યા ઉંમર વધે એમ કોઈ પણ ઇલાજ વગર દૂર થઈ જાય છે. એટલે એમાં પેરન્ટ્સે ચિંતા કરવાની જરૂર નથી. જોકે એટલું ધ્યાન ચોક્કસ રાખવું કે બાળક ઊંઘમાં કઈ બબડતું હોય તો તેને જગાડવું નહીં કે તેને પાછળથી કઈ પૂછવું પણ નહીં. આ વર્તનને બને એટલું સહજ જ રહેવા દેવું. તેમ જ બાળક પૂરતી ઊંઘ મેળવે અને તેની નીંદરમાં ખલેલ ન પડે એનું ધ્યાન રાખવું. સ્લીપ ટૉકિંગ સિવાય સ્લીપ વૉકિંગ, નાઇટ ટેરર, સ્લીપ ઈટિંગ જેવી તકલીફો પણ બાળકોમાં હોય તો થોડી વિશેષ તકેદારી રાખવી. બાળકને ક્યાંક ઊંઘમાં ચાલતા સમયે વાગે નહીં કે બાળક પોતે જ પોતાને નુકસાન ન કરી બેસે એનું ધ્યાન રાખવું જોઈએ.’

મોટા લોકોએ શું ધ્યાન રાખવું એની વાત કરતાં ડૉ. પ્રીતિ દેવનાની કહે છે, ‘૧૫ વર્ષની ઉપરની વ્યક્તિઓને પણ આ સમસ્યા સતાવતી હોય, કોઈ ઊંઘમાં ગણગણવાને બદલે જોર-જોરથી બરાડતું હોય તો ડૉક્ટર પાસે જવાનો સમય આવી ગયો છે એમ સમજવું, કારણ કે વ્યક્તિ પોતાની જાણ વગર ઊંઘમાં બૂમો મારે કે હિંસક થઈને રાડો પાડે તો કેટલીક વાર એનો સંબંધ બિહેવિયરલ અને સાઇકોલૉજિકલ ડિસઑર્ડર સાથે પણ હોઈ શકે છે. આવા સમયે સમસ્યાનાં મૂળ ચકાસવાં જરૂરી છે. જેમાં ડૉક્ટર પેશન્ટ બિહેવિઅરલ અને કોગ્નિટિવ થેરપીથી ઇલાજ કરે છે.’