કૅન્સરમાં યોગની ઉપયોગિતા કેટલી?

07 November, 2019 12:43 PM IST  |  Mumbai | Ruchita Shah

કૅન્સરમાં યોગની ઉપયોગિતા કેટલી?

પ્રતિકાત્મક તસવીર

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડા કહે છે કે દર વર્ષે ચાર કરોડ દસ લાખ લોકો નૉન કૉમ્યુનિકેબલ ડિસીઝ (NCD)થી મૃત્યુ પામે છે. નૉન-કૉમ્યુનિકેબલ ડિસીઝ એટલે એવા રોગ જેની પાછળ કોઈ વાઇરસ કારણભૂત નથી. વ્યક્તિની પોતાની જીવનશૈલી અને વ્યક્તિનું પોતાનું મેન્ટલ સ્ટેટ આ રોગમાં વધારે પ્રમાણમાં ભાગ ભજવતું હોય છે. એક સમય હતો જ્યારે ઉંદરડાથી ફેલાયેલા પ્લેગ નામના રોગે લાખોના જીવ લઈ લીધા હતા. એવી જ રીતે ડેન્ગી, ચિકનગુનિયા, મલેરિયા, ટાઇફૉઇડ, હેપેટાઇટિસ ‘એ’ અને ‘બી’ જેવા રોગ એક યા બીજી રીતે ફેલાતા વાઇરસને કારણે થતા. સંક્રમિત રોગો જેના સંક્રમણ પાછળ થર્ડ પાર્ટી (વાઇરસ) જવાબદાર હતી. આ રોગથી બચવા માટે પોતાની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે અને વાઇરસથી દૂર ખાણી-પીણીમાં ધ્યાન રાખવું એટલું કરી શકાતું હતું. જોકે હવે મૃત્યુનાં કારણોમાં સંક્રમિત રોગોનું પ્રમાણ ઘટ્યું. આજે વિશ્વમાં સરેરાશ થતાં કુલ મૃત્યુમાંથી ૭૧ ટકા પાછળ NCD જવાબદાર છે. હૃદયરોગ, કૅન્સર, ડાયાબિટીઝ, માનસિક રોગ અને ક્રૉનિક રેસ્પિરેશનને લગતા રોગ આ કૅટેગરીમાં આવે છે. તમાકુ-સિગારેટનું સેવન, દારૂનું જોખમી સ્તરે સેવન, અનહેલ્ધી ડાયટ અને ફિઝિકલ ઍક્ટિવિટીનો અભાવ એ ચાર કારણો નૉન કૉમ્યુનિકેબલ રોગ પાછળ મુખ્ય ગણાય છે. આજે સૌથી વધુ ભયભીત કરનાર નૉન કૉમ્યુનિકેબલ રોગ કૅન્સર વિશે જાગૃતિ લાવવા માટે ‘નૅશનલ કૅન્સર અવેરનેસ ડે’ની ઉજવણી થઈ રહી છે ત્યારે કૅન્સરના નિવારણમાં અથવા કૅન્સર કે એની સાઇડ-ઇફેક્ટ્સમાં રાહત આપવામાં યોગ ઉપયોગી છે કે નહીં એ વિશે કેટલાક નિષ્ણાતો સાથે વાત કરીએ...
યોગ શું કામ?
અમેરિકન કૅન્સર સોસાયટીના નિષ્ણાતોએ કૅન્સર દરમ્યાન યોગને મહત્ત્વ આપવા પર ભાર મૂક્યો છે. તેમનું કહેવું છે કે યોગને કારણે સ્ટ્રેસ-લેવલ ઘટે છે, સ્ટ્રેંગ્થ વધે છે. અમેરિકન નૅશનલ હેલ્થ ડિપાર્ટમેન્ટ તો એમ પણ કહે છે કે યોગને કારણે કૅન્સર સાથે સંકળાયેલા અસ્થમા, ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ ડિસીઝ જેવાં લક્ષણોમાં રાહત મળે છે. કૅન્સરમાં યોગ શું કામ મસ્ટ એ વિશે ‘ધ યોગ ઇનિસ્ટટ્યૂટ’ના ડિરેક્ટર ડૉ. હંસા યોગેન્દ્ર કહે છે, ‘આજે પણ એવા લોકો છે જેઓ કૅન્સર નામ સાંભળતાં જ ધ્રૂજી ઊઠે છે. માત્ર શબ્દ સાંભળીને માને કે હવે જીવન પૂરું થઈ ગયું. અમારે ત્યાં આ અવસ્થા ધરાવતા ઘણા પેશન્ટ આવે છે. જે ડરે છે એને કૅન્સર વધારે ડરાવે છે, પણ જે લોકો કૅન્સરને સામાન્ય શરદી-ઉધરસની જેમ ટ્રીટ કરે છે એ લોકો ખૂબ સહજતાથી એને હૅન્ડલ કરી શકે છે. કૅન્સર આવ્યા પછી મોટા ભાગના લોકો હેલ્પલેસ અને હોપલેસની લાગણી અનુભવવા માંડે છે અને ઘણા દરદીઓના કાઉન્સેલિંગ પરથી ઑબ્ઝર્વ કર્યું છે કે માણસ પોતાના જીવનમાં હેલ્પલેસ અને હોપલેસનેસના તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોય તેમને આ બીમારીનો સામનો કરવાનું સહજ બને છે. યોગ જીવન જીવતાં
શીખવે છે.’
