જરૂર કરતાં વધુ ગળ્યું ખાઓ છો?

07 December, 2011 09:03 AM IST  | 

જરૂર કરતાં વધુ ગળ્યું ખાઓ છો?



(સેજલ પટેલ)

ગળ્યું ખાવાનું ખૂબ જ મન થતું હોય તો એનાથી માત્ર ડાયાબિટીઝનું જ જોખમ છે એવું નથી. અમેરિકાની યેલ યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે વારેઘડીએ ચૉકલેટ, બિસ્કિટ્સ, શુગરવાળાં પીણાં અને ખાંડવાળી ચીજો ખાવાથી વારંવાર બ્લડશુગરનું લેવલ ઘટી જવાનું જોખમ વધે અને એને કારણે વ્યક્તિને વધુ ને વધુ અનહેલ્ધી ફૂડ ખાવાનું મન થાય છે. જે ચીજ રિસર્ચરોએ અભ્યાસ કરીને તારવી છે એ જ આપણા ડાયેટિશ્યનો વષોર્થી કહેતા આવ્યા છે. ખાંડ અને ગળી ચીજોને કારણે લોહીમાં તરત જ ગ્લુકોઝ લેવલ વધે છે. એકસામટો વધેલો ગ્લુકોઝ વપરાયા વિનાનો પડી રહે તો શરીરમાં સંઘરાઈ રહે છે. ગ્લુકોઝનો સંગ્રહ શરીરમાં ચરબીરૂપે જમા થાય છે ને ફરીથી લોહીમાં અચાનક જ શુગર લેવલ ઓછું થઈ ગયેલું લાગે છે એટલે ફરીથી ઝડપથી ગ્લુકોઝ મળે એવી ચીજો ખાવાનું મન થાય છે. 

અમેરિકાની યેલ યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે ગળ્યું ખાવાનું ક્રેવિંગ થયા જ કરતું હોય તો એ એક વિષચક્ર છે અને એને જલદીથી તોડવું જરૂરી છે, નહીંતર બૉડીમાં ચરબી જમા થયા કરે ને ફરી-ફરીને અનહેલ્ધી ફૂડ ખાવાની ઇચ્છા પણ બળવત્તર બનતી જાય છે. વારંવાર ગળ્યું ખાવાનું ક્રેવિંગ થતું રહે એ જ બતાવે છે કે શરીરમાં કંઈક ગરબડ છે.

વધુ ગળપણનાં લક્ષણો

ગળપણનો ચટાકો શુગર લેવલની વધઘટ ઉપરાંત પણ બીજી અનેક રીતે દેખાય છે અને એ લક્ષણો પરથી પણ તમે નક્કી કરી શકો કે તમે શરીરની જરૂરિયાત કરતાં વધુ માત્રામાં ગળ્યું ખાઓ છો. જો નીચેનામાંથી કોઈ પણ લક્ષણો હોય તો ચેતો.

૧. ફંગલ ઇન્ફેક્શન : જો વારેઘડીએ વજાઇનાની આસપાસ ખંજવાળ અને વાઇટ ડિસ્ચાર્જની તકલીફ થતી હોય તો એ ફંગલ ઇન્ફેક્શન હોય છે. લોહીમાં જરૂર કરતાં વધુ માત્રામાં શુગર જમા થતી હોય છે ત્યારે આ ઇન્ફેક્શન ઝડપથી મટતું નથી. આ માટે વ્યક્તિને ડાયાબિટીઝ હોવો જરૂરી નથી.

૨. લાલ ખીલ : ચહેરા, ગળા કે બાવડાં પર લાલ લોહી ભરાઈને મોટી ફોલ્લીઓ જેવા ખીલ થાય અને એ પાકીને એમાંથી પરું નીકળતું હોય તો એ પણ તમે વધુ ગળકુડા છો એની નિશાની છે. ખોરાકમાં રિફાઇન્ડ કરેલી શુગર લેવાનું બંધ કરી દેવાથી આ ટાઇપના ખીલ થવાનું ઘટી જાય છે.

