સ્ત્રીનું કામ સ્ત્રી જ કરી શકે, પુરુષ માટે એ સહેલું નથી

28 September, 2011 02:57 PM IST  | 

સ્ત્રીનું કામ સ્ત્રી જ કરી શકે, પુરુષ માટે એ સહેલું નથી

 

પત્ની જાય જ્યારે બહારગામ - રત્ના પીયૂષ


હોમ-મૅનેજર એટલે કે પત્ની જ્યારે ઘરમાં હોય ત્યારે પતિને એહસાસ પણ નથી હોતો કે ઘરનાં કેટલાંબધાં કામ હોય છે જે દરરોજ પત્ની ખૂબ જ કુશળતાપૂર્વક કરતી હોય છે, પરંતુ એ જ કામ માત્ર થોડા દિવસ માટે પતિને કરવાનાં આવે ત્યારે તેના હાલ-બેહાલ થઈ જાય છે. આમ કહેવું છે કાંદિવલીના ચારકોપમાં રહેતા જિતેશ વિસાણીનું. મૂળ ભાવનગરના વાળંદ જ્ઞાતિના જિતેશ વિસાણીનાં લગ્નને ૧૧ વર્ષ થયાં. તેમને ૧૧ વર્ષનો દીકરો જય છે. જિતેશનો બિઝનેસ છે, જ્યારે પ્રીતિ હાઉસ-વાઇફ છે.

 

આ સત્ય જિતેશ વિસાણીને ત્યારે સમજાયું જ્યારે પત્ની પ્રીતિ આઠ દિવસ માટે પહેલી વાર બહારગામ ગયેલી. કેવા ગોટાળા કરેલા તેમણે એ જાણીએ

 

પત્ની વિના હાલ-બેહાલ

ફિલ્મ ‘અભિમાન’માં જયા ભાદુરી પર ફિલ્માવવામાં આવેલું ‘પિયા બિના પિયા બિના બસિયા..’ ગીત જેવી હાલત મૂળ ભાવનગરના વાળંદ જ્ઞાતિના જિતેશ વિસાણીની થઈ હતી. આ વાત કરતાં તે કહે છે, ‘પહેલાં અમે જૉઇન્ટ ફૅમિલીમાં રહેતાં હતાં એટલે કંઈ ને કંઈ કારણોસર ક્યારેય પ્રીતિને ઘરેથી એકલાં બહાર ફરવા જવાનો વારો જ નહોતો આવ્યો પરંતુ એક વર્ષ પહેલાં પ્રીતિના ગ્રુપમાંથી ૩૦૦ જેટલી મહિલાઓ ગોકુળ-મથુરા ફરવા જવાની હતી અને તેણે અમસ્તા જ ઘરમાં વાત કરી અને મેં જ તેને કહ્યું કે તું પણ જા. તને સારું લાગશે એટલે અચાનક જ આઠ દિવસ માટે તેનો ફરવા જવાનો કાર્યક્રમ બની ગયો. મેં તેને બહાર જવાની હા તો પાડી દીધી, પરંતુ તેના ગયા પછી મને ખૂબ જ એકલું લાગતું હતું, કારણ કે પતિ-પત્ની હોવાની સાથે અમે સારા ફ્રેન્ડ પણ છીએ. અમે દરરોજ એકબીજાની સાથે આખા દિવસની વાતો કરીએ, રાતે વૉક પર જઈએ. એ બધું તેના બહાર જવાથી બંધ થઈ ગયું હતું. ઘરમાં બધું જ હતું, પરંતુ પળેપળ પ્રીતિની ગેરહાજરી મને સજા જેવી લાગતી હતી.’

રસોઈની ટ્રેઇનિંગ

રસોઈ બનાવવાના શોખ વિશે જિતેશ કહે છે, ‘મને રોટલી સિવાય ઘણીબધી વસ્તુ બનાવતા આવડે છે, પરંતુ પ્રીતિને બહારગામ ફરવા જવાનું નક્કી થયું ત્યારથી તેણે મને અમુક વસ્તુઓ, જેવી કે ખીચડી, મસાલાભાત વગેરે માટે કેટલું માપ અને કેટલા મસાલા લેવા એ બધાની ટ્રેનિંગ આપવાની શરૂ કરી દીધી હતી. અને સેવ-ટમેટાંનું શાક, બટાટાનું રસાવાળું શાક, ગુવારનું શાક જેવું બનાવતા પહેલાંથી જ આવડે છે એટલે મંે પ્રીતિને કહ્યું હતું કે અમારી જમવાની ચિંતા તું કરીશ નહીં; હું મારી જાતે બધું સંભાળી લઈશ.’

જિતેશને કોઈ પણ મસાલાના ડબ્બા શોધવા ન પડે અને બધી વસ્તુ સરળતાથી મળી રહે એ માટે પ્રીતિએ દરેક ડબ્બા પર સ્ટિકર લગાવી એના પર નામ લખી દીધાં હતાં. એમ છતાં કાળાં મરી, જીરું વગેરે ક્યાં મૂક્યાં છે એ માટે જિતેશે ફોન કરવો પડેલો.