એક અનુભવ વિશે વાત કરતાં ડૉ. હંસા યોગેન્દ્ર કહે છે, ‘યોગ મૃત્યુનો ડર કાઢવામાં મદદ કરે છે. યોગનાં કેટલાંક લાઇટ આસન શરીરના રક્તપરિભ્રમણમાં અને શરીરની સિસ્ટમને સક્રિય કરે છે. મને યાદ છે કે ૫૦ વર્ષનાં એક બહેન મારી પાસે આવેલાં. તેમને ગર્ભાશયમાં કૅન્સર હતું. ડૉક્ટરોએ કહ્યું કે એ ફેલાઈ ચૂક્યું છે અને હવે કંઈ થઈ શકે નહીં. તેઓ આવીને ધ્રુસકે-ધ્રુસકે રડવા માંડ્યાં. જ્યારે પણ આ બીમારીનું નામ પડે એટલે લોકો એને મૃત્યુ સાથે સાંકળી લે છે. એક વાત આપણે સૌએ સમજી લેવાની છે કે જ્યારે જન્મ લીધો ત્યારે જ મૃત્યુ પામશો એ નક્કી હતું. આવ્યા છો તો જવાનું તો છે જ. શ્વાસ અંદર જાય છે તો શ્વાસ બહાર પણ નીકળશે જ. દરેક કૅન્સર પેશન્ટે એ વાત બરાબર યાદ કરી લેવી જોઈએ કે તમારા મૃત્યુનું કારણ કૅન્સર નહીં, પણ તમારો જન્મ છે. જન્મે તે જ મરે. કૅન્સર હોય કે ન હોય, પણ મૃત્યુ તો હોય જ. જો આ વાત સાઇકોલૉજીમાં ફિટ થઈ જાય તો કૅન્સર તમારું કશું બગાડી ન શકે. મુખ્ય મુદ્દો માઇન્ડનો જ છે. માઇન્ડ સેટ થઈ ગયું એ પછી શરીર એનું કામ કરશે જ. તમારા શરીરના એકેએક સેલ ઇન્ટેલિજન્ટ છે. શરીરને ખબર છે કે તેણે શું રાખવાનું છે અને શું બહાર ફેંકવાનું છે. જ્યારે માઇન્ડ ઇન્ટરફિયર કરે ત્યારે શરીરના યોગ્ય સંચાલનમાં વિક્ષેપ ઊભો થાય છે. એ બહેનનું અમે કાઉન્સેલિંગ શરૂ કર્યું. પહેલાં તો કૅન્સરનો હાઉ કઢાવી નાખ્યો. પછી તેઓ જીવનશૈલીમાં શું ભૂલ કરે છે એ ઑબ્ઝર્વ કરવા કહ્યું. મોટા ભાગે આપણી જ ભૂલને કારણે આ પ્રકારના રોગ થાય છે. ખાવાપીવાની આદતો બહુ મોટો ભાગ ભજવે છે. જન્ક ફૂડ, અનિયમિત ખોરાક, વધેલા વાસી ખોરાક જેવું બધું જ બંધ કરી દો. કૅન્સર હોય તેમણે પણ અને કૅન્સર ન હોય તેમણે પણ આ રૂલ ફૉલો કરવાની જરૂર છે. સાત્ત્વિક આહાર એટલે બીજુ કંઈ નહીં; પણ સાદો, પૌષ્ટિક અને તાજો આહાર. સાદાં શાક-રોટલી, દાળ-ભાત બને એવાં તરત જ ગરમ-ગરમ ખાઈ લો તો એ ક્યારેય શરીરને નુકસાન ન કરે. છેલ્લે થોડી કસરત કરો. લાઇટ આસન કરો. અડધો કલાક ચાલવાનું રાખો. સવારનો તડકો લો. જાત સાથે રહો અને જે છે એને સ્વીકારી લો.’
