દૃષ્ટિ ઘટી જાય એ પહેલાં ચેતો

14 October, 2011 07:17 PM IST  | 

દૃષ્ટિ ઘટી જાય એ પહેલાં ચેતો

 

-સેજલ પટેલ

વિશ્વમાં લગભગ ૨.૮૫ અબજ લોકો સાવ જ દૃષ્ટિહીન અથવા તો અત્યંત પાતળી દૃષ્ટિ ધરાવે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન્સનું કહેવું છે કે આમાંથી ૮૦ ટકા દરદીઓને આગોતરી સારવાર આપીને દૃષ્ટિહીન થતાં બચાવી શકાય એમ હતા. જન્મજાત ખામીને કારણે જોઈ ન શકતા હોય એવા લોકો કરતાં આંખોની કેટલીક તકલીફોને કારણે લાંબા ગાળે ધીમે-ધીમે દૃષ્ટિ ગુમાવનારાઓની સંખ્યા ચાર ગણી છે. એનો મતલબ એ થયો કે જો શરૂઆતના તબક્કામાં જ આંખના કેટલાક રોગોનું નિદાન અને સારવાર કરી લેવામાં આવે તો દૃષ્ટિહીનતાથી બચી શકાય છે. આવી કઈ કન્ડિશન્સ છે જેના પ્રિવેન્શન માટે આપણે મથી શકીએ એમ છીએ એ જોઈએ.

૧. રિફ્રેક્ટિવ તકલીફો

નજીકનું ન દેખાવું કે દૂરનું ન દેખાવું એ સૌથી કૉમન તકલીફ હોય છે. જો વ્યક્તિ આ તકલીફોને અવગણે, ચશ્માં ન પહેરીને આંખને વધુ તાણ આપે તો એનાથી ચશ્માંના નંબરો વધતા જ જાય છે. ચશ્માંમાં સિલિન્ડ્રિક નંબર પણ વધતા જાય છે. યોગ્ય નંબરની તપાસ કરાવીને એ મુજબનાં ચશ્માં પહેરવામાં ન આવે તો કુદરતી રીતે જ નંબર વધતા જાય છે અને ધીમે-ધીમે કરતાં અત્યંત ધૂંધળું ને લગભગ દૃષ્ટિહીન કહી શકાય એટલું વિઝન થઈ શકે છે. વિશ્વમાં રિફ્રેટિવ તકલીફોથી દૃષ્ટિ ગુમાવવાની ટકાવારી લગભગ ૪૩ ટકા જેટલી છે. જોકે ભારત એમાં વધુ સજાગ છે અને અહીં માત્ર ૧૯ ટકા લોકોને આને કારણે દૃષ્ટિમાં તકલીફ પડે છે.

૨. મોતિયો

આપણી આંખની કીકીની પાછળના લેન્સમાં મોતિયો પેદા થાય છે. ઉંમર વધવાની સાથે લેન્સ ધૂંધળો થતો જાય છે અને એને કારણે બધે જ જાણે ધુમ્મસ છવાયું હોય એવું દૃશ્ય દેખાય છે. લાંબો સમય આ સ્થિતિ ચાલુ રહે તો ધૂંધળાપણું વધતું જાય છે અને દૃશ્ય દેખાવાનું બંધ થઈ જાય છે. મોતિયો માત્ર મોટી ઉંમરે જ થાય એવું નથી, મધ્યવયથી લઈને બાળકોમાં પણ થઈ શકે છે. મોતિયાની સારવારરૂપે લેન્સ કાઢીને એને બદલે આર્ટિફિશ્યલ લેન્સ મૂકવામાં આવે છે. એનાથી વ્યક્તિનું નૉર્મલ વિઝન પાછું આવી જાય છે.

વિશ્વમાં ૩૩ ટકા લોકો મોતિયાને કારણે દૃષ્ટિ ગુમાવે છે, જ્યારે ભારતમાં આ આંકડો ૬૨.૬ ટકા જેટલો છે.