૩. મૂડમાં ચડાવઉતાર : પેટ ખાલી હોય ત્યારે અકળામણ કે ગુસ્સો આવી જાય, અચાનક જ તમારો મૂડ ખરાબ થઈ જાય એવું થાય છે? આવા સમયે આઇસક્રીમ, ચૉકલેટ, કુકીઝ કે કોઈ પણ ગળી ચીજ ખાઈ લેવાથી અચાનક જ મૂડ એકદમ વધારે થઈ જાય તો એ દર્શાવે છે કે તમારી ખાવાની પૅટર્નમાં કંઈક ગરબડ છે. સ્ટ્રેસને કારણે સ્ટ્રેસ-હૉમોર્ન એડ્રિનાલિન અને કૉર્ટિસોલનો સ્રાવ વધી જાય છે. બૉડીમાં અચાનક જ શુગર લેવલ ઘટી જાય ત્યારે પણ આ હૉમોર્ન્સ વધી જાય છે અને એને કારણે ટેમ્પરરી મૂડમાં ખૂબ જ મોટા ચડાવઉતાર આવે છે.

૪. વાળમાં ખોડો થવો અથવા ખરવા : ડાયાબિટીઝના દરદીઓમાં લાંબા ગાળે વાળ ખરવાનું ઝડપી બને છે. જો તમારા વાળ એકદમ હેલ્ધી અને ચમકીલા હોય ને અચાનક જ વાળ ખરવાનું પ્રમાણ વધી જાય અથવા તો શિયાળામાં ખોડો વધી જાય તો પણ ડાયટમાં શુગર લેવલ કેટલું લો છો એ ચેક કરવું જોઈએ. ગળી ચીજો ખાવા પર કન્ટ્રોલ આવવાથી આપમેળે વાળ ખરતા અટકે તો સમજવું કે તમે અત્યાર સુધી જરૂર કરતાં વધુ ખાંડ ખાતા હતા.

૫. પેટ પરની ચરબી : પેટ અને કમરની આસપાસ ચરબીનો ભરાવો થવાનું શરૂ થાય એ લક્ષણ છે કે તમે જરૂર કરતાં વધુ શુગર લો છો. પેટ પરની ચરબી માટે સામાન્ય રીતે ફ્રાઇડ અને જન્ક-ફૂડ કરતાં સૌથી પહેલી અસર શુગરની વધુ થાય છે. તમારા પેટને ફ્લૅટ કરવું હોય તો અન્ય ડાયેટિંગ ટિપ્સમાં શુગર કન્ટ્રોલ ઇઝ મસ્ટ. એના વિના તમે ટમી ફૅટ ક્યારેય ઘટાડી નહીં શકો.

૬. ચહેરા પર સોજા : વધુપડતી ખાંડને કારણે શરીરમાં પાણીનો ભરાવો થાય છે અને એને કારણે ચહેરો ફૂલેલો લાગે છે. કાબોર્નેટેડ પીણાં, ટિનપૅક્ડ જૂસ કે વધુ માત્રામાં ગળ્યાં ચા-કૉફી લેવામાં આવે તો એનાથી સવારે ઊઠ્યા પછી તરત ચહેરો ફૂલેલો લાગે છે.

ક્રેવિંગ ટાળવું કેવી રીતે?

જ્યારે પણ ગળ્યું ખાવાનું ખૂબ મન થાય ત્યારે હોલગ્રેન ચીજો ખાવી.

લીલાં શાકભાજી જેવાં કે કોબી, ગાજર, કાંદા, કોળું, ફણસી, પાલક, કાકડી જેવી ચીજો વધુ માત્રામાં લેવી.

ચા-કૉફી કે અન્ય સ્વીટ પીણાં લેવાનું બંધ કરવું. ધારો કે લેવાં જ હોય તો એમાં આર્ટિફિશ્યલ શુગર લેવી જેથી વધુ કૅલરી પેટમાં જતી અટકે.

દૂધ, ચીઝ, પનીર, સિંગ-ચણા જેવાં પ્રોટીનનું પ્રમાણ વધારવું. એમાંનું પ્રોટીન ધીમે-ધીમે પચે છે અને લાંબા સમય સુધી એનર્જી આપે છે.