વર્કિંગ વુમન પર તોળાઈ રહ્યો છે મોટાપાનો ભય

23 August, 2012 06:33 AM IST  | 

વર્કિંગ વુમન પર તોળાઈ રહ્યો છે મોટાપાનો ભય

પલ્લવી આચાર્ય

મોટા ભાગનાં ઘરોમાં સ્ત્રીઓ હવે બહાર કામ કરે છે અને કૉમ્પિટિશનને કારણે વર્કપ્લેસ પર પ્રેશર પણ અનેકગણું હોય છે. આ બધાને લઈને સ્ત્રીઓ પણ રોજના આઠથી દસ કલાક ઑફિસમાં કામ કરે છે. જેથી તેની પહેલી પ્રાયૉરિટી તેમનું કામ હોવાથી બીજી દરેક બાબતોની જેમ તેમની હેલ્થની પણ જાણે-અજાણે અવગણના થાય છે.

રિસર્ચ શું કહે છે?

અઠવાડિયે ૩૫ કલાક ઑફિસમાં કામ કરતી સ્ત્રીઓનું વજન વધી જાય છે. આ સ્ત્રીઓનું ઘરનું ખાવાનું ઓછું થઈ જાય છે, એક્સરસાઇઝ તથા ઊંઘના કલાકો પણ ઓછા થઈ જાય છે. મેદસ્વિતા માટે કારણભૂત આ બધાં જ કારણોનો તે શિકાર બને છે. વધુમાં વીકના ૪૯ કલાકો ઑફિસમાં જ વિતાવતી સ્ત્રીઓમાં સ્મોકિંગ અને ડ્રિન્કિંગનું પ્રમાણ વધુ હોય છે એવું ઑબેસિટી વિશે પબ્લિશ થયેલા ઇન્ટરનૅશનલ રિસર્ચે તારવ્યું છે.

ઑફિસમાં કામ કરતી સ્ત્રીઓ પોતાની ફિટનેસ કે હેલ્થનું ધ્યાન રાખી જ નથી શકતી.

શા માટે વજન વધે?

આ વિશે ડાયેટિશ્યન ડૉ. યોગિતા ગોરડિયા કહે છે, ‘ઑફિસમાં કામ કરતી સ્ત્રીઓનું વજન વધવા માટે જવાબદાર છે સ્ટ્રેસ, અપૂરતી ઊંઘ, બહારનું ખાવાનું, જમવામાં અનિયમિતતા, અપોષણક્ષમ આહાર. એનાથી વર્કિંગ વુમનનો બીએમઆર (બૉડી મેટાબોલિક રેટ) ઓછો થાય છે, કાર્બોહાઇડ્રેટ ઇન્ટેક વધી જાય છે, ફૅટ અને કૅલરીનું પ્રમાણ વધી જાય છે, જેથી વજન વધવા લાગે છે. સ્ટ્રેસ અને અપૂરતી ઊંઘને લઈને તેઓ ઇરિટેટ થઈ જાય, મૂડ સ્વિંગ થાય, ગુસ્સો આવે.’

વર્કિંગ વુમન શું કરે છે?

અસંતુલિત ભોજન : ડૉ. યોગિતાના કહેવા મુજબ સામાન્ય રીતે મોટા ભાગની સ્ત્રીઓ સવારનો નાસ્તો સ્કિપ કરે છે અને સવારે ચા પીને નીકળી જાય પછી બપોરે બે-ત્રણ વાગ્યે લંચ લે, જેમાં મોટા ભાગે શાક-રોટલી જ હોય તો તમને પ્રોટીન ક્યાંથી મળે? સાંજે વડાપાંઉ કે સૅન્ડવિચ ખાઈ લીધી અને રાત્રે પણ પાસ્તા, પીત્ઝા કે ઈડલી કે રોટલી-શાક ખાઈ લીધાં. આ બધાથી માત્ર કાર્બોહાઇડ્રેટ ઇન્ટેક વધે છે, ન્યુટ્રિશન નથી મળતું. વિટામીન બી૧૨ અને વિટામિન બી કૉમ્પ્લેક્સ ઓછું થઈ જાય છે.

જમવામાં અનિયમિતતા : સવાર, બપોર અને સાંજે જમવામાં નિયમિતતા જ નથી રહેતી. સવારનો નાસ્તો ન થાય, બપોરનું જમવાનું ક્યારેક સાંજે લેવાય અને રાતનું જમવામાં મોડી રાત થઈ જાય, એ પણ રોજ ચોક્કસ ટાઇમ ન રહે, જેને લઈને ર્હોમોનલ ચેન્જિસ થવા લાગે અને એ કારણે અપર બૉડી વધવા લાગે છે.