૩. મૅક્યુલર ડીજનરેશન

વધતી વય સાથે દૃષ્ટિહીનતાનું એક મોટું કારણ આ તકલીફ પણ છે. આમાં આંખની પાછળના મૅક્યુલા તરીકે ઓળખાતા ભાગમાં ઘસારો પહોંચે છે. આને કારણે વ્યક્તિને આંખની વચ્ચે ધબ્બો લાગે છે અને આજુબાજુનું દૃશ્ય સ્પષ્ટ દેખાય છે. આ દરદીઓ વાંચી નથી શકતા કે વ્યક્તિના ચહેરા પણ ઓળખી નથી શકતા.

૪. ડાયાબેટિક રેટિનોપથી

આ તકલીફ ડાયાબિટીઝના દરદીઓમાં દેખા દે છે. બ્લડશુગર બેકાબૂ રહેતું હોય ત્યારે વૃદ્ધો, વયસ્કો કે બાળકોમાં પણ આ તકલીફ થાય છે. બ્લડશુગરને કારણે આંખના પડદાની અંદરની અતિસૂક્ષ્મ રક્તવાહિનીઓ ફાટી જાય છે અને એને કારણે પડદો ડૅમેજ થાય છે. જેટલો ભાગ ડૅમેજ થયો હોય એ બાજુનું વિઝન જતું રહે છે. આ સમસ્યાની શરૂઆતમાં જ ડૅમેજ થયેલા ભાગને સર્જરીથી બાળી નાખવો બહેતર છે નહીંતર ડૅમેજ આજુબાજુમાં ફેલાય છે અને રેટિના સંપૂર્ણપણે ડૅમેજ થઈ જતાં સાવ જ દૃષ્ટિ ચાલી જાય છે. ડાયાબિટીઝના દરદીઓમાં આ મોસ્ટ કૉમન કૉãમ્પ્લકેશન છે અને એટલે બ્લડશગુરની સાથે-સાથે રેગ્યુલર આઇ ચેક-અપ કરાવતા રહેવું પણ જરૂરી છે.

૫. ગ્લુકોમા

આપણે એને ઝામર તરીકે ઓળખીએ છીએ. આંખમાં ફ્લુઇડ જમા થાય છે અને એને કારણે આંખની અંદરની રક્તવાહિનીઓનું પ્રેશર ખૂબ વધી જાય છે એને ગ્લુકોમા કહે છે. પ્રેશર વધવાને કારણે કેટલીક વાર અત્યંત અગત્યનો સંદેશવહનનું કામ કરતી નર્વ ડૅમેજ થાય છે અને પરિણામે દૃષ્ટિ ડૅમેજ થાય છે. આ ડિસીઝ ડૉક્ટરના નિયમિત ચેક-અપથી પ્રિવેન્ટ થઈ શકે છે. વિશ્વમાં ગ્લુકોમાને કારણે બે ટકા લોકોમાં અને ભારતમાં ૫.૮૦ ટકા લોકોમાં દૃષ્ટિહીનતા આવે છે.

૬. ઍક્સિડન્ટ્સ

આંખમાં કે એની આસપાસ તીક્ષ્ણ ચીજ ભોંકાવાથી કે અંદર મૂઢમાર વાગી જવાથી પણ દૃષ્ટિહીનતા આવી શકે છે. કેટલીક વાર સર્જરી દરમ્યાન કે દવાની આડઅસરરૂપે પણ દૃષ્ટિ અફેક્ટ થાય છે. ચહેરા કે આંખની ઉપર ડાયરેક્ટ કોઈ પણ ચીજ ફેંકવી નહીં. કાતર, ચપ્પુ, ટાંકણી, સોય કે એવી કોઈ પણ ચીજ ચહેરા પાસે લઈ જતી વખતે આંખને ડૅમેજ ન થાય એની કાળજી રાખવી. કેમિકલ્સની સાથે કામ કરવાનું હોય ત્યારે કે સખત તાપમાં ફરવાનું હોયતો ગૉગલ્સ પહેરી રાખવાં. વિશ્વમાં ઍક્સિડન્ટ્સને કારણે દૃષ્ટિ ગુમાવવાનો આંક ૪૨ ટકા જેટલો છે.