આગળ તેઓ કહે છે, ‘બીજી એક સલાહ હું આ બીમારીનો સામનો કરી રહેલા લોકોને આપું છું એ છે કે જેટલું સૂઓ છો એમાં એક કલાક વધુ સૂઓ. ભલે ઊંઘ ન આવે તો અંધારામાં પડ્યા રહો, પણ એક કલાક વધારે સૂવાનું રાખો. જૉયફુલ રહી શકો એવી ઍક્ટિવિટીમાં બિઝી રહો. પેલાં બહેનને પણ આ જ ઍડ્વાઇઝ આપી. તેમને વાત મગજમાં બેસી ગઈ અને તેમણે આ મુજબ જીવવાનું શરૂ કર્યું. ત્રણ મહિના પછી ફરી જ્યારે તેમના રિપોર્ટ નીકળ્યા ત્યારે એ પહેલાં કરતાં ઘણા બેટર હતા. લાઇફસ્ટાઇલને કારણે જે બગડ્યું એ લાઇફસ્ટાઇલ સુધારતાં સુધરી પણ શકે છે એ બહુ જ સીધી વાત છે. કીમો થેરપી પછી પણ દરદીઓએ એની સાઇડ-ઇફેક્ટનો સ્વીકાર કરીને એમાં પણ કેવી રીતે સ્વસ્થ રહેવું અને કેવી રીતે રિલૅક્સ થવું એની ટેક્નિક જાતે શીખી લેવી જોઈએ.’
પ્રયોગ પણ થયા છે
મુંબઈની કૈવલ્યધામ સંસ્થાએ કૅન્સરના પેશન્ટ પર યોગની અસર પર કેટલાક પ્રયોગ કર્યા છે. એ વિશે તેમના સાયન્ટિફિક રિસર્ચ ડિપાર્ટમેન્ટના રિસર્ચ ઑફિસર ડૉ. પ્રસીદા મેનન કહે છે, ‘અમે ખાસ કૅન્સર પેશન્ટ માટે શિબિર કરી છે જેમાંથી કેટલીક સ્પેસિફિક કૅન્સર ધરાવતા લોકોના ગ્રુપ અને કેટલાક જનરલ ગ્રુપમાં એક વાત ઑબ્ઝર્વ કરી છે કે યોગને કારણે કૅન્સરને કારણે થતી તકલીફો તેમ જ એની ટ્રીટમેન્ટને કારણે થતી સાઇડ-ઇફેક્ટને હૅન્ડલ કરવાની પેશન્ટની ક્ષમતા બહેતર થાય છે.
મૃત્યુનો ડર, ટ્રીટમેન્ટ પછી પણ પાછું કૅન્સર આવવાનો ડર એ બધાને કારણે વ્યક્તિ મેન્ટલી ખૂબ ભાંગી પડે છે અને યોગ મેન્ટલ-લેવલ પર અદ્ભુત કામ કરે છે. અમારા રિસર્ચમાં અમે ઑબ્ઝર્વ કર્યું છે કે માત્ર યોગ શરૂ કરે ત્યારે જ નહીં, પણ એક વર્ષ પછી પણ યોગ કરનાર વ્યક્તિઓમાં ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી ઓછાં થયેલાં જોવા મળ્યાં હતાં. રિકવરી રેટ ફાસ્ટ થયો હતો. હકીકતમાં યોગ કૅન્સર પેશન્ટને મેન્ટલી એમ્પાવર કરી દે છે. બાકી બધું એની મેળે જ થઈ જાય છે.’
પેશન્ટની કન્ડિશનને ધ્યાનમાં રાખીને શુદ્ધિક્રિયા, આસન, પ્રાણાયામ, યોગ નિદ્રા, મંત્ર ચેન્ટિંગ અને મેડિટેશન આ પાંચ બાબતો આ રિસર્ચ દરમ્યાન કૅન્સર પેશન્ટ પાસે કરાવવામાં આવી હતી. કોઈ પણ બીમારીની શરૂઆત યોગની પંચકોષની થિયરી મુજબ મનોમય કોષથી થાય છે. મનોમય, પ્રાણમય કોષમાં જ્યારે તકલીફો શરૂ થાય એ પછી અન્નમય કોષ એટલે કે ફિઝિકલ લેવલ પર એ દેખા દે છે.