મેન્ટલ વર્ક : મેન્ટલ વર્કના કારણે શરીરની કાર્બોહાઇડ્રેટની જરૂરિયાત વધી જાય છે. એથી અવારનવાર કૉફી પીઓ, વડાપાંઉ, પીત્ઝા, સૅન્ડવિચ વગેરે ખાઈ લેવી, આ ચીજો કાર્બોહાઇડ્રેટથી ભરપૂર હોવાથી વજન વધે છે.

સ્ટ્રેસ ઘટાડવા : કેટલીક સ્ત્રીઓ સ્ટ્રેસને લઈને સ્મોક કરે છે, ડ્રિન્ક્સ લે છે, ડાયટ કોલ્ડ ડ્રિન્ક્સ લે છે વગેરેના કારણે કૅલરી વધે છે, લોહીમાં શુગરનું પ્રમાણ વધી જાય છે અને ફૅટ વધે છે.

કેવી ડાયટ લેશો?

બ્રેકફાસ્ટ કદી સ્કિપ ન કરો. જરૂરી નથી કે રોજ ગરમ નાસ્તો બનાવવો. સમય ન હોય તો રાતે રોટલી, મિક્સ આટાનો રોટલો કે થેપલું જે બનાવ્યું છે એ દૂધ, કેળું કે કોઈ પણ ફ્રૂટ સાથે ખાઈ લો.

બપોરે જમવામાં શાક-રોટલી જ હોય તો છાસ લો, જેથી પ્રોટીન મળી રહે. છાસ ઘરેથી લઈ જવી, નહીં તો પૅક્ડ પણ ચાલે. સાવ ન ખાઓ એના કરતાં બહારથી લઈ ખાઈ લેવી સારી. મગની દાળ સાથે પાલક, મિસળ વગેરે સાથે સૅલડ, ફાડાની વેજિટેબલ નાખેલી ખીચડી વગેરે લઈ શકાય. એવું કૉમ્બિનેશન રાખો કે પ્રોટીન સહિત પૂરતું ન્યુટ્રિશન મળે.

દર ત્રણ કલાકે થોડું ખાઓ. શીંગ-ચણા કે ડ્રાયફ્રૂટ પર્સમાં રાખી શકાય. શેકેલી મકાઈ, સેવમમરા, સૅલડ વગેરે લઈ શકાય.

સાંજે નાસ્તામાં બને ત્યાં સુધી ઘરનું જ લેવું અથવા તો બટર વિનાનો ઢોસો કે સૅન્ડવિચ, મગ અને ખાખરા લઈ શકાય

રાત્રે જમવાના ૧૧ વાગતા હોય તો સાંજે સાત વાગ્યે હેવી નાસ્તો કરી લેવો, જેમાં ઈડલી-સંભાર કે શાક-રોટલી વગેરે લેવાં અને રાત્રે રોટલો દૂધ કે ફ્રૂટ અને દૂધ કે સૅલડ, સૂપ જેવું હળવું કંઈક લઈ લેવું.

બને ત્યાં સુધી ઘરનું જ ખાઓ. બજારના ખાખરામાં ઑઇલ અને કૅલરી વધારે હોય છે એથી એના બદલે ઘરે ખાખરા બનાવો અથવા બનાવડાવો.

બિસ્કિટને બદલે સિંગદાણાની ચિક્કી ખાવી સારી. બિસ્કિટ અને બ્રેડનો મેંદો સિમ્પલ કાર્બોહાઇડ્રેટ છે, જેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ હાઈ હોવાથી તમે જે ખાઓ એ ઓછા સમયમાં પચી જાય છે અને બ્લડશુગર તથા કૅલરી વધારે છે. એ જ રીતે ઓટનાં બિસ્કિટ કે ડાયજેસ્ટિવ બિસ્કિટ વગેરેમાં બટર અને શુગરનું પ્રમાણ વધુ હોય છે. મેંદા વિના આ વસ્તુઓ બનતી નથી.

ડૉ. યોગિતા કહે છે, ઑફિસમાં કામ કરતી સ્ત્રીઓએ પોષણક્ષમ ચીજો ખાવાનો ટેસ્ટ ડેવલપ કરવો જોઈએ.