શિયાળાનું હેલ્ધી કચુંબર કયું?

28 December, 2011 08:19 AM IST  | 

શિયાળાનું હેલ્ધી કચુંબર કયું?



શિયાળામાં હેલ્ધી ખોરાકમાં કંચુબરનો રોલ મહત્વનો છે, કારણ કે આ જ સીઝન છે જ્યારે શાકભાજીઓ વિપૂલ પ્રમાણમાં ઉપલ્બ્ધ હોય છે. એમાં પણ ગાજર, મૂળા અને મોગરીને સૅલડ તરીકે ખાવામાં આવે તો એ બેસ્ટ ગણાય. ગાજર અને મૂળા હવે તો બારે માસ મળે છે, પરંતુ એની સાચી સીઝન છે શિયાળો. મોગરી મુંબઈમાં ખાસ દેખાતી નથી. ગુજરાતમાં જાંબુડી મોગરી અઢળક મળે છે.

મૂળ ગુણધર્મ

ગાજરમાં કૅલ્શિયમ, ફૉસ્ફરસ, લોહ, તાંબું, મૅગ્નેશિયમ જેવાં મિનરલ્સ તથા વિટામિન એ, બી૧, સી જેવાં વિટામિન્સ રહેલાં છે. પ્રોટીન અને ગ્લુકોઝ પણ સારીએવી માત્રામાં છે. ગાજર મધુર, ગરમ, તીક્ષ્ણ, અગ્નિ પ્રદીપ્ત કરનાર છે. એ રક્તપિત્ત, હરસ, સંગ્રહણી મટાડે છે. મૂળો હલકો, ગરમ, પાચક, ત્રિદોષ હરનાર, બલકારક, નેત્રરોગ ઘટાડનાર છે. ઉપરાંત દમ, શરદી અને શ્વાસના રોગોમાં પણ ફાયદાકારક છે. એ સ્વર સુધારે છે અને હરસમાં ફાયદો કરે છે. મોગરીમાં પણ પુષ્કળ માત્રામાં વિટામિન સી, વિટામિન એ અને પોટૅશિયમ હોય છે.

ઠંડીની સીઝનમાં આપણા શરીરનો કચરો બહાર કાઢતાં પરસેવાનાં છિદ્રો સંકોચાઈ ગયાં હોય છે. મૂળા મૂત્રલ હોવાથી શરીરનો કચરો પેશાબ વાટે નીકળી જાય છે. શિયાળામાં તંદુરસ્તી જાળવવી હોય તો આ ત્રણ ચીજોનું કચુંબર બપોરના ભોજનમાં જરૂર ખાવું જોઈએ.

કેવાં હોવાં જોઈએ?

મૂળા અને મોગરીનો સ્વાદ તીખો અને તૂરો હોવાથી કોઈ પણ સૅલડમાં ઉમેરતી વખતે એને ચાખીને પછી જ એનું પ્રમાણ નક્કી કરવું. તીખાં અને કડક થઈ ગયેલાં મૂળા અને મોગરી ઉષ્ણર્વીય હોવાથી પિત્ત અને રક્તદોષ વધારે છે એટલે કે મોળાં અને ગળચટ્ટાં હોય એવાં જ મોગરી અને મૂળા કાચાં ખાવામાં વાપરવાં. લાલ ગાજર સીઝનલ હોય છે. ગાજરની અંદરનો પીળો ગર કાઢીને પછી એને સૅલડ તરીકે વાપરવાં. ત્રણેયને કાપીને કે છીણીને રાખી મૂકવાં નહીં, પરંતુ તરત જ વાપરી લેવાં.

કચુંબરની સામગ્રી

૧૦૦ ગ્રામ ગાજર, ૫૦ ગ્રામ મૂળાને છીણી લેવાં. એમાં ૨૫ ગ્રામ મોગરી સમારીને સૅલડ બનાવવું. એમાં ઑલિવ ઑઇલનું ડ્રેસિંગ કરી શકાય. રાઈના કુરિયા અથવા તો વાટેલું જીરું, ચપટીક સિંધવ અને લીંબુ નિચોવવું.

કચુંબરના ફાયદા

નિયમિત આ ખાવામાં આવે તો હાથપગમાં રહેતા સાદા સોજા અને મોઢા પર રહેતી  ફેફર દૂર થાય છે. કાયમ ઝીણી શરદી કે સળેખમ રહેતું હોય, કફની ઉધરસ હેરાન કરતી હોય તો ફાયદો થાય છે. ભૂખ લાગતી ન હોય, અરુચિ રહેતી હોય, ગૅસ પેટમાં કે છાતીમાં બહુ પરેશાન કરતો હોય, પેટમાં કાયમ વાયુ રહેવાથી અર્જીણ થતું હોય તો દૂર થાય છે. બહેનોને માસિક સ્રાવ દરમ્યાન ખૂબ દુખાવો થતો હોય, વધુપડતું લોહી જતું હોય કે અનિયમિત માસિક આવતું હોય ત્યારે પા કપ મૂળાનો રસ સવાર-સાંજ પીવાથી ફાયદો થાય છે.

પેશાબ છૂટથી ન આવતો હોય તેમણે કાચા મૂળાનું સૅલડ બપોરના ભોજનમાં ખાવું.બાળકને રાતે પથારીમાં પેશાબ કરી નાખવાની તકલીફ હોય કે ટૉઇલેટમાં સૂતરિયા કૃમિ જતા હોય તો વધારે ગાજર નાખીને બનાવેલું સૅલડ ખાવું.

પેટ સાફ ન આવવાથી ખીલ થતા હોય તો રોજ રાત્રે ત્રિફળા ચૂર્ણની એક ચમચી લેવા ઉપરાંત આ સૅલડ ૧૦૦ ગ્રામ જેટલું ખાવાથી ખીલમાં ફાયદો થાય છે. આ લાંબા ગાળાનો ઉકેલ છે. એનાથી ઝટપટ ખીલ મટી જતા નથી, પરંતુ સિસ્ટમ સાફ થઈને રક્તમાં થયેલી અશુદ્ધિઓ દૂર થતાં ખીલ કાયમ માટે મટે છે.