પાંચ વાગ્યે ઊઠતો

આમ તો હું દરરોજ સાતેક વાગ્યે ઊઠું છું અને પછી એક કલાક માટે ચાલવા જાઉં છું. ઘરે આવું ત્યારે પ્રીતિએ મારા માટે  ચા-નાસ્તો બધું રેડી કરીને રાખ્યું હોય પોતાના એ ગોલ્ડન પિરિયડને યાદ કરતા જિતેશ કહે છે, ‘પ્રીતિના બહારગામ ગયા પછી તો રોજ મારી અગ્નિપરીક્ષા થતી. દરરોજ રાતે હું અલાર્મ લગાવીને સૂઈ જતો. મારો દીકરો જય ઊઠે એ પહેલાં તેને માટે પાણી ગરમ કરવા મૂકવાનું અને ચા-નાસ્તો તૈયાર કરી તેને ઉઠાડવાનું રહેતું. તેને સમયસર તૈયાર કરી સવારે છ વાગ્યા ને પચાસ મિનિટે તેની સ્કૂલ-બસ માટે મૂકવા જવાનું. એ વખતે તો મેં મૉર્નિંગ-વૉક પર પણ ચોકડી મૂકી દીધી હતી. ઘરનાં કામ એટલાંબધાં હતાં કે એ માટે સમય જ નહોતો.’

બ્રેડથી ચલાવી લીધું.મને અમુક શાક બનાવતા આવડે છે, પરંતુ રોટલી નથી આવડતી એ વિશે જિતેશ કહે છે, ‘મારાં ભાઈ-ભાભી અને સાસુ-સસરા નજીકમાં રહેતાં હોવાથી તેમણે મને કહ્યું હતું કે તમે ઘરે જમવા આવી જજો, પરંતુ મને થયું કે વખતે તો હું જાતે જ બધું સંભાળું એટલે જયને સ્કૂલે મૂક્યા પછી રસોઈ બનાવતો. એ વખતે અમે રોટલીને બદલે શાક સાથે બ્રેડથી ચલાવી લીધું હતું.’

બે દિવસ બહાર જમ્યા

રોજ ચા-નાસ્તો અને જમવામાંં મંે સૅન્ડવિચ, બટાટાપૌંઆ, પીત્ઝા, જુદાં-જુદાં શાક, મસાલાભાત અને ખીચડી વગેરે તો હું બનાવતો હતો, પરંતુ એ વખતે મારા બિઝનેસને લીધે બે દિવસ કંઈ પણ રસોઈ ન બનાવી શક્યો જેથી હું અને જય બન્ને દિવસે બપોરે અને રાતે બહાર જ જમ્યા હતા એટલું જ નહીં, પ્રીતિ હોય તો દરરોજ સવારે ગરમાગરમ નાસ્તો મળે, પરંતુ તેને બહારગામ જતાં અમે સૂકા નાસ્તાથી ચલાવી લીધું હતું.’

વાસણ સાફ કરવાં પડ્યાં

ઘરના કામ પત્ની કેટલા સલુકાઇથી કરી દે છે એનો અનુભવ જિતેશને આ વખતે થયો એ વિશે તે કહે છે કે ‘પ્રીતિ જ્યારે બહારગામ ગઈ હતી ત્યારે કપડાં હું દરરોજ મારાં સાસુ-સસરાના ઘરે આપી દેતો હતો. તેઓ અમારા ઘરની નજીક જ રહે છે. એમાં બપોરે તો બાઈ ઘરનું કામ કરીને જતી, પરંતુ રાતની રસોઈનાં વાસણો મારે સાફ કરવા પડતાં. પછી પ્લૅટફૉર્મ સાફ કરો. વાસણ સુકાઈ ગયા પછી સ્ટૅન્ડમાં લગાવવાનાં એ બધું કરીને હું ખૂબ જ થાકી જતો. કપડાં પ્રેસમાં નાખવાં, શાકભાજી લાવવાનું વગેરે ઘરનાં નાનાં-મોટાં તમામ કામ પ્રીતિ કેટલી સારી રીતે કરે છે તેનો ખરો અનુભવ તો મને તેના ગયા પછી જ થયો હતો.’

પત્ની કહે છે...

પહેલી વાર આઠ દિવસ માટે જિતેશ અને જયને એકલા મુકીને જઈ રહી હતી એટલે મનમાં ડર તો હતો એ વિશે પ્રીતિ કહે છે, ‘જિતેશે મારા ગયા પછી ઘર સંભાળી લીધું હતું. પરંતુ રસોડામાં બધા માસાલાના ડબ્બા બરાબર જગ્યાએ મૂક્યા નહોતા અને એ વાસણ સ્ટૅન્ડમાં ગોઠવ્યા હતા, પરંતુ બધા આડાઅવડા મૂક્યા હતા. એમાંય કબાટ તો ગોડાઉન જેવું કરી નાખ્યું હતું. એમાં ઘણીબધી વસ્તુઓ ઉપરાઉપરી મૂકી દીધી હતી. અને એ બધું સરખું કરતાં મને બે દિવસ લાગ્યા હતા.’