11 June, 2025 01:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘણાં મા-બાપને ખૂબ ઉતાવળ હોય છે તેમનાં બાળકોને ટૉઇલેટ-ટ્રેઇનિંગ આપવાની. બાળક ૬ મહિનાનું પણ ન થયું હોય ત્યાં તેને બાથરૂમમાં લઈ જઈને શ...શ...ના આવજો કરવાનું ચાલુ કરી દે છે. બાળકો પર આ એક પ્રકારનો જુલમ છે. બાળકને ટૉઇલેટ-ટ્રેઇનિંગ ત્યારે અપાય જ્યારે તે માનસિક અને શારીરિક રીતે એ સમજવાને કાબેલ બની જાય. બે-અઢી વર્ષની ઉંમર બરાબર છે ટૉઇલેટ-ટ્રેઇનિંગ માટે. પરંતુ એ પહેલાં તેને આ ટ્રેઇનિંગ આપવાનો કોઈ અર્થ નથી, કારણ કે તે સમજી શકતું નથી. આ સમયે ઉત્સર્જન તંત્રના અવયવો જેમ કે મૂત્રાશય, મૂત્રમાર્ગ, મૂત્રવાહિની વગેરે ખૂબ જ ઇમૅચ્યોર કન્ડિશનમાં હોય છે. મોટા ભાગે જોવા મળ્યું છે કે આ આદત બે વર્ષથી નીચેનાં બાળકોમાં જેમની ટ્રેઇનિંગ પહેલાં જ શરૂ કરી દેવામાં આવી છે, તેમનામાં વધુ સમય સુસુ રોકી રાખવાની આદત પડી જાય છે.
ટ્રેઇનિંગનો ક્રમ એવો છે કે બાળક પહેલાં રાત્રે ઊંઘમાં અજાણતાં પૉટી કરવાનું છોડે છે, પછી દિવસના અજાણતાં પૉટી કરવાનું છોડે છે. એટલે કે જ્યારે તેને પૉટી કરવું હોય ત્યારે તે કહી દે છે. સુ-સુમાં ઊંધું હોય છે. પહેલાં બાળક દિવસના સમયમાં અજાણતાં સુસુ કરવાનું છોડે છે એટલે કે બોલતાં શીખે છે કે મારે સુસુ જવું છે અને છેલ્લે તે રાત્રે સુસુ કરવાનું છોડે છે કે પથારી ભીની કરવાનું છોડે છે. આ સમગ્ર ટ્રેઇનિંગમાં માતા-પિતાએ શીખવા જેવી અત્યંત જરૂરી જે બાબત છે એ છે ધીરજ અને સમજદારી. લગભગ બે-અઢી વર્ષે જ્યારે ટ્રેઇનિંગ શરૂ કરો ત્યારથી લઈને ૫ વર્ષ સુધી આ ટ્રેઇનિંગ ચાલી શકે છે. ખાસ કરીને રાત્રે પથારી ભીની ન થાય એનું ધ્યાન લગભગ ૫ વર્ષ સુધીમાં આવી જાય છે.
ઘણાં માતા-પિતા ખૂબ ગર્વ કરતાં હોય છે કે મારું બાળક સુસુ ૧૦-૧૫ મિનિટ સુધી પણ રોકી શકે છે. ખરા અર્થમાં સુસુની ટ્રેઇનિંગ આપવી એટલે એ રોકી રાખવું નહીં. બ્લૅડર એટલે કે મૂત્રાશયના વ્યવસ્થિત ડેવલપમેન્ટ માટે એ ખૂબ જ જરૂરી છે કે બાળકને જ્યારે સુસુ આવે ત્યારે તરત જ તે પૂરેપૂરું બ્લૅડર ખાલી થાય એ રીતે શાંતિથી સુસુ કરે. ટ્રાવેલિંગ સમય ખૂબ લાંબો હોય અને બાળકે રોકવું પડે, કોઈ જગ્યાએ ટૉઇલેટ ગંદાં હોય અને તેને રોકવા માટેની તમે ફરજ પાડો, તો કોઈ જગ્યાએ તમે એકદમથી બાળકને લઈ જઈ ન શકો એવી પરિસ્થિતિઓ ન જ આવે એની કાળજી રાખવી જરૂરી છે. ધ્યાન રાખો કે બાળકને જ્યારે સુસુ આવે ત્યારે તે બાથરૂમમાં જઈને સુસુ કરે એ ટ્રેઇનિંગ આપવાની હોય છે નહીં કે વધુ સમય બાથરૂમ રોકી રાખવાની ટ્રેઇનિંગ, એ વાત ખાસ ધ્યાનમાં રાખો.