કોને પકડી રાખશો?
યોગને કારણે વ્યક્તિની પર્સનાલિટીમાં ખૂબ મોટો ફરક આવે છે. પર્સનાલિટીનો ઊંડો અભ્યાસ કરનારા અને અપોલો હૉસ્પિટલમાં કૅન્સર પેશન્ટ માટે યોગ થેરપિસ્ટ તરીકે સક્રિય ડૉ. રિચા ભાર્ગવ આ વિશે કહે છે, ‘યોગનાં આસનો પાછળના સાઇકોલૉજિકલ અર્થ સમજવા જેવા છે. તમે કોઈ પણ આસન કરતા હો ત્યારે ક્યાં સ્ટ્રેચ લેવો અને કયો હિસ્સો હળવો કરી દેવો એ બાબત મહત્ત્વની હોય છે. જેમ કે ભુજંગાસન કરતા હો ત્યારે તમારા સ્પાઇનના હિસ્સામાં ખેંચાણ આવે છે, પણ પગ હળવા હોય છે. રિલૅક્સ હોય છે. જીવનમાં પણ જે બાબતો જરૂરી નથી એ બાબતોને પણ આપણે પકડી રાખીએ છીએ. જે જરૂરી છે એના પર ધ્યાન આપીએ, જે નકામું છે એને જતું કરીએ. આવી ફિલોસૉફી પેશન્ટને ખૂબ અસર કરે છે. તમે ભાષણ આપો તો તેમને એ જસ્ટિફાય નથી થતું, કારણ કે તેઓ જે ભોગવી રહ્યા છે એ તમે નથી ભોગવી રહ્યા એટલે તમને એની ગંભીરતા નહીં સમજાય એવી દલીલ તેમની હોય છે, જે સાવ ખોટી નથી. એટલે જ તેમને અનુભવ આપો અને આસનોની સાથે જોડાયેલી ધારણા કહેશો તો એ તેમને તરત ગળે ઊતરશે. યોગ ઇમોશનલ, સાઇકોલૉજિકલ અને બિહેવિયરલ એમ ત્રણેય બાબતો પર સીધી અસર કરે છે. હાથ ખોલવા પડે એ પ્રકારનાં આસનો કરાવું છું જે વ્યક્તિમાં એક્સેપ્ટન્સની માત્રા વધારે છે. શીતલી, શીતકારી, ભ્રામરી અને અનુલોમ-વિલોમ જેવા પ્રાણાયામ બૉડીને કૂલ રાખે છે, મગજને રિલૅક્સ રાખે છે અને પ્રાણઊર્જાનું નિયમન કરે છે. જો
યોગ્ય રીતે કરવામાં આવે તો અદ્ભુત પરિણામ કૅન્સરના દરદીઓને યોગમાં મળી શકે છે.’

આટલું તો કરી શકાયને?
-ચાલતા-ફરતા હો તો દરરોજ ૧૫-૨૦ મિનિટ સવારના કુમળા તડકામાં વૉક કરવું.
-લાંબા ઊંડા શ્વાસ લેવા અને છોડવાની વધુમાં વધુ આદત કેળવવી. એ તમારી પીડાને મૅનેજ કરવાની
ક્ષમતા વધારશે અને પૂરતી માત્રામાં પ્રાપ્ત થતો ઑક્સિજન શરીરને કુદરતી રીતે હિલ થવામાં, રોગપ્રતિકારક શક્તિ વિકસાવવામાં મદદ કરશે.
-સિમ્પલ આસનો કરો. શરીરમાં રક્તપરિભ્રમણ વધારશે અને સ્ટ્રેસ તથા ચિંતાને નાબૂદ કરશે.
-પ્રાણાયામ માટે રોજ સમય ફાળવો. શરીરની ઊર્જાને જાળવી રાખવા અને શરીરમાં શક્તિનો સંચાર કરવા માટે અને માઇન્ડને મૅનેજ કરવા માટે મદદરૂપ થશે.
-મેડિટેશન, યોગનિદ્રા જેવી ક્રિયાઓ સંપૂર્ણ રિલૅક્સ થવામાં કામ લાગશે.

yoga health tips